રશિયાએ હાઇપરસૉનિક મિસાઇલ સિસ્ટમ વિકસાવી, આ છે ખાસિયતો

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાના રક્ષા મંત્રાલયનું કહેવું છે કે અવનગાર્ડ હાઇપરસૉનિક મિસાઇલ્સનો પ્રથમ જથ્થો લશ્કરી સેવામાં લાગુ કરી દેવામાં આવ્યો છે.
6000 કિલોમિટરની રેન્જ ધરાવતી આ મિસાઇલ કયા સ્થળે તહેનાત કરવામાં આવી છે તેની માહિતી નથી આપવામાં આવી પરંતુ અગાઉ અધિકારીઓએ કહ્યું હતું કે તેને યુર્લસમાં તહેનાત કરાશે.
રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનનું કહેવું છે કે ન્યૂક્લિયર હથિયારોનું વહન કરવા સજ્જ એવી આ હાઇપરસૉનિક મિસાઇલ અવાજની ગતિ કરતાં 20 ગણી વધારે ઝડપ ધરાવે છે અને તે રશિયાને અન્ય દેશો કરતા આગળ મૂકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઉલ્લેખનીય છે કે ભારત અને રશિયાએ સાથે મળીને વિકસાવેલી બ્રહ્મોસ મિસાઇલ અવાજની ગતિ કરતાં 3 ગણી ઝડપ ધરાવે છે અને તે એક સુપરસૉનિક મિસાઇલ છે.
દાવા મુજબ હાઇપરસૉનિક મિસાઇલની ગ્લાઇડ સિસ્ટમ એવી છે કે તે જરા પણ અવાજ કર્યા વિના ટાર્ગેટ તરફ આગળ વધે છે અને તેનાથી બચવું અશક્ય બની જાય છે.
રશિયાના સંરક્ષણ મંત્રી શેરેગી શોઇગુએ કહ્યું કે, અવનગાર્ડ હાઇપરસૉનિક ગ્લાઇડ સિસ્ટમ 27 ડિસેમ્બરથી લશ્કરની સેવામાં આવી ગઈ છે.
તેમણે આને ઐતિહાસિક ઘટના ગણાવી છે.
પુતિનનો દાવો છે કે આ મિસાઇલ સિસ્ટમ વર્તમાન અને ભવિષ્યની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો પરિવેશ બદલી નાખશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમણે એમ પણ કહ્યું કે, કોઈ પણ દેશ પાસે હાઇપરસૉનિક શસ્ત્રો નથી.

ઇમેજ સ્રોત, Getty Images
પુતિને અવનગાર્ડ હાઇપરસૉનિક મિસાઇલ અને અન્ય હથિયારોને માર્ચ 2018માં એક વાર્ષિક કાર્યક્રમમાં ખુલ્લા મૂક્યા હતા.
ડિસેમ્બર 2018માં અવનગાર્ડ હાઇપરસૉનિક મિસાઇલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું.
રશિયાની લશ્કરી પાંખે 2 મેગાટન સુધી ન્યૂક્લિયર હથિયારો વહન કરી શકતી આ મિસાઇલનો વીડિયો પણ પ્રસારિત કર્યો છે.
જોકે, પૅન્ટાગને રશિયાનો અવનગાર્ડ હાઇપરસૉનિક મિસાઇલ સિસ્ટમ વિકસાવી હોવાનો દાવો ફગાવી દીધો છે.
અમેરિકાએ કહ્યું કે રશિયા જે દાવો કરે છે એવું અવનગાર્ડમાં કંઈ નથી. અમેરિકા પાસે પોતાની હાઇપરસૉનિક મિસાઇલ સિસ્ટમ છે અને એ જ રીતે ચીન પાસે પણ છે જેનો પ્રયોગ 2014માં જ થઈ ચૂક્યો હતો.
બીબીસી સંવાદદાતાનું વિશ્લેષણ

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીના સંરક્ષણ બાબતોના સંવાદદાતા જોનાથન માર્કુસનું કહેવું છે કે, રશિયાએ નવી અવનગાર્ડ હાઇપરસૉનિક મિસાઇલ સિસ્ટમ વિકસાવી છે તે સ્વીકારવું મુશ્કેલ છે. તે પરીક્ષણનો નવો તબક્કો પણ હોઈ શકે છે.
જોકે, પુતિન આ બાબતે રશિયા અવ્વલ હોવાની જે વાત કરી રહ્યા છે તે સમજી શકાય તેવી છે. હાઇપરસૉનિક શસ્ત્રો મામલે રશિયા આગળ છે. ચીન પણ આવા હથિયારો બનાવી રહ્યું છે. આ સરખામણીમાં અમેરિકા પાછળ છે.
હાઇપરસૉનિક તેના નામ મુજબ જ ખૂબ ઝડપી હોય છે. જોકે, ઝડપ ઉપરાંત તે અસાધારણ રીતે શત્રુથી બચી શકે તે પણ તેની ખાસ વાત હોય છે.
હાઇપરસૉનિક એ હાલની મિસાઇલ રક્ષણ વ્યવસ્થા માટે મોટો પ્રશ્ન છે.
જો રશિયાનો દાવો સાચો હોય તો એનો અર્થ એ છે કે તેણે લાંબા અંતરની એક એવી ઇન્ટરકૉન્ટિનેન્ટલ મિસાઇલ વિકસાવી છે જેનાથી બચાવ અશક્ય છે.
આ જાહેરાતથી ન્યૂક્લિયર શસ્ત્રોની હોડમાં નવો ભયાનક યુગ શરૂ થશે.
રશિયાની આ જાહેરાત મહાસત્તાઓની હરીફાઈ ફરી શરૂ થવાનો સંકેત પણ આપે છે.
એ પણ ઉલ્લેખનીય છે કે રશિયા અને અમેરિકા વચ્ચે થયેલી સ્ટાર્ટ સંધિ ફેબ્રુઆરી 2021માં પૂરી થાય છે. રશિયા એ સમજૂતી આગળ ધપાવવા ઇચ્છે છે પરંતુ ટ્રમ્પનું વહીવટીતંત્ર આ બાબતે સંશયવાદી વલણ અપનાવી રહ્યું છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














