રાજ્યસભાની ચૂંટણી : ભાજપના ત્રણ ઉમેદવાર વિજયી, કૉંગ્રેસના શક્તિસિંહનો વિજય

નરહરિ અમીન

ઇમેજ સ્રોત, Narhari Amin/Facebook

ઇમેજ કૅપ્શન, નરહરિ અમીન
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠકની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને ભાજપના ત્રણ ઉમેદવાર જીતી ગયા છે. જ્યારે કૉંગ્રેસના ફાળે એક બેઠક આવી છે.

ભાજપનાં અભય ભારદ્વાજ, રમિલા બારા અને નરહરિ અમીન વિજયી થયાં છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

જ્યારે કૉંગ્રેસના શક્તિસિંહ ગોહિલ વિજયી થયા છે પણ ભરતસિંહ સોલંકીની હાર થઈ છે.

ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ટ્વીટ કરીને જણાવ્યું, "ભાજપ દ્વારા ધારાસભ્યોની લે-વેચ, સત્તાનો ડર, ધન-બળનું જોર અને તમામ ગેરકાયદેસર રીતો અપનાવવા છતાં ગુજરાત કૉંગ્રેસના તમામ ધારાસભ્યો એક રહ્યા અને કૉંગ્રેસે ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક મેળવી છે"

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ભરતસિંહ સોલંકીએ બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું, "કૉંગ્રેસના તમામેતમામ ધારાસભ્યોએ એક થઈને મતદાન કર્યું હતું એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું."

તો આ વિજયને વધાવતાં ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ ભાર્ગવ પરીખને જણાવ્યું, "ચીન સરહદે જવાનો શહીદ થતાં અને કોરોના મહામારીને કારણે ભાજપ દ્વારા કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં કરવામાં આવે."

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ભાજપના આ વિજય પર ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું, "અનેક પ્રયાસો કરવા, અમારા ધારાસભ્યોનો સંપર્ક કરવાની મહેનત કરવા, મતગણતણીમાં વાંધાવચકા કાઢવા છતાં કૉંગ્રેસના હાથ હેઠા પડ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે."

line

દિવસભરનો ઘટનાક્રમ

શક્તિસિંહ ગોહિલ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. કૉંગ્રેસે કેન્દ્રીય ચૂંટણીપક્ષ સમક્ષ બે મતોને લઈને વાંધો ઉઠાવ્યો છે.

કૉંગ્રેસે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કેસરી સોલંકીના મતને લઈને વાંધો ઉઠાવ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે ધોળકા બેઠકની ચૂંટણી રદ કરતાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણય પર સ્ટે આપ્યો હતો. જેને પગલે કૉંગ્રેસ આ બાબતને સબ-જ્યુડિશિયરી ગણાવી છે.

બીજી તરફ કૉંગ્રેસના દાવા અનુસાર માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સ્વસ્થ હોવા છતાં ભાજપે પ્રૉક્સી વોટનો વિકલ્પ પંસદ કર્યો છે.

આ બન્ને બાબતોને ધ્યાને લેતા કૉંગ્રેસે ચૂંટણીપંચ સમક્ષ વાંધો ઉઠાવ્યો છે.

બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખના જણાવ્યા અનુસાર કૉંગ્રેસને કરેલી વાંધાઅરજીને પગલે પરિણામ આવવામાં વાર લાગે એવી શક્યતા છે.

line

છોટુ વસાવાએ મતદાનનો બહિષ્કાર કર્યો

સંસદભવન

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. આદિવાસીઓની સમસ્યાનું નિરાકારણ નહીં આવ્યું હોવાને લીધે છોટુ વસાવાએ આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.

બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખને વસાવાએ જણાવ્યું, "આદિવાસીઓની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. બધાએ મારો સંપર્ક કર્યો છે પણ પક્ષો કામ નથી કરી રહ્યા એટલે અમે મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે."

આ પહેલાં વસાવા ભાજપને મત આપશે એવો આશાવાદ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું હતું, "ભાજપે આદિવાસીઓ માટે ખૂબ કામો કર્યાં છે. મને વિશ્વાસ છે કે છોટુ વસાવાનો મત ભાજપને જ મળશે."

તો કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પણ છોટુ વસાવાના પક્ષ બીટીપીના બંને મતો કૉંગ્રેસને જ મળશે એવી આશા જાહેર કરી હતી.

આ પહેલાં મતદાન શરૂ થતાં જ ભાજપના નેતા જીતુ વાઘાણી અને કૉંગ્રેસના નેતા વિક્રમ માડમે જીતના દાવા પ્રગટ કર્યા હતા.

કૉંગ્રેસના નેતા વિક્રમ માડમે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે સાંજે પરિણામ આવશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

તેમણે પણ કૉંગ્રેસના બંને ઉમેદવારોની જીતનો દાવો કર્યો હતો

કૉંગ્રેસના ધારાસભ્યોને બસ મારફત ગાંધીનગર લાવવામાં આવ્યા હતા.

આ બધા વચ્ચે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત થશે અને કૉંગ્રેસની જૂથબંધી ખૂલી પડવાની છે. કૉંગ્રેસ ગઈકાલથી જ હારી ગઈ છે.

line

પ્રૉક્સી મતદાન

શંકર ચૌધરી

ઇમેજ સ્રોત, Facebook/ShankarChaudhary

ભાજપના ત્રણ ધારાસભ્યોએ સ્વાસ્થ્યના કારણોસર પ્રતિનિધિ પાસે પ્રૉક્સી મતદાન કરાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાજપના કેસરીસિંહ સોલંકીના સહાયક તરીકે શંકર ચૌધરી મતદાન કરશે.

માતરના ધારાસભ્ય કેસરીસિંહની તબિયત સારી ન હોવાથી તેમણે પ્રૉક્સી મતદાનની પરવાનગી માગી હતી.

કેસરીસિંહની તબિયત મતદાનના ગણતરીના કલાકો પહેલાં જ લથડી હતી અને તેમને ઍમ્બુલન્સ મારફતે મતદાન માટે લાવવામાં આવ્યા હતા.

આ અંગે રિટર્નિંગ ઑફિસરે પ્રૉક્સી મતદાનની પરવાનગી આપી હતી, જેથી હવે શંકર ચૌધરી મતદાન કરશે.

એ જ રીતે પુરુષોત્તમ સોલંકીના બદલે હીરા સોલંકી પ્રૉક્સી મતદાન કરશે.

પુરુષોત્તમ સોલંકીની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ વ્હિલચૅર પર બેસીને આવ્યા હતા.

line

'અમે મતદાન ન પણ કરીએ'

છોટુ વસાવા

ઇમેજ સ્રોત, Facebook/ChhotuVasava

રાજ્યસભાની ચૂંટણી માટેનું મતદાન શરૂ થાય એ પહેલાં બીટીપીના છોટુ વસાવાએ કહ્યું હતું કે અમે મતદાન ન પણ કરીએ.

તેમણે ટીવી ચેનલની સાથેની વાતચીતમાં કહ્યું છે કે સરકારે અમારી માગણીઓ સ્વીકારી નથી એટલે સરકારને મત કેમ આપીએ?

વસાવા કહે છે કે બંને રાજકીય પક્ષોએ અમારો સંપર્ક કર્યો છે અને અમે પણ અમારી માગણીઓ મૂકી છે પણ કોઈ ખાતરી મળી નથી.

જ્યાં પ્રજાજનો સીધા મતદાન કરતા નથી એવી આ રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ અને ચર્ચિત બની ગઈ છે, કેમ કે મતદાન પહેલાં જ કૉંગ્રેસના આઠ ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે.

line

કોની-કોની વચ્ચે ચૂંટણીજંગ

નરહરિ અમીન

ઇમેજ સ્રોત, Narhari Amin/Facebook

ઇમેજ કૅપ્શન, નરહરિ અમીન

ભાજપે અભય ભારદ્વાજ અને રમિલાબહેન બારા ઉપરાંત ત્રીજા ઉમેદવાર તરીકે પાટીદાર નેતા નરહરિ અમીનનું નામ જાહેર કરતા જ 'નવાજૂની' થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી.

કૉંગ્રેસમાંથી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.

કૉંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ મધુસૂદન મિસ્ત્રી, જ્યારે ભાજપમાંથી શંભુપ્રસાદ ટુંડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનીભાઈ ગોહિલ નિવૃત્ત થનાર છે.

ગુજરાતમાંથી રાજ્યસભાના ચાર સભ્યોની ચૂંટણી માટે શુક્રવારે મતદાન યોજાશે અને સાંજે પાંચ કલાકે મતગણતરી હાથ ધરાશે. ગુજરાતમાં રાજ્યસભાની 11 સીટ છે.

કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત મુજબ, ગુજરાત ઉપરાંત છ રાજ્યમાં ઉપલાગૃહની 18 બેઠક માટે મતદાન થશે.

line

એક પછી એક રાજીનામાં

અમિત ચાવડા

ઇમેજ સ્રોત, Amit Chavada/Facebook

કૉંગ્રેસનાં ધારાસભ્યોનાં રાજીનામાંનો સિલસિલો લૉકડાઉન પહેલાં શરૂ થઈ ગયો હતો.

કોરોના વાઇરસના સંક્રમણની મહામારીને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરાઈ, એ પહેલાં ગુજરાત સહિત અન્ય રાજ્યોની ખાલી પડેલી બેઠકો માટે તા. 26મી માર્ચના રોજ ચૂંટણી યોજાવાની હતી.

જે લૉકડાઉનને પગલે સ્થગિત રાખવામાં આવી હતી. એ સમયે પણ ગુજરાત કૉંગ્રેસમાંથી પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં.

માર્ચ માસમાં જ્યારે રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થઈ, એ સમયે ગુજરાત કૉંગ્રેસમાં રાજીનામાંનો સિલસિલો શરૂ થયો હતો.

એ સમયે ગુજરાત કૉંગ્રેસના પાંચ ધારાસભ્યો, મંગળ ગાવિત, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, સોમા પટેલ, જે. વી. કાકડિયા અને પ્રવીણ મારુએ રાજીનામાં આપતાં રાજ્યસભાની બે બેઠકો જીતવાની કૉંગ્રેસની આશા ઝાંખી પડી ગઈ.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભાજપના ગેરલાયક ઠરેલા ધારાસભ્ય પબુભા માણેક આ ચૂંટણી દરમિયાન મતદાન નહીં કરી શકે.

કૉંગ્રેસે તેને ભાજપની 'ખરીદ-વેચાણની નીતિ' ગણાવી તો ભાજપે તેને 'કૉંગ્રેસની આંતરિક જૂથબંધી' જણાવીને ત્રણેય ઉમેદવાર જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો.

ભાજપના કેન્દ્રીય નેતૃત્વે ભૂપેન્દ્ર યાદવ (રાજસ્થાન) તથા આશિષ સેલારને (મહારાષ્ટ્ર) નિરીક્ષક તરીકે મોકલ્યા છે.

ત્રણ માસના સમયમાં ગુજરાત કૉંગ્રેસના આઠ ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે, ત્યારે કૉંગ્રેસે પોતાના ધારાસભ્યોને ટકાવી રાખવા 'રિસૉર્ટનાં રાજકારણ'ની રણનીતિ અપનાવી.

અગાઉ કૉંગ્રેસના અમુક ધારાસભ્યોને પાર્ટીશાસિત રાજસ્થાન મોકલી દેવાયા હતા, બાદમાં તેમને અમદાવાની ફાઇવસ્ટાર હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે.

line

ચૂંટણીની તૈયારીઓ

અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી

ચૂંટણીપંચના નિર્દેશ પ્રમાણે, દરેક ધારાસભ્ય મતદાન કરી શકે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ઉપર મૂકવામાં આવી હતી.

કોવિડ-19 સંબંધિત તૈયારીઓ માટે ડૉ. દીનકર રાવલની નિમણૂક કરવામાં આવી છે.

ચૂંટણી પૂર્વે હૉલને સૅનિટાઇઝ કરવામાં આવશે. મતદાન માટે આવનાર ધારાસભ્ય, તેમના સ્ટાફ, મીડિયા, તથા ચૂંટણી સંબંધિત અધિકારીઓનું થર્મલ સ્ક્રિનિંગ થશે.

ધારાસભ્યોએ માસ્ક પહેરવાના રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.

મતદાન બાદ ફરી હૉલને સૅનિટાઇઝ કરાશે. મતાદન માટે પી.પી.ઈ. કિટ, માસ્ક, હાથ-મોજાં, સૅનિટાઇઝર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ ગાંધીનગરમાં રાત્રે નવ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ છે. જોકે, ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓ અને ધારાસભ્યો વગેરેને છૂટ આપવામાં આવી છે.

નરહરિ અમીન

નરહરિ અમીન

ઇમેજ સ્રોત, @narhari_amin/TWITTER

કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા નરહરિ અમીનને ભાજપે રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

કહેવાય છે કે નરહરિ અમીન રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના કૂર્મી પાટીદારો સાથે ઘરોબો ધરાવે છે.

