બેચરદાસ લશ્કરી : રાજવી ઠાઠ અને દમામદાર વ્યક્તિત્વ

ઇમેજ સ્રોત, Ranmal Sindhav
- લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
એવું કહેવાય છે કે ઋગ્વેદના સમયથી હિંદમાં કાપડઉદ્યોગ સારો વિકસિત થયો હતો. હિંદના કાપડની વિશ્વમાં સારી માગ હતી.
આ કાપડ યુરોપમાં પ્રખ્યાત હતું. માર્કોપોલો નામના પ્રવાસી વર્ષ 13મી સદીમાં હિંદના પ્રવાસે આવેલા.
તેમણે નોધ્યું હતું કે રૂના હાથવણાટનો કાપડઉદ્યોગ હિંદમાં ઢાકા, સુરત, મુર્શિદાબાદ, ખંભાત, બુરહાનપુર, મછલીપટ્ટમ, કાંજીવરમ, સાલેમ અને મદુરાઈમાં ખૂબ વિકસ્યો હતો. અહીં દુનિયાનું શ્રેષ્ઠ કાપડ બનતું. ગ્રીક લોકો ભારતના કાપડને ગૅન્જેટિક નામથી ઓળખતા.
મુઘલોના વખતમાં હિંદનો કાપડઉદ્યોગ વિશેષ ખીલ્યો. ખુદ અકબર આ ધંધાને ઉત્તેજન આપતા. તે સમયે કાપડના કારીગરોને જાહેરમાં સન્માન મળતું.
અમદાવાદ, પાટણ, વડોદરા, ભરૂચ, સુરત, લાહોર, ઢાકા જેવાં અનેક સ્થળોએ આ ઉદ્યોગ વિકસ્યો હતો. ઢાકાનું કાપડ સર્વશ્રેષ્ઠ ગણાતું.
તે વખતે હિંદમાં સારું રૂ અને રંગો બનતાં હતાં. અમદાવાદમાં સરખેજમાં આવેલ મહંમદ બેગડાના રોજા પાસે રંગો બનાવવાની અગિયાર ભઠ્ઠીઓ હતી જે અત્યારે પણ મોજૂદ છે.
પ્રાચીન સમયમાં આ હસ્ત કાપડઉદ્યોગમાં મહાજનો હતા. કારીગરો કાપડનું ઉત્પાદન કરતા, જેનું વેચાણ નગરશેઠ ગુમાસ્તાની મદદ વડે કરતા. તે સમયે અમદાવાદનું કિનખાબ, પાટણનાં પટોળાં, સુરતનું જરીકામવાળું કાપડ, ઢાકાનું મસલીન, મદુરાઈની સાડીઓ અને મછલીપટ્ટમનું છાપેલું કાપડ વિખ્યાત હતું.
15મી સદીમાં મુસલમાનોએ કૉન્સ્ટેટિનૉપલ જીતી લેતાં ભારત અને યુરોપ વચ્ચેનો અફઘાન અને ઈરાન માર્ગે થતો વેપાર બંધ થયો. ત્યારે વાસ્કો-દ-ગામાએ ભારતીય વહાણવટી કાનજી માલમની મદદથી 'કૅપ ઑફ ધ ગુડ હૉપ' થઈ ભારતનો જળમાર્ગ શોધ્યો અને ધીરેધીરે પોર્ટુગીઝો, ડચ, ફ્રેંચો અને બ્રિટિશરોએ ભારતમાં મુઘલ બાદશાહ પાસેથી વેપાર કરવાના પરવાના મેળવ્યા અને વર્ષ 1601માં ખંભાત, કચ્છ, ભરુચ, સુરત, કોચીન, ઢાકા, કાલિકટ, આગ્રા વગેરે સ્થળોએ પોતાની કોઠીઓ સ્થાપી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 1620માં 50 હજાર તાકા માત્ર 7 શિલિંગમાં વેચાતા. ઇંગ્લૅન્ડમાં આ તાકા 20 શિલિંગમાં વેચાતા. યુરોપમાં ભારતીય કાપડની માગ વધુ હોવાથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈમાં વર્ષ 1668માં કારખાનું સ્થાપ્યું જેનો દેશમાં વિરોધ થયો.
ત્યારબાદ ઇંગ્લૅન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિના પગલે નવાંનવાં સંશોધનો થયાં. વર્ષ 1764માં કાંતણયંત્ર, જેમાં રૂના તાર બનાવાતા અને વર્ષ 1768માં વૉટર ફ્રેમની શોધ થઈ જેમાં રૂના આડા તાર બનાવવાનું શરૂ થયું.

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1755માં ક્રૉમ્પ્ટન નામની વ્યક્તિએ મૅન્યુઅલ ત્રાકોની શોધ કરી જેને લીધે આડા અને ઊભા તાર બનાવતી ફ્રેમો કાર્યરત્ થઈ. ઇંગ્લૅન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિના પગલે પગલે વિશ્વમાં વર્ષ 1813 સુધીમાં કાપડક્ષેત્રે મિલનું આગમન થઈ ચૂક્યું હતું.
આ બાજુ ભારતમાં કલકત્તા ખાતે વર્ષ 1818માં બ્રિટિશ વેપારીઓએ 'બૉરિયર કૉટન મિલ્સ' કંપની નામની પહેલી મિલ શરૂ કરી જે લાંબો સમય ન ચાલી.
કાપડની બીજી 'ગ્લૉસ્ટર કૉટન મિલ'ની વર્ષ 1825 હુગલી નદીના પશ્ચિમ કાંઠે સ્થાપના કરવામાં આવી.
ત્રીજી પૉંડિચેરી ખાતે વર્ષ 1828માં સ્થાપવામાં આવી. ત્યાર બાદ વર્ષ 1854માં મુંબઈ ખાતે શ્રી કાવસજી નાનાભાઈ દ્વારા અને છઠ્ઠી મિલ વર્ષ 1858માં માણેકજી નરવાનજી પેટીટે સ્થાપી.
ત્યાર બાદ 1861ની સાલમાં અમદાવાદમાં સૌથી પહેલાં શાહપુર મિલ સ્થપાઈ. આ મિલ કદાચ ચાર-પાંચ વરસ પહેલાં સ્થપાઈ શકી હોત પણ એની મશીનરી લઈને આવતું વહાણ મધદરિયે ડૂબ્યું એટલે દેશની પહેલી મિલ સ્થાપવાનું માન મુંબઈ ખાટી ગયું.
અમદાવાદની આ પહેલી ટેક્સટાઇલ મિલના સ્થાપક હતા રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ ઉર્ફે રણછોડલાલ રેંટિયાવાળા. વીસમી સદીની શરૂઆત થઈ ત્યાં સુધીમાં રણછોડલાલે 1861માં સ્થાપેલ પહેલી ટેક્સટાઈલ મિલને પગલેપગલે 33 ટેક્સટાઇલ મિલો અમદાવાદમાં સ્થપાઈ ચૂકી હતી.
ભારત આઝાદ થયું ત્યારે આ આંકડો 70ને વટાવી ગયો હતો. અમદાવાદની ટેક્સટાઇલ મિલના કાળા ડિબાંગ ધુમાડાઓ ઓકતી ચીમનીઓ અમદાવાદની ઓળખ બની ચૂકી હતી અને અમદાવાદને મળી ચૂક્યો હતો 'માન્ચેસ્ટર ઑફ ઇન્ડિયા'નો ઇલકાબ.
અમદાવાદમાં પ્રથમ ટેક્સટાઈલ મિલના સ્થાપક રાવબહાદુર રણછોડલાલ છોટાલાલના સંસ્મરણોનું પુસ્તક એસ. એમ. ઍડવર્સ નામના નિવૃત્ત ICS અધિકારીએ લખેલું, જે અમદાવાદ 'ટેક્સટાઇલ મિલ્સ ઍસોસિયેશન' દ્વારા પ્રસિદ્ધ થયું છે.
એની પ્રસ્તાવના લખતા શેઠ ચિનુભાઈ ચીમનભાઈ લખે છે કે 100 વરસ પહેલાંના આ કાળખંડની નિપજ એવા રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ (19-4-1823થી 26-10-1898) એક એવી કોમમાંથી આવતા હતા જેની મૂળભૂત વૃત્તિ અને પ્રણાલિ સરકારી નોકરી કરવાની હતી.
ગુજરાતની સાઠોદરા નાગર જ્ઞાતિ, જેમાં દયારામ, છોટમ, વ્રજલાલ શાસ્ત્રી, હરિલાલ ધ્રુવ, કેશવલાલ ધ્રુવ, મણિલાલ દ્વિવેદી, મસ્તકવિ બાલાશંકર કંથારિયા, નર્મદાશંકર મહેતા, રત્નમણિરાવ જોટે 'મલયાનિલ', યશોધર મહેતા, હરિપ્રસાદ શાસ્ત્રી જેવા સાહિત્ય અને વિદ્યાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનારા તેમજ બ્રિટિશ હકુમતમાં અને તેની પહેલાં અને પછીના રજવાડાંના રાજકારભારમાં દીવાનપદ સુધીના ઉચ્ચ હોદ્દા પ્રાપ્ત કરી જનારા મહાનુભાવોના પૂર્વજ રણછોડલાલ હતા, જેમના નામે કાપડમિલઉદ્યોગ અને વેપારના ક્ષેત્રમાં ગુજરાતમાં પહેલ કરી સિદ્ધિ મેળવવાનું શ્રેય લખાયેલું છે.
ગુજરાતના નાગરો મૂળ તો શ્વેત હૂણોની પછી મધ્ય એશિયાના મેદાનોમાંથી ઈસવીસનની પાંચમી-છઠ્ઠી સદીઓમાં ભારતમાં આવેલા ગુર્જરોના પુરોહિતો. મેવાડના ગુહીલોત કે સિસોદિયાનો પૂર્વજ વડનગર (આનંદપુર)નો નાગર બ્રાહ્મણ હોવાનું ડૉ. ડે. રા. ભંડારકરનું મંતવ્ય છે.
આ બધા વચ્ચે મહાજન પ્રથાથી એક ડગલું આગળ વધી કણબી પરિવાર જે વરસો પહેલાં અમદાવાદ ખાતે આવીને વસ્યો અને વેપાર જગતમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું એવા અંબાલાલ લશ્કરી પરિવારના પ્રતિભાવાન સંતાન બેચરદાસ લશ્કરીને અમદાવાદમાં રાવબહાદુર રણછોડલાલ પછી બીજી કાપડમિલ સ્થાપવાનું શ્રેય જાય છે.
ભારતવર્ષમાં દરેક જ્ઞાતિ અને પેટા જ્ઞાતિનો ખાસ ઇતિહાસ છે. એમાં કણબી જ્ઞાતિ એ પાટીદાર જ્ઞાતિની પેટા જ્ઞાતિ છે.
19મી સદીમાં કણબી જ્ઞાતિ મુખ્ય ચાર પેટા વિભાગોમાં વહેંચાયેલી હતી જેમાં કડવા, લેઉવા, મતિયા અને આંજણા પાટીદાર મુખ્ય છે. તે સમયે જ્ઞાતિ પ્રથાનું ખૂબ જ મહત્ત્વ હતું જેમાં ગુજરાત પણ બાકાત ન હતું.

ઇમેજ સ્રોત, Getty Images
એ સમયે કણબીઓ ઊંચનીચના ક્રમમાં વહેચાયેલા હતા. આ તમામ જાતો કણબી તરીકે જ સામાન્ય રીતે ઓળખાતી હતી. આ કણબીઓ મૂળભૂત રીતે જમીન સાથે સંકળાયેલા હતા. કણબીનો બીજો અર્થ કુરમી એટલે કે ખેતી કરનાર પણ થાય છે. આ અભિપ્રાય 19મી સદીના બ્રિટિશ વિદ્વાન ડૉ. ઝોન વિલ્સને આપ્યો હતો.
પુરાતન કાળમાં દ્રવિડ શબ્દ એટલે કુલ જેનો અર્થ હવે મજૂર થાય છે. પરંતુ આ સમયમાં ખેતી એ મજૂરી હતી. તેથી તેનો અર્થ ખેડૂત થતો હતો. કણબીઓએ પોતે પોતાનું નામ "કણ"(અનાજ)ના "બી"(બીજ) ઉપરથી પડ્યાનું પણ મનાય છે.
કુર્મી, કણબી, પાટીદાર કે પટેલ શબ્દ ક્યાં આવ્યો તે વિશે જુદીજુદી માન્યતાઓ પ્રવર્તે છે.
પશ્ચિમ ભારતમાં કૃષક જ્ઞાતિ જોડે આ આદિ શબ્દનું સંસ્કૃતરૂપ હોઈ શકે. આજ નામ ઉત્તર ભારતમાં કુર્મી (કુરમી)રૂપે પણ પ્રચલિત છે. આ જ્ઞાતિના લોકો ગંગા નદીના કિનારા વિસ્તારમાં, તેના તટપ્રદેશમાં તથા દક્ષિણ ક્ષેત્રોમાં જુદાજુદા નામે ઓળખવામાં આવે છે.
ગુજરાતમાં તેમણે કણબી, કુનબી કે કુણબી જ્યારે મહારાષ્ટ્રમાં કુનબી તથા દક્ષિણ ભારતના કુણબીની તુલના મદ્રાસ, તેલુગુ પ્રદેશના નાયડુ, કામ્પૂસ, રેડ્ડી અને અન્યત્ર વિવિધ નામે ઓળખવામાં આવે છે.
આ સંદર્ભમાં પ્રોફેસર જે. એફ. હૅવિટને કુરમી જ્ઞાતિઓ અને તેની સમવર્ગીય કેટલીક જ્ઞાતિઓનો વિદ્વત્તાપૂર્ણ અભ્યાસ કર્યો છે.
તેમના માનવા મુજબ કુરમી, કુરમ્બસ, કુદમ્બસ વિગેરે જાતિઓ ભારતમાં સિંચિત ખેતી કરનારી જ્ઞાતિઓ હતી જે કુર (કચ્છપ) એટલે કે કૂર્મના સંતાનો હતાં. આમ કણબી જ્ઞાતિ મૂળભૂત રીતે ખેતી કરનારી હતી પરંતુ સમય જતાં તેમાં પરિવર્તનો આવતાં ગયાં.
દુકાળની પરિસ્થિતિમાં ઘણા લોકો પરિવાર સાથે એક સ્થળેથી બીજા સ્થળે સ્થાળાંતર કરતા. એમાં બેચરદાસના પિતા પણ ઉત્તર ગુજરાતમાંથી ખેતીવાડી છોડીને અમદાવાદ સ્થાયી થયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
આમ પરિસ્થિતિને અનુકૂળ થવા મોટાં શહેરો તરફની દોડને પરિણામે પહેલાં જેવી જ્ઞાતિ આધારિત વ્યવસાય કરવાની સમાજરચના હતી તેમાં ધીરેધીરે પરિવર્તનો આવ્યાં.
સત્તરમી સદીમાં સમાજમાં અનેક દૂષણો ફેલાયેલાં હતાં, જેમાં છોકરીને દૂધપીતી કરવી, બાળલગ્ન, કન્યાવિક્રય, દહેજપ્રથા, સ્ત્રીશિક્ષણનો સદંતર અભાવ અને મરણ પાછળ રોવા કૂટવાના રિવાજ હતા. આ સમયગાળામાં કવિ નર્મદ. દુર્ગારામ મહેતાજી, મહિપતરામ, કવિ દલપતરામ, કરશનદાસ મૂળજી અને નવલરામ પંડ્યા જેવા અનેક લોકોએ સમાજને આવાં દૂષણોમાંથી બહાર લાવવામાં મદદ કરી. તેમાં બેચરદાસ લશ્કરીનું પ્રદાન પણ છે.
દુકાળ પડવાથી ઘણા પરિવારો ખેતીવાડી છોડી પોતાનું નસીબ અજમાવવા જુદીજુદી જગ્યાએ જતા હતા તેમાં બેચરદાસના પિતા અંબાલાલે પણ ખેતી છોડી 1812માં અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. તેમના વિશે એક લોકકથા પ્રચલિત છે જેમાં મંદિરના એક મહંતે અમદાવાદ તરફની દિશા બતાવી ભવિષ્યવાણી ઉચ્ચારી હતી કે આ દિશામાં તારી પ્રગતિ લખેલી છે અને કહ્યું કે તને એક પુત્રરત્ન પ્રાપ્ત થશે જે તારા કુળનું નામ પ્રચલિત કરશે.
આમ બેચરદાસના પિતા અંબાલાલ અમદાવાદ આવ્યા અને માધુપુરાની કરિયાણાની દુકાનમાં નાનીમોટી નોકરી શરૂ કરી. પોતાની ધગશ અને મહેનતને કારણે તેમણે માધુપુરામાં પોતાની કરિયાણાની દુકાન કરી. આ ઉપરાંત ધીરધારનો ધંધો શરૂ કર્યો. તેઓ પેશવાઓ, ગાયકવાડ, સુલતાનો અને બ્રિટિશ સરકારના લશ્કરી અધિકારીઓને નાણાં ધીરવાનું કામ કરતા તેથી તેઓ 'લશ્કરી' ઉપનામ પામ્યા હતા.
શેઠ અંબાલાલના વડવાઓને મુસ્લિમ પાદશાહોએ તેમની સેવાના બદલામાં હાથી એટલે કે હસ્તી જેવા બહાદુર 'હોથી' પદનો ઇલકાબ આપ્યો હતો. (આ પદવી માત્ર રાજપુતોને મળતી પરંતુ અંબાલાલના વડવાઓ બહાદુર હતા તેથી મુસ્લિમ પાદશાહોએ તેમણે આ પદવીથી નવાજ્યા હતા).
સાથે સાથે વડસર અને ડિંગૂચા ગામની આવક અને ઉપજ લશ્કરી કુટુંબને મળતી થઈ અને ઘણા સમય સુધી તે ચાલુ રહી. તેમના પિતા અંબાલાલ એક સારા શરાફ તરીકે ઓળખાતા. તેઓ વડોદરાના ગાયકવાડ અને પુનાના પેશવા સાથે શરાફી વહીવટ કરતા.
અંબાલાલને પેલા મહંતની ભવિષ્ય વાણી ઉપર ભરોસો વધતો ગયો. તેઓ અમદાવાદ વસીને બે પાંદડે થયા અને સાથેસાથે તેમના ત્યાં પુત્રનો જન્મ પણ થયો.
બેચરદાસનો જન્મ વર્ષ 1818 સંવત 1874ના આસો વદ 9ના દિવસે અમદાવાદના શાહપુર વિસ્તારમાં થયો.
બેચરદાસના જન્મ પછી તેમના પિતા અંબાલાલના ભાગ્યનો ઉદય થયો તેથી તેમણે બેચરદાસનો જન્મ ધામધૂમથી ઊજવ્યો હતો અને જ્ઞાતિના સૌને ભોજન પણ કરાવ્યુ હતું.
તેમના કેળવણીના સમયગાળામાં ગુજરાતી કે અંગ્રેજી શાળાઓ ન હતી. તેથી તેઓ ગુજરાતી વિષય નાગર સમાજસુધારક મહિપતરામ રૂપરામ અને ભોળાનાથ સારાભાઈ પાસેથી શીખ્યા જ્યારે અંગ્રેજી વિષય કૅપ્ટન ક્રૉન્લી નામના અંગ્રેજ અમલદાર પાસેથી શીખ્યા.
તેઓ મરાઠી, હિંદી, સંસ્કૃત અને ઉર્દૂ ભાષા પણ આ રીતે જ કોઈની મદદ લઈને શીખ્યા.
વાંચનનો ખૂબ શોખ હોવાથી તેમણે લક્ષ્મીપ્રસાદ લાઈબ્રેરીમાં જઈ જુદીજુદી ભાષાઓનાં પુસ્તકો વાંચ્યાં આ ઉપરાંત તેમણે વેદ, ઉપનિષદ, ભાષ્યો, ચરક, મીમાંશા જેવા અનેક ગ્રંથો તેમજ મિલઉદ્યોગ અને કાયદાઓને લગતાં પુસ્તકો વાંચ્યાં.
મ્યુનિસિપાલિટી અને રાજ્ય વહીવટને લગતાં પુસ્તકો પણ વાંચ્યા. વાંચવાનો શોખ હોવાથી તેમણે શાહપુર દરવાજા બહાર એક જાહેર પુસ્તકાલય પણ ખોલ્યું જેના તેઓ પ્રમુખ હતા.

ઇમેજ સ્રોત, Getty Images
તેમનું વાંચન તો સારું જ હતું પણ તેમના અક્ષરો મરોડદાર હતા. બેચરદાસ પોતાના પિતાના વેપારને કારણે અલગઅલગ ભાષા શીખ્યા. તેમણે 1853માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના મિલિટરી ખાતામાં ક્લાર્કની નોકરી સ્વીકારી. પરંતુ પિતાનું અવસાન થતાં તેમણે નોકરી છોડી દીધી અને પોતાના પિતાના વ્યયસાયમાં ધ્યાન આપ્યું અને પોતાના પિતાના વ્યયસાયને આગળ ધપાવ્યો.
બેચરદાસ મુંબઈમાં યુરોપિયન પેઢીઓને નાણાં ધીરનાર દલાલ તરીકે પણ કામ કરતાં. તેમના પિતાની રાજકોટ, અમરેલી, ડીસા, ભુજ જેવાં નગરોમાં ચાલતી પેઢીઓનો વહીવટ હવે તેમના હાથમાં આવ્યો જેને તેમણે સુપેરે નિભાવ્યો.
બેચરદાસ પણ સમાજના કુરિવાજ એવા બાંધ્યા વિવાહનો ભોગ બન્યા હતા. બેચરદાસે બે કરતાં વધુ વખત લગ્ન કર્યા હતાં. તેની પાછળનો હેતુ સંતાનપ્રાપ્તિ હતો. તેમને બે પત્નીઓ થકી બે પુત્રો શંભુપ્રસાદ, પૂનમચંદ અને બે પુત્રીઓ મહાલક્ષ્મી અને મેના થઈ હતી. પુત્રી મહાલક્ષ્મીના નામે તેમણે મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનિંગ શાળા બંધાવી હતી.
તેઓ ધાર્મિકવૃત્તિ ધરાવતા હોવા ઉપરાંત સારા સિતારવાદક પણ હતા. ચંડીપાઠ, આનંદનો ગરબો, શ્રાવણ માસમાં મહાદેવનો ભંડારો અને સવા લાખ બિલીપત્ર તેમનાં થકી ચઢાવાતાં.
તેમનો ઠાઠ કોઈ રાજા રજવાડા જેવો હતો. બેચરદાસની હવેલીના રક્ષણ માટે પોલીસ ખડેપગે રહેતી. આ ઉપરાંત તેમના ત્યાં હાથી, ઘોડા, રથ અને ઘોડાગાડી તેમજ પાલખી રાખતા. તેમની હવેલીનું રાચરચીલું કલાત્મક અને વિદેશી બનાવટનું હતું.
બેચરદાસનું જીવન નીતિનિયમ અને શિસ્તવાળું હતું અને હિસાબકિતાબની બાબતમાં ખૂબ ચોકસાઈ રાખતા.
તેઓ પોષાક રજવાડી જેવો પહેરતા જેમાં સાચા મોતીની માળા, પાંચિયા (કડા) અને અંગૂઠી તેમજ કસુંબલ જરી જામાવાળી પાઘડી, લાલ કિનારીવારી ધોતી અને કિનખાબની કાંસવાળી આંગડી (પહેરણ) પહેરતા. પગમાં મખમલની મોજડી પહેરતા.
તે વખતે તેમનો સામાન્ય જનતા ઉપર પણ દબદબો હતો. આમ તેઓ પ્રભાવશાળી વ્યક્તિત્વના સ્વામી હતા. પરંતુ બીજી બાજુ તેઓ ખૂબ માયાળું અને પરગજુ હતા.
એ વખતે અમદાવાદમાં ગવર્નર કે કોઈ રાજવી પધારે તો તેમના ત્યાં સરભરા અને મુલાકાત ગોઠવાતી. કોઈ જગ્યાએ જાહેર પ્રવચન હોય તો ગવર્નર કે કલેક્ટરને બેસવા માટે ખુરશી બેચરદાસને ત્યાંથી આવતી.

ઇમેજ સ્રોત, Getty Images
1921માં અમદાવાદ ખાતે ભરાયેલા કૉંગ્રેસઅધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ હાજર રહ્યા હતા. તેમણે હવેલીની મુલાકાત લઈ કાલીની મૂર્તિનાં દર્શન કર્યાં હતાં.
બેચરદાસને વિવિધ રાજા રજવાડાં સાથે સારા સંબંધો હતા. વડોદરાના ગાયકવાડ સાથે તેમને સારો ઘરોબો હતો અને તેઓ એકબીજાને ત્યાં કુટુંબમાં લગ્નપ્રસંગ હોય ત્યારે અવશ્ય જતા.
આ સંબંધો 1930 સુધી સચવાયા હતા. બેચરદાસે હરિદ્વાર, ઋષિકેશ, કાશી પ્રયાગરાજ, અમૃતસર તેમજ ડાકોર, અંબાજી અને બહુચરાજીની જાત્રા કરી હતી.
જ્યારે તેમના પુત્ર શંભુપ્રસાદે આખા ભારતખંડનો પ્રવાસ કર્યો હતો અને 'ભારતખંડનો પ્રવાસ' નામનું પુસ્તક પણ લખ્યું હતું.
બેચરલાલ લશ્કરીએ મુંબઈમાં એક પેઢી શરૂ કરી જેના દ્વારા તેમણે યુરોપ સાથે આયાત-નિકાસનો વ્યાપાર ચલાવવા માંડ્યો. મુંબઈ ઑફિસની પેટા શાખાઓ ધોલેરા, વઢવાણ, ભરુચ, કુમટા અને બારસી ખાતે ખોલી.
પંજાબની લડાઈ વખતે અને 1857માં તેમણે બ્રિટિશ સરકારને મદદ કરી હતી. તેઓ બ્રિટિશરો અને દેશી અમલદારોને નાણાં ધીરવાનું કામ કરતાં અને મુંબઈની યુરોપિયન પેઢીઓને નાણાં ધીરવાનું બનતું.
મુંબઈમાં દલાલ તરીકે પણ તેમની સારી પ્રતિષ્ઠા હતી. તેઓ રૂ અને અનાજની નિકાસ અને વિદેશથી ધાતુ અને કાપડ મંગાવતા હતા.
શેઠ રણછોડલાલ છોટાલાલે 1861માં અમદાવાદમાં પ્રથમ સ્પિનિંગ મિલ શરૂ કરી. 1867માં રાયખડ ખાતે બીજી મિલ શેઠ બેચરદાસ લશ્કરીએ 15000 ત્રાગવાળી અને 300 મજૂરોથી શરૂ કરી.
ત્યારબાદ 1877માં શેઠ રણછોડલાલે સારંગપુર દરવાજા બહાર માધુભાઈ મિલ શરૂ કરી. આમ એક પછી એક અમદાવાદમાં મિલોનાં ભૂંગળાં વધવા માંડ્યાં. 1889માં તો અમદાવાદમાં 26 મિલો, 1916માં 53 તથા 1934માં 74 મિલો થઈ હતી.
અમદાવાદ કાપડના ઉત્પાદનમાં 13 ટકા ઉત્પાદન કરતું હતું તેથી અમદાવાદને ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું.
અમદાવાદ બૅન્ક (શેઠ બેચરદાસવાળી) ઊભી કરનારા શેઠ બેચરદાસ ઉપરાંત શેઠ ઊમાભાઈ હઠેસીંગ હતા. પોતાના સ્વપરાક્રમે તેમણે આ બધુ ઊભું કર્યું. તેઓએ મેળવેલું ધન સદુપયોગમાં વાપર્યુ. તેમણે અનેક ધર્મશાળાઓ, દવાખાનાં અને સદાવ્રતો ચલાવ્યાં હતાં.
તેમણે અમદાવાદમાં બેચરદાસ ડિસ્પેન્સરી અને એક સંસ્કૃત પાઠશાળા તેમજ ફિમેલ ટ્રેનિંગ કૉલેજની સ્થાપના કરી.
આ ઉપરાંત બેચરદાસ પ્રજાનાં કામો કરવા જાહેરજીવનમાં પણ પ્રવેશ્યા. તેઓ 1862માં મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે નિમાયા હતા જે હોદ્દો જીવન પર્યંત રહ્યો. સને 1866માં લોકલ ફંડ કમિટીના સભાસદ બન્યા અને બે વર્ષ પછી નામદાર સરકારે 1868માં ઑનરરી ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટની સત્તા બક્ષી હતી.
બાળહત્યાનો વિરોધ કરવામાં નામદાર મુંબઈ સરકારને તેમણે બહુ મદદ કરી હતી. એ કાર્ય માટે કદર કરી 1873માં હિંદુસ્તાનના વાઇસરૉયે તેમને રાવ બહાદુરનો ખિતાબ, સોનાનો ચાંદ બક્ષિસ કર્યો હતો.
તેમને સરકારશ્રીએ મુંબઈ લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય તરીકે પણ નિમ્યા અને બૉમ્બે પૉર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નિમ્યા અને મહારાણી વિકટૉરિયા તરફથી 'ઑર્ડર ઑફ ધી કમ્પેનિયન ઑફ સ્ટાર ઑફ ઇન્ડિયા (CSI)'નો માનવંતો ઇલકાબ પણ આપ્યો. સમગ્ર ભારતમાં આવો ખિતાબ પામનાર બહુ જૂજ લોકો હતા.
તેમની શૈક્ષણિક પ્રવૃત્તિની કદરરૂપે તેમને મુંબઈ યુનિવર્સિટીના ફૅલો તરીકેનું માન મળ્યું હતું.
1877માં મહારાણી વિક્ટૉરિયાએ 'કેસર-એ-હિંદ'નો ખિતાબ ધારણ કર્યા ત્યારે તેની યાદગીરીમાં દિલ્હીમાં થયેલા બાદશાહી મેળાવડામાં હિંદુસ્તાનના વાઇસરૉય લૉર્ડ લિટને તેમને રૂપાનો ચાંદ બક્ષિસ કર્યો હતો. આમ તેઓ એક પછી એક ઉન્નતિનાં શિખરો સર કરતા ગયા. છતાં તેમનો સ્વભાવ કોમળ અને પરગજુ હતો.
તેમણે અનેક સેવાકાર્યો કર્યાં, જ્ઞાતિના કુરિવાજો સામે લડ્યા, સખાવતો, શિક્ષણ, આરોગ્ય પેટે તેમનું યોગદાન ભૂલી શકાય તેવું નથી. આ મહાપુરુષે 20 ડિસેમ્બર 1889ના રોજ 72 વરસની વયે દેહ છોડયો.
સંદર્ભ :
૧. બુદ્ધિપ્રકાશ 1874, સપ્ટેમ્બર, પુસ્તક 21 અંક 9
૨. ગુજરાતી અટકોનો ઇતિહાસ લેખક : પ્રોફેસર વિનોદીની નીલકંઠ અમદાવાદ 1942
૩. રિપ્રેસિંટિટિવ મેન ઓફ ધી બોમ્બે પ્રેસિડન્સિ લેખક : હોઉસ્ટોન જે. બીજી આવૃતી મુંબઈ 1900
૪. "કણબી ક્ષત્રિય ઉત્પત્તિ અને ઇતિહાસ", લેખક : પુરૂષોત્તમ પરિખ, અમદાવાદ, 1912
૫. "રાજનગરના રત્નો", કવિ વલ્લભજી સુંદરજી પુંજાભાઈ 1918 રાજકોટ
૬. "ભરત ખંડનો પ્રવાસ", લેખક : શંભુભાઈ બેચરદાસ લશ્કરી, અમદાવાદ 1892
૭. "અમદાવાદનો જીવન વિકાસ", લેખક : શંકરરામ અમૃતરામ અમદાવાદ 1921
૮. અમદાવાદ ગેઝેટિયર ગ્રંથ 4 બોમ્બે 1879
૯ "ગુજરાત એક પરિચય", સંપાદક : રમણલાલ પરીખ, ભાવનગર 1961
૧૦ "જિંદગીનો ઉપયોગ" અનુવાદ : છગનલાલ ઠાકોરદાસ મોદી, (મૂળ પુસ્તક "Use of Life" માંથી )
૧૧. મંગુભાઇ પટેલ સંશોધન લેખ, ચેપ્ટર ૭, જે શોધગંગા વપ્રસિદ્ધ થયેલ છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












