મોદી સમર્થક સાગર સાવલિયાએ શા માટે ‘વિકાસ ગાંડો’ કર્યો?

એસટીની વાઇરલ તસવીર

ઇમેજ સ્રોત, FACEBOOK/Sagar Savaliya Befaam

ઇમેજ કૅપ્શન, 23મી ઓગસ્ટે સાગર સાવલિયાએ ફેસબુક પર પોસ્ટ મૂકી, આ પોસ્ટ વાઇરલ થઈ
    • લેેખક, સાગર પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

સોશિઅલ મીડિયા પર ચાલેલુ 'વિકાસ ગાંડો થયો છે' સૂત્રે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા શાસકપક્ષને બેકફૂટ પર લાવી દીધું હોય તેમ લાગ્યું.

જેની સામે સત્તાપક્ષે 'હું વિકાસ છું, હું ગુજરાત છું'નું સૂત્ર મૂક્યું છે.

'વિકાસ ગાંડો થયો છે' એ વાક્યને સોશિઅલ મીડિયામાં વહેતું મૂકનાર યુવાન સાગર સાવલિયા ૨૦૧૪ની લોકસભા ચૂંટણી સુધી નરેન્દ્ર મોદીના સમર્થક હતા.

એવું શું થયું કે, સાગરને ગુજરાત મોડેલ પર શંકા ઊભી થઈ અને સોશિઅલ મીડિયા પર યુદ્ધ છેડ્યું?

તમને આ પણ વાંચવું ગમશે

line

આમ વિકાસ ગાંડો થયો

સાગર સાવલિયાની તસવીર

ઇમેજ સ્રોત, FACEBOOK/Sagar Savaliya Befaam

ઇમેજ કૅપ્શન, સાગર સાવલિયા

સાગરનું કહેવું છે કે તેમણે ૨૩ ઓગસ્ટ 2017 ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમની ખાડામાં ફસાયેલી બસનો ફોટો ફેસબુક પર અપલોડ કર્યો.

આ ફોટાની સાથે સાગરે 'હવે વિકાસ ગાંડો થયો છે' એવી ટેગ લાઇન લખી. આ સૂત્ર સોશિઅલ મીડિયા પર વાઇરલ થયું.

બાદમાં કોંગ્રેસે પણ આ સૂત્રને અપનાવ્યું અને રાજયભરમાં ઠેર-ઠેર પોસ્ટર્સ લગાવ્યાં. તેની આજુબાજુ અનેક નારા તૈયાર કરવામાં આવ્યા અને તેને ચૂંટણી વ્યૂહરચનાના ભાગરૂપે સ્વીકારી લીધું.

line

એક સમયે હતા મોદી સમર્થક

જીએમસડીસી ગ્રાઉન્ડ ખાતે એકઠાં થયેલા પાટીદારોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદારો પર દમન બાદ સાગર સાવલિયાની વિચારસરણી બદલાઈ

બીબીસી સાથેની વાતચીતમાં સાગરે જણાવ્યું "હું નરેન્દ્ર મોદીનો સમર્થક હતો. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપનો ખૂબ જ પ્રચાર કરતો હતો.

"જોકે, જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદાર અનામત આંદોલનની ૨૫ ઓગસ્ટ ૨૦૧૫ની રાત્રે અમદાવાદની પોલીસે જે અત્યાચાર ગુજાર્યો તેનો હું સાક્ષી બન્યો. ત્યારથી હું મોદીનો વિરોધી બની ગયો."

સાગરે વધુમાં જણાવ્યું, "હું સક્રિય રીતે પાટીદાર અનામત આંદોલનમાં જોડાયેલો નહોતો પણ પોલીસની કાર્યવાહી પછી પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)માં જોડાયો."

line
વિકાસ અંગે વાઇરલ થયેલી વધુ એક તસવીર

ઇમેજ સ્રોત, FACEBOOK/Sagar Savaliya Befaam

આ ફોટો વ્હૉટ્સઍપ, ટ્વિટર અને ફેસબુકમાં ખૂબ વાઇરલ થયો. આ પછી, લોકોએ સ્વયંભૂ પોતાની-આસપાસ જે કોઇ પ્રશ્નો દેખાયા તેના ફોટાં પાડી સોશિયલ મિડીયા પર પોસ્ટ કરવા લાગ્યાં અને આ બધામાં ટેગલાઇન એક જ રહી, ''વિકાસ ગાંડો થયો છે.'

સાગર કહે છે, "મને પણ અંદાજ નહોતો, કે આ સૂત્ર આટલું બધું વાઇરલ થશે. કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધીએ વિકાસને લઇને પોતાની સભાઓમાં સરકારની ટીકા કરી.

"સરકારના પ્રધાનોએ પણ વિકાસ અંગે સ્પષ્ટતા આપવી પડી. આ સૂત્રે ગુજરાતના વિકાસ મોડલની છબીને પડકારી. બીજા રાજ્યોમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો."

line

ડાહ્યા વિકાસની વ્યાખ્યા શું?

સાગર સાવલિયા સાથે હાર્દિક પટેલની તસવીર

ઇમેજ સ્રોત, FACEBOOK/Sagar Savaliya Befaam

સાગરનું કહેવું છે, "મારે મન વિકાસની સાવ સાદી વ્યાખ્યા છે. બેરોજગાર યુવાનોને રોજગારી મળવી જોઇએ અને જો બેરોજગાર યુવાનો રોજગારી માટે આંદોલન કરવા રસ્તા ઉપર ઉતરી આવે તો, તેમના ઉપર લાઠીચાર્જ ન કરાય.''

સાગર વધુમાં જણાવે છે કે, હાલ તેનુ સંપૂર્ણ ધ્યાન અભ્યાસ ઉપર છે અને રાજકારણમાં આવવાનો તેમનો કોઈ ઈરાદો નથી.

જોકે, ચૂંટણીમાં તેનું એક જ લક્ષ્ય છે કે તેઓ મોદી અને ભાજપનો વિરોધ કરશે.

line

'હું વિકાસ છું, હું ગુજરાત છું'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

'વિકાસ ગાંડો થયો છે' ટ્રેન્ડની સામે ભાજપના પ્રવક્તાઓ અને ગુજરાત સરકારના નેતાઓએ પ્રતિક્રિયા આપવી પડી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેરસભામાં કહેવું પડ્યું હતું, 'હું વિકાસ છું, હું ગુજરાત છું'

ગુજરાતમાં 9મી અને 14મી ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. જ્યારે તા. 18મી ડિસેમ્બરે ચૂંટણી પરિણામો આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો