ઇમેનુએલ મૅક્રોં: 24 વર્ષ મોટાં મહિલાને પરણવાથી લઈ બીજી વાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ બનવા સુધી
- લેેખક, લુસી વિલિયમસન
- પદ, બીબીસી પેરિસ સંવાદદાતા
ઇમેનુએલ મૅક્રોં ફરી એક વાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ બની ગયા છે. તેમણે હરીફ મરીન લી પેનને હરાવ્યા છે. કટ્ટર દક્ષિણપંથી નેતાઓમાં સૌથી વધારે મત મેળવીને પણ લિ પેન રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયાં છે.
મૅક્રોંને 58.55 ટકા મત મળ્યા જ્યારે લી પેનને 41.45 ટકા મત મળ્યા. પરિણામ બાદ મૅક્રોંને કહ્યું કે, હવે ચૂંટણી પૂર્ણ થઈ છે અને તેઓ તમામને માટે રાષ્ટ્રપતિ છે તો લી પેને કહ્યું કે મને મળેલો વોટ શૅર જ મારી સૌથી મોટી જીત છે.
મૅક્રોં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ચર્ચામાં રહ્યા છે. જાણીએ તેમના અંગત અને રાજકીય જીવન વિશે કેટલીક અજાણી વાતો.

ઇમેજ સ્રોત, Getty Images
મૅક્રોં પહેલી વાર ચૂંટાયા એ પહેલાં પણ તેઓ ફ્રાન્સ માટે પોતાના પ્રોજેક્ટનો પ્રચાર કરવા લાગ્યા હતા.
આવું ન કરે તો 39 વર્ષીય વ્યક્તિ ફ્રાન્સ જેવા દેશમાં કેવી રીતે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી શકે?
મૅક્રોંના ભૂતપૂર્વ રાજકીય સલાહકાર એલન મિંકે 2000ની સાલની આસપાસ ભવિષ્યના લીડર એવા મૅક્રોંને મળવાની કહાણી જણાવે છે.
તેમણે કહ્યું કે, "તે મને મળવા આવ્યા, તે સમયે તેઓ ફાઇનાન્સના યુવાન ઇન્સ્પેક્ટર હતા. ત્યારે મેં તેમને પૂછ્યું તમે આગામી 20 વર્ષમાં શું હશો? તેમણે જવાબ આપ્યો, 'હું રાષ્ટ્રપતિ હોઈશ.' હું આશ્ચર્યચકિત થઈ ગયો."
આ વાતચીતનાં લગભગ 15 વર્ષ બાદ ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે સેવા આપતી વખતે તેમણે તેમની રાજકીય ચળવળની શરૂઆત કરી. જેનું નામ હતું, 'એન માર્શ.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલાં તો કોઈ પણ રાજકીય પક્ષ કે મોટા માથાના ટેકા વગરની આ વ્યક્તિને શરૂઆતમાં લોકોએ ન ગણકારી. તેમને ખૂબ યુવાન અને ખૂબ બિનઅનુભવી ગણાવાયા. તેમને 'શેમ્પેન બબલ' કહેવાયા, જે ચૂંટણીના દિવસ પહેલાં ફૂટી જશે તેવી ભવિષ્યવાણી કરાઈ.
તે સમયની ફ્રાન્સની સોશિયાલિસ્ટ સરકારના એક મંત્રીએ મૅક્રોંની આ ચળવળની મજાક ઉડાડી હતી. પરંતુ તેમણે તમામ ટીકાકારોને ખોટા પાડી દીધા.

રાજકારણમાં નવા ખેલાડી

ઇમેજ સ્રોત, AFP
તેમની પ્રથમ ચૂંટણી વખતે નસીબે તેમનો સારો સાથ આપ્યો હતો.
સોશિયાલિસ્ટ અને રિપબ્લિકન્સના તેમના વિરોધીઓએ તેમના કેન્દ્રીય રાજકારણ માટે સારી ભૂમિ તૈયાર કરી દીધી હતી. એ સમયે રિપલ્બિકન ઉમેદવાર ફેંકોં ફીલન, જેઓ આગલ ચાલી રહ્યા હતા, પર નાણાકીય ગોટાળાના આરોપ લાગ્યા.
પરંતુ આ દરમિયાન જ મૅક્રોંનું વિઝન સાફ હતું, તે નવું હતું, અને તેમની રજૂઆત ખૂબ જ શક્તિ અને જુસ્સા સાથે થઈ હતી.
તેઓ કેમ્પેન રેલીમાં એ પળમાં સંપૂર્ણપણે ઓતપ્રોત થઈ જતા. તેઓ પોતાના સમર્થકોને કહેતા કે તેઓ તેમને પ્રેમ કરે છે અને તેમને તેમની જરૂરિયાત છે, તેઓ પોતાના સમર્થકોને ઓડિટોરિયમમાં રોક સ્ટાર પૉલિટિક્સની ઝલક દેખાડતા.
એ સમયે એવી છાપ ઊભી થવા લાગી હતી કે ફ્રાન્સના રાજકારણમાં નવો પવન ફૂંકાવા લાગ્યો છે, જે સમાવેશ અને લોકતંત્રની વાયદો કરી રહી હતી.
તેમણે પોતાના માટે રાજકીય યોજના તૈયાર કર્યા પહેલાં 25 હજાર લોકોનો સર્વે કરાવ્યો હતો. જેમાં માત્ર બે જ સવાલ પૂછાતા કે ફ્રાન્સમાં શું ચાલે છે? અને શું નથી ચાલતું?
પરંતુ રાજકીય જીવનકથાકાર માર્ક એન્ડેવેલ્ડ કહે છે કે, "નવો ચહેરો, હોરિઝોન્ટલ લોકશાહી છતાં શક્તિનું કેન્દ્ર મૅક્રોં જ હતા."

ઇમેજ સ્રોત, Thierry Chesnot/Getty Images
જ્યારે પહેલી વાર તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા ત્યારે તેમને બે લાભ મળ્યા હતા.
એ સમયે, તેઓ રાજકીય ચિત્રમાં નવા ખેલાડી હતા - યુવાન અને એકદંરે અજાણ્યા પણ ખરા. અને તેમના વિઝન અને વાયદાની ફાન્સની કઠોર હકીકતો સામે પરીક્ષા નહોતી થઈ.
ખરેખર, તો તેમને ચોક્કસ પક્ષ કે નિર્ણય ન લેવા અંગે હંમેશાં ટીકાનો સામનો શરૂઆતથી જ કરવો પડતો. તેઓ બધા માટે બધું હોવાની વાત કરતા.
ફ્રાન્સની પરંપરાગત રાજકીય પાર્ટીઓના મતદારોને આકર્ષીને કેન્દ્રવર્તી નવી પાર્ટી થકી ફ્રાન્સના રાજકારણનું પરંપરાગત અંતર ઓછું કરવાનું મૅક્રોંનું મિશન હતું.
સામાજિક બાબતકો અંગે તેમના મત ઉદાર હતા. જેમ કે ગે અધિકારો અને લિંગ વિષયક સમાનતા, જેમ કે તેમણે ડાબેરીઓના સમર્થકોને પણ પોતાની તરફ આકર્ષ્યા પરંતુ સાથે જ તેઓ અર્થતંત્ર અંગે ઉદારવાદી મત ધરાવતા હોવાના કારણે અર્થતંત્રને વેગ આપવા માટે ઉદ્યોગોને મુક્ત વાતાવરણ આપવા અંગે સમર્થન વ્યક્ત કર્યું. તેમની આ જ વાતો ઘણા મતદારોને આકર્ષી શકી. ફ્રાન્સ માટે આવી બેવડી ઉદારમતવાદી રાજકારણની વાતો નવી હતી.
અંતે તેઓ વર્ષ 2017ની ચૂંટણી યોજના અનુસાર જીતી ગયા, બંને બાજુના કેન્દ્રની તરફેણ કરવાવાળા મતદારોના ટેકાથી આ સંભવ બન્યું.
તેઓ ઉદારમતવાદ પાછળ સંયુક્ત થયેલા મતદારોના, યુરોપિયનની તરફેણવાળા રાષ્ટ્રપતિ તરીકે સામે આવ્યા. પરંતુ શાસનમાં પાંચ વર્ષ વિતાવ્યાં બાદ તેમના સમર્થકો જમણેરીઓ તરફી થઈ ગયા છે, આ સિવાય ડાબેરી મતદારોનો મિજાજ પણ તેમને ખુશ કરે એવો નથી.

મૅક્રોંની કામગીરી

ઇમેજ સ્રોત, AFP
મૅક્રોંને નોકરીઓનું સર્જન કર્યું, કામદારો અને વેપારોને કોવિડ-19માં ટેકો આપવા માટે ઘણો ખર્ચ કર્યો છે. તેમણે પાછલા છ માસમાં ફ્રાન્સમાં ગૅસ અને પેટ્રોલ પરની સબસિડી વધારી.
પરંતુ તેઓ દૃઢપણે આર્થિક ઉદારીકરણમાં માને છે, વેપારને મુક્ત બનાવી કામદારો પાસે વધુ માગ કરવાની નીતિ, જેના કારણે ગરીબી નિવારણ અને ડાબેરી મતદારોને ગમે તેવી યોજનાઓ માટે નાણાં એકઠાં કરવાં માટેની નીતિની વકીલાત કરી. પરંતુ ફ્રાન્સના રાજકારણના બે ધ્રુવો વચ્ચે પડેલી ફાટને વધુ પહોળી કરવાનું કામ કર્યું.
તેમણે સત્તામાં આવ્યાના અમુક સમય બાદ લીધેલા કેટલાક નિર્ણયોને તેમના ટીકાકારો ફ્રાન્સના કામદાર વર્ગ સાથે કરાયેલું છળ ગણાવે છે. આ નિર્ણયોને કારણે જ તેમને 'ધનિકોના રાષ્ટ્રપતિ'નું ઉપનામ અપાયું.
પરંતુ તેમની આ છબિ સાથે તેઓ પોતાની જાતને ઓળખાવવા માટે જે કહાણી જણાવે છે મેળ ખાતી નથી.

અંગત જીવન

ઇમેજ સ્રોત, Reuters
જ્યારે એક પત્રકારે તેમના વિશે કહ્યું કે તેઓ એક ઇન્વેસ્ટમૅન્ટ બૅન્કર છે. તો તેઓ આ નિવેદન અંગે ખૂબ ચિડાઈ ગયા હતા.
તેમણે આ અંગે સ્પષ્ટતા કરી હતી કે, "તેમનો જન્મ એક પ્રોવિન્સિયલ ટાઉનમાં થયો હતો. તેમના કુટુંબને નેતા, બૅન્કર કે પત્રકારોની દુનિયા સાથે કોઈ લેવાદેવા નહોતા. હું ખૂબ ગર્વ સાથે કહું છું કે હું કોઈ શ્રીમંત વર્ગનો નહીં પરંતુ કામદાર અને મધ્યમ વર્ગને રજૂ કરતો ચહેરો છું."
તેઓ પોતાની આત્મકથામાં લખે છે કે તેમનાં દાદા-દાદી, નાના-નાની ટીચર, રેલવે વર્કર, સામાજિક કાર્યકર અને રોડ ઇજનેર હતાં.
તે પૈકી તેમનાં નાની મનેટ, જેઓ એક શિક્ષિકા હતાં, તેમના માટે ખૂબ મહત્ત્વપૂર્ણ હતાં. તેમણે જ તેમની પિછાણ સંસ્કૃતિ, સાહિત્ય અને નવા વિચારો સાથે કરાવી.
પરંતુ તેમનાં નાનીએ સત્તા માટેની તેમની સફરમાં મૅક્રોંને કામ લાગી શકે, તે હતી તેમના પૂર્વજોની કહાણી.
મનેટનાં ખુદનાં માતા અભણ હતાં. પોતાના પૂર્વજોની વાત આગળ મૂકીને તેઓ પોતાની જાતને મતદારો સાથે જોડવામાં સફળ રહ્યા.
પોતાના વિઝન અને વિશ્લેષણ અંગે તેમનો વિશ્વાસ પણ તેમના અંગત જીવનમાં જોવા મળે છે. મૅક્રોંનાં પત્ની, બ્રિગિટ, તેમનાં ડ્રામ ટીચર હતાં. તેઓ તેમના કરતાં 24 વર્ષ મોટાં છે અને લગ્ન સમયે ત્રણ બાળકોનાં માતા હતાં.
તેમણે 16 વર્ષની વયે શાળા છોડી તે સમયથી બ્રિગિટ સાથે લગ્ન કરવાના શપથ લીધા હતા.
બ્રિગિટે એક ફ્રેન્ચ ડૉક્યુમેન્ટરીમાં કહ્યું હતું કે, "હું અને મૅક્રોં એકબીજા સાથે ફોન પર વળગેલાં રહેતાં. અને ફોન પર કલાકો ગાળી નાખતાં. તેમણે થોડું થોડું કરીને મારો સંકોચ બિલકુલ દૂર કરી દીધો. ધૈર્યથી તેમણે આ કામ પાર પાડી બતાવ્યું."
આ દંપતીએ વર્ષ 2007માં લગ્ન કર્યાં. આ એક ખૂબ જ અજુગતી લવસ્ટોરી છે. મૅક્રોંના જીવનકથાકાર એન ફુલદાએ કહ્યું કે પોતે રાષ્ટ્રપતિ બનવાની દોડમાં સામેલ ન થાય ત્યાં સુધી બંનેની ઇચ્છા હતી કે આ લવસ્ટોરી જાહેર ન થાય.
વર્ષ 2017માં ફુલદાએ આ રિપોર્ટરને જણાવ્યું હતું કે મૅક્રોં એવો વિચાર તરતો મૂકવા માગતા હતા કે જો તેઓ એક નાનકડા ટાઉનમાં પોતાનાથી 24 વર્ષ મોટાં મહિલાને પોતાની તરફ આકર્ષિત કરી શકે તો, તો તેઓ ગમે તેટલા પૂર્વાગ્રહ અને મજાક છતાં ફ્રાન્સની ગાદી પર પણ બેસી શકે છે.
આખરે મૅક્રોં બીજી વાર ફ્રાન્સની ગાદી પર બેસી ગયા છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













