'અનામત આંદોલનમાં કોઈનો દીકરો ન મરે તે જોજો'

માતાપિતાની તસવીર

ઇમેજ સ્રોત, Kaplesh Gagdekar

ઇમેજ કૅપ્શન, આંદોલનમાં મૃત્યુ પામેલા શ્વેતાંગ પટેલના માતાપિતા
    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, અમદાવાદ

પટેલ સમુદાયના લોકોની માતૃશક્તિ સોસાયટીના બે રૂમ,રસોડાના મકાનમાં રહેતા નરેશભાઈ અને પ્રભાબહેનને આશા હતી કે તેમનો દીકરો શ્વેતાંગ તેમના ઘડપણનો સહારો બનશે, પરંતુ ઑગસ્ટ-2015ના પાટીદાર અનામત આંદોલન વખતે બાપુનગર પોલીસની કસ્ટડીમાં શ્વેતાંગનું મૃત્યુ થયું હતું. ગુજરાતમાં એ આંદોલનમાં શ્વેતાંગ અને બીજા 13 લોકો મૃત્યુ પામ્યા હતા.

બીબીસી ગુજરાતી સાથે આંદોલન વિશે વાતો કરતી વખતે પ્રભાબેનની આંખો વારેઘડીએ ભીની થઈ જતી હતી.

પ્રભાબહેને જણાવ્યું હતું કે સમાજ અને સરકાર તરફથી નાણાકીય મદદ તો મળી ગઈ છે, પરંતુ દીકરો તો નથી જ ને.

તેમની ભીની આંખો જોઈને તેમના લકવાગ્રસ્ત પતિ નરેશભાઈ પણ પોતાનાં આંસુ રોકી શક્યા ન હતા.

પ્રભાબહેને જણાવ્યું હતું કે આંદોલન થાય તો વાંધો નથી, પરંતુ તેમાં શ્વેતાંગ જેવા યુવાનોનું મૃત્યુ ન થાય તેનું ધ્યાન સરકાર અને આંદોલનકારી સહિતના તમામ લોકોએ રાખવું જોઈએ.

line
ઉપવાસ છાવણીની તસવીર

ઇમેજ સ્રોત, Kaplesh Gagdekar

પ્રભાબહેન અને નરેશભાઇને પાટીદાર સમાજની સંસ્થાઓ તેમજ સરકાર તરફથી નાણાકીય સહાય મળી હોવાથી આ પરિવારને આર્થિક રીતે કોઇ ખાસ તકલીફ પડતી નથી.

જોકે, પતિની સેવા કરવામાં પ્રભાબેન એકલાં પડી જતાં હોય તેવું લાગ્યું. પ્રભાબહેને કહ્યું હતું, "હાલમાં હું બીમાર પડી ગઈ હતી અને બે દિવસ સુધી દવાખાનામાં દાખલ હતી. તે સમયે આસપાસના લોકોએ જ મારા પતિનું ધ્યાન રાખ્યું હતું."

શ્વેતાંગના મૃત્યુ બાદ પાટીદાર નેતા હાર્દિક પટેલ પ્રભાબહેને મળવા આવ્યા હતા અને તેમણે કહ્યું હતું, "મને શ્વેતાંગ જ સમજજો. હું તમારો દીકરો જ છું."

જોકે, એ પછી હાર્દિક પટેલે આ પરિવારની ક્યારેય મુલાકાત લીધી નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

શ્વેતાંગના ઘરની તસવીર

ઇમેજ સ્રોત, Kaplesh Gagdekar

ઇમેજ કૅપ્શન, પાટીદાર આંદોલન વખતે શ્વેતાંગનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું

પ્રભાબહેને કહ્યું હતું, "મને હાર્દિકથી કોઇ પણ પ્રકારની ફરિયાદ નથી. તેઓ તેમના કામમાં વ્યસ્ત હશે એવું હું માનું છું."

બાપુનગર વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર અને હાર્દિક પટેલના સમર્થક જે. ડી. પટેલે જણાવ્યું હતું કે તેઓ અવારનવાર પ્રભાબહેનના ઘરે જઈને તેમને કોઈ પણ પ્રકારની જરૂર હોય તો તેનું ધ્યાન રાખે છે.

ગુજરાત હાઈકોર્ટમાં શ્વેતાંગ પટેલનો કેસ લડી રહેલા વકીલ બાબુ માંગુકિયા સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

બાબુ માંગુકિયાએ કહ્યું હતું, "શ્વેતાંગનું મૃત્યુ પોલીસ કસ્ટડીમાં થયું હોવાની કબૂલાત પોલીસે હાઈકોર્ટમાં કરી છે. શ્વેતાંગના મૃત્યુ સંબંધે બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે."

હાલ શ્વેતાંગના મૃત્યુનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.

રાજકીય સ્ટન્ટ કે સામાજિક જરૂરિયાત?

માતાપિતાની તસવીર

ઇમેજ સ્રોત, Kaplesh Gagdekar

ઇમેજ કૅપ્શન, આંદોલનમાં મૃત્યુ પામેલા શ્વેતાંગ પટેલના માતાપિતા

ગુજરાત સરકાર અને પાટીદાર સમાજના કેટલાક લોકો ફરી એક વખત આમને-સામને જોવા મળી રહ્યાં છે.

25 ઑગસ્ટથી ઉપવાસ શરૂ કરીને પાટીદાર નેતા હાર્દિક પટેલે 2015ના આંદોલનની યાદ લોકોના માનસમાં ફરીથી તાજી કરી દીધી છે.

પાટીદાર આંદોલન વખતે પોતાના સ્વજનોને ગુમાવી ચૂકેલા અમુક લોકો માને છે કે આ આંદોલન માત્ર એક રાજકીય પગલું છે, જ્યારે અમુક લોકો એવું માને છે કે આવાં આંદોલન થકી જ પાટીદાર સમાજના યુવાનોને નોકરી મળશે.

મહેસાણામાં પત્ની અને બીજા દીકરા સાથે રહેતા ફેબ્રિકેશનના ધંધાર્થી પ્રવીણ પટેલનો દીકરો નિશિત 2015માં મહેસાણામાં પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામ્યો હતો.

પ્રવીણ પટેલ માને છે કે હાર્દિક પટેલની આ બીજી ઇનિંગ્ઝની કોઈ જરૂરિયાત નથી. આ આંદોલન રાજકારણનો જ એક ભાગ છે.

બીબીસી સાથે વાત કરતા પ્રવીણ પટેલે કહ્યું હતું, "કોંગ્રેસ તથા ભાજપ નામના બે આખલા લડી રહ્યાં છે અને અમારા જેવા સામાન્ય માણસો તેમાં મરી રહ્યાં છે. અનામત તો માત્ર એક બહાનું છે. મૂળ તો આ રાજકારણની રમત છે."

હાર્દિક પટેલ

નિશિતના મૃત્યુ માટે અનામત આંદોલનને જવાબદાર ઠરાવતાં પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે અત્યારે અનામતની વાત કરવાનો કોઈ અર્થ નથી. આવી લડતમાં નિર્દોષ લોકોના મૃત્યુ થઈ રહ્યાં છે.

પ્રવીણભાઈએ કહ્યું હતું, "સરકાર અને તેના પ્રતિનિધિઓએ પણ આજ સુધી અમારી વાત સાંભળી નથી. મારા પુત્રના મૃત્યુના કેસમાં હજુ સુધી એકેય પોલીસવાળાની ધરપકડ થઈ નથી. તે માટે આ સરકાર જ જવાબદાર છે."

જોકે, 79 વર્ષના માનાભાઈ પટેલ માને છે કે હાર્દિકનું આંદોલન પાટીદાર સમાજ માટે જ છે.

માનાભાઈના 25 વર્ષના પૌત્ર મયુર પટેલનું મહેસાણામાં પોલીસ ગોળીબારમાં મૃત્યુ થયું હતું.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં માનાભાઈએ કહ્યું હતું, "પટેલ સમાજના આર્થિક રીતે પછાત લોકોને અનામતનો લાભ મળવો જ જોઈએ એવું હું માનું છું અને તે માટેની હાર્દિક પટેલની લડતને મારો સંપૂર્ણ ટેકો છે. "

"પટેલ સમાજના અનેક વિદ્યાર્થી ૮૦ કે ૯૦ ટકા લાવ્યા બાદ પણ નોકરી વગરના રહી જાય છે. આવા સમયમાં અમારા સમાજ માટે અનામતની જરૂર છે."

સળગતી રેકડીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2015ના પાટીદાર આંદોલન વખતે મહેસાણા, અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક સ્થળોએ હિંસા થઈ હતી

મયુરના મૃત્યુના કેસમાં પોલીસ અધિકારીઓની સંડોવણી બાબતે તપાસ કે કોઈની ધરપકડ ન થઈ હોવાથી માનાભાઈ ગુજરાત સરકારથી નારાજ છે.

તેમણે કહ્યું હતું, "સરકાર કે પોલીસે અમારી પાસેથી હજુ સુધી કોઇ પણ પ્રકારનું લખાણ સુધ્ધાં લીધું નથી. તપાસ જાણે ચાલતી જ ન હોય તેવું લાગે છે."

બનાસકાંઠાના રહેવાસી શિવરામ ફોસ્ચીના ભત્રીજા મહેશનું પણ પોલીસ ફાયરિંગમાં મૃત્યુ થયું હતું.

58 વર્ષના શિવરામ ફોસ્ચીએ કહ્યું હતું, "આંદોલન વિશે તો હવે હું કંઈ ખાસ કહેવા માંગતો નથી, પણ એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતની ભાજપ સરકારે સવર્ણોના વિકાસની જે યોજનાઓ બહાર પાડી છે, તે અનામત આંદોલન વગર થઈ શકી ન હોત."

શિવરામે ભારપૂર્વક જણાવ્યું હતું કે આંદોલન થાય તેમાં કોઈને કોઈ વાંધો ન હોવો જોઈએ, પણ તેમાં નિર્દોષ લોકોના જાન ન જવા જોઇએ.

line

ઘટતી લોકપ્રિયતા કે પોલીસનો ડર?

હાર્દિક પટેલ

છત્રપતિ નિવાસ નામના મકાનમાં હાર્દિક પટેલ ઉપવાસ પર બેઠા છે. અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલથી બોપલ જવાના રસ્તા પરના ગ્રીનવૂડ્ઝ બંગલોઝમાં આ મકાન આવેલું છે.

ગ્રીનવૂડ્ઝમાં આવતી-જતી દરેક વ્યક્તિએ ચોપડામાં નોંધણી કરવાની હોય છે. પોલીસ દરેક વ્યક્તિ, તેમનાં વાહન અને તેમાં બેઠેલી દરેક વ્યક્તિની વીડિયોગ્રાફી કરે છે. વાહનનું ચેકીંગ કરવામાં આવે છે.

મીડિયાના પ્રતિનિધિઓ, સ્વયંસેવકો અને હાર્દિક પટેલના અમુક સમર્થકો સિવાય બીજા કોઈ પણ માણસને અહીં આવવાની છૂટ નથી.

2015માં અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, ઊંઝા અને સુરતમાં પાટીદાર અનામત આંદોલનની સૌથી વધારે અસર જોવા મળી હતી.

જોકે, આ વખતે એ વિસ્તારોમાં પટેલ સમુદાયનાં ટોળા જોવાં મળતાં નથી, પણ અમદાવાદના નિકોલ અને બાપુનગર વિસ્તારોમાં લોકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર જોવા મળ્યાં હતાં.

આ વિસ્તાર (ઝોન-પ)ના ડેપ્યુટી પોલીસ કમિશનર હિમકર સિંગે સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

હિંસામાં સળગી ગયેલા વાહનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

હિમકર સિંગે જણાવ્યું હતું કે હાર્દિક પટેલના ઉપવાસના પહેલા અને બીજા દિવસે વધારાની પોલીસ અહીં ગોઠવવામાં આવી હતી, જેથી કે સામાન્ય લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે.

સિંગે કહ્યું હતું, "હવે પોલીસની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે અને જે પોલીસ હાલમાં રોડ પર છે તે રોજિંદા કાર્યો માટે છે."

સિંગે ઉમેર્યું હતું કે કોઈ પણ વ્યક્તિને ઉપવાસના સ્થળ સુધી જવાની મનાઈ કરવામાં આવી નથી.

જોકે, હાર્દિકના સમર્થકો માને છે કે રાજ્યભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ ઉપવાસના સ્થળને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું હોવાથી લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે.

નિકોલમાં રહેતા જિજ્ઞેશ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું, "અમારે ઉપવાસના સ્થળે જવું છે, પરંતુ સમગ્ર નિકોલમાં ગોઠવવામાં આવેલા પોલીસ બંદોબસ્તને જોતા લાગે છે કે પોલીસ અમને ત્યાં સુધી પહોંચવા જ નહીં દે. "

line

આ તો કોંગ્રેસની ચાલ છે: ભાજપ

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, TWITTER/@HARDIKPATEL_

ભારતીય જનતા પક્ષ (ભાજપ) પાટીદાર અનામત આંદોલનને કોંગ્રેસ પ્રેરિત માને છે.

ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ હાર્દિક પટેલનું નામ લીધા વિના જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના કોંગ્રેસ અને આંદોલનકારીઓની એક ચાલ છે તે સાબિત થઈ ચૂક્યું છે.

ભરત પંડ્યાએ કહ્યું હતું, "આ લોકો સમાજમાં વર્ગવિગ્રહનું વાતાવરણ સર્જી રહ્યા છે."

તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો ન હોવાથી તે આંદોલનકારીઓનો ઉપયોગ કરીને રાજ્યમાં અરાજકતા ફેલાવી રહ્યો છે.

line

"ભાજપને અણગમતી દરેક વાતમાં કોંગ્રેસનો હાથ"

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઉપવાસ આંદોલન કરી રહેલા હાર્દિક પટેલની કોંગ્રેસના 28 ધારાસભ્યોએ મુલાકાત લીધી હતી. તેમાં દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીનો પણ સમાવેશ થાય છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હાર્દિક પટેલને ઉપવાસ આંદોલન ન કરવા દેવા માટે ભાજપ સરકાર તમામ પ્રયાસ કરી રહી છે.

તેમના જણાવ્યા મુજબ, હાર્દિક પટેલની વાત સાથે સરકાર સહમત ન હોય તે માની શકાય, પરંતુ તેમને ઉપવાસ ન કરવા દે અને કોઈને મળવા પણ ન દે તે ન ચાલે.

નૌશાદ સોલંકીએ કહ્યું હતું, "હાર્દિકભાઈ આ આંદોલન પોતાના જોરે ચલાવી રહ્યાં છે, પરંતુ સમાજમાં લોકોને કોંગ્રેસની જરૂર હશે ત્યાં અમે દરેક વ્યક્તિ સાથે ઊભા રહીશું."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો