'ભારતમાં નહીં, આવું ઉત્તર કોરિયામાં થાય', ગુજરાતનાં રમખાણો પર CBSEની પરીક્ષાના પ્રશ્નનો વિવાદ

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી ગુજરાતી

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (ધ સૅન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન- સીબીએસઈ)ના ધોરણ12ની પહેલી ટર્મની પરીક્ષામાં 2002માં ગુજરાતમાં થયેલી સાંપ્રદાયિક હિંસા અંગે પુછાયેલા એક સવાલે વિવાદ જન્માવ્યો છે.

"2002માં ગુજરાતમાં મુસ્લિમવિરોધી હિંસાનો અભૂતપૂર્વ સ્તરે ફેલાવો કઈ સરકાર હેઠળ થયો હતો?"

જવાબમાં ચાર વિકલ્પ આપવામાં આવ્યા હતા. કૉંગ્રેસ, ભાજપ, ડેમૉક્રેટિક અને રિપબ્લિકન.

આ સવાલથી સર્જાયેલા વિવાદ બાદ સીબીએસઈનું તંત્ર સફાળું હરકતમાં આવ્યું હતું અને સીબીએસઈના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પર ખુલાસો કરાયો હતો, "આ યોગ્ય નથી. સીબીએસઈની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન છે. જવાબદાર વ્યક્તિ સામે કડક પગલાં લેવામાં આવશે."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

આ સાથે જ અન્ય ટ્વીટમાં સીબીએસઈએ એવું ટાંક્યું છે કે, "પેપર ગોઠવનાર માટે સીબીએસઈના સ્પષ્ટ દિશાનિર્દેશ છે કે સવાલ ફક્ત એકેડેમિક ઢબના હોવા જોઈએ.

સવાલ ધર્મ અને વર્ગના સંદર્ભમાં તટસ્થ હોવા જોઈએ.

સામાજિક કે રાજકીય રીતે કોઈની ભાવનાને ઠેસ પહોંચાડે એ પ્રકારના ન હોવા જોઈએ."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

આ સવાલ અને વિવાદને અંગેનો એક અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયો હતો.

એમાં એવું જણાવાયું હતું કે સીબીએસઈના એક અધિકારીએ કહ્યું હતું કે ગુજરાત 2002 રમખાણનો એ સવાલ એનસીઈઆરટીના ધોરણ 12ની 'ઇન્ડિયન સોસાયટી' નામની સમાજશાસ્ત્રની સ્વાધ્યાયપોથીના એક ફકરા પરથી લેવામાં આવ્યો હતો.

પુસ્તક

"કોઈ પણ પ્રદેશ કે ક્ષેત્ર એક યા બીજા પ્રકારની કોમી હિંસાથી બાકાત નથી. દરેક ધાર્મિક સમુદાય ઓછા કે વત્તા અંશે એની હિંસાનો શિકાર બન્યાં છે."

"એમાં લઘુમતી સમુદાયો માટે એ હિંસાની અસર વધુ આઘાતજનક રહી છે. કોઈ પણ શાસક પક્ષ કે સરકાર આ મામલે દોષરહિત હોવાનો દાવો ન કરી શકે. આના માટે દરેક સરકારને એક હદ સુધી જવાબદાર ઠેરવી શકાય છે. "

"મુખ્ય રાજકીય પક્ષ હેઠળ કોમી હિંસાના બે સૌથી આઘાતજનક કિસ્સા બન્યા હોય તો એ દિલ્હીમાં કૉંગ્રેસના શાસન દરમિયાન 1984માં થયેલાં શીખવિરોધી રમખાણો અને ગુજરાતમાં ભાજપના શાસન વખતે 2002માં થયેલાં અને અભૂતપૂર્વ સ્તરે ફેલાયેલાં મુસ્લિમવિરોધી રમખાણો હતાં."

