#MeToo : બળાત્કારના આરોપો અંગે ટેલિવિઝન સ્ટાર આલોકનાથે શું કહ્યું?

ઇમેજ સ્રોત, iStock
- લેેખક, ટીમ બીબીસી હિન્દી
- પદ, નવી દિલ્હી
અમેરિકામાં વર્ષ 2017માં #MeToo મૂવમૅન્ટની શરૂઆત થઈ અને હવે તેના એક વર્ષ બાદ ભારતીય મહિલાઓ આ ચળવળમાં આગળ આવી રહી છે. મહિલાઓ પોતાની ઉપર થયેલો ત્રાસ, શોષણની ઘટનાઓ વિશે મોકળા મને વાત કરી રહી છે.
જેમાં નાના પાટેકર, વિકાસ બહલ, ઉત્સવ ચક્રવર્તી પછી, સામે આવેલું સૌથી તાજું નામ અભિનેતા આલોક નાથનું છે.
પડદા ઉપર 'સંસ્કારી' છાપ ધરાવનારા આલોકનાથ ઉપર તેમના ટીવી શો 'તારા'નાં ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર વિંતા નંદાએ બળાત્કારનો આરોપ મૂક્યો છે.
પોતાની લાંબી ફેસબુક પોસ્ટમાં વિંતા નંદાએ સીધું નામ ના લખીને પોતાના શો 'તારા'માં મુખ્ય ભૂમિકા ભજવી રહેલા અભિનેતા ઉપર આરોપ મૂક્યો છે.
વિંતા એમ પણ લખ્યું છે કે એ કોઈ ઓછી કરુણતા નથી કે જેણે મારો બળાત્કાર કર્યો તેની છાપ ઇન્ડસ્ટ્રીમાં 'સંસ્કારી અભિનેતા'ની છે. આલોકનાથ આ શોમાં દીપક શેઠની મુખ્ય ભૂમિકામાં હતા.
આલોકનાથે આરોપોને 'કાલ્પનિક' ગણાવીને 'યોગ્ય સમયે' ખુલાસો કરવાની વાત કહી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
વિંતા નંદા લખે છે, "ટીવીના નંબર વન શો 'તારા'ની હું ડાયરેક્ટર હતી. તે સીરિયલની અભિનેત્રીની પાછળ પડ્યો હતો, પરંતુ તે અભિનેત્રીને આ વ્યક્તિમાં કોઈ રસ નહોતો. તે દારૂડિયો હતો અને અત્યંત ખરાબ માણસ હતો, પરંતુ ટીવી જગતનો મોટો સ્ટાર હોવાને કારણે તેની આવી હરકતો માફ હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અભિનેત્રીએ અમને ફરિયાદ કરી તો અમે વિચાર્યું કે તેને કાઢી મૂકીશું. મને યાદ છે એ દિવસે અમારે છેલ્લો શૉટ લેવાનો હતો. અમે એને કાઢી મૂકવાના હતા અને આ શૂટિંગ પછી એને એ જાણકારી આપવાના હતા."
"પરંતુ તે દારૂ પીને પોતાનો શૉટ આપવા આવ્યો. જેવો મારો કૅમેરો રોલ થયો, તેણે અભિનેત્રી સાથે દુર્વ્યવહાર કર્યો. અભિનેત્રીએ તેને થપ્પડ મારી. અમે તેને તરત જ સેટ ઉપરથી જવાનું કહી દીધું અને આ રીતે તે શોમાંથી નીકળી ગયો."
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
પોતાની સાથે બનેલી આ ઘટનાનો ઉલ્લેખ કરતા વિંતા કહે છે, "તેણે મને પોતાના ઘરે પાર્ટીમાં બોલાવી. અમે ગ્રૂપની સાથે પાર્ટી કરતાં હતાં એટલે એ કંઈ નવી વાત નહોતી. પાર્ટીમાં મેં જે પીધું એમાં કંઈક ભેળસેળ કરી હતી."
"રાત્રે બે વાગ્યે મને કંઈક અજીબ લાગ્યું અને હું તેના ઘરેથી નીકળી ગઈ. કોઈએ મને ઘર સુધી મૂકવા આવવાની વાત ના કરી એટલે હું એકલી હતી. હું ચાલતી જ ઘર તરફ નીકળી પડી."
"રસ્તામાં મને એ માણસ મળ્યો. એ પોતાની કારમાં હતો અને મને કારમાં બેસવા માટે કહ્યું. તેણે કહ્યું કે તે મને ઘરે ડ્રોપ કરી દેશે. મેં તેની ઉપર ભરોસો કર્યો અને તેની કારમાં બેસી ગઈ. એ પછી કશું જ સરખી રીતે યાદ નથી."
"મને છેલ્લું યાદ છે કે તેણે બળજબરીથી મારા મોમાં દારૂ ઠૂંસ્યો હતો. જયારે મને ભાન આવ્યું તો હું અત્યંત પીડામાં હતી. મારા જ ઘરમાં મારો રેપ કરાયો હતો."
"મેં મારા મિત્રોને જણાવ્યું તો મને એ બધું ભૂલી જઈને આગળ વધવાની સલાહ આપવામાં આવી."
"લગભગ 20 વર્ષ બાદ હું સંપૂર્ણ સ્વસ્થ છું. મેં આ વાત કહી કારણ કે હું નથી ઇચ્છતી કે કોઈ પણ છોકરીને સાચું બોલવાનો ડર લાગે."
ZoomTV સાથે ટેલિફોનિક ઇન્ટર્વ્યૂમાં વાત કરતા આલોકનાથે કહ્યું, "તેમના આરોપો કાલ્પનિક છે, તમે માત્ર એનો જ પક્ષ સાંભળ્યો છે. હું યોગ્ય સમયે મારો પક્ષ રજૂ કરીશ."
ટ્વિટર, ફેસબુક ઉપર શેર થઈ રહેલી #MeToo મૂવમૅન્ટ દરમિયાન કોઈ વ્યક્તિની કંસેન્ટ એટલે કે સહમતી અને તેની જટિલતાઓ મુદ્દે પણ એક નવો વિવાદ છેડાયો છે.
ગત સપ્તાહથી વધુ તીવ્ર બનેલી #MeToo મૂવમૅન્ટે સૌથી મોટો આંચકો ભારતીય મીડિયાને આપ્યો છે.
મીડિયા ઉદ્યોગમાંથી ઘણી મહિલાઓએ પોતાની સાથે થયેલી જાતીય સતામણીના કિસ્સા જાહેર કર્યાં અને એટલું જ નહીં, ઘણી મહિલાઓએ જાતીય સતામણી કરનાર વ્યક્તિના નામ પણ જાહેર કર્યાં.

છોકરીઓએ નામ લીધા હોય એવી આ પ્રથમ ઘટના નથી

ઇમેજ સ્રોત, Getty Images
ચોથી ઑક્ટોબરે કૉમેડિયન ઉત્સવ ચક્રવર્તી પર ઘણી મહિલાઓએ જાતીય સતામણીનો આરોપ ટ્વિટર પોસ્ટની મદદથી મૂક્યો હતો.
33 વર્ષીય ઉત્સવ ઉપર ઘણી મહિલાઓ પાસેથી ન્યૂડ માગવા અને ન્યૂડ તસવીર મોકલવાનો આરોપ મુકાયો.
ઉત્સવે પોતાની ઉપર લાગેલા આ આરોપોનો સ્વીકાર કર્યો. તેમણે ટ્વીટ કરીને પોતાની વાત મૂકી અને મહિલાઓ પાસે માફી માગી.
આ પછી #MeToo મૂવમૅન્ટે ભારતમાં જોર પકડ્યું. આ પછી એક પછી એક ઘણી સતામણીની ઘટનાઓ મહિલાઓએ માઇક્રો બ્લૉગિંગ સાઇટ ટ્વિટર અને ફેસબુક ઉપર વ્યક્ત કરવાનું શરૂ કર્યું.
છેલ્લા ત્રણ દિવસમાં ઘણાં કૉમેડિયન, રિપોર્ટર્સ, સંપાદક, લેખક, અભિનેતા અને ફિલ્મકારોનું નામ #MeTooની સાથે સામે આવ્યું છે. આરોપો મુજબ તેમણે મહિલાઓની જાતીય સતામણી કરી હતી.
આ મહિલાઓએ ટ્વિટર ઉપર લાંબી સિરીઝ, મૅસેજના સ્ક્રીનશૉટ્સ પણ જાહેર કર્યા છે.
એ સમજવું પડશે કે આ પ્રથમ વાર નથી જ્યારે જાતીય સતામણી કરનારાઓનાં નામ જાહેર કરાઈ રહ્યા હોય.
ભારતમાં વર્ષ 2017માં એક લૉની વિદ્યાર્થીનીએ એક "ક્રાઉડ સોર્સ" લિસ્ટ ફેસબુક ઉપર જાહેર કર્યું હતું, જેમાં 50 અધ્યાપકો ઉપર જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ લિસ્ટમાં મોટાભાગના પ્રોફેસરોના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

મીડિયા જગતનું #MeToo

ઇમેજ સ્રોત, Getty Images
એ વાત સત્ય છે કે દેશમાં મહિલા પત્રકાર પોતે પોતાનાં જાતીય શોષણને મુદ્દે આટલી આગળ પડતી ક્યારેય નથી રહી જેટલી આજે છે.
આ જ કારણ છે કે મીડિયા જગતમાં આની ઘણી વ્યાપક અસર જોવા મળી રહી છે.
સંપાદકો અને રિપોર્ટરો ઉપર લગાવવામાં આવી રહેલા આ આરોપોને ન્યૂઝ ચેનલ અને સમાચારપત્રોએ પ્રાથમિકતા આપીને મીડિયા જૂથોને પ્રતિક્રિયા આપવા ઉપર મજબૂર કર્યા છે.
એક મોટા સમાચારપત્રએ પોતાના સંપાદક વિરુદ્ધ તપાસનું આશ્વાસન આપ્યું છે.
આ સંપાદક ઉપર તેમની સાથે કામ કરી ચૂકેલી સાત મહિલાઓએ તેઓ ઉપર જાતીય સતામણીના આરોપ મૂક્યા છે. આ સાથે જ સમાચારપત્ર દ્વારા તે સંપાદકને તેના પદ ઉપરથી હટાવવાનો નિર્ણય લીધો છે.
પત્રકાર સંધ્યા મેનને બે સંપાદકો ઉપર જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે. એ પછી ઘણા લોકો, જેઓએ સંધ્યાને પોતાની તકલીફ વ્યક્તિગત રીતે જણાવી, તેમની આપવીતી પણ જાહેર કરી હતી.

મહિલાઓને સાંભળવાની શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
મહિલાઓ જે આરોપો સાથે સામે આવી રહી છે તેમાં અભદ્ર વ્યવહાર, અશ્લીલ મૅસેજ અથવા સીધી કે આડકતરી રીતે જાતીય સતામણીની વાત કરવામાં આવી રહી છે.
મહિલાઓ અન્ય મહિલાઓ સાથે આ વિષયને ગંભીરતાથી લેતા આ ઝુંબેશને નબળી ના બનાવવાને મુદ્દે પણ વાત કરી રહી છે.
ભારતમાં લોકો મહિલાઓની વાતો સાંભળી રહ્યા છે. આરોપોને મુદ્દે ઘણાં પગલાં પણ લેવાઈ રહ્યાં છે.
આ સાથે જ સહભાગિતા અને જવાબદારી લઈને આગળ આવીને માફી માગવાની ઘટનાઓએ મહિલાઓને તાકાત આપી છે.

ઇમેજ સ્રોત, Getty Images
એઆઈબી (ઑલ ઇન્ડિયા બક*દ) એ ઉત્સવ ચક્રવર્તીના તમામ વીડિયો પાછા ખેંચી લીધા છે. ઘટનાની જાણકારી પહેલાંથી હોવાના કારણે સહ-સંસ્થાપક તન્મય ભટ્ટને પણ પદ ઉપરથી હટાવાયા છે.
વીડિયો સ્ટ્રીમિંગ ચેનલ હૉટસ્ટારે એઆઈબીની સાથેનો પોતાનો કરાર રદ કર્યો છે.
ડાયરેક્ટર વિકાસ બહલ સાથે તેમની આગામી ફિલ્મ 'સુપર-30'માં કામ કરી રહેલા અભિનેતા ઋતિક રોશને પણ તેમની ઉપર કડક કાર્યવાહી મુદ્દે સમર્થન આપ્યું છે.
મીડિયામાં પણ જાતીય શોષણના આરોપોથી ઘેરાયેલા સંપાદકો વિરુદ્ધ હવે પગલાં લેવાયાં છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અત્યાર સુધી જયારે પણ મહિલાઓએ પોતાની વાત કહી અથવા કહેવાની હિંમત એકઠી કરી ત્યારે સવાલ તેઓને જ પૂછવામાં આવ્યા હતા.
જેમ કે, અત્યાર સુધી ક્યાં હતાં? જો આટલી તકલીફ હતી તો પોલીસ પાસે કેમ ન ગયાં?
આ વખતે તેમને સવાલ પૂછવાના બદલે તેમની માફી માગવામાં આવી રહી છે.
માફી એવાં લોકો માગી રહ્યા છે કે જેમની તરફ હિંમત મેળવવા માટે મહિલાઓએ આશાભરી નજરે જોયું, પરંતુ આ લોકોએ સમય સાથે કોઈ પગલાં લીધા નહીં.
તન્મય ભટ્ટ, કૃણાલ કામરા, ગુરસિમરન ખંબા, ચેતન ભગત સહિત ઘણા લોકોએ આ જાતીય સતામણીનો શિકાર થયેલી મહિલાઓની માફી માગી છે, જેનાથી આ મહિલાઓની હિંમત વધી રહી છે.

હવે આગળ શું?

ઇમેજ સ્રોત, AFP
બીબીસી દિલ્હીની પત્રકાર ગીતા પાંડે કહે છે, "આ પ્રકારના ઘણા કિસ્સાઓનું ઘોડાપુર આવી ગયું છે. કેટલા લોકો આના શિકાર છે એ ખરેખર અસ્પષ્ટ છે."
"ઘણા લોકો આને ભારતીય મીડિયાની MeToo મૂવમૅન્ટ જણાવી રહ્યાં છે, પરંતુ શું ભારતમાં શરૂ થયેલી MeToo એટલી પ્રબળ છે જેટલી તે હોલીવૂડમાં હતી? હોલીવૂડમાં ઘણાં નામ સામે આવ્યાં, પરંતુ હજુ એમાંથી થોડાક જ લોકો ઉપર પ્રતિબંધ લદાયો છે."
"મુદ્દો એ છે કે આ ઝુંબેશ કેટલે દૂર સુધી જાય છે. જે લોકોનું નામ સામે આવ્યું છે તેમણે એનાં પરિણામો ભોગવવા પડે છે કે નહીં, એ એક સવાલ છે. ભારતમાં શરૂઆતના સમયમાં MeToo મૂવમૅન્ટનો કોઈ ખાસ પ્રભાવ પડ્યો નહોતો. હવે જોવાનું એ છે કે જ્યારે આનો પ્રભાવ પડી રહ્યો છે તો એ કેટલે દૂર સુધી જશે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













