એ દેશ જ્યાં લગ્ન માટે મહિલાનું અપહરણ કરી લેવાય છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લીઝા ટબુનન
- પદ, બીબીસી ન્યૂઝ
ઇન્ડોનેશિયાના અધિકારીઓ સુદૂર દ્વીપ સુંબામાં પ્રચલિત એક વિવાદિત પ્રથાને ખતમ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
આ પ્રથા દુલહનના અપહરણની છે.
મહિલાઓનાં અપહરણના વીડિયો સામે આવ્યા પછી આ હિલચાલ પર લગામ કસવા માટે દેશમાં ચર્ચા શરૂ થઈ છે.
સીત્રા ( સુરક્ષા માટે નામ બદલવામાં આવ્યું છે)એ વિચાર્યું હતું કે તેઓ માત્ર કામ સાથે સંકળાયેલી એક બેઠકમાં જઈ રહ્યાં છે, સરકારી અધિકારી હોવાનો દાવો કરનારા બે પુરુષો સીત્રાની એજન્સી દ્વારા ચલાવવામાં આવતા એક પ્રોજેક્ટના બજેટની માહિતી લેવા માગતા હતા.
તે વખતે 28 વર્ષનાં સીત્રા એકલા જવાને લઈને થોડા અચકાતાં હતાં પરંતુ પોતાનું કામ બતાવવા માટે તેમણે ચિંતા છોડી અને સાથે જતાં રહ્યાં.
એક કલાક પછી તે લોકોએ કહ્યું કે બેઠક એક અન્ય સ્થળે યોજાઈ રહી છે. તેમણે સીત્રાને તેમની કારમાં સાથે બેસવા માટે કહ્યું. સીત્રાએ કહ્યું કે તેઓ પોતાની મોટરબાઇકમાં આવશે.
તેમણે બાઇકમાં ચાવી લગાવી કે અચાનક અજાણ્યા લોકોએ આવીને તેમને પકડી લીધાં.
તેઓ કહે છે, " હું લાત મારતી હતી અને જોરથી બૂમો પાડતી હતી. પરંતુ તેમણે મને કારમાં નાખી દીધી, હું અસહાય હતી. કારની અંદર બે લોકોએ મને નીચે દબાવી રાખી હતી. મને ખબર હતી કે શું થઈ રહ્યું છે. "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લગ્ન માટે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.
દુલહનનું અપહરણ અથવા 'કાવિન ટાંગકાપ' સુંબાની એક વિવાદાસ્પદ પ્રથા છે. આ પ્રથા ક્યાં જન્મી એને લઈને વિવાદ ચાલે છે. આ પ્રથામાં લગ્ન કરવા ઇચ્છતા પુરુષોના પરિવારજનો કે મિત્રો મહિલાઓને બળજબરી ઉપાડી જાય છે.
મહિલાઅધિકાર માટે કામ કરતાં સંગઠનો લાંબા સમયથી આ કુરીતિ પર રોક લગાવવાની માગ કરી રહ્યાં છે. એમ છતાં સુંબાના કેટલાક ભાગોમાં આ પ્રથા હજુ ચાલુ છે. સુંબા ઇન્ડોનેશિયાનો એક દ્વીપ છે.
જોકે, અહીં બે મહિલાઓનાં અપહરણની ઘટના વીડિયોમાં કેદ થઈ અને સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શૅર કરાયા બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે અને આના પર કડકાઈથી લગામ કસવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

'એવું લાગી રહ્યું હતું કે હું મરી રહી છું'

ઇમેજ સ્રોત, Getty Images
કારની અંદર સીત્રા પોતાના બૉયફ્રેન્ડ અને માતા-પિતાને મૅસેજ કરવામાં સફળ રહ્યાં હતાં. જે ઘરમાં તેમને લઈ જવામાં આવ્યાં હતાં એ તેમનાં પિતાના એક દૂરના સંબંધીનું હતું.
તેઓ કહે છે, "ત્યાં કેટલાક લોકો રાહ જોઈ રહ્યા હતા. જેવી હું ત્યાં પહોંચી તેમણે ગાવાનું શરૂ કર્યું અને લગ્નનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો."
સુંબામાં ખ્રિસ્તી અને ઇસ્લામ સિવાય એક પ્રાચીન ઘર્મ 'મારાપૂ'ને પણ અનુસરવામાં આવે છે. દુનિયાને સંતુલિત રાખવાના ઉદ્દેશ સાથે આ સંપ્રદાયમાં આત્માઓને કર્મકાંડો અને બલિદાન મારફતે ખુશ કરવાનો પ્રયાય કરાય છે.
સીત્રા કહે છે, "સુંબામાં લોકોનું માનવું છે કે જ્યારે પાણી તમારા માથા સુધી પહોંચી જાય તો તમે એ ઘર ન છોડી શકો. હું જાણતી હતી કે ત્યાં શું થવાનું છે એટલે આવું કરવાની કોશિશ કરાઈ કે હું છેલ્લી ક્ષણે પાછળ ખસી ગઈ હતી એટલે પાણી મારા માથાને સ્પર્શી ન શક્યું."
તેમનું અપહરણ કરનારાઓ તેમને સમજાતા રહ્યા કે તેમના પ્રત્યેના સ્નેહને લીધે તેઓ આવું કરી રહ્યા છે. સીત્રા લગ્ન સ્વીકારી લે એ માટે પણ તેમણે ભરપૂર પ્રયાસો કર્યા.
સીત્રા કહે છે, "હું ત્યાં સુધી રડી જ્યાં સુધી મારું ગળું ન સુકાઈ ગયું. હું નીચે પડી ગઈ. મેં મારું માથું લાકડાના થાંભલા પર પછાડ્યું. હું ઇચ્છતી હતી કે મારે આ લગ્ન નથી કરવા તે વાત એ લોકો સમજે. મને લાગ્યું કે તેઓ મારા પર દયા કરશે."
એ પછીના છ દિવસ સુધી તેમને એ ઘરમાં કેદીની જેમ રાખવામાં આવ્યાં હતાં. તેઓ કહે છે, "હું આખી રાત રડતી રહી. હું બિલકુલ ઊંઘી નહોતી. મને એવું લાગી રહ્યું હતું કે હું મરી રહી છું."
સીત્રાએ ખાવા-પીવાનું બંધ કરી દીધું
તેઓ કહે છે, "જો અમે તેમનું ભોજન ખાઈ લઈએ તો એનો અર્થ એવો થાય કે અમે લગ્ન માટે તૈયાર છીએ."
તેમની બહેને તેમને છાની રીતે પાણી અને ભોજન પહોંચાડ્યું. બીજી તરફ તેમના પરિવારે મહિલાઅધિકાર સમૂહના સમર્થનથી ગામના વડીલો અને વરના પરિવારને સીત્રાને મુક્ત કરવા વાત કરી.

સોદો કરવાની હેસિયત નહીં

ઇમેજ સ્રોત, Getty Images
મહિલાઓના અધિકારો માટે કામ કરતાં સંગઠન 'પેરુઆતી'એ છેલ્લાં ચાર વર્ષમાં મહિલાઓનાં અપહરણના આવા સાત બનાવો નોંધ્યા છે.
સંગઠનનું માનવું છે કે દ્વીપના અંતરિયાળ વિસ્તારોમાં આ દરમિયાન આવી અનેક ઘટનાઓ ઘટી છે.
સીત્રા સહિત ત્રણ મહિલાઓ એટલાં ભાગ્યવાન નીકળ્યાં કે તેમને છોડી દેવામાં આવ્યાં. અપહરણના બે વીડિયો હાલમાં જૂન મહિનામાં સામે આવ્યા, જેમાંથી એક મહિલાએ આવી રીતે કરાયેલું લગ્ન સ્વીકારી લીધું.
પેરુઆતીનાં સ્થાનિક પ્રમુખ અપ્રિસા તારાનાઉ કહે છે, "તેઓ એટલે લગ્ન સ્વીકારે છે કે તેમની પાસે બીજો કોઈ રસ્તો નથી હોતો. કાવિન તાંગકાપ અનેક વખત ઍરેન્જ્ડ મૅરેજનું જ સ્વરૂપ હોય છે અને મહિલાઓને આમાં સોદો કરવાની કોઈ હેસિયત નથી હોતી. "
તેઓ કહે છે કે જે મહિલાઓ લગ્ન તોડી નાખવાનો નિર્ણય કરે, તેમને સમાજમાં ટોણાં સાંભળવા પડે છે.
સીત્રાને પણ આ રીતે 'લાંછન' લાગવાનો ડર બતાવાયો હતો.
સીત્રા આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવ્યાં એનાં ત્રણ વર્ષ વીતી ગયાં છે. તેઓ કહે છે, "ઈશ્વરનો આભાર છે કે મારું લગ્ન મારા બૉયફ્રેન્ડ સાથે થઈ ગયું અને અમારું એક નાનું બાળક પણ છે."

આ કુરીતિને ખતમ કરવાનો વાયદો
સ્થાનિક ઇતિહાસકાર ફ્રાંસ વોરા હેબી કહે છે કે આ કુરીતિ સુંબાની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનો ભાગ નથી.
તેઓ કહે છે કે લોકો આને ઉપયોગ એટલે કરે છે કે તેઓ કોઈ દુષ્પરિણામ વગર બળપૂર્વક મહિલાઓ સાથે લગ્ન કરી શકે.
તેઓ કહે છે કે નેતાઓ અને અધિકારીઓ તરફથી કોઈ કાર્યવાહી ન થવાને કારણે આ કુરીતિ હજી ચાલે છે.
તેઓ જણાવે છે, "આના માટે કોઈ કાયદો બનાવવામાં નથી આવ્યો. ક્યારેક માત્ર સામાજિક દંડ મળે છે પરંતુ આને રોકવા માટે કોઈ કાયદાકીય કે સાંસ્કૃતિક રસ્તો નથી."
દેશમાં ચર્ચા શરૂ થયા પછી સ્થાનિક નેતાઓએ એક સંયુક્ત જાહેરાત પર હસ્તાક્ષર કર્યા હતા અને આ પ્રથાને ખતમ કરવાની માગ કરી હતી.
મહિલા-સશક્તીકરણ મંત્રી બિંટાંગ પુષ્પયોગા રાજધાની જકાર્તાથી સુંબા ગયાં હતાં.
આ સમરોહ પછી તેમણે કહ્યું, "આપણે ધાર્મિક નેતાઓ પાસેથી સાંભળ્યું છે કે અપહરણ કરીને લગ્ન કરવાની કુરીતિ સુંબાની પરંપરાનો ભાગ નથી."
તેમણે વાયદો કર્યો કે આ જાહેરાત આ હિલચાલને ખતમ કરવાના સરકારના પ્રયાસોની શરૂઆત છે. તેઓ આ કુરીતિને મહિલાઓ વિરુદ્ધની હિંસા માને છે.
અધિકાર સંગઠનોએ પણ આ પગલાંનું સ્વાગત કર્યું છે પરંતુ તેઓ આને એક લાંબી સફરની દિશામાં ભરાયેલું પ્રથમ ડગલું માને છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