ઉમેદવાર જાહેર થયા બાદ નરહરિ અમીને કહ્યું હતું કે ઉમેદવાર તરીકે તેઓ નાની પાર્ટીઓ, અપક્ષ તથા કૉંગ્રેસના ધારાસભ્યોનો સંપર્ક કરીને તેમને મત આપવા માટે વાત કરશે.

'પાર્ટીએ પહેલા કે બીજા ઉમેદવાર તરીકે કેમ ન ઊભા રાખ્યા?' તેવા સવાલના જવાબમાં અમીને કહ્યું હતું કે તેઓ પક્ષના સિપાહી છે અને તેના આદેશ મુજબ કામ કરવા કટિબદ્ધ છે.

અમીને આશા વ્યક્ત કરી હતી કે અંતરાત્માના અવાજને અનુસરીને કૉંગ્રેસના ધારાસભ્યો વોટિંગ કરશે.

અગાઉ વિધાનસભામાં ભાજપે નરહરિ અમીનને ટિકિટ નહોતી આપી, પણ બાદમાં તેમને રાજ્યસભાની ટિકિટ આપી.

નરહરિ અમીન જ્યારે કૉંગ્રેસમાં હતા, ત્યારે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન અને સહકારી ક્ષેત્ર ઉપર તેમનું પ્રભુત્વ હતું.

જોકે 2012ની વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓ કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા હતા.

તે સમય ભાજપ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાનો ચૂંટણીજંગ લડી રહ્યો હતો.

line

ભરતસિંહ સોલંકી

ભરતસિંહ સોલંકી

ઇમેજ સ્રોત, @BharatSolankee/twitter

બોરસદમાં જન્મેલા ભરતસિંહ માધવસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

તેઓ 1995માં ધારાસભ્ય બન્યા હતા અને સતત ત્રણ ટર્મ સુધી ચૂંટાઈ આવ્યા હતા. તેઓ 2014 સુધીની તત્કાલીન ડૉ. મનમોહનસિંઘ સરકારમાં પ્રધાન હતા.

જોકે 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિલીપ પટેલ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

2019માં ભરતસિંહ સોલંકી આણંદ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને ભાજપના મીતેશ પટેલ સામે હાર્યા હતા.

ભરતસિંહ સોલંકી ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર છે.

KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ)ને કૉંગ્રેસની સાથે લઈને સોલંકીએ 182માંથી 149 બેઠક ઉપર કૉંગ્રેસને વિજય અપાવ્યો હતો.

2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે 150 કરતાં વધુ બેઠક જીતવાનું સૂત્ર આપ્યું, પણ તેને સાકાર કરી શક્યા ન હતા.

માધવસિંહ કેન્દ્ર સરકારમાં વિદેશપ્રધાાનપદે પણ રહી ચૂક્યા છે.

line

અભય ભારદ્વાજ

અભય ભારદ્વાજ

ઇમેજ સ્રોત, Abhay Bhardwaj/Facebook

રાજકોટના વકીલ એવા અભય ભારદ્વાજનું નામ 2016માં ત્યારે ચર્ચામાં આવ્યું હતું, જ્યારે તેમની હંગામી ધોરણે કાયદાપંચના સભ્ય તરીકે નિમણૂક કરાઈ હતી.

એ વખતે તેમની કાયદાપંચના સભ્ય તરીકે નિમણૂક સામે વિરોધ થયો હતો., કેમ કે તેઓ 2002નાં રમખાણોના બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટીના કેસમાં આરોપીઓના વકીલ હતા.

રાજકોટમાં રહેતા અને વ્યવસાયે વકીલ એવા અભય ભારદ્વાજનો જન્મ યુગાન્ડામાં થયો છે.

અભય ભારદ્વાજ રાજકોટ ભાજપના દિગ્ગજ નેતા ચીમનભાઈ શુક્લના સગા થાય છે.

બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથે વાત કરતાં અભય ભારદ્વાજે હતું કે, સૌરાષ્ટ્રના ખેડૂતોની સમસ્યા એ તેમની પ્રાથમિકતા રહેશે.

અમદાવાદમાં મુસ્લિમ રહીશોની બહુમતી ધરાવતી ગુલબર્ગ સોસાયટી પર 28 ફેબ્રુઆરી, 2002ના રોજ ટોળાંએ હુમલો કર્યો હતો. તેમાં કૉંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત 69 વ્યક્તિ મૃત્યુ પામી હતી.

