મહારાષ્ટ્ર ચૂંટણી : શું ભાજપ-શિવસેના 2014નો ઇતિહાસ રિપીટ કરી શકશે?

મોદી, ઉદ્ધવ ઠાકરે અને ફડણવીસ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મયૂરેશ કૌન્નુર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ છે. 288 બેઠકવાળી મહારાષ્ટ્ર વિધાનસભા માટે 21 ઑક્ટોબરે મતદાન યોજાશે. જ્યારે 24 ઑક્ટોબરે મતગણતરી થશે.

સવાલ એ થાય કે શું કૉંગ્રેસ અને શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) ભાજપ અને શિવસેના સામે કોઈ મોટો પડકાર બની રહેશે કે પછી પાંચ મહિના પહેલાં યોજાયેલી લોકસભા ચૂંટણી જેવાં પરિણામો આવશે.

શું શિવસેના-ભાજપ 2014નું પ્રદર્શન રિપીટ કરશે કે વર્ષોથી મહારાષ્ટ્રની સત્તામાં રહેલા કૉંગ્રેસ-એનસીપી ફરીથી ઊભરી આવશે?

line

2014માં મહારાષ્ટ્રમાં શું થયું હતું?

દેવેન્દ્ર ફડણવીસ

ઇમેજ સ્રોત, MAHARASHTRA GOVERNMENT

2014માં દિલ્હીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની પૂર્ણ બહુમતીવાળી સરકાર બન્યા બાદ એ જ હવા છ મહિના બાદ થયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ ફેલાઈ હતી.

મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વમાં સરકાર બની અને દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રી બન્યા. જોકે ભાજપને સ્પષ્ટ બહુમતી નહોતી મળી.

એ સમયે સીટોની વહેંચણી મુદ્દે 25 વર્ષ જૂનું ભાજપ-શિવસેનાનું ગઠબંધન તૂટી ગયું હતું અને બંને પક્ષો પોતાની રીતે ચૂંટણી લડ્યા હતા.

પરંતુ ચૂંટણી બાદ ત્રણ મહિનામાં જ શિવસેનાએ સમજૂતી કરી લીધી અને તેના 63 ધારાસભ્યો સરકારમાં સામેલ થઈ ગયા.

આ અગાઉ 1995માં શિવસેના-ભાજપની મહારાષ્ટ્રમાં સરકાર બની હતી, જે રાજ્યની પહેલી બિનકૉંગ્રેસી સરકાર હતી.

અગાઉ મહારાષ્ટ્રમાં 1999થી 2014 એટલે 15 વર્ષ કૉંગ્રેસ-એનપીસી ગઠબંધનની સરકાર રહી, પરંતુ 2014માં તેઓ ભાજપના મુકાબલે પાછળ રહી ગઈ હતી.

line

છેલ્લાં પાંચ વર્ષમાં શું થયું?

શરદ પવાર

ઇમેજ સ્રોત, Getty Images

શિવસેના-ભાજપના ગઠબંધનથી મહારાષ્ટ્રમાં સરકાર તો બની, પરંતુ આંતરિક ઝઘડાને કારણે તેઓ ચર્ચામાં રહ્યા.

શિવસેના સત્તામાં સામેલ થઈ, પરંતુ ભાજપની રાજકીય અને આર્થિક નીતિઓ સામે હંમેશાં આક્રમક વલણ અપનાવ્યું. વિપક્ષ કરતાં પણ વધુ.

પછી તે નોટબંધી હોય, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો નિર્ણય હોય કે પછી મુંબઈ મેટ્રોના કારશેડનો વિરોધ- શિવસેનાએ હંમેશાં આક્રમક વલણ અપનાવ્યું.

છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યમાં થયેલી મોટા ભાગની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાની જીત થઈ છે.

પછી પંચાયતની ચૂંટણી હોય, નગરપાલિકા કે મહાનગરપાલિકા. શિવસેના-ભાજપે અલગઅલગ ચૂંટણી લડી, પરંતુ વિપક્ષોને મોકો ન આપ્યો.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં બંને વચ્ચે જોરદાર જંગ જામ્યો.

એવું લાગતું હતું કે વર્ષથી મુંબઈમાં ચાલતી આવતી શિવસેનાની સત્તા છીનવાઈ જશે.

પરંતુ શિવસેનાના વધુ બે કૉર્પોરેટર ચૂંટાઈને આવ્યા અને મુંબઈ તેમના જ હાથમાં રહ્યું. જોકે બંને વચ્ચેના ઝઘડા છતાં શિવસેના સરકાર રહી.

સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપો પણ લાગ્યા અને તેનાથી રાજકીય ઊથલપાથલ પણ મચી.

સરકારમાં નંબર ટુ પર રહેલા અને ભાજપના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેએ જમીન ગોટાળા મામલે રાજીનામું આપવું પડ્યું.

પંકજા મુંડે, વિનોદ તાવડે જેવાં મંત્રીઓ પર પણ વિપક્ષે આરોપ મૂક્યા, પરંતુ તેમની ખુરશી જળવાઈ રહી.

line

મરાઠા અનામત આંદોલન, ખેડૂત આંદોલન અને ભીમા કોરેગાંવ

ભીમા-કોરેગાંવ

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની સરકારની અસલી પરીક્ષા આ પાંચ વર્ષમાં મરાઠા અનામત આંદોલન સમયે થઈ.

મરાઠા મહારાષ્ટ્રમાં સંખ્યાની દૃષ્ટિએ સૌથી મોટી જાતિ છે. તેમની વર્ષો જૂની માગ હતી કે તેઓને ઓબીસી વર્ગમાં અનામત મળે.

આ માગને લઈને લાખો લોકો રસ્તા પર ઊતરી આવ્યા. કેટલીક જગ્યાએ હિંસા ભડકી અને આત્મહત્યા પણ થઈ.

આખરે સરકારે અનામતની માગ મંજૂર કરવી પડી. સરકારે મરાઠાઓને આર્થિક અને શૈક્ષણિકસ્તરે પછાત જાહેર કરીને 18 ટકા અનામત આપી. ઉચ્ચ અદાલતે પણ અનામત મંજૂર રાખી.

આ સરકારના કાર્યકાળમાં મોટાં ખેડૂત આંદોલનો પણ થયાં. દબાણમાં આવેલી સરકારે ખેડૂતોનાં દેવાંમાફીની જાહેરાત કરવી પડી.

જોકે આરોપ છે કે આ યોજના હજુ સુધી ખેડૂતો સુધી પહોંચી શકી નથી.

જ્યારે 1 જાન્યુઆરી, 2018માં પૂણે પાસે ભીમા-કોરેગાંવમાં હિંસા થઈ ત્યારે સરકાર દબાણમાં આવી.

આ દિવસ એક ઐતિહાસિક યુદ્ધને 200 વર્ષ પૂરાં થતાં જશ્નનો હતો. પરંતુ ત્યાં હિંસા ભડકી, પથ્થરમારો થયો અને આગચંપીમાં ઘણું નુકસાન થયું.

line

વર્તમાન સ્થિતિ શું છે?

ઉદ્ધવ ઠાકરે, મોદી

હવે જ્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ ત્યારે સવાલ એ છે કે શું શિવસેના-ભાજપનું ગઠબંધન યથાવત્ રહેશે કે તેઓ અલગઅલગ ચૂંટણી લડશે.

લોકસભા ચૂંટણીના કેટલાક દિવસ અગાઉ ભાજપે શિવસેના સાથે ગઠબંધન કરી લીધું હતું. ત્યારે એવું નક્કી થયું હતું કે વિધાનસભા ચૂંટણીમાં અડધીઅડધી સીટોની વહેંચણી થશે.

પરંતુ લોકસભામાં ભાજપની ઐતિહાસિક જીત બાદ ભાજપ શિવસેનાને એટલી સીટો આપવા તૈયાર ન થયો.

ભાજપનું એક જૂથ કહી રહ્યું છે કે ભાજપ એકલા હાથે બહુમતી લાવી શકે છે. જોકે મુખ્ય મંત્રી ફડણવીસ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વારંવાર કહી રહ્યા છે કે ગઠબંધન થશે જ.

'મુંબઈ મેટ્રો'ના થોડા દિવસ અગાઉ થયેલા કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ મંચસ્થ ઉદ્ધવ ઠાકરેને 'નાના ભાઈ' કહ્યા હતા.

મહારાષ્ટ્રના રાજકારણમાં એનો અર્થ એ થાય કે ગઠબંધનમાં જેને ઓછી જગ્યા મળે તેને નાના ભાઈ કહે છે.

બીજી તરફ ભાજપ અને શિવસેના જે રીતે પ્રચારમાં જોતરાયા છે એ જોતાં કદાચ તેઓ એકલા જ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.

મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઑગસ્ટમાં 'મહાજનાદેશ યાત્રા' શરૂ કરી હતી. એ યાત્રાનું એલાન થતાં જ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યે 'જનઆશીર્વાદ યાત્રા' શરૂ કરી.

શિવસેના તરફથી આદિત્યનું નામ મુખ્ય મંત્રીપદ માટે બોલાવા લાગ્યું.

ઠાકરે પરિવાર પરિવારમાંથી અત્યાર સુધી કોઈ ચૂંટણી લડ્યું નથી, પરંતુ અણસાર છે કે આદિત્ય મુંબઈની કોઈ એક સીટ પરથી ચૂંટણી લડશે.

line

વિપક્ષમાંથી 'પલાયન'

ઉદ્ધવ ઠાકરે

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસ અને એનસીપીના ઘણા કદ્દાવર નેતાઓ પક્ષ છોડીને ભાજપ અને શિવસેનામાં ભળી રહ્યા છે. આટલી સંખ્યામાં મહારાષ્ટ્રમાં 'પલાયન' ક્યારેય થયું નથી.

મતલબ કે હવા માત્ર ભાજપ અને શિવસેના તરફી છે અથવા તો વિપક્ષ નબળો પડી ગયો છે.

આ પલાયનનો સૌથી મોટો ઝટકો એનસીપીના અધ્યક્ષ શરદ પવારને લાગ્યો છે.

વર્ષોથી તેમની સાથે રહેલા અને સરકારમાં મંત્રી રહી ચૂકેલા નેતાઓ હવે તેમને છોડી રહ્યા છે.

શરદ પવાર ખુદ કહી ચૂક્યા છે કે સત્તા પક્ષના નેતાઓ વિપક્ષના નેતાઓને એજન્સીઓની પૂછપરછનો ડર બતાવી રહ્યા છે અને તેમને પાર્ટીમાં બોલાવાઈ રહ્યા છે.

મહારાષ્ટ્રની આ ચૂંટણી શરદ પવાર વિરુદ્ધ સત્તા પક્ષ જેવી લાગી રહી છે.

કૉંગ્રેસના પણ ઘણા મોટા નેતાઓ સત્તા પક્ષમાં જોડાઈ ગયા છે. પરંતુ કૉંગ્રેસની સ્થિતિ વર્તમાન સમયના નેતાઓનાં અલગઅલગ જૂથે નબળી કરી નાખી છે.

ચૂંટણીના કેટલાક મહિના પહેલાં જ મહારાષ્ટ્ર કૉંગ્રેસને નવા અધ્યક્ષ મળ્યા છે. મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષનું પદ ખાલી છે.

લોકસભા ચૂંટણી પછી રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીએ મહારાષ્ટ્ર તરફ ધ્યાન આપ્યું નથી. એટલે કે વિખરાયેલી કૉંગ્રેસ મહારાષ્ટ્રમાં ચૂંટણી લડવા જઈ રહી છે.

line

દલિત અને મુસ્લિમ વોટનું શું થશે?

ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે

ઇમેજ સ્રોત, Getty Images

ભીમા કોરેગાંવની ઘટના બાદ દલિત સમુદાયના આક્રોશને વાચા આપીને પ્રકાશ આંબેડકરે નેતૃત્વ લીધું છે.

તેમણે 'એઆઈએમઆઈએમ'ના અસદુદ્દીન ઔવેસી સાથે મળીને લોકસભા ચૂંટણી અગાઉ 'વંચિત બહુજન આઘાડી'નું ગઠબંધન રચ્યું.

દલિત અને મુસ્લિમ સમુદાયને વોટ એક થતા લોકસભા ચૂંટણીમાં ભારે અસર પડી હતી.

એવું લાગતું હતું કે વિધાનસભા ચૂંટણીમાં પણ તેની અસર દેખાશે, પરંતુ ગઠબંધન તૂટી ગયું છે. બંનેમાં સીટોની વહેંચણીને વિવાદ થયો હતો અને ગઠબંધન તૂટી ગયું.

મહારાષ્ટ્રનો એક ભાગ મરાઠાવાડા દુષ્કાળની ઝપેટમાં છે અને બીજો ભાગ પશ્ચિમ મહારાષ્ટ્ર હાલમાં આવેલા પૂરથી પ્રભાવિત છે.

મુંબઈ, પૂણે, નાસિક, ઔરંગાબાદ જેવા ઉદ્યોગક્ષેત્રો આર્થિક સુસ્તીનો માર સહી રહ્યા છે.

આવી સ્થિતિમાં પાયાના પ્રશ્નોની ચૂંટણી પર અસર થશે કે પછી રાષ્ટ્રવાદ અને અનુચ્છેદ 370 જેવા મુદ્દાઓ છવાયેલા રહેશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો