કાશ્મીર : 370નો ખાસ દરજ્જો હઠ્યાને 365 દિવસ પર શું છે હાલ? - વિશ્લેષણ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, શાયિસ્તા ફારૂકી
- પદ, બીબીસી મૉનિટરિંગ
કાશ્મીરે આંશિક સ્વાયત્તતા ગુમાવ્યાના એક વર્ષ પછી તેની પરિસ્થિતિ એકદમ સામાન્ય કહી શકાય તેવી તો નથી જ.
કાશ્મીરને આંશિક સ્વાયત્તતા આપતી બંધારણની કલમ-370ને ભારત સરકારે રદ્દ કર્યાને એક વર્ષ પૂર્ણ થવામાં છે. એ પછી રાજ્યનું, જમ્મુ અને કાશ્મીર તથા લદાખ, એમ કેન્દ્રશાસિત બે પ્રદેશ વિભાજન પણ કરવામાં આવ્યું હતું.
શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ આ નિર્ણય સાથે કાશ્મીરને શેષ ભારત સાથે જોડવાના તેના ચૂંટણી વચનને પાળ્યું હતું. આમ કરવાથી પ્રદેશમાં વિકાસ થશે અને ઉગ્રવાદ પર પૂર્ણવિરામ મુકાશે એવું જણાવવામાં આવ્યું હતું.
પાંચમી, ઑગસ્ટ, 2019ના આ નિર્ણયને દેશના અનેક ભાગોમાં વધાવવામાં આવ્યો હતો, પણ તેનાથી કાશ્મીરમાં કેવા હકારાત્મક ફેરફાર થયા એ એક વર્ષ પછી સ્પષ્ટ નથી.
ખાસ કરીને ખીણ વિસ્તારમાં પરિસ્થિતિ સામાન્ય કહી શકાય તેવી નથી.

નવા નિયમો

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ઑગસ્ટ-2019ના મહત્ત્વપૂર્ણ નિર્ણય ઉપરાંત સત્તાવાળાઓએ પ્રદેશમાં નવા નિયમો પણ અમલી બનાવ્યા છે.
મે-2020માં મંજૂર કરવામાં આવેલા નવા ડોમિસાઇલ કાયદા મુજબ, કાશ્મીરના વતની ન હોય તેવા લોકોને પણ કેટલાંક નિયંત્રણો સાથે કાયમી નિવાસનો અધિકાર મળી શકે છે. આ પ્રદેશમાં 15 વર્ષ નિવાસ કર્યો હોય તેવી કોઈ પણ વ્યક્તિને નોકરી માટે આવેદન કરવાનો અને જમીન ખરીદવાની છૂટ આ કાયદા હેઠળ આપવામાં આવી છે.
જૂનમાં પ્રકાશિત મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે નવા કાયદા હેઠળ 20,000થી વધુ લોકોને કાયમી નિવાસની પરવાનગી આપી દેવામાં આવી છે. તેથી મુસ્લિમોના બાહુલ્યવાળા કાશ્મીરના નાગરિકોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. સ્થાનિક નાગરિકો ઉપરોક્ત પગલાને વસતીવિષયક પરિવર્તન લાવવાની યોજના માને છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિન્દુઓના બાહુલ્યવાળા જમ્મુ પ્રદેશ અને કેટલાક વિસ્થાપિત કાશ્મીરી હિન્દુઓ પૈકીના ઘણાએ 2019ના નિર્ણયને આવકાર્યો હતો, પણ તેમણે ઉપરોક્ત નવા કાયદા બાબતે આશંકા વ્યક્ત કરી છે. એ કાયદાને કારણે મૂળ કાશ્મીરીઓના રોજગારની તકમાં ઘટાડો થવાનો દાવો પણ તેમણે કર્યો છે.
વિસ્થાપિત કાશ્મીરી હિન્દુ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા એક જૂથના વડા સતીશ મહાલદારને અંગ્રેજી દૈનિક ધ ટ્રિબ્યુને એવું કહેતા ટાંક્યા હતા કે "કાશ્મીરી પંડિતોનું ખીણમાં પુનર્વસન ન કરવામાં આવે ત્યાં સુધી ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવાનું બંધ કરવાની માગણી અમે કરીએ છીએ."
જોકે, ધ ઇકૉનૉમિક ટાઇમ્સ દૈનિકમાં પ્રકાશિત એક લેખમાં જણાવ્યા મુજબ, સરકાર કહે છે કે જમીન ખરીદવાના નિયમ હળવા બનાવવાથી 'રાજ્યમાં વધારે રોકાણકારો આવશે, જેનાથી જમ્મુ અને કાશ્મીરનું આર્થિક માળખું મજબૂત બનશે.'
સશસ્ત્ર દળોને પ્રદેશમાં જમીન હસ્તગત કરવાની છૂટ આપતા કાયદા જેવા બીજા ફેરફારને લીધે પણ સ્થાનિકોમાં રોષ ભડકી રહ્યો છે.

રાજકીય સંવાદનો અભાવ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
કેટલાક ટોચના નેતાઓને મુક્ત કરવામાં આવ્યા હોવા છતાં રાજકીય પ્રવૃત્તિ નગણ્ય છે.
ગયા ઑગસ્ટથી ભાજપને બાદ કરતાં મુખ્યધારાના તમામ પક્ષોની રાજકીય પ્રવૃત્તિ થંભેલી છે.
રાજ્યના સૌથી જૂના પક્ષ જમ્મુ ઍન્ડ કાશ્મીર નેશનલ કૉન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા અને તેમના પુત્ર ઓમર જેવા જાણીતા રાજકારણીઓ મહિનાઓ બાદ અટકાયતમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, પણ સક્રિય રાજકીય પ્રવૃત્તિના કોઈ સંકેત જોવા મળતા નથી.
પીપલ્સ ડૅમોક્રેટિક પાર્ટીનાં નેતા અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફતી જેવાં કેટલાંક નેતાઓ હજુ પણ અટકાયતમાં જ છે.
મોટા ભાગના સિનિયર રાજકારણીઓએ તેમની મુક્તિ પછી કાશ્મીરના ખાસ દરજ્જાના અંત બાબતે ખૂલીને કશું કહ્યું નથી.
વિશ્લેષકો તેમના આ અભિગમને '370 પર પૂર્ણવિરામ પછીની વાસ્તવિકતા અનુસાર પોતાનું રાજકારણ ફરી શરૂ કરવાની' તત્પરતા માને છે, એવું ધ પ્રિન્ટ વેબસાઇટે નોંધ્યું છે.
જોકે, ઓમર અબ્દુલ્લાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસ અખબારમાં લખેલા લેખે ચર્ચા જગવી હતી. રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણયને તે લેખમાં વખોડવામાં આવ્યો હતો.
વિવાદ છતાં અગ્રણી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સ માને છે કે 'ઓમરે વાસ્તવમાં રાજકીય સમજના દરવાજા ખોલ્યા છે, જેનાથી જમ્મુ અને કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયા ફરી શરૂ કરી શકાય.'
હુર્રિયત કૉન્ફરન્સના નેતા સૈયદ અલી શાહ ગિલાનીના રાજીનામાને કારણે પણ ખીણમાંના અલગતાવાદી રાજકારણને ફટકો લાગ્યો છે.
કેટલાક માને છે કે ગિલાનીના રાજીનામાથી પ્રદેશમાંના અલગતાવાદી રાજકારણનો અંત થશે, પણ અન્ય કેટલાક લોકો એવી દલીલ કરે છે કે વધુ કટ્ટરતાવાદી અભિગમ ધરાવતાં પરિબળો આ પરિસ્થિતિનો લાભ લઈ શકે છે.
ધ ડેક્કન હેરલ્ડ અખબારે જણાવ્યું હતું કે 'ગિલાનીની વિદાયને કારણે યુવાન, પાકિસ્તાન તરફી, વધારે કટ્ટર અલગતાવાદીઓનો માર્ગ મોકળો થઈ શકે છે.'
આ વર્ષની શરૂઆતમાં કાશ્મીરમાં એક નવા પક્ષની રચના કરવામાં આવી હતી. તેને કેન્દ્રમાં શાસક ભાજપનું પીઠબળ છે, પરંતુ હાલ સ્થાનિક ચૂંટણી યોજાવાની શક્યતા જણાતી નથી.

અર્થતંત્ર બેહાલ

ગત ઑગસ્ટથી લૉકડાઉન અને કોવિડ-19 ફાટી નીકળવાને કારણે સ્થાનિક અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. નજીકના ભવિષ્યમાં અર્થતંત્ર ફરી ચેતનવંતુ થવાની અણસાર દેખાતી નથી.
ધ ફોરમ ઑફ હ્યુમન રાઇટ્સ ઇન જમ્મુ ઍન્ડ કાશ્મીર નામના નાગરિક અધિકાર જૂથે 22 જુલાઈએ બહાર પાડેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે 5 ઑગસ્ટ, 2019થી અત્યાર સુધીમાં જમ્મુ અને કાશ્મીરને લગભગ 5.3 અબજ ડૉલરનું નુકસાન થયું છે.
કોવિડ-19ના કેસમાં આવેલા ઉછાળા બાબતે ટિપ્પણી કરતાં શ્રીનગરસ્થિત સમાચાર સામયિક ધ કાશ્મીર લાઇફે જણાવ્યું હતું કે લૉકડાઉન લંબાવવામાં આવે એવી સંભાવના જણાઈ રહી છે અને 'તેનાથી પરિસ્થિતિ વકરશે.'

મીડિયા પર અસર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
નવી મીડિયા નીતિનો પત્રકારોએ જોરદાર વિરોધ કર્યો છે.
2019ના નિર્ણયને લીધે મીડિયા ઉદ્યોગને ઘણું નુકસાન થયું હતું. શરૂઆતમાં કૉમ્યુનિકેશન બંધી લાદવામાં આવી હતી અને બાદમાં સરકાર દ્વારા કથિત કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
સ્થાનિક પત્રકારો કહે છે કે તેમના માટે મુક્ત રીતે કામ કરવાનું વધારે મુશ્કેલ બની ગયું છે.
કેટલાક પત્રકારો પર આકરા કાયદા હેઠળ આરોપ લગાવવામાં આવ્યા છે, જેની સામે માનવાધિકાર જૂથોએ વાંધો લીધો છે.
કાશ્મીરમાં મીડિયા પર નિયંત્રણની નવી નીતિને લીધે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને ગૂંગળાવવા સંબંધી ચિંતામાં વધારો થયો છે.
કાશ્મીર ટાઇમ્સનાં તંત્રી અનુરાધા ભસીન જામવાલને ધ વાયર ન્યૂઝ વેબસાઇટે એવું કહેતાં ટાંક્યાં હતાં કે "કાશ્મીરમાંના પત્રકારોને છેલ્લા એક વર્ષથી બોલાવીને ધમકાવવામાં આવે છે અને અટકાયતમાં લેવામાં આવે છે."
વારંવાર માગણી કરવામાં આવતી હોવા છતાં કાશ્મીર ખીણમાં હાઈ-સ્પીડ ઇન્ટરનેટની વ્યવસ્થા પૂર્વવત્ કરવામાં આવી નથી. સત્તાવાળાઓએ પોતાના નિર્ણયના બચાવમાં એવું સતત કહેતા રહ્યા છે કે હાઈ-સ્પીડ ઇન્ટરનેટનો ઉપયોગ સરકાર વિરુદ્ધ પ્રદર્શન યોજવા માટે કરવામાં આવશે.

વણથંભી હિંસા

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરના મહિનાઓમાં સલામતીદળોએ ઉગ્રતાવાદીઓ વિરુદ્ધની કાર્યવાહી ઝડપી બનાવી છે.
કાશ્મીરમાં સલામતીની પરિસ્થિતિ સંવેદનશીલ છે અને ઉગ્રતાવાદીઓ વિરુદ્ધની સલામતીદળોની કાર્યવાહીમાં તાજેતરના મહિનાઓમાં મોટો વધારો જોવા મળ્યો છે.
સત્તાવાર આંકડા અનુસાર, 2020માં અત્યાર સુધીમાં 136 ઉગ્રતાવાદીઓ માર્યા ગયા છે, તેમ છતાં સ્ક્રૉલ વેબસાઇટ જેવા કેટલાક મીડિયા આઉટલેટ્સ માને છે કે '(ઉગ્રતાવાદીઓ દ્વારા કરવામાં આવતી) ભરતીમાં ઘટાડો થયો નથી.'
કાશ્મીરના પોલીસવડા દિલબાગ સિંહ માને છે કે કાયદો અને વ્યવસ્થાની સાર્વત્રિક પરિસ્થિતિમાં 'નોંધપાત્ર સુધારો થયો છે' અને 'હિંસાનું પ્રમાણ પણ ઘટ્યું છે.'
તેમ છતાં ભવિષ્યની ચિંતા યથાવત છે.
'કાશ્મીર માટે નજીકનું ભવિષ્ય શું છે? વિલંબિત અનિશ્ચિતતા. સલામતી નિષ્ણાતોને આશા છે કે શિયાળાની શરૂઆત પહેલાં તેઓ ઉગ્રવાદી પ્રવૃત્તિ પર સારી રીતે લગામ તાણી શકશે, પરંતુ ભૂતકાળમાં પણ હત્યાઓ કાશ્મીરમાં આતંકવાદ માટે ભાગ્યે જ અવરોધરૂપ બની છે,' એવું શ્રીનગરસ્થિત દૈનિક કાશ્મીર ઓબ્ઝર્વરમાં પ્રકાશિત એક લેખમાં જણાવવામાં આવ્યું હતું.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












