ડુંગળીના ભાવ અને ઉત્પાદનમાં કાયમ ઊથલપાથલ રહેવા છતાં ગુજરાતના ખેડૂતો કેમ તેને વાવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ એટલે કે ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટીઝ (એપીએમસી)ના યાર્ડ્ઝમાં આ સિઝનમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલોએ ત્રણ રૂપિયાથી પાંચ રૂપિયા જેટલો નીચો ચાલી રહ્યો છે.
ઑક્ટબરમાં વરસેલા કમોસમી વરસાદના કારણે ઉતારા ઘટ્યા બાદ હવે ભાવો ગગડી જતા ખેડૂતોમાં કચવાટ છે.
અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં કેટલાક ખેડૂતોએ તો તેમના ડુંગળીના પાકની લણણી કરવાને બદલે ઊભા પાકમાં ભેલાણ કરાવી રહ્યા હોવાના, ભેંસો તેમ જ ઘેટાં-બકરાંને ચરવા છોડી મૂક્યા હોય તેવા, કે પછી કેટલાકે ખેડાણ કરી ડુંગળીને પાછી જમીનમાં જ દાટી દીધાના અહેવાલો છે.
પરંતુ આવું પહેલી વાર થયું નથી. આ વર્ષે ઉનાળામાં પણ આવા જ અહેવાલો હતા અને ખાસ કરીને સફેદ ડુંગળીનું કોઈ લેવાલ ન હતું.
ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ જેવા ડુંગળી પકવતાં રાજ્યોમાં ડુંગળીની કિંમતોમાં મોટા વધારા-ઘટાડા તાજેતરનાં વર્ષોમાં એક સામાન્ય બીના બની ગઈ છે.
ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન ભાવ 20 રૂપિયા પ્રતિ કિલો હતો જેમાં હવે દસ ગણો ઘટાડો થયો છે. બજારભાવમાં મોટા ઘટાડા છતાં ગુજરાતમાં શિયાળુ સિઝનમાં ડુંગળીના વાવેતરમાં કોઈ ઘટાડો થાય તેવા સંકેતો જણાતા નથી.
રાજ્ય સરકારના આંકડા અનુસાર 22 ડિસેમ્બર સુધીમાં 63,634 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થઇ ગયું છે જે પાછલાં ત્રણ વર્ષના સરેરાશ 77,492 હેક્ટર વાવેતર વિસ્તારના 82 ટકા થાય.
'ગરીબોની કસ્તૂરી' કહેવાતી ડુંગળી ક્યારેક ગ્રાહકોને રડાવે છે, કારણ કે તેના ભાવ આસમાને પહોંચી જાય છે તો આ જ 'કસ્તૂરી' દર પાંચમાંથી ત્રણ વર્ષ ખેડૂતોને રડાવે છે તેમ ખેડૂતો કહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખેડૂતો ડુંગળીની ખેતી કેમ પસંદ કરે છે?

ઇમેજ સ્રોત, Faruk Kadari/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમરેલીના સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામના ખેડૂત અશરફ મકવાણા પાસે 10 વીઘા (6.25 વીઘા=1 હેક્ટર) જમીન છે અને છેલ્લાં છ વર્ષથી તેમાંથી આઠ વીઘામાં ડુંગળીનું વાવેતર કરે છે.
અશરફભાઈ કહે છે કે તેમણે આ વર્ષે પણ ચોમાસામાં આઠ વીઘામાં ડુંગળી વાવી અને પાક તૈયાર કરવા 54,000 રૂપિયા ખર્ચ્યા, પરંતુ નવેમ્બરમાં ડુંગળીને જમીનમાંથી ખોદી યાર્ડમાં વેચવા લઈ જવાનો સમય થયો ત્યારે તેમણે ડુંગળીને ખોદવાને બદલે 6 નવેમ્બર, 2025ના રોજ તેમાં ભેલાણ કરી દીધું, જેથી પશુઓ ડુંગળીનાં પાંદ ખાઈ જાય. પછી તેમણે ખેડાણ કરી ડુંગળીને જમીનમાં જ ઊંડી દાટી દીધી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં અશરફભાઈ કહે છે, "યાર્ડમાં અત્યારે ડુંગળીના ભાવ 60 રૂપિયા પ્રતિ મણ (20 કિલો =1 મણ) મળે છે. મારે 800 મણ ડુંગળી પાકે તેમ હતું, પરંતુ મારી ડુંગળી તૈયાર થઈ ત્યારે ભાવ આના કરતાં પણ ઓછા હતા."
"ડુંગળી ખોદવાની અને લણવાની મજૂરી 12,000 રૂપિયા થાય તેમ હતું. મને ભય હતો કે ડુંગળી વેચતા તેટલા રૂપિયા પણ નહીં મળે. તેથી, મેં ભેલાણ કરી દીધું."
આટલી અનિશ્ચિતતા છતાં તેઓ ડુંગળી કેમ વાવે છે તેવા પ્રશ્નના જવાબમાં અશરફભાઈ કહે છે, "હું પહેલા કપાસ અને તુવેર વાવતો હતો, પરંતુ તેમાં વધારે વળતર નથી. ડુંગળીમાં જો ભાવ મળી જાય તો આવતા વર્ષનું પણ થઈ જાય. તેથી, સારા ભાવ મળી જશે તેવી લાલચે હું ડુંગળી વાવું છું."
"ગયા વર્ષે આઠ વીઘામાંથી મને 400 મણ ડુંગળીનું ઉત્પાદન મળ્યું હતું અને 200 રૂપિયાના ભાવે વેચાતા વર્ષ સારું રહ્યું હતું. આ વર્ષે આશા હતી કે 400 ભાવ રહેશે પણ તે આખરે ઘરના પૈસા લઈને ગઈ."

ઇમેજ સ્રોત, Faruk Kadari/BBC
ભાવનગરનો મહુવા અને અમરેલીના રાજુલા અને સાવરકુંડલા તાલુકાઓ ડુંગળીની ખેતી માટે વખણાય છે.
મહુવા તાલુકાને અડીને આવેલા તળાજા તાલુકાના પાદરી ગામના 42 વર્ષના ખેડૂત અરવિંદભાઈ પરમાર 20 વર્ષથી ડુંગળીની ખેતી કરે છે અને દર વર્ષે તેમની 25 વીઘા જમીનમાંથી 10 વીઘામાં દર શિયાળે ડુંગળી વાવે છે.
તેઓ કહે છે," જુગારી જુગાર રમવા બેસે તો તેને પૈસા જીતવાની આશા હોય. તેવું જ ડુંગળી વાવતા ખેડૂતોનું છે. પાંચ વર્ષમાં ત્રણ વર્ષ તો નુકસાન જ થાય. પણ બે-ચાર વર્ષે એક વાર ભાવમાં વારો આવી જાય તો કામ ચાલી જાય."
ડુંગળીની ખેતીનું ગણિત સમજાવતા તેઓ કહે છે, "ઘઉં વાવીએ તો વીઘે 40 મણનું ઉત્પાદન મળે અને તેના 500 રૂપિયા ભાવ મળે તો વીઘે 20,000નું વળતર થાય, પરંતુ ઘઉંના ભાવ ક્યારેય 500માંથી 1200 ન થાય. જયારે ડુંગળીના ભાવ 300માંથી 900 થઈ શકે છે અને ઉત્પાદન 300 મણ થઈ શકે છે. જો એમ થાય તો ત્રણ મહિનામાં વીઘે એક લાખનું વળતર મળે."
તેઓ વધુમાં કહે છે, "મેં 1,450ના ભાવે ડુંગળી વેચી છે. તેથી, ડુંગળી જ એક એવો પાક છે જે ખેડૂતોનું દેવું પૂરું કરી શકે, છોકરાના ભણતરની ફી ભરી શકે કે લગ્ન-પ્રસંગો સાચવી શકે."
અરવિંદભાઈ ઉમેરે છે, "પરંતુ ડુંગળી ખેડૂતોને દેવામાં પણ ઉતારી શકે છે. હું એક વાર મારી 100 ગુણી (250 મણ) ડુંગળી મહુવા યાર્ડમાં વેચવા લઈ ગયો, પરંતુ ભાવ ન મળતા ત્યાં જ બકરીઓને ખવડાવી દીધી."
ખેડૂતો કહે છે કે ચોમાસામાં ડુંગળીનું પ્રતિ વીઘે 150 મણથી 200 મણ ઉત્પાદન મળે છે જયારે શિયાળામાં 400 મણ સુધી ઉત્પાદન મળી શકે છે.
ડુંગળીના ભાવમાં ઊથલપાથલ કેમ રહે છે?

ઇમેજ સ્રોત, Arvind Parmar
ગુજરાતમાં ખેડૂતો ડુંગળીના ત્રણ પાક લે છે. ચોમાસાની શરૂઆતમાં એટલે કે જૂન-જુલાઈમાં વાવેલી ડુંગળી સપ્ટેમ્બરના અંત ભાગમાં બજારમાં આવે છે.
ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં વવાયેલી ડુંગળી નવેમ્બર-ડિસેમ્બરમાં બજારમાં આવે છે અને શિયાળુ એટલે કે નવેમ્બર-ડિસેમ્બરમાં વવાયેલી ડુંગળી ફેબ્રુઆરી-માર્ચમાં બજારમાં આવે છે, પરંતુ શિયાળુ ડુંગળીમાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી અને તેની કાપણી સમયે હવામાન પણ સૂકું થઈ જતું હોવાથી તે ઝડપથી ઊગતી નથી. તેથી મોટા ખેડૂતો શિયાળુ ડુંગળીને મેડા કે કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહી ચોમાસાની ઋતુમાં વેચાણ કરે છે.
ઑલ ઇન્ડિયા વેજિટેબલ ડિહાઇડ્રેશન ઍસોસિયેશન નામના સંગઠન હેઠળ કામ કરતા વેપારીઓ તાજી ડુંગળીના વેપાર ઉપરાંત ડુંગળીને સૂકવી તેનો પાવડર બનાવી તેનું વેચાણ કરે છે.
આ સંગઠનના ઉપપ્રમુખ અને મહુવામાં ડુંગળીના વેપારી તેવા સવજીભાઈ ઠંઠ કહે છે કે ઊથલપાથલ માટે ડુંગળીના પાકની નાજુકતા અને ગ્રાહકોની લાગણીઓ જવાબદાર છે.
તેઓ કહે છે, "જીરુંની જેમ જ ડુંગળી પણ વાતાવરણ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલતા ધરાવતો પાક છે."
"વાતાવરણ બગડે તો ડુંગળીનું ઉત્પાદન ખૂબ જ ઘટી શકે છે. વળી, આપણે ત્યાં ડુંગળીની ખેતી ઑર્ગેનાઇઝડ એટલે કે સંગઠનાત્મક રીતે નથી થતી. તેને કારણે વાવેતર વિસ્તારના ચોક્કસ આંકડા સમયસર મળતા નથી. પરિણામે ડુંગળીનાં ઉત્પાદન વિષે ચોક્કસ અંદાજ લગાવી શકતા નથી."
તેઓ ઉમેરે છે, "માંગ અને પુરવઠાના ભરોસાપાત્ર અંદાજોના અભાવની સ્થિતિમાં એપીએમસી યાર્ડમાં ડુંગળીની આવકમાં થોડો પણ વધારો દેખાય તો ભાવ નીચે સરકવા લાગે છે. અને જો કોઈ સિઝનમાં ડુંગળીના પાકને નુકસાન થતા ઉત્પાદન ઘટે અને ભાવ વધે તો ગ્રાહક ઊહાપોહ કરે છે. પરિણામે સરકાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદે છે. તેથી ભાવ ફરી દબાય છે."
આ વર્ષે ભાવ કેમ નીચા છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડુંગળીના વેપાર માટે જાણીતા મહુવા એપીએમસીના ચૅરમૅન ગભરુભાઈ કામલિયા કહે છે, "ચોમાસાની ડુંગળીમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી અને હવામાન પણ ભેજવાળું હોવાથી ઝડપથી ઊગી જાય છે અને તેથી તેને લાંબા સમય સુધી સંગ્રહી શકાતી નથી. તેથી ખેડૂતો તેને વેચવામાં ઉતાવળ રાખે છે. જો બજારમાં તેટલી માગ ન હોય તો ભાવ ઘટે છે."
સવજીભાઈ છે, "સામાન્ય રીતે દર એક વર્ષ બાદ ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ડુંગળીના ભાવ સારા રહે છે, કારણ કે ચોમાસું ડુંગળીમાં ઉત્પાદન ઓછું મળે છે. આ વર્ષે ડુંગળીનો વાવેતર વિસ્તાર વધતા ગુજરાતમાં ઉત્પાદન ખૂબ વધારે થયું છે. રાજકોટના ગોંડલ યાર્ડમાં ડિસેમ્બર મહિનામાં સામાન્ય રીતે દૈનિક 5,000થી 10,000 ગુણી ડુંગળીની આવક નોંધાતી હોય છે. તેની સામે આ વર્ષે ત્યાં એક લાખ ગુણીની આવક નોંધાઈ રહી છે. બીજી તરફ ગત વર્ષે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં શિયાળુ ડુંગળીનું મબલક ઉત્પાદન થયું હતું અને તે ડુંગળી હજુ પણ ઉત્તર ભારતનાં બજારોમાં વેચાઈ રહી છે. તેથી ભાવ નીચા છે."
સવજીભાઈ ઉમેરે છે કે નિકાસમાં સુસ્તી પણ નીચા ભાવ માટેનું એક કારણ છે.
તેઓ કહે છે, "બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સારી ન હોવાથી ત્યાં નિકાસના સારા સંજોગો નથી. વળી, ગત વર્ષે ઇજિપ્તમાં ડુંગળીનો પાક સારો થતા તે યુરોપના દેશોમાં નિકાસ કરી રહ્યો છે. ચીનમાં પણ ગયા વર્ષે ડુંગળીનો પાક સારા થતા ચીન પણ બહુ આયાત કરી રહ્યો નથી. તેથી, ગત વર્ષે ડુંગળીના ભાવ આ સમયે 400 હતા તેની સામે અત્યારે 150થી 200 છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












