ગુજરાતમાં સરકારી કર્મચારી સરકારની કોઈ નીતિની ટીકા ન કરી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
શું સરકારી કર્મચારીઓ સરકારની નીતિઓ કે નિર્ણયની ટીકા કરે તો તે નિયમનો ભંગ ગણાય?
હાલમાં ગુજરાતમાં વાહન વ્યવહાર કમિશનરની કચેરીએ એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં કહેવાયું છે કે કોઈ પણ સરકારી અધિકારી કે કર્મચારીએ સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા પર સરકારની નીતિની ટીકા કરતું નિવેદન આપે કે શૅર કરે તો તેને ગુજરાત સિવિલ સર્વિસિઝ (કનડક્ટ) રૂલ્સ, 1971ના નિયમ-9નો ભંગ ગણાશે.
આ પરિપત્રમાં ગુજરાત સેવા વર્તણૂક નિયમો 1971નો હવાલો આપીને સૂચના આપવામાં આવી છે.
પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં 10-8-1971થી લાગુ આ નિયમોના નિયમ-9 પ્રમાણે સરકારી કર્મચારીઓએ કેન્દ્ર અથવા રાજ્ય સરકારની કોઈ પણ પ્રવર્તમાન અથવા તાજેતરની નીતિ અથવા પગલાંની પ્રતિકૂળ ટીકારૂપ કોઈ હકીકત કે મંતવ્ય આપવો નહીં.
એમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના સંબંધો અથવા વિદેશી સરકાર સાથે કેન્દ્ર સરકારના સંબંધોમાં મુશ્કેલી પેદા કરતું નિવેદન ન આપવું.
કૉંગ્રેસે આ બાબતે સરકારની ટીકા કરતાં કહ્યું છે કે સરકારી કર્મચારીઓમાં ગુસ્સો છે જે વ્યક્ત થઈ રહ્યો છે.
અભિવ્યક્તિ પર તરાપ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ અંગે નિવૃત્ત એડિશનલ આઈજી પોલીસ રિફૉર્મ આર. બી. શ્રીકુમારે કહ્યું કે, "આ પરિપત્ર ફ્રીડમ ઑફ એક્સપ્રેશનની વિરુદ્ધ છે. કર્મચારીઓનું ગળું ઘૂંટવાવાળો છે. ગુજરાતમાં સરકારે કાયદાના નામે ફ્રીડમ ઑફ એક્સપ્રેશનને મારી નાખી છે."
"અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મૂકવાની કોશિશ છે. નાગરિકતા સંશોધન કાયદો અને સરકારના અન્ય તઘલખી નિર્ણયો સામે કોઈ કર્મચારી પોતાનો અંગત અભિપ્રાય ન આપી શકે એવું આ કાવતરું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો કૉંગ્રેસે પણ સરકારના પરિપત્રની ટીકા કરી હતી.
કૉંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું કે "સરકાર કર્મચારીઓને તેમની ક્ષમતા પ્રમાણે કોઈ કામ નથી કરવા દેવાતું."
"એના કારણે તેમનામાં રોષ છે જે અભિવ્યક્ત થઈ રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સરકારી કર્મચારીઓને થતા અન્યાય સામે એ લોકો અવાજ ઉઠાવે છે તો એમનો અવાજ દબાવી દેવા માટે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે."
"બંધારણની કલમ 19 મુજબ આ પરિપત્ર બહાર પાડીને સરકાર એમની અભિવ્યક્તિ છીનવી રહી છે."
જોકે સરકાર તરફથી આ બાબતે નિયમનો હવાલો આપવામાં આવ્યો છે, ભાજપનું કહેવું છે કે આ પરિપત્રમાં કંઈ ખોટું નથી.
ભાજપનાં પ્રવક્તા ડૉ. શ્રદ્ધા રાજપૂતે કહ્યું કે "સરકારી કર્મચારીઓએ સરકારના નિયમોને આધીન રહેવાનું હોય."
"સરકારની શિસ્ત વિરુદ્ધ એ કંઈ પણ બોલી શકે નહીં જેની જોગવાઈ સરકારમાં થયેલી જ છે. એ આધારે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં કંઈ ખોટું નથી."

નિયમ શું કહે છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
રિટાયર્ડ આઈએએસ ઑફિસર વજુ પરસાણાએ કહ્યું કે "સરકારી કર્મચારી માટેનો આ કાયદો 1971માં બન્યો હતો. એ પહેલાં બૉમ્બે ઍક્ટ હતો."
"બૉમ્બે ઍક્ટની અંદર આવી કોઈ જોગવાઈ હતી નહીં એટલે એ સમયે સરકારી કર્મચારીઓ સરકારના નિયમ વિરુદ્ધમાં જઈને આંદોલન પણ કરતા હતા."
"1971માં ગુજરાત પોલીસે હાફ પૅન્ટની જગ્યાએ પૅન્ટ અને ટપાલી ટોપીના બદલે કૅપ માટે આંદોલન કર્યું ત્યારે તમામ વાહનોના ડ્રાઇવરો હડતાળ પર ઊતરી ગયા હતા."
"અને સરકાર વિરુદ્ધ પણ પડ્યા હતા ત્યારે 1971માં આ કાયદાનો અમલ કરવામાં આવ્યો હતો."
તેઓ કહે છે કે "આ કાયદામાં અધિકૃત સરકારી યુનિયનના હોદ્દેદારો સિવાય સરકારની નીતિ સામે કે માગણી સામે અવાજ ઉઠાવવા પર પ્રતિબંધ લદાયો હતો."
"અલબત્ત, એનો ઉદ્દેશ્ય બહુ સારો હતો, જેમાં ખાતાકીય કાર્યવાહી કર્યા બાદ કર્મચારીને ખુલાસો કરવાનો પણ સમય મળતો હતો."
"ઉપરાંત જો કર્મચારી કાર્યવાહીથી સંતુષ્ટ ન હોય તો આર્બિટ્રેટર સામે અપીલ કરવાનો અધિકાર પણ આ કાયદામાં છે."
તેઓ આગળ કહે છે કે "છેલ્લા કેટલાક સમયથી સરકારી કર્મચારીઓ સોશિયલ મીડિયા પર પોતાના અંગત વિચારો વ્યક્ત કરે તો એના પર કાબૂ રાખવાનો આ પ્રયાસ છે."
જોકે સરકારી કર્મચારી સરકારની નીતિ અથવા નિર્ણય વિરુદ્ધ અવાજ ઉઠાવે કે ટીકા કરે તો શું કાર્યવાહીની જોગવાઈ છે?
જીપીએસસીના ભૂતપૂર્વ પ્રમુખ મૂળચંદ રાણાએ કહ્યું કે "સરકારની નીતિની સામે સરકારી કર્મચારી અવાજ ન ઉઠાવે તો એના ખાતાવાહી કાર્યવાહીનો સીઆર જોયા પછી એનું પ્રમોશન રોકવું કે કેમ, એનો નિર્ણય લેવાતો હોય છે."
"1971ના કાયદા મુજબ સરકારી કર્મચારી સરકારની વિરુદ્ધ જાહેરમાં કોઈ પણ નિવેદન આપી શકે નહીં. ભૂતકાળમાં પણ આવી ખાતાકીય કાર્યવાહી સામે, સસ્પેન્શન સુધીનાં પગલાં પણ લેવાયાં છે."
તો વજુભાઈ પરસાણા પણ કહે છે કે "ગેરશિસ્તની તીવ્રતા જોયા પછી સરકાર દ્વારા કડક પગલાં પણ લેવાતાં હોય છે."
"1985માં પોલીસ આંદોલનમાં પોલીસકર્મીઓના નેતા અશોક જે. ભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, કારણ કે તેમણે સરકાર વિરુદ્ધ કામ કર્યું હતું અને હડતાળ પાડી હતી. પરંતુ સામાન્ય સંજોગોમાં સરકાર વિરુદ્ધ પોતાનો મત વ્યક્ત કરનારને ઠપકો આપીને માફ કરવામાં આવે છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














