નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી : સ્વતંત્રતાદિને 'ઝંડાને સલામી આપવા ઊઠેલા એમના પંજાની ધ્રુજારીમાં હવે ઉંમર વર્તાતી હતી.'

ઇમેજ સ્રોત, Bjp
- લેેખક, ડૉ. ધીમંત પુરોહિત
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
આઝાદ ભારત 73 વર્ષનું થયું, લાલ કિલ્લો 371 વર્ષનો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી 68ના.
સ્વાતંત્ર્યદિને લાલ કિલ્લાની પરથી આ છઠ્ઠા સંબોધનમાં ગુજરાતી બાંધાણીથી બનેલો સાફો પહેરેલા મોદીનો જુસ્સો અને જોશ અકબંધ છે છતાં ઝંડાને સલામી આપવા ઊઠેલા એમના પંજાની ધ્રુજારીમાં હવે ઉંમર વર્તાતી હતી.
દોઢ કલાક લાંબા ભાષણમાં ભાગ્યે જ એવો કોઈ મુદ્દો હશે, જેને મોદી સ્પર્શ્યા નહીં હોય.
એ બધા મુદ્દામાં આ 15મી ઑગસ્ટે દેશ માટે કરાયેલી સૌથી મોટી જાહેરાત સેનાની ત્રણે પાંખના સંકલનના એક વડા 'ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ'ની નવી નિમણૂકને ગણી શકાય.
એની જરૂરીયાત છેક 1947થી હતી. કારગીલ યુદ્ધ બાદની કમિટીએ વર્ષ 2000માં એની ઔપચારિક માગણી કરી હતી.
એને અમલમાં આવતા 19 વર્ષ લાગ્યાં, કાશ્મીરની આજની સ્થિતિ અને પાકિસ્તાનની સંભવિત પ્રતિક્રિયાના સંદર્ભમાં આ યોગ્ય નિર્ણય છે.
ઇમરાન ખાનના ગઈ કાલના પીઓકે પર ભારતના સંભવિત હુમલાના અંદેશાવાળા ભાષણ બાદ એ રસપ્રદ છે કે મોદી પાકિસ્તાનનું નામ પણ લીધા વગર 'આતંક અને આતંક ફેલાવનારા' સામે મક્કમતાથી લડવાની વાત કરે છે.
આ 15મી ઑગસ્ટના બૅકડ્રૉપમાં સ્વાભાવિકપણે કાશ્મીરની કલમ 370 અને 35-એની નાબૂદી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, bjp
મોદીના ભાષણમાં ઘણો સમય આ મુદ્દાએ રોક્યો અને સ્વાભાવિકપણે મોદીએ એની ક્રૅડિટ લેતા કહ્યું:
"જે કામ 70 વર્ષોમાં ન થયું, એ અમે 70 દિવસોમાં કરી બતાવ્યું. ઐસી ચીઝે ના હમ ટાલતે હૈ, ના પાલતે હૈ."
કૉંગ્રેસ અને વિરોધીઓ પર સીધો હુમલો કરતા એમણે કહ્યું, "જો કલમ 370 એમને માટે અગત્યની હતી, તો આટલાં વર્ષ કામચલાઉ કેમ રાખી?"
"કાયમી કેમ ન કરી? ખરેખર તો એમનામાં કઈ કરવાની હિંમત જ નહોતી."
જોકે, સામે શ્રોતાઓમાં કૉંગ્રેસમાંથી માત્ર પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને ગુલામ નબી આઝાદ જ દેખાતા હતા.
દૂરદર્શનના કવરેજમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ગેરહાજરી ઊડીને આંખે વળગતી હતી.
મોદી 'વન નેશન, વન કૉન્સ્ટિટ્યૂશન'નું નવું સૂત્ર આપે છે અને 'વન નેશન, વન ઇલેક્શન'ને પણ એની સાથે જોડી દે છે.
મોદીએ બીજો અગત્યનો ઉલ્લેખ તીન તલાક પર સંસદે પસાર કરેલા નવા કાયદાનો કર્યો અને એને સતીપ્રથા,ભ્રૂણહત્યા, બાળવિવાહ અને દહેજપ્રથા સાથે સરખાવતા કહ્યું:
"જો આ બધું બંધ થઈ શકતું હોય તો ત્રણ તલાક કેમ નહીં?"
એક આશ્ચર્યજનક 'કમ બૅક' તરીકે ઇંદિરા ગાંધીના 50 વર્ષ જૂના યુગનાં રાજકીય મુદ્દા અને સૂત્ર 'ગરીબી હટાઓ' અને 'વસતીવિસ્ફોટ' મોદીના ભાષણમાં સંભળાય છે.
મોદી ગરીબીથી મુક્તિને ગરીબોના સ્વાભિમાન સાથે જોડે છે.
વર્ષ 2014માં લાલ કિલ્લા પરથી પહેલા પ્રવચનમાં શૌચાલય અને સ્વચ્છતા અભિયાનની મોદીએ શરૂઆત કરાવેલી.
વર્ષ 2019નાં મોદીના સંબોધનમાં પણ શૌચાલય અને સ્વચ્છતા અભિયાનને જગ્યા મળી છે.
જોકે, તેઓ આડકતરી કબુલાત પણ છે કે પાછલાં પાંચ વર્ષમાં આ બંને કામો સંપૂર્ણપણે પૂર્ણ થઈ શક્યા નથી.
મોદી પોતે કબૂલે છે કે આઝાદીનાં 70 વર્ષ થયાં બાદ પણ દેશનાં અડધોઅડધ ઘરોમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી.
આ 70માંથી હવે દસથી વધુ વર્ષ તો વાજપેયી અને મોદીની પોતાની સરકારોનાં છે.
મોદી જળસમસ્યા અંગે દક્ષિણના સંત થિરુવલ્લુવરને ટાંકે છે ત્યારે એ જળસમસ્યા ઉપરાંત દક્ષિણ ભારત સાથે પણ કનેક્ટ થવાનો પ્રયત્ન કરે છે.
સાથોસાથ તેઓ સો વર્ષ પૂર્વેના ગુજરાતી જૈન સંત બુદ્ધિસાગર મહારાજની ભવિષ્યવાણી પણ યાદ કરે છે કે એવો સમય આવશે જ્યારે પાણી કરિયાણાંની દુકાનોમાં વેચાતું હશે. એ સમય હવે આવી ગયો છે.

ઇમેજ સ્રોત, Bjp
મોદી 5 ટ્રિલિયન ડૉલરની ભારતીય ઇકૉનૉમી માટે મોટી છલાંગ લગાવવા આહ્વાન કરે છે.
જોકે, ભારતીયોને સ્વદેશી પ્રવાસન અને 'મૅક ઇન ઇન્ડિયા'ની સલાહ આપતા મોદી આર્થિક લક્ષ્યાંકોમાં 'અબજ અને રૂપિયા'ના સંદર્ભમાં વાત કરવાને બદલે 'ટ્રિલિયન અને ડૉલર'ની પરિભાષામાં કેમ વાત કરતા હશે એ અજબ જેવી વાત છે.
એવી જ વાત 'ડિજિટલ પૅમેન્ટ', 'ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ' અને સરકારી દખલ ખતમ કરવાની વાત છે.
મોદી 'ઉધાર કાલે, આજે રોકડ'નાં જાણીતા વેપારી સૂત્ર સામે નવું સૂત્ર આપે છે, 'ડિજિટલ હા, રોકડ ના'.
જોકે, હકીકતમાં મોટા ભાગના છુટક દુકાનદારો બૅન્ક-ચાર્જિસને કારણે કાર્ડને બદલે રોકડનો જ આગ્રહ રાખે છે.
સંપૂર્ણ ડિજિટલ પૅમેન્ટ તો જ શક્ય બને જો બૅન્ક-ચાર્જિસ ઝીરો કરવામાં આવે.
મોદીના ભાષણમાં હિમાલય જેવાં સપનાં, હિંદ મહાસાગર જેવું સામર્થ્ય અને ગંગાની નિરંતર ધારા જેવી કોશિશોની વાત છે.
બેશક, બહુ સારી વાતો છે પણ આ 2014નું વર્ષ નથી, 2019નું વર્ષ છે.
સપનાં સામે કેટલીક નક્કર જમીની હકીકતો પણ છે, જેનો વડા પ્રધાન મોદીએ પ્રામાણિકતાથી મુકાબલો કરવાનો છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












