જો બાઇડનની જીત અને ડોનાલ્ડ ટ્રમ્પની હારથી અરબ દેશો માટે શું બદલાશે?

ઇમેજ સ્રોત, ANADOLU AGENCY
- લેેખક, ફ્રૅંક ગાર્ડનર
- પદ, બીબીસી રક્ષા સંવાદદાતા
"જો હું આપની વાતો પર ધ્યાન ન આપી શકું તો મને માફ કરો, મારું ધ્યાન ક્યાંક બીજે છે. હું વિસ્કૉન્સિનના ચૂંટણી પરિણામો પર ધ્યાન આપી રહ્યો છું." - બ્રિટન માટે સાઉદી અરેબિયાના દૂતની નજર વારંવાર તેમના મોબાઇલ ફોન પર જઈ રહી હતી.
આ 11 દિવસ પહેલાંની વાત છે, જ્યારે અમને આ વાતનો કોઈ અંદાજો પણ નહોતો કે 2021ના જાન્યુઆરીમાં કોણ વ્હાઇટ હાઉસમાં નવું રાષ્ટ્રપતિ બનીને આવશે.
જ્યારે અમેરિકાની ચૂંટણીમાં બાઇડનની જીત થઈ તો સાઉદી અરેબિયા તરફથી તેમને થોડી વાર બાદ શુભેચ્છા પાઠવવામાં આવી.
પરંતુ ચાર વર્ષ પહેલા જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જીતીને વ્હાઇટ હાઉસ આવ્યા હતા ત્યારે તેમણે નવા રાષ્ટ્રપતિને શુભેચ્છા પાઠવવામાં વાર નહોતી લગાડી.
આમાં કોઈ આશ્રર્યની વાત નથી કેમ કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ડોનાલ્ડ ટ્રમ્પના નિકટતમ માનવામાં આવે છે.

ઇમેજ સ્રોત, AFP
અને માનવામાં આવે છે કે ટ્રમ્પ નહીં આવવાથી સાઉદી અરેબિયા આંતરરાષ્ટ્રીય સ્તર પર એક મહત્ત્વપૂર્ણ મિત્ર ગુમાવવાનું છે.
રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પ્રથમ વિદેશ પ્રવાસે સાઉદી અરેબિયા ગયા હતા જ્યાં તેમનું શાનદાર સ્વાગત થયું હતું. આ પૂર્વે સાઉદી અરેબિયામાં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સ્વાગત માટે આવું આયોજન નહોતું કરવામાં આવ્યું.
ઓબામાં ઈરાન પ્રતિ નરમ વલણ રાખનારા હતા એવું માનવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાઉદી અરેબિયા અને બીજા ખાડીના દેશો માટે બાઇડનના વિજયના દુરોગામી પરિણામો આવી શકે છે.
મધ્યપૂર્વના વિસ્તાર સાથે અમેરિકાની રણનીતિ સંબંધિત ભાગીદારીનો ઇતિહાસ વર્ષ 1945 સુધી જાય છે અને આશા એ છે કે આ ભાગીદારી આગળ પણ કાયમ રહેશે.
જોકે બાઇડનના આવવા પૂર્વે તેમાં બદલાવ થવાની સંભાવના છે જેને કદાચ ખાડીના દેશોની સરકારો પસંદ ન કરે.

સાઉદી ગુમવાશે મિત્ર

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાઉદી અરેબિયાના મહત્ત્વપૂર્ણ મિત્ર અને સાઉદી રાજપરિવારના સમર્થક રહ્યાં છે. વર્ષ 2017માં અમેરિકાની સત્તા સંભાળ્યા બાદ પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ માટે તેમણે સાઉદી અરેબિયાને પસંદ કર્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરે સાઉદી અરેબિયાના સૌથી શક્તિશાળી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે નિકટતમ સંબંધો બનાવ્યા અને તેમની સાથે મળીને કામ કર્યું છે.
જ્યારે વર્ષ 2018માં ઇસ્તંબુલના સાઉદી વાણિજ્યક દૂતાવાસમાં સાઉદી પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યા થઈ તો પશ્ચિમ એજન્સીઓએ શંકા વ્યક્ત કરી કે હત્યાનો આદેશ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આપ્યો હતો.
પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ દલીલને સ્પષ્ટ રીતે રદ કરી દીધી હતી. તેમણે કહ્યું કે આ સંભવ છે કે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને કદાચ આ વિશે ખબર ન હોય.
આમાં કોઈ આશ્ચર્ય નથી કે ટ્રમ્પના આ નિવેદન બાદના દિવસોમાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની મીડિયા ટીમે લોકોને કહ્યું, "ચિંતા ન કરો, સ્થિતિ કાબૂમાં છે."
"ટ્રમ્પે સાઉદી પર પ્રતિબંધો લગાવવાનો ઇન્કાર કરી દીધો હતો અને તેમને હથિયાર વેચવા પર રોક લગાવવાની કૉંગ્રેસની માગ પર પણ તેમણે ઇન્કાર કરી દીધો હતો."
બાઇડનની જીત સાથે સાઉદી અરેબિયાની સાથે સાથે કેટલીક હદ સુધી સંયુક્ત અરબ અમિરાત અને બહેરીન પણ પોતાનું મહત્ત્વનું મિત્ર ગુમાવશે.
એ વાત સાચી છે કે ખાડીના દેશો સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વની બાબતોમાં બદલાવ નહીં આવે પરંતુ આગામી સમયમાં કેટલીક બાબતો જરૂર બદલાઈ શકે છે.

યમનમાં ચાલી રહેલું યુદ્ધ

ઇમેજ સ્રોત, EPA
યમનમાં જે રીતે સાઉદી અરેબિયાએ હૂતી વિદ્રોહીઓ સામે જંગ છેડી તેનાથી પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં સહજ નહોતા. જો બાઇડન ઉપ-રાષ્ટ્રપતિ તરીકે ઓબામા સાથે આઠ વર્ષ કામ કરી ચૂક્યા છે.
જ્યારે ઓબામાએ રાષ્ટ્રપતિપદ છોડ્યું એ સમયે યમનમાં યુદ્ધના બે વર્ષ થઈ ચૂક્યા હતા.
યમન પર સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા હતા. એક તરફ આ હુમલા મોટી સંખ્યામાં નાગરિકો મરી રહ્યા હતા તો બીજી તરફ ઇમારતો અને મકાનો ખંડેર બની રહ્યા હતા.
અમેરિકામાં યમન યુદ્ધને લઈને નારાજગી વધી રહી હતી અને એવામાં બરાક ઓબામાએ સાઉદી અરેબિયાને સૈન્ય અને ખુફિયા મદદ પર પણ રોક લગાવી દીધી હતી. તેમના આ નિર્ણય બાદમાં ટ્રમ્પ પ્રશાસને બદલ્યા અને તેમણે સાઉદી અરેબિયા યમન પર હુમલો કરવાની છૂટ આપી દીધી હતી.

ઇમેજ સ્રોત, Reuters
હવે એવું લાગે છે કે બાઇડનના હાથોમાં પ્રશાસનની ચાવી આવ્યા પછી આ નિર્ણય બદલાઈ શકે છે.
હાલમાં બાઇડને વિદેશ સંબંધો પર બનેલી પરિષદને કહ્યું હતું કે તેઓ,"સાઉદી અરેબિયાના નેતૃત્ત્વમાં ચાલી રહેલા વિનાશકારી યમન યુદ્ધમાં તમામ પ્રકારની અમેરિકી મદદ બંધ કરશે અને સાઉદી સાથે દેશના સંબંધોનું પુનઃમૂલ્યાંકન કરવાનો આદેશ આપશે."
આ પણ સંભવ છે કે બાઇડન પ્રશાસન આ વાત માટે સાઉદી અરેબિયા પર દબાણ બનાવે કે તેઓ યમનમાં સહયોગી સાથે મળીને આ સંકટનું સમાધાન લાવે.
કેટલાક સમય પહેલા સુધી સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમીરાતને પણ આ વાતનો અંદાજો લાગી ગયો હતો કે યમનમાં ચાલી રહેલા યુદ્ધમાં તેમની સેનાને વિજયની આશા ઓછી છે.
તેઓ ખુદ પોતાની પ્રતિષ્ઠા બચાવતા આ યુદ્ધમાંથી બહાર નિકળવાનો માર્ગ શોધી રહ્યા છે. શરત એટલી કે માર્ચ-2015માં યુદ્ધ શરૂ થતા જ હૂતી વિદ્રોહીઓની જે સ્થિતિ હતી તેમાં બદલાવ આવે.

ઈરાન

ઇમેજ સ્રોત, EPA
મધ્યપૂર્વમાં રાષ્ટ્રપતિ તરીકે ઓબામાની એક મોટી ઉપલબ્ધિ હતી વર્ષ 2015માં ઈરાનના સાથે થયેલી પરમાણુ સંધિ અથવા જૉઇન્ટ કૉમ્પ્રિહેન્સિવ પ્લાન ઑફ ઍક્શન.
તેમણે આ શરત સાથે ઈરાન પર લગાવેલી રોક હઠાવી દીધી હતી કે તેઓ પરમાણ સંધિ હેઠળ તમામ શરતોનું પૂરી રીતે પાલન કરશે અને માત્ર સીમિત માત્રામાં પરમાણ ઊર્જા માટે યુરેનિયમનું સંવર્ધન કરશે અને પોતાના પરમાણુ કેન્દ્રોનું નિરીક્ષણ કરવા સંમત થશે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંધિને, "અત્યાર સુધીની સૌથી ખરાબ સમજૂતી" કહી અને અમેરિકા તેમાંથી હઠી ગયું હતું. પરંતુ ટ્રમ્પ બાદ હોઈ શકે કે બાઇડન ફરીથી તે સમજૂતીમાં સામેલ થવાનો નિર્ણય કરે.
આનાથી સાઉદી અરેબિયા તેમનાથી નારાજ થશે. ગત વર્ષે સાઉદી અરબિયાની સૌથી મોટી તેલ કંપની સાઉગી અરામકોના બે મોટા ઠેકાણાં - અબકીક અને ખુરૈસ - પર સંદિગ્ધ મિસાઇલ હુમલા થયા હતા.
ત્યાર બાદ સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી આદિલ અલ-ઝુબૈરે એક સંવાદદાતા સમંલેનમાં આના માટે ઈરાન પરમાણુ સમજૂતીને દોષ આપ્યો હતો. એ સમયે હું સંવાદદાતા સંમેલનમાં હાજર હતો.

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે કહ્યું કે આ રસ્તો તબાહી તરફે જનારો છે અને કહ્યું કે આ સમજૂતીમાં ન તો ઈરાનના વિસ્તારવાદી મિસાઇલ કાર્યક્રમ પર ધ્યાન અપાયું હતું કે ન મધ્યપૂર્વમાં મોટા પ્રમાણમાં વિદ્રોહીના જૂથોને મળતા સમર્થન વિશે વિચારવામાં આવ્યું હતું.
તેમનું કહેવું હતું કે આ સમજૂતી ઓબામા પ્રશાસન દ્વારા લેવાયેલું ખોટું પગલું હતું અને તેમાં એ વાતને સંપૂર્ણ રીતે નજરઅંદાજ કરવામાં આવી હતી કે ઈરાન મઘ્ય-પૂર્વ માટે મોટા જોખમ તરીકે ઉભરી રહ્યું છે.
આ વર્ષે જાન્યુઆરીમાં જ્યારે અમેરિકના એક ડ્રોન હુમલામાં ઈરાનના બહુચર્ચિત કુર્દીશ દળોના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાનીના મોતથી તો સાઉદી અરેબિયા સહિતના કેટલાક દેશોને આ ખબરથી ખુશી થઈ હશે.
સાઉદી અરેબિયામાં અરામકોની રિફાઇનરી પર થયેલા હુમલાની જવાબદારી હૂતી વિદ્રોહીઓએ લીધી હતી પરંતુ સાઉદી અરેબિયાએ ડ્રોનનો કેટલોક ભાગ બતાવી ઈરાન પર આરોપ લગાવ્યો હતો.
કુર્દીશ દળો ઈરાનના સુરક્ષા દળોની એ શાખા છે જે તેમના દ્વારા વિદેશોમાં ચાલી રહેલા સૈન્ય ઑપરેશનો માટે જવાબદાર છે અને સુલેમાની એ કમાન્ડર હતા જેમણે વર્ષો સુધી લેબેનોન, ઇરાક, સીરિયા સહિતના અન્ય ખાડી દેશોમાં યોજનાબદ્ધ હુમલા મારફતે મધ્ય-પૂર્વમાં ઈરાન અને તેના સહયોગીઓનો પ્રભાવ વધારવાનું કામ કર્યું હતું.
હવે આ ખાડીના દેશોને એ ચિંતા જરૂર સતાવી રહી હશે કે જો વ્હાઇટ હાઉસમાં આવનારી નવી ટીમ ઈરાન સાથે પોતાના સંબંધો મજબૂત કરી લેશે તો શું થશે. કેમ કે તેનાથી તેમનાં હિતોને નુકસાન પહોંચી શકે છે.

કતર

ઇમેજ સ્રોત, AFP
મધ્યપૂર્વમાં અમેરિકી રક્ષાના મુખ્યાલય પૅન્ટાગૉનનું સૌથી મોટું અને રણનીતિની દૃષ્ટિએ મહત્ત્વનું સૈન્ય બૅઝ કતરમાં છે. જે અલ-ઉદૈદ સૈન્ય બૅઝ છે.
સેન્ટ્રલ કમાન્ડના વિસ્તારમાં એટલે કે સીરિયાથી લઈને અફઘાનિસ્તાન સુઘી અમેરિકા પોતાના તમામ સૈન્ય અભિયાનોને અહીંથી જ અંજામ આપે છે.
પરંતુ તેમ છતાં મઘ્ય-પૂર્વના કેટલાક દેશ જેવા કે સાઉદી અરેબિયા સંયુક્ત અરબ અમીરાત, બહેરીને કતરનો બહિષ્કાર કર્યો છે. તેમનું કહેવું છે કે ઇખ્વાન અલ-મુસ્લમીન એટલે કે મુસ્લિમ બ્રધરહૂડ નામના એક રાજકીય ઇસ્લામી આંદોલનને કતરનું સમર્થન છે.
વર્ષ 2017માં ટ્રમ્પના સાઉદી પ્રવાસ બાદ આ દેશોએ કતરનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું અને તેમને એ વાતનો ભરોસો હતો કે આ મામલે તેમણે અમેરિકી પ્રશાસનનું સમર્થન પ્રાપ્ત છે.
સાચુ કહીએ તો ટ્રમ્પે શરૂઆતી સમયમાં સાર્વજનિક સ્તર પર આનું સમર્થન પણ કર્યું હતું પરંતુ બાદમાં તેમને જણાવાયું હતું કે કતર પણ અમેરિકાનું મિત્ર છે. મધ્ય-પૂર્વમાં અમેરિકા સૌથી મહત્ત્વપૂર્ણ સૈન્ય બૅઝ કતરમાં છે તો તેમણે આ મામલે ચુપ રહેવાનું નક્કી કર્યું.
માનવામાં આવે છે કે નવ નિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડનનું પ્રશાસન ખાડી દેશો વચ્ચે ઉપસ્થિત આ તિરાડને ઠીક કરવાની કોશિશ કરે. તેમના માટે આવું કરવું અમેરિકાના હિતમાં હશે પરંતુ સાઉદી અરેબિયા અને બીજા ખાડીના દેશ તેને પોતાના હિતમાં ક્યારેય નહીં માને.

માનવાધિકારોના ઉલ્લંઘનનો મામલો

ઇમેજ સ્રોત, FARS
માનવાધિકારોના મામલે ખાડીના કેટલાક દેશોનો રૅકર્ડ ખરાબ છે. પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ક્યારેક ક્યારેક આ મુદ્દા પર અરબના પોતાના મિત્રોને ન તો સવાલ કર્યો છે ન આ મુદ્દે કોઈ વધારે રસ લીધો છે.
તેમની દલીલ હતી કે અમેરિકાના હિતો અને વેપાર ડીલના મામલા મહિલાઅધિકારો વિશે પ્રચાર કરનારી મહિલાઓની ધરપકડ, કતરમાં વિદેશી મજૂરો સાથે કથિત દુર્વ્યવહારની ખબરો કે પછી, ઑક્ટોબર 2018માં પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યાનું અભિયાનને અંજામ આપવા માટે સરકારી વિમાનથી ઇસ્તંબુલ પહોંચી સાઉદી સુરક્ષાકર્મીઓની ખબરથી વધુ જરૂરી હતા. આજ સુધી જમાલ ખાશોગ્જીનું શબ નથી મળ્યું.
આ તમામ મામલે કદાચ બાઇડન પ્રશાસન ચૂપ રહેવાનું પસંદ નહીં કરે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