line

પુછાયેલા સવાલ સામે ઊભા થયેલા સવાલ

પુસ્તક

ઇમેજ સ્રોત, Getty Images

2002માં ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા. સીબીએસઈના આ સવાલ અને વિવાદ વિશે ગુજરાત ભાજપના પ્રવક્તા યમલ વ્યાસનો સંપર્ક કર્યો ત્યારે તેમણે બીબીસીને કહ્યું :

"સીબીએસઈએ જવાબ આપી દીધો છે, તેથી આના વિશે બીજું કશું કહેવું મને યોગ્ય નથી લાગતું. "

ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, "પરીક્ષામાં પુછાતા પ્રશ્નો એ અભ્યાસક્રમમાંથી પુછાય છે. જે સવાલ પુછાયો છે તે બાબત પુસ્તકમાં છે જ."

"જે પુસ્તકમાં હોય તો એ સવાલ પૂછવાના હોય. પરીક્ષામાં પ્રશ્ન પુછાયો એનો ખુલાસો આપવાને બદલે સીબીએસઈએ જવાબ એ આપવો જોઈએ કે તો પછી એ અભ્યાસક્રમમાં કેમ હતો?"

"સીબીએસઈના જે અધિકારીઓનું કામ વાસ્તવિકતાથી વિદ્યાર્થી વાકેફ થાય એ હોવું જોઈએ, તેમણે પોતાના સુપર બૉસનો ગમોઅણગમો જોવાનો ન હોય."

'ગુજરાત સાહિત્ય અકાદમી'ના પ્રમુખ વિષ્ણુ પંડ્યાએ સીબીએસઈના ખુલાસાને આવકાર્યો હતો.

તેમણે બીબીસીને જણાવ્યું કે, "સવાલ પુછાયા પછી પેપર સેટ કરનાર સામે પગલાં લેવાની વાત છે તે આવકાર્ય છે. આવો સવાલ ન જ પુછાવો જોઈએ અને જો અભ્યાસક્રમમાં એની વિગતો હોય તો એ ન હોવી જોઈએ."

"મને લાગે છે કે કેટલાક રાષ્ટ્રવિરોધી શિક્ષકો હશે જેમણે આ પ્રકરણો લખ્યાં હશે. ઇતિહાસમાં તટસ્થતાના નામે બધું જ ભેળસેળ ન કરી શકાય. વિદ્યાર્થીના મગજ પર ખરાબ અસર ન થાય એ પ્રકારે ઇતિહાસ લખાવો જોઈએ. પછી ભલે તમે એને ઇતિહાસ ન ગણો."

line

'ભારતમાં આવું ન બનવું જોઈએ'

ગુજરાતનાં રમખાણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતનાં રમખાણની ફાઇલ તસવીર

2002નાં રમખાણનો સવાલ પૂર્વગ્રહથી પુછાયો કે કેમ એ અંગે અલગઅલગ મત છે.

શિક્ષણ તેમજ સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહ બીબીસીને કહે છે :

"આમ તો નિર્દોષ સવાલ છે પણ અત્યારે જે લોકો શાસનમાં છે તેમને અનુકૂળ નથી લાગતો. આ સવાલ પુછાયો એમાં કોઈ પૂર્વગ્રહ હોય એવું મને જણાતું નથી."

"આ 'મૅટર ઑફ ફૅક્ટ'નો, તેમજ સ્વાભાવિક સવાલ છે. આમાં બે શક્યતાઓ દેખાય છે. જેણે સવાલ મૂક્યો છે તે કાં તો એક સામાન્ય શિક્ષક છે અને 'મૅટર ઑફ ફેક્ટ'ના ધોરણે અભ્યાસક્રમને આધારે આ સવાલ મૂક્યો હોય."

"બીજી શક્યતા એ છે કે કોઈક રાજકીય વિચારધારાવાળા શિક્ષકે ટીખળ કરવા આવો સવાલ મૂક્યો હોય."

અમદાવાદમાં રહેતા સમાજસંશોધક તેમજ લેખક શારિક લાલીવાલા બીબીસીને કહે છે, "આ વાસ્તવિક સવાલ છે. એને તમે કેટલો છુપાવી શકશો? એ ન છુપાવવો જોઈએ."

"આવા સવાલ છુપાવવાની ઘટના નોર્થ કોરિયા અને રશિયામાં બને, ભારતમાં ન બનવી જોઈએ. સવાલ જ ઉડાવી દેવાનો એક અર્થ એ થાય કે તમે ઇતિહાસને જ અદૃશ્ય બનાવી દેવા માગો છો."

"પરીક્ષામાં પુછાયેલા સવાલમાં કંઈ ખોટું નથી. આવો સવાલ તમે 1984નાં શીખ રમખાણો વિશે પણ પૂછી જ શકો છો. જો શીખ રમખાણ વિશે પૂછી શકાય તો 2002નાં રમખાણો પર પૂછી શકાય."

વિષ્ણુ પંડ્યા કહે છે, "આમાં ઉપરથી નીચે સુધીનું તંત્ર કામ કરતું હોય છે. જેમાં કેટલીક બાબતો છેક ઉપર સુધી ન પણ પહોંચે એવું બને."

"ઝીણવટભર્યું જોવું જોઈએ પણ એ જોવાતું નથી. આવા સવાલો પેપરમાં ન પુછાય એ માટે એક મૉનિટરિંગ કમિટી હોવી જોઈએ. જો એ કમિટી હોય તો જ આવું ન બને. દરેક વિષય માટે આવી કમિટી બનવી જોઈએ."

ઘનશ્યામ શાહે કહ્યું કે, "સીબીએસઈએ ટ્વિટર પર જે રીતે કહ્યું કે આ તેમની ગાઇડલાઇનનો ભાગ નથી અને પેપર સેટ કરનાર સામે પગલાં લેવાશે એ વાત વખોડવાને લાયક છે. જે સવાલ છે તે પાઠ્યક્રમનો ભાગ છે. સીબીએસઈનું આ વલણ દર્શાવે છે કે તમે વિદ્યાર્થીઓને મૅટર ઑફ ફૅક્ટથી અલિપ્ત રાખવા માગો છો."

રમખાણ એ રમખાણ હોય છે એની ટીકા જ કરવાની હોય. તેને હિન્દુ મુસ્લિમના દૃષ્ટિકોણથી ન જોવાં જોઈએ એવું વિષ્ણુ પંડ્યા માને છે.

તેઓ કહે છે કે, "રમખાણને હિન્દુવિરોધી કે મુસ્લિમવિરોધી કહેવાની જરૂર શું છે? વળી, એમાં માત્ર મુસ્લિમો જ નથી મૃત્યુ પામ્યા, હિન્દુઓ પણ મૃત્યુ પામ્યા હતા. રમખાણનાં નિમિત્ત કે ભૂમિકા વિશે સવાલ પૂછવામાં આવે તો બરાબર છે, પણ જે સવાલ પુછાયો છે એ સવાલ તો જેમણે પેપર સેટ કર્યું છે એની બૌદ્ધિક નાદારીનો નમૂનો છે."

line

રમખાણનો સવાલ અને સીબીએસઈની સ્વાયત્તતા

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ
ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના પુસ્તકની તસવીર

2002નાં રમખાણનો સવાલ પુછાયા પછી સીબીએસઈની સ્વાયત્તતા સામે પણ સવાલ ઊભા થયા છે.

મનીષ દોશી કહે છે કે, "રાજ્યસ્તરે યુનિવર્સિટીઓમાં તો ભાજપે સ્વાયત્તતા પર તરાપ મારી જ છે. જે પ્રકારે સવાલના બચાવમાં સીબીએસઈએ વલણ દાખવ્યું એ જોતાં તેમની સ્વાયત્તતા સામે પણ સવાલ ઊભા થાય છે."

શારિક લાલીવાલા કહે છે કે, "યુનીવર્સિટીની પરીક્ષાઓમાં પુછાયેલા સવાલોમાં વિવાદ થયા હોય એવું અગાઉ થયું છે. એ વિવાદો પાછળ રાજકીય હસ્તક્ષેપ હોય, પણ સીબીએસઈમાં અગાઉ આવું થયું હોય એવું મારા ધ્યાનમાં નથી."

"સીબીએસઈ આવા સવાલો પૂછતું જ રહ્યું છે. યુપીએસસીની પરીક્ષામાં આવા સવાલ પુછાતા જ રહ્યા છે. જો સીબીએસઈના સવાલોને પણ રાજકીય રીતે જોવામાં આવે અને એ પણ રાજકારણીઓ સંચાલિત કરે તો એમાં શિક્ષણની સ્વાયત્તતા જેવું કશું રહેતું નથી."

"સીબીએસઈ પર હંમેશાં પ્રેશર રહ્યું જ છે, પણ સંતુલન રાખવાનો પ્રયાસ દેખાતો હતો. હાલની સરકારમાં પ્રેશર થોડું વધ્યું છે અને સંતુલન દેખાતું પણ નથી. "

"જે રીતે હરીયાણા અને ગુજરાતમાં પાઠ્યપુસ્તકો બદલવામાં આવ્યાં હતાં એ જોતાં એ પ્રેશર રાજ્યસ્તરે તો દેખાતું જ હતું. હવે એ રાષ્ટ્રીયસ્તરે પણ જોવા મળી રહ્યું છે."

"આજે ગુજરાતમાં 18થી 25 વર્ષના કેટલા યુવાઓને ગુજરાતનાં રમખાણ વિશે ખબર પણ છે?"

ઑલ ઈન્ડિયા મજલીસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ તેમજ હૈદરાબાદથી લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ પરીક્ષામાં પુછાયેલા સવાલને વાજબી ગણાવ્યો હતો.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

line

ગોધરાકાંડ અને ગુજરાતમાં થયેલાં રમખાણ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

27 ફેબ્રુઆરી-2002એ અયોધ્યાથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 કોચ પર ગોધરા રેલવેસ્ટેશન નજીક ટોળાંએ હુમલો કરતાં 59 લોકોનાં મોત થયાં હતાં.

એ બાદ ગુજરાતભરમાં આઝાદી પછીનાં સૌથી ભયાનક હુલ્લડોમાંથી એક ફાટી નીકળ્યાં હતાં.

28 ફેબ્રુઆરીએ અમદાવાદ શહેરમાં આવેલી ગુલબર્ગ સોસાયટીમાં પર બપોર બાદ ટોળાએ કરેલા હુમલામાં કૉંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી માર્યા ગયા.

અન્ય 31 લોકો લાપતા થયા, જેમને બાદમાં મૃત માની લેવામાં આવ્યા.

2005માં તત્કાલીન કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જ્યસ્વાલે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે હુલ્લડોમાં 790 મુસલમાન અને 254 હિન્દુનાં મૃત્યુ થયાં હતાં. એ સમયે 223 લોકો ગુમ થઈ ગયા હતા, જેમને મૃત માની લેવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વર્ષ 2008માં નવ મોટા હત્યાકાંડોની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (SIT) કરી હતી.

આ હત્યાકાંડોમાં ગોધરાકાંડ (59 મૃત્યુ), અમદાવાદમાં ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ (69 મૃત્યુ), અમદાવાદ નરોડા પાટિયા હત્યાકાંડ (97નાં મૃત્યુ), નરોડા ગામ હત્યાકાંડ (11નાં મૃત્યુ), મહેસાણામાં સરદાપુરા હત્યાકાંડ (31 મૃત્યુ), ઓડ ગામના બે હત્યાકાંડ (ત્રણ અને 23 એમ કુલ 26ના મૃત્યુ), મહેસાણામાં દીપડા દરવાજા હત્યાકાંડ (11 મૃત્યુ) અને હિંમતનગર જિલ્લામાં પ્રાંતિજ હત્યાકાંડ (ત્રણ બ્રિટિશ નાગરિકોની હત્યા)ના કેસનો સમાવેશ થતો હતો.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો