ભીમા કોરેગાંવ : પોલીસે જેમની ધરપકડ કરી છે તે સામાજિક કાર્યકર્તાઓ કોણ છે?

ઇમેજ સ્રોત, MAYURESH KUNNUR/BBC
પૂણે પોલીસે આજે દેશભરમાં અનેક સ્થળે દરોડા પાડ્યા હતા. આ દરોડા માટે પોલીસે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી.
પૂણે પોલીસના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં જાન્યુઆરીમાં થયેલી હિંસાની તપાસ સંબંધે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
બીબીસીએ પૂણે પોલીસના કાયદો અને વ્યવસ્થા વિભાગના જોઇન્ટ પોલીસ કમિશનર શિવાજી બોડાખે સાથે વાત કરી હતી.
શિવાજી બોડાખેના જણાવ્યા મુજબ જેમની ધરપકડ કરવામાં આવી છે એ લોકો માઓવાદી પ્રવૃત્તિ અને હિંસામાં સંડોવાયેલા છે. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને એ લોકોને પૂણે લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ધમકીના પત્ર બાબતે શિવાજી બોડાખેએ કોઈ કૉમેન્ટ કરી ન હતી પણ ચાર્જશીટ બાબતે આવતીકાલે માહિતી આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.
તમે આ વાંચ્યું કે નહીં?
આરોપનું સમર્થન કરતી સામગ્રી કોર્ટમાં રજૂ કરવામાં આવશે પણ એ જાહેર કરવામાં આવશે નહીં, એવું પણ તેમણે જણાવ્યું હતું.
આ વર્ષની શરૂઆતમાં થયેલી જ્ઞાતિ આધારિત હિંસા સંબંધે પાંચ અગ્રણી સામાજિક કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુધા ભારદ્વાજ, ગૌતમ નવલખા અને વરવરા રાવની વિવિધ શહેરોમાં આવેલાં તેમનાં ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
ઍક્ટિવિસ્ટ-વકીલ અરુણ ફરેરા, લેખક-ઍક્ટિવિસ્ટ વેર્નોન ગોન્સાલ્વીઝ, માનવાધિકાર કાર્યકર સ્ટેન સ્વામી અને પત્રકારો ક્રાંતિ ટેકુલા તથા કે. વી. કુર્મનાથના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા પણ આ અહેવાલ લખાય છે ત્યાં સુધી તેમની ધરપકડ કરવામાં આવી નથી.
અરુણ ફરેરા અને વેર્નોન ગોન્સાલ્વીઝને પોલીસે અટકાયતમાં લીધા હતા. પરંતુ કોણ છે આ કાર્યકર્તાઓ જેમની ધરપકડ કરવામાં આવી છે.

માનવાધિકાર કાર્યકર ગૌતમ નવલખા

ઇમેજ સ્રોત, Getty Images
ગૌતમ નવલખા નાગરિક સ્વાતંત્ર્ય, માનવાધિકાર અને લોકશાહી અધિકાર માટે કામ કરતા વરિષ્ઠ કાર્યકર છે.
તેઓ અંગ્રેજી ભાષાના 'ઇકૉનૉમિક એન્ડ પૉલિટિકલ વીકલી' સામયિકના સંપાદકીય સલાહકાર છે.
તેઓ લોકશાહી અધિકાર જૂથ પીપલ્સ યુનિયન ફૉર ડેમૉક્રેટિક રાઇટ્સ(પીયુડીઆર) સાથે સંકળાયેલા છે.
ગૌતમ નવલખા પીયુડીઆરના મંત્રી તરીકે અને ઇન્ટરનેશનલ પીપલ્સ ટ્રિબ્યુનલ ઓન હ્યુમન રાઇટ્સ એન્ડ જસ્ટિસ ઇન કાશ્મીરના સંયોજક તરીકે કામ કરી ચૂક્યા છે.
કાશ્મીર અને છત્તીસગઢમાં સત્યશોધક મિશનમાં તેમણે વ્યાપક કામ કર્યું છે.
તેઓ કાશ્મીરમાં જનમતની માગણીના સમર્થક છે અને 2011ના મે મહિનામાં તેમને શ્રીનગરમાં પ્રવેશવા દેવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
પીયુડીઆરના હરિશ ધવને બીબીસી પંજાબીને જણાવ્યું હતું કે ગૌતમ નવલખા તેમના સંગઠન સાથે છેલ્લા લગભગ ચાર દાયકાથી સંકળાયેલા છે.
તેમણે મજૂરો, દલિતો અને આદિવાસીઓના મુદ્દાઓ તેમજ કોમી સંઘર્ષ સંબંધે પણ કામ કર્યું છે.
હરિશ ધવને કહ્યું હતું, "કાશ્મીર વિશેની ઊંડી સમજણ અને વિશ્લેષણ ગૌતમ નવલખાનું સૌથી મોટું યોગદાન છે."
"નાગરિકો સામેની લશ્કરી કાર્યવાહી શરૂ થઈ ત્યારથી તેઓ કાશ્મીરની નિયમિત મુલાકાત લેતા રહ્યા છે."
"છત્તીસગઢ અને ઝારખંડમાં પણ કાશ્મીર જેવી કાર્યવાહી હાથ ધરવામાં આવ્યાની ખબર પડ્યા બાદ તેમનું ધ્યાન માઓવાદી ચળવળ પર કેન્દ્રીત થયું હતું."
ગૌતમ નવલખાના ઘર પરના દરોડાને વખોડી કાઢતાં હરિશ ધવને કહ્યું હતું, "આ તો સમતોલ અભિપ્રાય અને ભિન્નમતને દબાવી દેવાનો પ્રયાસ છે. તેનો હિંમતભેર વિરોધ થવો જોઈએ."

વકીલ અને કામદાર નેતા સુધા ભારદ્વાજ

ઇમેજ સ્રોત, BBC/ALOK PUTUL
વકીલ તથા ઍક્ટિવિસ્ટ સુધા ભારદ્વાજને હરિયાણાના સુરજકુંડમાં સવારે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યાં હતાં.
અનુષાએ બીબીસીને જણાવ્યું હતું કે તેમનાં માતા પીપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝ માટે કામ કરતાં હતાં.
દિલ્હીની નેશનલ લો યુનિવર્સિટીમાં ગેસ્ટ ફેકલ્ટી તરીકે સેવા આપતાં સુધા ભારદ્વાજ કામદાર નેતા પણ છે અને કામદારોના કેસ હાથ ધરતાં રહે છે.
તેમણે આદિવાસી અધિકાર તથા જમીન સંપાદનનો એક સેમિનાર કોર્સ અને કાયદા તથા ગરીબી વિશે રેગ્યુલર કોર્સ શરૂ કર્યા છે.
દિલ્હી જ્યુડિશ્યલ એકેડમીના કાર્યક્રમના ભાગરૂપે તેમણે શ્રીલંકાની મજૂર અદાલતોના અધિકારીઓને સંબોધન પણ કર્યું હતું.
તેઓ છત્તીસગઢ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસના અને આદિવાસીઓના બનાવટી ઍન્કાઉન્ટરના કેસીસમાં માનવાધિકાર વકીલ તરીકે ઉપસ્થિત રહ્યાં છે.
માનવાધિકારનું રક્ષણ કરતા અનેક લોકો માટે તેમણે રાષ્ટ્રીય માનવાધિકાર પંચમાં રજૂઆત પણ કરી છે. તેઓ મોટેભાગે છત્તીસગઢના રાયગઢમાંથી કાર્યરત રહ્યાં છે.

લેખક, કવિ અને સંગઠનના સ્થાપક વરવરા રાવ

ઇમેજ સ્રોત, SUKHCHARAN PREET
તેલંગણાસ્થિત પેંડ્યાલા વરવરા રાવ ડાબેરીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે.
તેઓ લેખક, કવિ અને વિરાસમ તરીકે પણ ઓળખાતા વિપ્લવ રચયતાલા સંઘમ(ક્રાંતિકારી લેખક સંગઠન)ના સ્થાપક પણ છે.
તેઓ વારંગલ જિલ્લાના ચીના પેન્ડ્યાલા ગામના વતની છે. કટોકટી વખતે ષડયંત્રના અનેક આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી પણ બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
રામનગર ષડયંત્ર કેસ અને સિકંદરાબાદ ષડયંત્ર કેસ સહિતના 20થી વધુ કેસમાં તેમની તપાસ કરવામાં આવી હતી.
રાજ્યમાં માઓવાદી હિંસા પર પૂર્ણવિરામ મૂકવા માટે ચંદ્રાબાબુ નાયડુ સરકારે માઓવાદીઓ સાથે 2002માં મંત્રણા કરી ત્યારે તેમણે ગદરની સાથે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી.
વાય. એસ. રાજશેખર રેડ્ડીએ માઓવાદીઓ સાથે મંત્રણા કરી ત્યારે પણ તેમણે મધ્યસ્થી તરીકે કામ કર્યું હતું.
તેમના સાળા અને પત્રકાર વેણુગોપાલના જણાવ્યા મુજબ તેમની પુત્રીના હૈદરાબાદ સ્થિત નિવાસસ્થાન પર પણ પોલીસે દરોડો પાડ્યો હતો.

'માઓવાદી મોરચા'ના સક્રીય કાર્યકર
પોલીસે અટકાયતમાં લીધેલા અરુણ ફરેરાનો જન્મ મુંબઈના બાન્દ્રામાં થયો હતો અને તેઓ મુંબઈ સેશન કોર્ટ તથા મુંબઈ હાઈકોર્ટમાં વકીલ તરીકે કાર્યરત છે.
તેમને અનલોફુલ ઍક્ટિવિટિઝ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ અને રાજદ્રોહના આરોપસર ચાર વર્ષના કારાવાસની સજા કરવામાં આવી હતી. 2012માં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
તેઓ ઇન્ડિયન અસોસિએશન ઑફ પીપલ્સ લોયર્સના ખજાનચી તરીકે પણ કાર્યરત છે.
પૂણે પોલીસે ભીમા કોરેગાંવ હિંસા સંબંધે દલિત કાર્યકર સુધીર ધવલેની જૂનમાં ધરપકડ કરી હતી.
તેમની ધરપકડનો અરુણ ફરેરા સતત વિરોધ કરતા રહ્યા છે.
મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં 1990ના દાયકાની શરૂઆતમાં રક્તદાનને પ્રોત્સાહન આપવા માટે તેઓ રક્તદાતાઓનાં રેખાચિત્રો બનાવતા હતા.
મુંબઈના ગોરેગાંવ અને જોગેશ્વરીના રમખાણથી પ્રભાવિત વિસ્તારોમાં 1993માં કામ કરતી વખતે માર્ક્સવાદી વિચારધારામાં તેમનો રસ વધ્યો હતો.
એ પછી તેમનામાંનો કાર્ટૂનિસ્ટ નિષ્ક્રિય બની ગયો હતો અને તેઓ દેશભક્તિ યુવા મંચ નામના સંગઠનના સક્રીય કાર્યકર બની ગયા હતા. આ સંગઠનને મહારાષ્ટ્રમાં 'માઓવાદી મોરચો' ગણવામાં આવે છે.
જેલમાં એકાંતવાસના તથા યાતનાના અનુભવોનું આલેખન તેમણે 'કલર્સ ઑફ ધ કેજઃ અ પ્રિઝન મેમ્વાર' નામના પુસ્તકમાં કર્યું હતું.
એ પુસ્તકનું ભાષાંતર તેલુગુ, બંગાળી, મરાઠી અને પંજાબી સહિતની અનેક ભાષાઓમાં કરવામાં આવ્યું છે.

ગોલ્ડ મેડલિસ્ટ, લેખક-કાર્યકર વેર્નોન ગોન્સાલ્વીઝ

ઇમેજ સ્રોત, GONSALVES
વેર્નોન ગોન્સાલ્વીઝ મુંબઈ સ્થિત લેખક-કાર્યકર છે. તેઓ મુંબઈ યુનિવર્સિટીના ગોલ્ડ મેડલિસ્ટ છે અને તેમણે મુંબઈની કૉમર્સ કૉલેજોમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કામ કર્યું છે.
2007માં તેમની અનલોફુલ ઍક્ટિવિટિઝ (પ્રીવેન્શન) એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેઓ છ વર્ષ સુધી જેલમાં રહ્યા હતા.
નાગપુરની ડિસ્ટ્રિક્ટ અને એડિશનલ સેશન્શ કોર્ટે અનલોફુલ ઍક્ટિવિટિઝ (પ્રીવેન્શન) એક્ટ અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ વેર્નોન ગોન્સાલ્વીઝને સજા કરી હતી.
જોકે, જેટલી સજા થઈ હતી એટલો સમય તેઓ કારાવાસમાં રહી ચૂક્યા હતા એટલે 2013માં તેમને તત્કાળ મુક્ત કરવામાં આવ્યા હતા.
વેર્નોન ગોન્સાલ્વીઝનાં પત્ની સુસાન માનવાધિકાર વકીલ છે.

80 વર્ષના પાદરી
પોલીસે વિખ્યાત સામાજિક તથા માનવાધિકાર કાર્યકર સ્ટેન સ્વામીના રાંચીસ્થિત ઘર પર પણ દરોડો પાડ્યો હતો. 80 વર્ષના સ્ટેન સ્વામી એ વખતે ઘરમાં જ હતા.
સ્ટેન સ્વામી પાદરી છે પણ છેલ્લાં ઘણાં વર્ષોથી ચર્ચમાં રહેતા નથી.
તેમણે અનેક સત્યશોધક અહેવાલો પ્રકાશિત કર્યા છે, જેમાં સરકારની કથિત ગોબાચારીને ઉઘાડી પાડવામાં આવી હોવાનો દાવો કરવામાં આવે છે.
ઝારખંડ સરકારે સ્ટેન સ્વામી પર જુલાઈમાં રાજ્યદ્રોહનો આરોપ મૂક્યો હતો.
રાજ્યના આદિવાસીઓની પાતાલગઢી ચળવળને ટેકો આપવાનો આરોપ તેમના પર મૂકવામાં આવ્યો હતો.
ભારતમાં લોકશાહીના બચાવ માટે તેમણે તાજેતરમાં યોજેલી રેલીમાં સમગ્ર દેશના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














