કોરોના વાઇરસ : ગુજરાતના ડૉક્ટરોને દર્દીઓની સારવારમાં કઈ દવા મદદ કરી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, હરિતા કાંડપાલ
- પદ, બીબીસી ગુજરાતી
કોરોના વાઇરસે જે રીતે દુનિયાને ભરડામાં લીધી તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે આપણે ઝડપથી ફેલાતા આ વાઇરસ સામે કેટલા લાચાર છીએ.
કોરોના વાઇરસ સામેની લડત માટે ગુજરાત સરકાર દ્વારા બનાવાયેલી પૅનલમાં સામેલ એવા ચેપી રોગના નિષ્ણાત ડૉ. તુષાર પટેલ કહે છે કે ડૉક્ટરોને સમય જતાં અમુક દવાઓ અને સારવારની પદ્ધતિ વિશે ખ્યાલ આવતાં હવે રાજ્યમાં મૃત્યુદર કાબૂમાં આવી શક્યો છે.
કોરોના વાઇરસ માટે ખાસ વૅક્સિન અને દવાના અભાવમાં વર્ષ 2020 અડધું વીતી ગયું છે.
અત્યાર સુધીમાં એક કરોડથી વધારે લોકો આનાથી ચેપગ્રસ્ત થયા છે અને લગભગ સાડા પાંચ લાખ લોકોનાં મૃત્યુ થયાં છે.
નિષ્ણાતો પ્રમાણે ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુદર અન્ય દેશો કરતાં ઓછો છે, પરંતુ ગુજરાતમાં કોરોના દર્દીઓનો મૃત્યુદર ચિંતાનો વિષય રહ્યો હતો.
ડૉ. તુષાર પટેલ સ્ટર્લિંગ હૉસ્પિટલમાં કન્સલ્ટન્ટ છે, તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું છે કે કોરોનો વાઇરસ ઝડપથી બદલાતો વાઇરસ છે.
ભારત સરકારનો દાવો છે કે બે મહિનાના લૉકડાઉનને કારણે ભારતમાં કોરોના વાઇરસનું સંક્રમણ ધીમું પડ્યું છે પરંતુ અનલૉક-1 અને અનલૉક-2 પછી દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે.
ગુજરાતમાં પણ અનલૉક-1 પછી આશરે 500 જેટલા કેસ દરરોજ જોવા મળતા હતા, જે પછીના તબક્કામાં 600 સુધી પહોંચ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો જ્યારે અનેક પાબંદીઓ હઠાવી લેવામાં આવી છે અને કોરોના સંક્રમિતો ઘરે સારવાર લેતા થયા છે, ત્યારે કોરોના વાઇરસના સંક્રમણનાં લક્ષણો, સારવાર અને સાવચેતી વિશે બીબીસી ગુજરાતી સાથે ડૉ. તુષાર પટેલ કરેલી વાતચીતના મુખ્ય અંશો અહીં વાચો.

પ્રશ્ન: કોરોના વાઇરસનાં લક્ષણોને લઈને લોકોમાં મૂંઝવણ હોય છે કે શરદી અને તાવની ફરિયાદ તો સામાન્ય રીતે પણ થાય છે, તો કોરોનાનો ટેસ્ટ ક્યારે કરાવવો જોઈએ?

ડૉ. તુષાર પટેલ: ચોમાસું આવે ત્યારે ઍલર્જીના કારણે પણ લોકોને તાવ અને શરદી થતા હોય છે. કોરોનાનો તાવ સતત ત્રણથી ચાર દિવસ સુધી 101-102 ડિર્ગીથી વધારે હોય છે.
તેની સાથે નાક બંધ થઈ જવું અથવા શરદી થતી હોય છે.
જો સાદી શરદી કે ખાંસી અને તાવ હોય અને સાથે નાકમાંથી પાણી પણ આવે અને તે બે દિવસ જેટલા સમયમાં કાબૂમાં આવી જાય છે.

પ્રશ્ન: ગુજરાતમાં નિષ્ણાતોએ કહ્યું છે કે કોરોનાના દર્દી મોડા હૉસ્પિટલમાં આવે છે એટલે રાજ્યમાં મૃત્યુદર વધારે છે. તો દર્દીઓ વધારે તાવ આવવાની રાહ જોવે તો મોડું થવાનો ડર નથી?
ડૉ. તુષાર પટેલ: જેમને પણ તાવ આવતો હોય, તેમને પોતાની નજીકના ડૉક્ટરોને જાણ કરવી જોઈએ અને તેમની સલાહ લેવી જોઈએ. સાદો બ્લડટેસ્ટ અને ઍક્સરે કરાવી લેવા જોઈએ.
ઘણા ઍસિમ્પ્ટોમૅટિક દર્દીઓને તાવ મોડેથી આવતો હોય છે, એટલે શરૂઆતમાં ફિઝિશિયન બ્લડપ્રેશર, હાર્ટપલ્સ માપે અને તેનાથી કોરોનાનાં લક્ષણો પર નજર રાખે છે.

પ્રશ્ન: ગુજરાતમાં પહેલાં કોરોનાના દરદીઓનો મૃત્યુદર વધારે હતો, જોકે જૂન મહિનામાં આ મૃત્યુદર દેશના સરેરાશ મૃત્યુદરની નજીક આવ્યો, એવું સરકારનું કહેવું છે. તો રાજ્યમાં કોરોનાની સારવારમાં કઈ દવાઓ અને પ્રોટોકૉલથી આ ફેર આવ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. તુષાર પટેલ: શરૂઆતના તબક્કામાં સારવાર નહોતી, ટોસાલિઝૂલૅબ, રેમડેસિવિર અને અન્ય ઍન્ટીવાઇરલ દવાઓ પણ ઉપલબ્ધ નહોતી.
શરૂઆતમાં સોશિયલ સ્ટિગ્મા પણ વધારે હતો, લોકો મોડેથી હૉસ્પિટલ આવતા હતા અને ગુજરાતમાં ડાયાબિટીઝનું પ્રમાણ વધારે છે.
આ કારણોસર ગુજરાતમાં કોરોના દર્દીઓનો મૃત્યુદર વધારે હતો.
હાલ કોરોના દર્દીઓની ટોસાલિઝૂલૅબ, રેમડેસિવિર સાથે સારવાર રહી છે, એ સિવાય ડૉક્ટરોને ખ્યાલ આવ્યો કે સ્ટેરૉઇડ્સ પણ ન્યૂમોનિયાની પરિસ્થિતિમાં ઉપયોગી થાય છે.
જેના કારણે કોરોના દર્દીઓનો મૃત્યુદર અને હૉસ્પિટલમાં લોકોને દાખલ કરવાનો દર ઘટાડવામાં મદદ મળી છે.

પ્રશ્ન: જો સારવારના પ્રોટોકૉલમાં ફેરફારનાં પરિણામો જોવા મળ્યાં તો એ દવાઓ કઈ છે જેનાથી કોરોનાના દરદીઓ સાજા થઈ રહ્યા છે?
ડૉ તુષાર પટેલ: કોરોના વાઇરસ પહેલાંથી હતો, પરંતુ આ સ્વરૂપ મ્યૂટેટ થયેલા વાઇરસનું છે.
એટલે તેના માટે કોઈ ચોક્કસ દવા અને વૅક્સિન વિકસિત થઈ શક્યાં નથી.
કોરોનાનાં લક્ષણો જેમકે તાવ હોય તો પૅરાસિટામોલ આપીએ, ઑક્સિજન ઓછો હોય તો ઑક્સિજન આપીએ.
જો દર્દી સાઇટોકાઇન સ્ટૉર્મ નામની પરિસ્થિતિમાં જતો રહ્યો હોય તો તેને ટૉસેલિઝુલૅબ નામનું ઇંજેક્શન આપવામાં આવે છે.
જેનાથી તેની પરિસ્થિતિ બગડતી રોકી શકાય છે અને દર્દીને વૅન્ટિલેટર પર જતો રોકી શકાય છે. આ દવાઓથી સારાં પરિણામો મેળવી શકાયાં છે.

પ્રશ્ન: કોરોના મહામારીને કારણે શરૂઆતમાં અન્ય બીમારીઓની સારવાર અને સર્જરી પણ ટાળી દેવી પડી હતી, દર્દીઓ હૉસ્પિટલ જવાથી ડરતા હતા અને હૉસ્પિટલો દરદીઓને દાખલ કરવાથી ડરતી હતી.
તો શું હવે અન્ય બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે સારવાર કે સર્જરી કરાવવા માટે હૉસ્પિટલ જવું સુરક્ષિત છે?
ડૉ. તુષાર પટેલ: લૉકડાઉનને કારણે ઘણા બધા લોકોનાં ડાયાબિટીઝ નિયંત્રણની બહાર જતાં રહ્યાં છે, અનેક લોકોની સર્જરી પણ ટાળવી પડી હતી.
હવે એ લોકો માટે હૉસ્પિટલમાં જવું સુરક્ષિત છે, બસ એસએમએસ એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સૅનિટાઇઝેશનનું ધ્યાન રાખવાનું છે.

પ્રશ્ન: હવે લોકો ઘરે રહીને પણ કોરોના વાઇરસની સારવાર લઈ રહ્યા છે, તો શું સાવચેતી લેવી જોઈએ? વૃદ્ધ લોકો માટે હોમ ક્વોરૅન્ટીન જોખમી હોઈ શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. તુષાર પટેલ: સાદો તાવ અને શરદી ખાંસી થઈ હોય, શ્વાસ ન ચડતો હોય અથવા જેમને કોઈ લક્ષણ ન હોય એવા દર્દીઓને ઘરે રાખી શકાય છે.
એમને ટૉઇલેટ બાથરૂમની સુવિધા હોય એવા અલગ એક રૂમમાં પરિવારના સભ્યોથી દૂર રાખવા જોઈએ.
ખાસ બ્લડપ્રેશર, તાવનો રૅકર્ડ રાખવો ખૂબ જરૂરી છે અને પલ્સ ઑક્સિમિટર આવે છે, જે ઑક્સિજન માપવા માટે જરૂરી છે.
જો એ 95થી નીચે જાય તો એ જોખમ છે, ત્યારે તુરંત 104 કે 108 પર ફોન કરીને હૉસ્પિટલમાં દાખલ થવાનું હોય છે.
જો વુદ્ધોમાં કોમોર્બિટ કંડિશન જેમકે ડાયાબિટીઝ, બ્લડપ્રેશર અથવા અન્ય બીમારીઓ હોય તો તેમનાં બ્લડરિપોર્ટ, સિટિસ્કૅન અને ઍક્સરે જેવા રિપોર્ટના આધારે ડૉક્ટર નક્કી કરે છે.
જો વૃદ્ધોનું ઑક્સિજન સ્તર ઓછું રહેતું હોય, 95થી નીચે રહેતું હોય તો તેમને હોમ આઇસોલેશન સલાહ અપાતી નથી.
જેમનું ઑક્સિજન સ્તર 99થી વધારે રહેતું હોય, તાવ અને ખાંસી વધારે ન હોય તો તેમને આરોગ્ય નિષ્ણાતની નિગરાનીમાં રાખી શકાય છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















