કોરોનિલ : યોગગુરુ બાબા રામદેવની 'કોરોનાની દવા'નું સત્ય

ઇમેજ સ્રોત, THE INDIA TODAY GROUP
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
કોવિડ -19 રોગચાળાએ આખી દુનિયાને બાનમાં લીધી છે અને બધા રાહ જોઈ રહ્યા છે અકસીર રસી અથવા દવાની, જે આ વાઇરસ સામે રક્ષણ આપી શકે.
ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોનાની દવા / રસી તૈયાર કરવા માટે ડઝનેક ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહ્યા છે.
ભારતની પતંજલિ આયુર્વેદ કંપની દ્વારા 'કોરોના દર્દીને સજા કરવાની સારવાર' માટેનો દાવો કરવામાં આવ્યો છે, જેને હાલમાં ભારત સરકારે 'કોલ્ડ સ્ટોરેજ' માં મૂકી દીધો છે અને હવે પતંજલિના દાવાની 'સંપૂર્ણ તપાસ' ચાલી રહી છે.
'દવાના નામે છેતરપિંડી' કરવાનો આરોપ લગાવીને પતંજલિ જૂથ વિરુદ્ધ કેટલીક એફ.આઈ.આર. પણ નોંધાઈ છે.

કેવી રીતે થાય છે ક્લિનિકલ ટ્રાયલ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ બાબતની તપાસ કરતા પહેલાં એ જાણવું જરૂરી છે કે ભારતમાં ડ્રગની ક્લિનિકલ ટ્રાયલ માટે શું કરવું પડે છે.
સૌ પ્રથમ ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (ડીજીસીઆઈ)ની મંજૂરી લેવાની હોય છે.
આના બાદ, જ્યાં પણ આ ટ્રાયલ થશે તે તમામ સંસ્થાઓની જે નૈતિક સમિતિ છે, તેમની પરવાનગી.
આ પછી, ક્લિનિકલ ટ્રાયલ કરનારી કંપનીને, ભારતીય તબીબી સંશોધન (આઈ.સી.એમ.આર.)ની દેખરેખ હેઠળ ચાલતી 'ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી-ઇન્ડિયા' એટલે કે સી.ટી.આર.આઈ.ની વેબસાઇટ પર ટ્રાયલ સંબંધિત સંપૂર્ણ પ્રક્રિયા, સંસાધનો, નામ - ઍડ્રેસ અને ભંડોળ વિશેની માહિતી આપવાની હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી હિન્દી પાસે સી.ટી.આર.આઈ. વેબસાઇટ પર નોંધાયેલા ફૉર્મ (સી.ટી.આર.આઈ. / 2020/05/025273)ની નકલ છે, જેમાં પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હરિદ્વાર દ્વારા, "કોરોના વાઇરસ રોગની સારવારમાં આયુર્વેદિક દવાઓના પ્રભાવ" ઉપર ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપવામાં આવી છે.

ઇમેજ સ્રોત, PTI
આ દસ્તાવેજ મુજબ, પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે 20 મે, 2020ના રોજ સી.ટી.આર.આઈ. વેબસાઇટ પર નોંધણી કરાવી હતી. દસ્તાવેજમાં જણાવ્યું છે કે ક્લિનિકલ ટ્રાયલ માટે કોવિડ-19ના પ્રથમ દર્દીનું ઍનરોલમૅન્ટ 29 મે, 2020ના રોજ કરવામાં આવ્યું.
ક્લિનિકલ ટ્રાયલ શરૂ થયાના માત્ર 25 દિવસ બાદ, 23 જૂન, 2020ના રોજ, યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે, પ્રેસ કૉન્ફરન્સમાં 'કોરોનિલ ટૅબ્લેટ' અને 'શ્વાસારી વટી' નામની બે દવાઓ વિશ્વ સમક્ષ રજૂ કરી.
પ્રેસ કૉન્ફરન્સમાં પતંજલિએ દાવો કર્યો હતો કે 'આ દવાઓથી કોવિડ -19ની સારવાર શક્ય છે.'
પતંજલિએ એવો પણ દાવો કર્યો કે તેમને આ દવાઓનું ક્લિનિકલ ટ્રાયલ કર્યું છે અને આ દવાઓની કોરોના દર્દી પર 100% સકારાત્મક અસર થઈ છે.

પતંજલિએ ફેરવી તોળવ્યું
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
પતંજલિએ જાહેરાત કરી તેના થોડા કલાકો બાદ ભારત સરકારના 'આયુષ' (આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપથી) મંત્રાલયે બાબતની નોંધ લીધી અને કહ્યું કે મંત્રાલય પાસે આ વિશે કોઈ માહિતી નથી.
પતંજલિ આયુર્વેદ લિમિટેડને દવા અને તેના ઘટકોના નામ જણાવવા માટે કહેવામાં આવ્યું છે.
પતંજલિને સૅમ્પલ સાઇઝ, લૅબોરેટરી અથવા હૉસ્પિટલ જ્યાં પરીક્ષણ કરવામાં આવ્યું તેની માહિતી, ઍથિક્સ કમિટીની મંજૂરી સહિત અન્ય મહત્ત્વપૂર્ણ માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે.
મંત્રાલયે પતંજલિની દવાઓના પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે બુધવાર, 1 જુલાઇએ, પતંજલિએ એક અખબારી યાદીમાં એક નવો દાવો કર્યો છે.
પતંજલિ મુજબ "કેન્દ્ર સરકારના 'આયુષ' મંત્રાલયની સૂચના મુજબ પતંજલિને 'દિવ્ય કોરોનિલ ટૅબ્લેટ', 'દિવ્ય શ્વાસારી વટી' અને 'દિવ્ય અણુ તેલ' માટે રાજ્ય લાઇસન્સ ઑથૉરિટી, આયુર્વેદ-યુનાની સેવાઓ, ઉત્તરાખંડ સરકાર દ્વારા ઉત્પાદન અને વિતરણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સમગ્ર ભારતમાં હવે આ દાવાઓને સરળતાથી મેળવી શકાય છે."
કોવિડ -19 ચેપથી 'દર્દીઓને મુક્ત કરાવી દઈશું' ના દાવાનું પુનરાવર્તન ન કરતા, પતંજલિ હવે કહે છે કે કુલ 95 કોરોના દર્દીઓ ઉપર તેમની સ્વેચ્છાએ ટ્રાયલ કરવામાં આવી. 45 લોકોને પતંજલિની દવાઓ આપવામાં આવી હતી. 50 દર્દીઓને પ્લૅસેબો અપાઈ.
જાહેરાત મુજબ - "કોવિડ -19 પૉઝિટિવ દર્દીઓ પર આયુર્વેદિક દવાઓની આ પ્રથમ ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલ હતી અને હવે અમે આ દવાઓના મલ્ટિસેન્ટ્રિક ક્લિનિકલ ટ્રાયલ્સ તરફ આગળ વધી રહ્યા છીએ."
આ જાહેરાતના એક દિવસ પહેલા મંગળવારે પતંજલિએ આ મામલે યુ-ટર્ન લેતાં કહ્યું હતું કે, "અમે ક્યારેય પણ કોરોના કિટ બનાવવાનો દાવો કર્યો નથી".
જો કે, હજી પણ ઘણા પ્રશ્નોના જવાબો મેળવવાના બાકી છે.

ક્યા પ્રશ્નો બાકી?

પ્રથમ, એ વાતની શું સાબિતી છે કે કોરોનાના દર્દીઓ જેમને પતંજલિની આયુર્વેદિક દવાઓ આપવામાં આવી હતી તે બધી બાબતોમાં એક સમાન હતી.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જ્યારે પણ કોઈ દવાની ક્લિનિકલ ટ્રાયલ થાય છે, ત્યારે દવાની માત્રા બદલી ન શકાય.
ઉદાહરણ તરીકે, જો કોઈ દર્દીને ઉપર તાવ માટે પૅરાસિટામૉલની ટ્રાયલ કરવાની હોય તો બધા ડોઝ એક સમાન હોવા જોઈએ. દાખલ તરીકે 10 મિલિગ્રામ, 12 મિલિગ્રામ અથવા 15 મિલિગ્રામ. આમ કરવાથી જાણી શકાય છે કયો ડોઝ લીધા બાદ તાવ ઓછો થયો.
પતંજલિ કહે છે કે તેમની દવા આયુર્વેદિક છે, તો આ દવાઓની માત્રા પણ સરખી હોવી જોઈએ.
આને લગતો બીજો પ્રશ્ન એ છે કે 95 કોવિડ -19 દર્દીઓ પર હાથ ધરવામાં આવેલાં પરીક્ષણોના આધારે શું એવું જાહેર કરવાનું યોગ્ય હતું કે આ 'કોરોનાનો ઉપચાર' છે અને 130 કરોડથી વધુ વસતીવાળા દેશમાં આ દવાઓને લૉન્ચ પણ કરી દીધી.
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના પૂર્વ વડા એન. આર. કે. ગાંગુલીના જણાવ્યા અનુસાર, "ક્લિનિકલ ટ્રાયલ એ એક લાંબી પ્રક્રિયા છે. માત્ર દવાઓનું ભાવિ જ નહીં, પણ 'હ્યુમન ટ્રાયલ' બનેલા દર્દીઓનું ભવિષ્ય પણ આની પર ટકેલું હોય છે."
'પતંજલિ સંશોધનકેન્દ્ર' તરફથી હજી સુધી જવાબ મળ્યો નથી કે 25 દિવસની અંદર અને ફક્ત 95 કોરોના દર્દીઓ પર હાથ ધરવામાં આવેલાં પરીક્ષણોને આધારે 'કોરોનિલ ટૅબ્લેટ' અને ''શ્વાસારી વટી' નામની બે દવાઓને કોરોના વાઇરસના 'આયુર્વેદિક ઉપચાર' તરીકે ગણાવીને કેમ લૉન્ચ કરવામાં આવી.
જ્યારે પતંજલિએ સી.ટી.આર.આઈ. વેબસાઇટ પર નોંધાયેલા તેમના ફૉર્મ (સી.ટી.આર.આઈ. / 2020/05/025273) માં લખ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલનો સમયગાળો બે મહિનાનો હશે.
ત્રીજો પ્રશ્ન એ પરિસ્તિથિઓ વિશે છે, જેના હેઠળ કોરોના દર્દીઓ ઉપર ટ્રાયલ કરવામાં આવી. પતંજલિ કહે છે કે જયપુરમાં રાષ્ટ્રીય તબીબી વિજ્ઞાન અને સંશોધન સંસ્થાની દેખરેખ હેઠળ તમામ 95 ટ્રાયલ કરવામાં આવી.
આઈ.સી.એમ.આર.ની સી.ટી.આર.આઈ. વેબસાઇટમાં નોંધણી કરતી વખતે પતંજલિ આયુર્વેદ જણાવ્યું હતું કે ક્લીનીકલ ટ્રાયલમાં તેઓ 'મધ્યમ લક્ષણ ધરાવતા દર્દીઓનો' સમાવેશ કરશે, પરંતુ આમ કરવામાં આવ્યું નહીં.
'કોરોનિલ' નામની દવાના ટ્રાયલ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ તબીબે બીબીસીને નામ ન આપવાની શરતે જણાવ્યું કે, "ટ્રાયલમાં સામેલ દર્દીઓની ઉંમર 35-45 વચ્ચે હતી અને મોટા ભાગના અસિમ્પટમૅટિક (લક્ષણો વિના) અથવા ખૂબ હળવાં લક્ષણો ધરાવતા હતા."

પતંજલિએ ટ્રાયલ વિશે કેમ ન જણાવ્યું?

ઇમેજ સ્રોત, Moeny Sharma
ધ્યાનમાં લેવા જેવી બીજી બાબત એ છે કે ડાયાબિટીસ અથવા બ્લડપ્રેશરની ફરિયાદ હોય એવા દર્દીઓને ટ્રાયલમાં સામેલ કરવામાં આવ્યા ન હતા.
આ અગત્યનું છે, કારણ કે ડબ્લ્યુએચઓ સહિત વિશ્વના અગ્રણી તબીબી નિષ્ણાતો માને છે કે બંને અથવા બંનેમાંથી કોઈ એક રોગોથી પીડિત લોકો માટે કોરોના વધુ જોખમી પુરવાર થઈ શકે.
જવાબ મળી શક્યો નથી કે જે દર્દીઓ ઉપર પતંજલિ દ્વારા ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી તેઓ પહેલેથી કોઈ દવાનું સેવન કરતા હતા કે નહીં, કારણ કે આઈ.સી.એમ.આર.એ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર માટેની દવાઓની સૂચિ બહાર પાડી છે.
ડ્રગ નિષ્ણાતોનો સવાલ એ છે કે જો દર્દીઓ પહેલાથી કોઈ ઍલૉપથીની દવા લેતા હોય, તો આયુર્વેદિકની અસર કઈ રીતે માપી શકાય?
જાણીતા આરોગ્ય નિષ્ણાત દિનેશ ઠાકુર પતંજલિના ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામો પર પણ સવાલ ઉઠાવતાં કહે છે "આટલા ઓછા દર્દીઓના ટ્રાયલ રિપોર્ટના આધારે તમે કોરોના સારવારનો દાવો કઈ રીતે કરી શકો છો?"

ઇમેજ સ્રોત, Hindustan Times
અંતે, સૌથી મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે કે જો 'પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે' મે મહિનામાં સી.ટી.આર.આઈ. વેબસાઇટ પર નોંધણી કરાવી હતી અને કોરોના દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ ચાલુ હતી, તો ડી.જી.સી.આઈ. અને આઈ.સી.એમ.આર.ને આ વિશે માહિતી કેમ નહીં આપી.
ભારતમાં કોરોના ચેપના તમામ કેસોની યાદી ફક્ત આઈ.સી.એમ.આર. જ નહીં, પરંતુ રાજ્યના કોવિડ -19 નોડલ અધિકારી, જિલ્લા વહીવટ અને મુખ્ય તબીબી અધિકારીની પાસે પણ હોય છે.
જોકે બજારમાં પતંજલિની 'કોરોના કિટ' શરૂ થતાંની સાથે જ 'આયુષ' મંત્રાલય હરકતમાં આવ્યું હતું, પરંતુ પ્રશ્ન ઊભો થાય છે કે ટ્રાયલના પરિણામો વિશે જાહેરમાં આવતા પહેલાં પતંજલિએ મંત્રાલયની મંજૂરી કેમ લીધી ન હતી.
રહ્યો સવાલ એવી દવાના ટ્રાયલ વિશે, જે સીધી બજારમાં જ પહોંચી શકે છે, તો નિર્ણય લેતી સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકોને લાગે છે કે, "નિયમ અને કાયદો પોતાની જગ્યાએ વ્યવસ્થિત છે અને રહેશે."
આઈ.સી.એમ.આર.ના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ વી.એમ. કટોચે કહ્યું, "સી.ટી.આર.આઈ.માં ડ્રગ ટ્રાયલ માટે નોંધણી કરવાનો હેતુ એક જ છે, બધા પ્રોટોકોલનું પાલન. જો ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (ડી.જી.સી.આઈ.)એ ફરજ પાડી હોય, તો કોઈ તો તેને અવગણી ન શકે."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