જોકે, આ એક જ અસાઇમેન્ટથી અભય ભારદ્વાજ સરકારની નજીક છે એવું નથી.

જુલાઈ-2019માં ગુજરાત સરકારે તેમને અન્ય એક ચર્ચિત જયંતી ભાનુશાળી મર્ડર કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે નીમ્યા હતા.

આ ઉપરાંત કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ જેમાં આરોપી હતા તે સૂત્રાપાડા માઇનિંગ કેસમાં પણ તેઓ સરકારી વકીલ રહી ચૂક્યા છે.

નિવૃત્ત આઈએએસ પ્રદીપ શર્મા સામે સરકારે જે ક્રિમિનલ કેસ દાખલ કર્યો એમાં પણ તેઓ જ વકીલ હતા.

રાજકોટની ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓનાં મૃત્યુના કેસમાં પણ તેઓ સરકારી વકીલ હતા.

ન્યૂઝ18ના એક અહેવાલ મુજબ કાયદાપંચના સભ્ય તરીકે અભય ભારદ્વાજે પુરાવા અધિનિયમને શાસ્ત્રો અને વેદો મુજબ સુધારવાનું સૂચન કર્યું હતું.

એમણે કહ્યું હતું કે એમ કરવાથી ન્યાયતંત્રમાં સકારાત્મકતા આવશે.

શક્તિસિંહ ગોહિલ

શક્તિસિંહ ગોહિલ

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસે બીજું નામ જાહેર કર્યું એ હાલમાં બિહારના પ્રભારી અને કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલનું છે.

તેઓ 2014-2017માં અબડાસાના ધારાસભ્ય રહી ચૂક્યા છે.

તેમજ તેઓ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.

તેઓએ એલ.એલ.બી., એલ.એલ.એમ., બી.એસ.સી.નો અભ્યાસ પણ કરેલો છે.

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માંડવીઓ ચૂંટણી લડ્યા હતા અને ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા સામે તેમનો પરાજય થયો હતો.

line

રમિલાબહેન બારા

સ્મૃતિ ઈરાની સાથે રમિલાબહેન બારા

ઇમેજ સ્રોત, Rameela Bara/Facebook

ઇમેજ કૅપ્શન, સ્મૃતિ ઈરાની સાથે રમિલાબહેન બારા

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આદિવાસીઓનાં આંદોલન ચાલી રહ્યાં છે, ત્યારે અન્ય ઉમેદવાર તરીકે ભાજપે રમિલાબહેન બારાની પસંદગી કરી છે.

65 વર્ષીય રમિલાબહેન બારા સાબરકાંઠાના ખેડબ્રહ્માનાં વતની છે અને બી.એડ. સુધીનો અભ્યાસ કરેલો છે.

રમિલાબહેન બારા ભાજપમાંથી 2004માં ખેડબ્રહ્માની સીટ પરથી પહેલી વાર ચૂંટણી લડ્યાં હતાં અને જીત્યાં હતાં.

ખેડબ્રહ્માની સીટ કૉંગ્રેસનો ગઢ ગણાતી હતી અને કૉંગ્રેસના પૂર્વ મુખ્ય પ્રધાન અમરસિંહ ચૌધરી ત્યાંથી ચૂંટણી લડતા હતા.

બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથે વાત કરતા રમિલાબહેન બારાએ જણાવ્યું કે 'આદિવાસીઓની સમસ્યા અને પછાત વિસ્તારની સમસ્યા એ તેમની મુખ્ય પ્રાથમિકતા રહેશે.'

line

રાજ્યસભાની ચૂંટણી કેવી રીતે થાય છે?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

રાજ્યસભા એટલે સંસદનું ઉપલું ગૃહ. રાજ્યસભાની સ્થાપનાનો પાયો આઝાદી પહેલાં અંગ્રેજ સરકાર સમયે જ નખાઈ ગયો હતો.

ભારત સરકાર અધિનિયમ, 1919માં પ્રથમ વાર ભારતીય સંસદને સંઘીય માળખું બક્ષવાની વાત કરવામાં આવી હતી. પરંતુ સ્વતંત્ર ભારતમાં રાજ્યસભાની રચના 3 એપ્રિલ, 1952ના રોજ કરવામાં આવી હતી.

ભારતના બંધારણની જોગવાઈ પ્રમાણે રાજ્યસભા એ સંસદનું કાયમી ગૃહ છે. દર બે વર્ષે રાજ્યસભાના એક-તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે.

તેથી ખાલી પડેલી જગ્યા ભરવા માટે દર બે વર્ષે ચૂંટણી યોજવામાં આવે છે.

ભારતના બંધારણના અનુચ્છેદ 80 અનુસાર, રાજ્યસભાના સભ્યોની મહત્તમ સંખ્યા 250 રાખવામાં આવી છે.

જોકે, હાલમાં રાજ્યસભાની સભ્ય સંખ્યા 245 રાખવામાં આવી છે. જે પૈકી 233 સભ્યો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટાય છે જ્યારે 12 સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે.

કોણ મતદાન કરી શકે?

સંસદભવન

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્યસભાની ચૂંટણીમાં મતદાર તરીકે રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારમંડળના સભ્યો હોય છે.

નોંધનીય છે કે રાજ્યની વિધાનપરિષદના સભ્યો રાજ્યસભાના સભ્યોની ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી.

રાજ્યસભાની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી દાખલ કરવા માટે ઓછામાં ઓછા 10 સભ્યોની સંમતિ જરૂરી હોય છે.

તેમજ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે લઘુતમ વયમર્યાદા 30 વર્ષની રાખવામાં આવી છે.

રાજ્યસભાના સભ્યોની ચૂંટણી સિંગલ ટ્રાન્સફરેબલ વોટ મારફતે કરવામાં આવે છે.

આ પ્રક્રિયા અનુસાર જે તે રાજ્યની વિધાનસભાની બેઠકોને રાજ્યસભાની સંખ્યામાં એક ઉમેરીને વિભાજિત કરવામાં આવે છે.

વિભાજિત કર્યા બાદ આવેલા પરિણામમાં પણ એક ઉમેરવામાં આવે છે.

line

દાખલા દ્વારા સમજો

ધારો કે ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક ખાલી છે. તો રાજ્યની વિધાનસભાની કુલ સભ્યસંખ્યા એટલે કે 182ને એક બેઠકમાં વધુ એક ઉમેરી એટલે કે 2 વડે ભાગવાથી 91 પરિણામ આવશે.

હવે આ પરિણામમાં વધુ એક ઉમેરી દેવાથી પરિણામ 92 આવશે.

આનો અર્થ એ થયો કે ગુજરાતમાંથી કોઈ વ્યક્તિએ રાજ્યસભા સાંસદ બનવા માટે 92 પ્રાથમિક મત મેળવવાની જરૂર રહેશે.

ઉપરાંત આ ચૂંટણીમાં દરેક મતદારને એક જ મત આપવાનો અધિકાર હોવા છતાં જુદા-જુદા ઉમેદવારોને પ્રાથમિકતા આપવાની હોય છે, પરંતુ આ જોગવાઈ અનુસરવું ફરજિયાત નથી હોતું.

આ પ્રાથમિકતાના નિયમ અનુસાર જે તે મતદારે પોતાના મતદાનપત્રકમાં ત્રણ પ્રાથમિકતા દર્શાવવાની હોય છે.

કુલ મતો પૈકી પ્રથમ પ્રાથમિકતાના ન્યૂનતમ મત મેળવનાર ઉમેદવારને વિજયી માનવામાં આવે છે.

નોંધનીય છે કે રાજ્યસભાના સભ્યોની મુદ્દત 6 વર્ષની હોય છે.

line

અગાઉની રાજ્યસભા ચૂંટણી અને વિવાદ

વિજય રૂપાણીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

2019 માં ગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠક પર ભાજપના ઉમેદવાર એસ. જયશંકર અને જુગલજી ઠાકોરનો બહુમતી સાથે વિજય થયો.

કૉંગ્રેસના કહેવા પ્રમાણે, અલ્પેશ ઠાકોર સહિતના બે ધારાસભ્યોએ ક્રૉસ-વોટિંગ કર્યું હતું.

વિધાનસભામાં કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ આ ચૂંટણીને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી, પરંતુ સર્વોચ્ચ અદાલતે આ મુદ્દે દખલ દેવાનો ઇન્કાર કર્યો હતો.

એ ચૂંટણી દરમિયાન ધારાસભ્યો બળવો કે ક્રૉસ વોટિંગ ન કરે તે માટે તેમને પાલનપુર નજીક એક રિસૉર્ટમાં મોકલી દેવાયા હતા.

ભાજપના અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના પાટનગર ગાંધીનગરની બેઠક ઉપરથી લોકસભામાં ચૂંટાયા હતા. જ્યારે કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની અમેઠીની બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યાં હતાં.

આથી બંનેએ રાજીનામાં આપ્યાં હતાં અને ફરી રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી.

line

કાર્યક્રમ, ત્યારનો અને અત્યારનો

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તા. 25મી ફેબ્રુઆરીએ 17 રાજ્યોની 55 બેઠકને ભરવા માટેના કાર્યક્રમની જાહેરાત કરી, જેનું જાહેરનામું માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં બહાર પાડવામાં આવ્યું હતું.

ભારતમાં કોરોના વાઇરસના કેસ

આ માહિતીને નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે, છતાં તેમાં કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના આંકડા તાત્કાલિક ન દેખાય તેવી શક્યતા રહેલી છે.

રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ કુલ કેસ સાજા થયા મૃત્યુ
મહારાષ્ટ્ર 1351153 1049947 35751
આંધ્ર પ્રદેશ 681161 612300 5745
તામિલનાડુ 586397 530708 9383
કર્ણાટક 582458 469750 8641
ઉત્તરાખંડ 390875 331270 5652
ગોવા 273098 240703 5272
પશ્ચિમ બંગાળ 250580 219844 4837
ઓડિશા 212609 177585 866
તેલંગણા 189283 158690 1116
બિહાર 180032 166188 892
કેરળ 179923 121264 698
આસામ 173629 142297 667
હરિયાણા 134623 114576 3431
રાજસ્થાન 130971 109472 1456
હિમાચલ પ્રદેશ 125412 108411 1331
મધ્ય પ્રદેશ 124166 100012 2242
પંજાબ 111375 90345 3284
છત્તીગઢ 108458 74537 877
ઝારખંડ 81417 68603 688
ઉત્તર પ્રદેશ 47502 36646 580
ગુજરાત 32396 27072 407
પુડ્ડુચેરી 26685 21156 515
જમ્મુ-કાશ્મીર 14457 10607 175
ચંદીગઢ 11678 9325 153
મણિપુર 10477 7982 64
લદ્દાખ 4152 3064 58
આંદમાન નિકોબાર 3803 3582 53
દિલ્હી 3015 2836 2
મિઝોરમ 1958 1459 0

સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

કલાકની સ્થિતિ 11: 30 IST

તા. 18મી માર્ચે નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ 10 રાજ્યમાં 37 બેઠક બિનહરીફ ચૂંટાયાઈ આવ્યા હતા.

જોકે ગુજરાત (ચાર), આંધ્ર પ્રદેશ (ચાર), મધ્ય પ્રદેશ (ત્રણ), રાજસ્થાન (ત્રણ), ઝારખંડ (બે) તથા મેઘાલય-મણિપુરની એક-એક એમ છ રાજ્યની 18 બેઠક માટે ચૂંટણી યોજવાની જરૂર ઊભી થઈ હતી.

કૉંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના સમર્થક ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાયા છે, જેના કારણે મધ્ય પ્રદેશમાં ફરી એક વખત શિવરાજસિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર બની છે.

ભાજપે સિંધિયાને તેમના ગૃહરાજ્યમાંથી રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે, જેના કારણે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસના ગણિતને અસર પહોંચી શકે છે.

પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ 26મી માર્ચે ચૂંટણી યોજાનાર હતી, પરંતુ કોરોના વાઇરસને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને પગલે ચૂંટણી પંચે બંધારણીય અધિકારોનો ઉપયોગ કરીને ચૂંટણી પ્રક્રિયાને મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.

ચૂંટણી પંચની જાહેરાત મુજબ ગુજરાતમાંથી રાજ્યસભાના ચાર સભ્યો ચૂંટણી માટે તા. 19મી જૂને મતદાન યોજાશે અને એજ દિવસે સાંજે પાંચ કલાકે મતગણતરી હાથ ધરાશે. તા. 22મી જૂન સુધીમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે.

ચૂંટણી પંચ દ્વારા રાજ્યના મુખ્ય સચિવોને સૂચના આપવામાં આવી છે કે ચૂંટણી પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે વરિષ્ઠ અધિકારીની નિમણૂક કરવામાં આવે, જે કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા સંબંધિત માર્ગદર્શિકાને આધિન રહેને ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ કરાવે.

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો