નરેન્દ્ર મોદીનો અને રાહુલ ગાંધીનો રાજધર્મ અલગ-અલગ ન હોઈ શકે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રાજેશ પ્રિયદર્શી
- પદ, ડિજિટલ એડિટર, બીબીસી હિંદી
રાહુલ ગાંધીએ તાજેતરમાં જણાવ્યું હતું કે 1984માં ઇંદિરા ગાંધીની હત્યા બાદ જે હુલ્લડ થયાં હતાં તેમાં કોંગ્રેસે કોઈ ભૂમિકા ભજવી ન હતી. કોંગ્રેસના પ્રમુખના આ ભોળપણ પર તેમના પોતાના પક્ષના લોકો પણ વિશ્વાસ કરી શક્યા નથી.
પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહે શિરોમણિ અકાલી દળના હુમલામાંથી પોતાના પક્ષને બચાવવાને બદલે વિધાનસભામાં ચાર કોંગ્રેસી નેતાઓનાં નામ લઈને જણાવ્યું હતું કે એ લોકો હુલ્લડ ભડકાવવામાં મોખરે હતા.
1894ના શીખવિરોધી હુલ્લડોમાં રાહુલ ગાંધીએ જેવો ખુલાસો કર્યો છે તેને સાચો માની લઈએ તો હિંસાની કોઈ પણ મોટી ઘટનામાં કોઈએ કોઈ ભૂમિકા જ નહીં ભજવી હોય.
લોકોને જીવતા સળગાવવાનો આદેશ કોઈ પક્ષ તેના કાર્યકરોને પોતાના લેટરહેડ પર લખીને આપે?
કોંગ્રેસે કોઈ ભૂમિકા ભજવી ન હતી તો તેણે માફી શા માટે માગી હતી?
તમે આ વાંચ્યું કે નહીં?
કેટલાક લોકો એવું પણ માને છે કે મનમોહન સિંહને વડા પ્રધાન બનાવવાનો હેતુ શીખોને મનાવી લેવાનો હતો.
રાહુલના નિવેદને કર્યાકારવ્યા પર પાણી ફેરવી નાખ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હુલ્લડ થયાં ત્યારે રાહુલ ગાંધી 14 વર્ષના હતા અને તેમને તેમના પિતા રાજીવની એ વાત યાદ હશે, જેમાં તેમણે હુલ્લડ વિશે કહ્યું હતું, "જ્યારે કોઈ મોટું વૃક્ષ તૂટી પડે ત્યારે ધરતી થોડી કંપતી હોય છે."
આ વાત યાદ ન હોય તો તેઓ તેનો વીડિયો નિહાળી શકે છે.
રાજીવ ગાંધીનું ધરતી કંપવાનું અને નરેન્દ્ર મોદીનું ક્રિયા-પ્રતિક્રિયાનું નિવેદન એકસમાન છે.
ગુજરાતનાં હુલ્લડ વખતે ગોધરામાં ટ્રેનમાં થયેલાં કારસેવકોનાં મૃત્યુને સહજ પ્રતિક્રિયા સાબિત કરવાનો પ્રયાસ નરેન્દ્ર મોદીએ અને ભાજપે સંગઠીત રીતે કર્યો હતો.
અટલ બિહારી વાજયેપીએ સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું હતું કે રાજધર્મના પાલનનો અર્થ સત્તામાં બેઠેલી વ્યક્તિ લોકો સાથે જ્ઞાતિ, ધર્મ કે ક્ષેત્રને આધારે કોઈ ભેદભાવ ન રાખે તેવો થાય.
રાજીવ ગાંધી કે નરેન્દ્ર મોદી બન્નેમાંથી કોઈએ સમયસર હિંસા રોકવાના પ્રયાસ કર્યા ન હતા કે હિંસા કરનારાઓની ઝાટકણી કાઢી હતી.

ક્રિયા-પ્રતિક્રિયાની ખતરનાક થીયરી

ઇમેજ સ્રોત, ANKUR JAIN
ક્રિયા-પ્રતિક્રિયાની થીયરીને સ્વીકારી લેવામાં આવે તો બધું ન્યાયોચિત સાબિત કરી શકાય છે.
એક નજર ઘટનાઓના સિલસિલા પર કરીએ.
ભિંદરાવાલેની ક્રિયાની પ્રતિક્રિયા હતું ઇંદિરા ગાંધીનું ઑપરેશન બ્લૂ સ્ટાર. તેનાથી નારાજ થયેલા શીખોની પ્રતિક્રિયા હતી ઇંદિરા ગાંધીની હત્યા.
હત્યાની પ્રતિક્રિયામાં ભીષણ હુલ્લડ થયાં હતાં. એ હુલ્લડમાં માર્યા ગયેલા લોકોની પ્રતિક્રિયા બાબતે વિચારો. વિચારો કે આ કેટલી ખતરનાક થીયરી છે.
ગુજરાતના મુસલમાનો અને ભારતભરના સિખોએ હુલ્લડ જેવી જઘન્ય ક્રિયા બાબતે કોઈ પ્રતિક્રિયા કરી ન હતી. તેને એક ખરાબ સપનું ગણાવીને ભૂલાવી દીધી હતી.
તેને કારણે જ દેશ ચાલી રહ્યો છે. અન્યથા ક્રિયા-પ્રતિક્રિયાવાળાઓનું ચાલે તો હિંસા-પ્રતિહિંસા ચાલતી જ રહે અને બન્ને પક્ષ કહેતા રહે કે તેમની પ્રતિક્રિયા વાજબી છે.
રાહુલ ગાંધીએ કોંગ્રેસને 1984ના હુલ્લડના કલંકમાંથી જે રીતે મુક્ત કરી છે એ રીતે તો કટોકટીના કલંકને ધોઈ નાખવું જોઈએ.
એવું કહેવું જોઈએ કે ઇંદિરા ગાંધીએ દેશહિતમાં કટોકટી લાદી હતી તથા કોઈની સાથે કશું ખરાબ કર્યું ન હતું.
કોઈની સાથે કશું ખરાબ થયું હતું તો પણ એ માટે તેમનાં દાદી જવાબદાર ન હતાં.

રાહુલનું નિવેદન સંવેદનહીન?

ઇમેજ સ્રોત, Getty Images
રાહુલે કદાચ એ વિચારવું જોઈતું હતું કે તેમના નિવેદનથી હુલ્લડપીડિતોના દિલ પર શું વીતશે?
હુલ્લડમાં કોંગ્રેસની કોઈ ભૂમિકા જ ન હતી એવું તેમનું નિવેદન જાણે કે એવું છે કે લોકો ગુસ્સે થયેલા હતા અને તેમણે બીજા લોકોની હત્યા કરી તો એમાં મોટી વાત શું છે?
રાજીવ ગાંધીએ કહ્યું હતું, "ઇંદિરાજીની હત્યા પછી દેશમાં હુલ્લડ થયાં હતાં. ભારતની જનતા કેટલી ગુસ્સે થઈ હતી એ અમે જાણીએ છીએ."
રાજીવનાં માતાની હત્યા થઈ હતી એ તેમનું અંગત નુકસાન હતું, પણ એ પછી જે નિર્દોષ શીખોની હત્યા થઈ અને જેમની મિલકત લૂંટી લેવામાં આવી તેમના માટે સહાનુભૂતિનો એકેય શબ્દ સાંભળવા મળ્યો ન હતો. દુર્જનો કે ભગતોની ટીકા પણ સાંભળવા મળી ન હતી.
હવે લંડન જઈને રાહુલ ગાંધીએ કહ્યું, "એ પીડાદાયક હતું, બહુ દુ:ખદ હિંસા હતી." તેમ છતાં તેઓ કહી રહ્યા છે કે તેમાં તેમના પક્ષનો હાથ ન હતો.
શીખવિરોધી હુલ્લડોમાં કોંગ્રેસની કોઈ ભૂમિકા ન હતી તો "ઇંદિરા ગાંધીની હત્યા રાષ્ટ્રીય યાતના હતી. એ પછી જે થયું તેનાથી અમારું મસ્તક શરમથી નમી ગયું હતું," એવું તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહે 2005ની 11 ઑગસ્ટે સંસદમાં શા માટે કહ્યું હતું?
ડૉ. મનમોહન સિંહે કહ્યું હતું, "મને શીખ બિરાદરીની માફી માગવામાં કોઈ સંકોચ નથી. 1984ની ઘટના માટે હું માત્ર શીખોની નહીં, સમગ્ર દેશની માફી માગું છું."

તક ચૂકી ગયા રાહુલ
રાહુલ ગાંધી માટે આ તક વંશવાદનું રાજકારણ રમતા લોકોને ચૂપ કરાવવાની હતી.
તેઓ કહી શક્યા હોત કે ભૂલ થઈ હતી. કોંગ્રેસના બધા નહીં, કેટલાક લોકો હુલ્લડ ભડકાવવામાં સામેલ હતા.
એ ઐતિહાસિક ભૂલમાંથી અમે પાઠ ભણ્યા છીએ અને ભવિષ્યમાં એવું કંઈ નહીં થાય.
જોકે, તેમનાં દાદી અને પિતાના કોંગ્રેસ પક્ષને દોષમુક્ત કરીને તેઓ વંશવાદના રાજકારણના આક્ષેપને ફગાવી શકે નહીં.
નરેન્દ્ર મોદી પર નફરતના રાજકારણનો આક્ષેપ કરતા અને ખુદને પ્રેમનું રાજકારણ રમતા નેતા કહેતા રાહુલે હુલ્લડ પીડિત શીખો તથા કરોડો ન્યાયપ્રિય લોકોનો પ્રેમ પામવાની એક તકને પણ ખોઈ નાખી.
જેઓ બહુમતીના વર્ચસ્વનું રાજકારણ રમી રહ્યા છે, પીડિત પણ છે અને દબંગ પણ છે, તેમની પાસેથી માફી કે ભૂલના સ્વીકારની આશા ન રાખવી જોઈએ. તેમનું રાજકારણ આવું કરવા બંધાયેલું નથી.
રાહુલ ગાંધી ખુદને નરેન્દ્ર મોદી સામે પ્રેમ તથા શાંતિના દૂત તરીકે પ્રસ્તુત કરવા ઇચ્છતા હોય તો તેઓ એવું કરવાની એક વધુ તક ચૂકી ગયા છે.

જનસંહારનો ઇનકાર

ઇમેજ સ્રોત, AFP
કોઈની તકલીફને સ્વીકારવાનો ઇનકાર કરવો કે જેને કારણે તકલીફ થઈ છે તેને નિર્દોષ છોડી મૂકવા એ પણ એક પ્રકારનો ગુનો છે.
જર્મનીમાં બીજા વિશ્વયુદ્ધ વખતે યહૂદીઓનો મોટાપાયે સંહાર કરવામાં આવ્યો હતો.
એ ભયાનક ઐતિહાસિક યાતના બાબતે યુરોપના મોટાભાગના દેશોમાં ચર્ચાની પણ શક્યતા નથી.
શીખવિરોધી હુલ્લડો અને યહૂદીઓના સંહારની સરખામણીનો ખાસ કોઈ અર્થ નથી પણ તેને કોઈ સમુદાયની પીડાના સંદર્ભમાં સમજવાં જોઈએ.
યહૂદીઓ સાથે બળજબરી થઈ ન હતી કે નાઝીઓએ તેમની મોટા પ્રમાણમાં વ્યવસ્થિત રીતે હત્યા કરી ન હતી એવું કહેવું યુરોપના 15થી વધુ દેશોમાં ગુનો ગણાય છે.
તેને 'હોલોકોસ્ટ ડિનાયલ' એટલે કે જનસંહારનો ઇનકાર કહેવામાં આવે છે.
એ કાયદો અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના સિદ્ધાંત વિરુદ્ધનો છે, એવું કહેતા લોકો ઓછા નથી પણ યુરોપના દેશો માને છે કે જનસંહારની પીડાને નકારવી એ પણ એક પ્રકારે નફરત ફેલાવવા જેવું છે.
રાહુલ ગાંધીએ તેમના જવાબ વિશે કદાચ વધારે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈતું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















