એ રાત જેણે મહારાષ્ટ્રની રાજનીતિ બદલી નાખી, શું થયું હતું એ રાતે?

નરેન્દ્ર મોદી સાથે દેવેન્દ્ર ફડણવીસ

ઇમેજ સ્રોત, Getty Images

મહારાષ્ટ્રમાં રાતોરાત દેશના રાજકારણની સૌથી મોટી ઊથલપાથલ થઈ ગઈ. શનિવારે વહેલી સવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ભાજપના દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય મંત્રી તરીકે અને એનસીપીના અજિત પવારને ઉપમુખ્ય મંત્રી તરીકે શપથ લેવડાવ્યા.

શુક્રવારની રાતે મહારાષ્ટ્રની રાજનીતિમાં પાસાં પલટી ગયાં અને ભાજપે હાલ પૂરતી અજિત પવારની મદદથી બાજી મારી લીધી.

શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે, એનસીપીના સુપ્રીમો શરદ પવાર અને કૉંગ્રેસના નેતાઓ સરકાર બનાવવા માટે બંધ બારણે બેઠકો કરી રહ્યા હતા.

અજિત પવાર

ઇમેજ સ્રોત, Getty Images

આ તરફ ભાજપના નેતાઓ મૌન હતા પરંતુ પોતાના મિશનમાં આગળ વધી રહ્યા હતા. ફડણવીસ અને ગડકરી સહિતના ભાજપના નેતાઓ આ પહેલાં પણ કહી ચૂક્યા હતા કે સરકાર તેમની જ બનશે.

શરદ પવાર કે જેઓ ત્રણેય પક્ષ વચ્ચે મહત્ત્વની કડી હતા તેમણે શુક્રવારે સાંજે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહારાષ્ટ્રને નવી સરકાર મળશે તેમાં બેમત નથી.

ત્રણેય પક્ષો વચ્ચે મોટા ભાગની વાતો પર સહમતિ સધાઈ ગઈ હતી પરંતુ કેટલાક મુદ્દાઓ અંગે ચર્ચા કરવાની હજી બાકી હોવાનું શરદ પવારે જણાવ્યું હતું.

જોકે, શુક્રવારની સાંજ સુધીમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ સરકાર માટે દાવો ન કરી શક્યા અને શનિવારે બપોરે તેમણે ફરીથી બાકી રહેલા મુદાઓ પર ચર્ચા કરવા બેઠક કરવાનું નક્કી કર્યું હતું.

બપોરે આ ત્રણેય પક્ષો મળે તે પહેલાં જ રાજનીતિમાં સૌને ચોકાવી દેનારા નિર્ણયો લેનારા ભાજપ પક્ષે વહેલી સવારે પોતાના નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય મંત્રી તરીકે શપથ લેવડાવી દીધા.

line

શુક્રવારની એ રાત જેમાં રાજકીય ઊથલપાથલ થઈ

સંજય રાઉત

ઇમેજ સ્રોત, Getty Images

શુક્રવારે શિવસેના સાથે થયેલી બેઠકમાં અજિત પવાર હાજર હતા એવો દાવો શિવસેનાના નેતા સંજ્ય રાઉતે કર્યો છે.

રાઉતે કહ્યું કે કાલ રાતના નવ વાગ્યા સુધી અજિત પવાર તેમની સાથે વાતચીતમાં સામેલ હતા. જે બાદ તેઓ અચાનક ગાયબ થઈ ગયા હતા.

સંજય રાઉતે દાવો કર્યો કે રાતના નવ વાગ્યા બાદ અજિત પવારનો ફોન બંધ આવતો હતો અને બેઠકમાં તેઓ અમારી સાથે આંખમાં આંખ મિલાવીને વાત કરી શકતા ન હતા.

બીજી તરફ શરદ પવાર સાથે શનિવારે પ્રેસ કૉન્ફરન્સમાં હાજર એનસીપીના ધારાસભ્યે કહ્યું કે રાત્રે શુક્રવારે રાત્રે તેમને અજિત પવારનો ફોન આવ્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા ઘણા દિવસથી ભાજપની નેતાગીરી અને અજિત પવાર વચ્ચે વાતચીત ચાલી રહી હતી.

આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અજિત પવારને સાથે લેવા માટે ભાજપના અધ્યક્ષ અમિત શાહે તેમના વિશ્વાસુ ગણાતાં ભૂપેન્દ્ર યાદવને આ કામ સોંપ્યું હતું.

ભૂપેન્દ્ર યાદવ ભાજપના જનરલ સેક્રેટરી છે અને તેઓ મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપના ઇન્ચાર્જ પણ છે.

દાવા મુજબ શિવસેના, એનસીપી અને કૉંગ્રેસે જાહેરાત કર્યા બાદ અમિત શાહે ભૂપેન્દ્ર યાદવને તાત્કાલિક શુક્રવારે સાંજે મુંબઈ મોકલ્યા.

આ સાથે જ તેમણે રાતોરાત દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય મંત્રી બનાવવાની ડીલ કરી નાખી.

આ પહેલાં ભાજપના નેતા ગડકરી કહ્યું હતું કે કંઈ પણ થાય મહારાષ્ટ્રમાં ભાજપની જ સરકાર બનશે. તેનો અર્થ હવે સ્પષ્ટ થતો દેખાય છે.

line

એ પત્ર જેણે શિવસેના-એનસીપીની બાજી બગાડી

શરદ પવાર સાથે ઉદ્ધવ ઠાકરે

ઇમેજ સ્રોત, Getty Images

મહારાષ્ટ્રમાં રાતોરાત રાષ્ટ્રપતિ શાસન હઠાવી દેવાયું અને એનસીપીને પણ અંધારામાં રાખીને અજિત પવાર ઉપમુખ્ય મંત્રી બની ગયા અને ભાજપને સત્તાની ખુરશી સુધી પહોંચાડી દીધો.

શનિવારે પત્રકારપરિષદમાં આ મામલે બોલતાં એનસીપીના સુપ્રીમો શરદ પવારે કહ્યું કે અજિત પવારે લીધેલો નિર્ણય તેમનો છે, પક્ષનો નથી.

શરદ પવારે કહ્યું, "સવારના 6-30 વાગ્યે અમને જાણ થઈ કે રાજ્યપાલ રાજભવનમાં જ છે, અમે ખુશ હતા. ત્યાં જ સમાચાર આવ્યા કે અજિત પવાર ઉપમુખ્ય મંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે. અજિત પવારના ઉપમુખ્ય મંત્રી બનાવાની જાણ અમને પણ અચાનક જ થઈ હતી."

શરદ પવારનો આરોપ છે કે અજિત પવારે એક પત્રના આધારે રાજનીતિની આ મોટી રમત રમી છે.

ચૂંટણીના પરિણામો બાદ એનસીપીએ વિપક્ષમાં બેસવાનો નિર્ણય કર્યો હતો અને અજિત પવારને એનસીપીના ધારાસભ્ય દળના નેતા બનાવ્યા હતા.

શરદ પવારનું કહેવું છે કે ધારાસભ્ય દળના નેતાના રૂપમાં અજિત પવાર પાસે એનસીપીના ચૂંટાયેલા તમામ ધારાસભ્યની સહીવાળો પત્ર હતો.

તેમના દાવા પ્રમાણે આ પત્ર લઈને અજિત પવાર રાજ્યપાલ પાસે ગયા અને તે પત્રને તેમણે તમામ ધારાસભ્યોના સમર્થનના રૂપમાં રજૂ કર્યો.

પવારે આરોપ લગાવ્યો કે જે પત્રને રાજ્યપાલ સમક્ષ રજૂ કરવામાં આવ્યો તેમાં 54 ધારાસભ્યોના હસ્તાક્ષર હતા, જેનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે.

line

કેવી રીતે ધારાસભ્યોને રાજભવન લઈ જવાયા?

શરદ પવાર સાથે ઉદ્ધવ ઠાકરે

ઇમેજ સ્રોત, Getty Images

શનિવારે સવારે થયેલી પત્રકારપરિષદમાં એનસીપીના ધારાસભ્ય રાજેન્દ્ર સિંઘે કહ્યું કે તેમને કંઈ જ ખબર ન હતી કે તેમને રાજ્યપાલના નિવાસસ્થાને શા માટે લઈ જવામાં આવ્યા છે.

તેમણે કહ્યું, "અમે જ્યારે રાજભવન પહોંચ્યા તો અમને જરા પણ માહિતી નહોતી કે અહીં કેમ લાવવામાં આવ્યા છે."

"થોડીવારમાં અચાનક ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ આવ્યા અને તેમણે શપથ ગ્રહણ કર્યા. જે બાદ અજિત પવારે ઉપમુખ્ય મંત્રી તરીકે શપથ લીધા."

બીજા એક ધારાસભ્યે કહ્યું કે તેમને રાતે અજિત પવારનો ફોન આવ્યો હતો અને ધનંજય મુંડેના બંગલે આવવાનું કહ્યું હતું. અમને ખબર જ ન હતી કે શું થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ શરદ પવારની સાથે છે.

રાજ્યપાલે ફડણવીસ સરકારને વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીનું કહેવું છે કે ફડણવીસ વિધાનસભામાં બહુમત સાબિત નહીં કરી શકે.

શરદ પવારે કહ્યું કે ત્રણેય પક્ષ એક છે અને છેક સુધી ભાજપ સામે લડશે. કૉંગ્રેસે કહ્યું છે કે તેઓ રાજકીય અને કાયદાકીય બંને પગલાં લેશે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો