ઑસ્ટ્રેલિયાની એવી કંપની જે કર્મચારીઓ પાસે કરાવે છે માત્ર ચાર દિવસ કામ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સેલિના રિબેરો
- પદ, બીબીસી કેપિટલ
કેવું લાગે જ્યારે અઠવાડિયામાં પાંચ નહીં, ચાર જ દિવસ કામ કરવું પડે તો...? અઠવાડિયામાં બે નહીં, ત્રણ દિવસની રજા મળે તો...?
આપણા જેવા ઘણા લોકો માટે તો આ સપનાં સમાન છે, પણ એક કંપની છે કે જે પોતાના કર્મચારીઓને વિકેન્ડ માણવા માટે બે દિવસની રજા તો આપે જ છે, સાથે-સાથે અઠવાડિયાની વચ્ચે બુધવારે પણ રજા આપે છે.
ટિફની શ્રોવન નામનાં મહિલાના મોટા ભાગના મિત્રો બુધવારે જ્યારે ઓફિસમાં કામ કરી રહ્યાં છે, તેવામાં તેઓ સવારે નવ વાગ્યે ટેનિસ કોર્ટમાં પ્રૅક્ટિસ કરવા પહોંચી ગયાં.
એવું નથી કે ટિફની બહાનું મારીને ઓફિસે કામ કરવા નથી ગયાં. તેઓ જે ડિજિટલ માર્કેટિંગ કંપની વર્સામાં કામ કરે છે તેમાં બુધવારે ઓફિસ બંધ રાખવામાં આવે છે.
અહીં કર્મચારીઓને પગાર પાંચ દિવસનો આપવામાં આવે છે, પણ કામ ચાર જ દિવસનું લેવામાં આવે છે.
સોમવાર અને મંગળવારે કંપનીના કર્મચારીઓ રાબેતા મુજબ કામ કરે છે, બુધવારે રજા આપવામાં આવે છે અને ફરી ગુરુવાર અને શુક્રવાર રાબેતા મુજબ કામ કરવામાં આવે છે.
બુધવારે કોઈ મિટિંગ ગોઠવવામાં આવતી નથી. જોકે, ક્લાયન્ટને કોઈ અગત્યનું કામ હોય તો કર્મચારી ફોનની મદદથી તેમની સાથે વાત કરી લે છે.
જ્યારે ટિફનીને પહેલી વખત ખબર પડી કે બુધવારના દિવસે પણ તેમને રજા મળશે, ત્યારે પહેલો તો તેઓ ખૂબ ખુશ થયાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ પછી ચિંતા પણ થઈ કે કામ કેવી રીતે પૂર્ણ થશે. પ્રોજેક્ટ મૅનેજર હોવાના કારણે તેમના માથે ઘણી જવાબદારી છે. સ્ટાફ અને ક્લાયન્ટની વચ્ચે તેઓ સંપર્કની કડી છે.
તેથી જો કોઈ ડેડલાઇન પાળવામાં ન આવી કે કોઈ પ્રકારનું કૉમ્યુનિકેશન ન થયું તો તેમના પર દોષ આવશે.

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ વર્સા કંપનીના સ્ટાફે પોતાની કાર્યપ્રણાલી સુધારી છે અને તેઓ જે કાર્યદક્ષતા સાથે કામ કરે છે તેનાથી અઠવાડિયાના પ્રથમ બે દિવસમાં જ સારી રીતે કામ પૂર્ણ થઈ જાય છે.
મિટિંગમાં નકામી ગપશપ બંધ થઈ ને માત્ર કામની વાતો જ થવા લાગી.
દર બે અઠવાડિયે કંપની રિવ્યૂ પણ કરે છે કે કોણે કેટલું કામ કર્યું.
ટિફની શ્રોવન કહે છે, "દરેકની ઇચ્છા હવે કામ બરાબર થઈ જાય તેની છે, કેમ કે વધારાનો એક દિવસ મળે છે તેમાં સૌને મજા પડી રહી છે. જો મારે બુધવારે રજા જોઈએ છે તો સારું છે કે હું મારું કામ સમયસર કરી લઉં."

તમે આ વાંચ્યું કે નહીં?

યોજનાની સફળતા

ઇમેજ સ્રોત, Getty Images
કંપનીના સ્થાપક અને સીઈઓ કેથ બ્લેકહેમ કહે છે કે બુધવારે પણ રજાની નવી નીતિ ગયા વર્ષે જુલાઈમાં જાહેર કરાઈ હતી.
ત્યારબાદ આ ઑસ્ટ્રેલિયન કંપનીની આવક 46% વધી છે અને નફો ત્રણ ગણો થઈ ગયો છે.
જોકે, બ્લેકહેમ એવું નથી માનતા કે બુધવારે રજા આપવાના કારણે જ કામ સારું થયું છે.
બ્લેકહેમ કહે છે, "અમને સફળતા મળી છે, કેમ કે અમે ઉત્તમ કામ કરવા માટે જાણીતા થયા છીએ. કંપનીમાં સ્ટાફ બદલાતો નથી અને એક જ ટીમ કામ કરે છે તે બિઝનેસ પાર્ટનર્સને આકર્ષક લાગે છે."
એકાદ દાયકા સુધી રાબેતા મુજબ કામ કર્યા બાદ તેમણે પોતાની ટીમને બુધવારે રજા આપવા માટે મનાવવી પડી હતી અને સાથે એ પણ નક્કી કર્યું હતું કે જો તેમની યોજના કામ નહીં કરે તો ફરી અઠવાડિયાના પાંચ દિવસ કામ ચાલુ કરી દેવાશે.
તેમણે જ્યારે કંપનીની સ્થાપના કરી ત્યારે તેમને એક બાળક હતું અને વધુ એક બાળકને જન્મ આપ્યો હતો.
આમ છતાં તેઓ મોકળાશ સાથે કામ કરવાની વાતને સ્વીકારીને ખૂબ સારો દેખાવ કરતી કંપની સ્થાપવા માટે મક્કમ હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
બ્લેકહેમ કહે છે, "હું એ સાબિત કરવા માગતી હતી કે ધારણા ન હોય તેવા સર્વિસ સેક્ટરના યુવા કર્મચારીઓ લાંબા લાંબા કલાકો સુધી કામ કરતા હોય છે, ત્યાં મોકળાશ સાથે કામ કરવાનો નવો અભિગમ લાવવાથી સફળ થઈ શકાય છે."
અઠવાડિયાની વચ્ચે એક દિવસની રજા મળી જાય તો કર્મચારી જિમમાં જઈ શકે છે, ઘરનું કામકાજ પતાવી શકે છે, નાનાં બાળકોની સારસંભાળ રાખી શકે છે, કોઈને મળવા જઈ શકે છે, પોતાના સ્ટાર્ટ-અપની તૈયારી કરી શકે છે અને જો કંઈ ન કરવું હોય તો નેટફ્લિક્સ પણ જોઈ શકે છે.
બ્લેકહેમ કહે છે, "જ્યારે જરૂર પડે ત્યારે વધારે કામ કરી લે. કામમાં આવી મોકળાશના કારણે બીમારીઓની રજા પણ ઓછી થઈ જાય છે અને સ્ટાફમાં સંતોષનું પ્રમાણ ખૂબ ઊંચું છે."
"અઠવાડિયામાં બે વખત તેમને સોમવાર જેવી ભાવના આવે છે."


બુધવાર જ શા માટે?

ઇમેજ સ્રોત, Getty Images
સોમવારે કામ કરવાનો કેવો મૂડ હોય છે તેનો વિચાર કરીને જ, એક સાથે ત્રણ દિવસની લાંબી રજાના બદલે બ્લેકહેમે અઠવાડિયાને બે નાના વિભાગમાં વહેંચી નાખવાનો નિર્ણય કર્યો હતો.
તેમને એવો ભય હતો કે પોતાનો સ્ટાફ વધારે યુવાનોથી ભરેલો છે અને તે લોકોને એકસાથે લાંબી રજાઓ લેવાનું વધારે ગમશે.
બીજું પોતાની મરજી પ્રમાણે અઠવાડિયે એક દિવસ રજા પાડી દેવામાં પણ સમસ્યા થાય. ક્લાયન્ટને કે સ્ટાફને પણ ખ્યાલ ના આવે કે કયા દિવસે કોણ હાજર હશે. તેના કારણે કાર્યક્ષમતા પર અસર થઈ શકે છે.
પ્રોફેસર જેરોડ હેર કહે છે કે બુધવારે રજા પાળવાની વાત વર્સા માટે ખૂબ સફળ રહી છે તેમાં કોઈ નવાઈ નથી.
ન્યૂઝીલૅન્ડની ઑકલેન્ડ યુનિવર્સિટી ઑફ ટૅકનૉલૉજીના હ્યુમન રિસોર્સિઝ મૅનેજમૅન્ટના પ્રોફેસર હેરે આ વિશે પોતાની રીતે સંશોધન કર્યું હતું.
તેમને જોવા મળ્યું હતું કે અઠવાડિયાની વચ્ચે બુધવારે રજા મળી જાય તે વાત કર્મચારીઓને ખૂબ પસંદ પડી છે.
તેઓ કહે છે કે અઠવાડિયાની વચ્ચે રજા આપીને નોકરીદાતા "પગાર પૂરો વસૂલ કરી શકે છે."
"બુધવારે રજા હોય તેનો અર્થ એ કે તમે ગુરુવારે તાજામાજા થઈને પાછા ફરો કે જ્યારે લોકો સૌથી વધુ કાર્યક્ષમતા અનુભવતા હોય છે."
ન્યૂઝીલૅન્ડની એસ્ટેટ મૅનેજમૅન્ટ કંપની 'પર્પેચ્યુઅલ ગાર્ડિયન' પણ ગયા વર્ષે અઠવાડિયામાં ચાર જ દિવસ કામનો પ્રયોગ કરીને સમાચારોમાં ચમકી હતી.
તેની કામગીરીનો હેરે અભ્યાસ કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે કાર્યક્ષમતામાં કોઈ ઘટાડો થયો નહોતો.
માંદગીની રજાઓ ઓછી થઈ ગઈ હતી, કર્મચારીઓ વધારે ખુશ હતા.
જોકે, કંપનીએ કેટલાક માણસો ગુમાવવા પડ્યા, કેમ કે તે લોકો ઓછા દિવસોમાં વધારે સારી રીતે કામ કરવાની ટેવ પાડી શક્યા નહોતા.


'એવી રીત જેનો સમય પાકી ગયો છે'

ઇમેજ સ્રોત, Getty Images
પર્પેચ્યુઅલ ગાર્ડિયન કંપનીના માલિક અને સીઈઓ એન્ડ્રૂ બાર્નેસ માટે ચાર દિવસનું અઠવાડિયું એટલે "એવી રીત જેનો સમય પાકી ગયો છે"
વર્સા કંપનીના બ્લેકહેમનો ઇરાદો કામના સ્થળને વધારે મોકળાશ અને સંતુલિત બનાવવાનો હતો, જ્યારે બાર્નેસને આ વિચાર એક અભ્યાસ પરથી આવ્યો હતો.
અભ્યાસ અનુસાર કર્મચારીઓ દિવસમાં બેથી અઢી કલાક જ કાર્યદક્ષતાથી કામ કરતા હોય છે. તેમને લાગ્યું કે કામના કલાકોને વધારે સારી આયોજિત કરવા જોઈએ.
પાંચ દિવસનું અઠવાડિયું એ કંઈ પ્રાચીન રીત નથી. કાર ઉત્પાદક હેન્રી ફોર્ડે 1926માં ઉત્પાદકતા વધશે તેવી થિયરી સાથે વિકેન્ડની રજા કામદારોને આપવાનું શરૂ કર્યું હતું.
ટૅકનૉલૉજીને આગળ વધતી જોઈને અર્થશાસ્ત્રી જ્હોન મેનાર્ડ કેઈન્સે 1930માં એવી ધારણા બાંધી હતી કે આખરે અઠવાડિયે કામના કલાકો 15 જ રહી જશે.
લગભગ 100 વર્ષો પછી દુનિયાભરમાં કંપનીઓ તેમની સાપ્તાહિત કામકાજની પદ્ધતિ વિશે પુનર્વિચાર કરવા લાગી છે.
ગ્રેટ બ્રિટન અને આયરલૅન્ડે ચાર દિવસના અઠવાડિયાની વાતમાં વિશેષ રસ દાખવ્યો છે.
યુકેની ટ્રેડ યુનિયન્સ કૉંગ્રેસ, આયરલૅન્ડની ફોરસા, સ્કૉટિશ નેશનલ પાર્ટી અને બ્રિટિશ લેબર પાર્ટી વગેરે સૌ જુદા-જુદા તબક્કે આ માટેની દરખાસ્ત પર વિચારણા કરી રહ્યા છે.
કેટલાક સ્વિડીશ પ્રદેશોમાં પણ અઠવાડિયે કામના કલાકો ઘટાડાયા છે, જેના મિશ્ર પરિણામો મળ્યાં છે.

ઇમેજ સ્રોત, Getty Images
લાંબા કલાકો કામ કરવા માટે ટેવાયેલા અમેરિકામાં પણ ફાસ્ટ ફૂડ ચેઇન શેક શેકના સંચાલકોએ આ માર્ચમાં જાહેરાત કરી છે કે ચાર દિવસના અઠવાડિયાનો પ્રયોગ તેમણે શરૂ કર્યો છે.
જોકે કામના કલાકો ઓછા કરવાની બાબતમાં બધી જ જગ્યાએ સફળતા મળી છે એવું પણ નથી.
સ્વિડનના ગેટનબર્ગમાં સરકારી નર્સિંગ હોમમાં દિવસના છ કલાક કામનો પ્રયોગ કરાયો હતો.
તેના કારણે બીમારીની રજાઓ ઘટી અને કાર્યદક્ષતા વધી, પરંતુ બાકીના કલાકોમાં કામ કરવા માટે વધારા માણસો રાખવા પડે તેના કારણે સ્ટાફ કોસ્ટમાં ઘણો વધારો થઈ ગયો હતો.
અમેરિકામાં કેટલાક સ્ટાર્ટ-અપમાં અઠવાડિયાના ચાર દિવસ કામનો પ્રયોગ કરાયો હતો, પણ તેમણે પાંચ દિવસનું અઠવાડિયું ફરી કરી નાખવું પડ્યું, કેમ કે તેમને લાગ્યું કે સ્પર્ધામાં તેઓ પાછળ પડી રહ્યા છે અને કર્મચારીઓનો સ્ટ્રેસ પણ વધી રહ્યો છે.
જોકે, આવી વ્યવસ્થામાં ગમે ત્યારે કામ કરવાની ફ્લેક્સિબિલિટી રાખવી પણ જરૂરી છે.
બીબીસી કેપિટલ સાથે વાતચીતમાં વર્સાના બ્લેકહેમ તથા શ્રોવન બંનેએ કહ્યું કે તેઓએ અર્જન્ટ ક્લાઇન્ટ પ્રોજેક્ટ માટે ઇસ્ટરની લાંબી રજાઓમાં પણ કામ કર્યું હતું.
બ્લેકહેમ અને બાર્નેસ બન્ને કહે છે કે અન્ય બિઝનેસ લીડરે ચાર દિવસનું અઠવાડિયું કરી દેવાની તેમની રીતને વધાવી હતી, પણ સાથે જ કહ્યું હતું કે તેમની પોતાની કંપનીઓમાં આવું કરવું શક્ય નથી.
બાર્નસ કહે છે કે સ્ટાફને જ ઉપાયો શોધી કાઢવા કહેવું અને ઉત્પાદકતા માટેના ટાર્ગેટને પૂર્ણ કરવાની જવાબદારી પણ તેમના પર જ નાખવી સફળતા માટે જરૂરી છે.


આ માત્ર કામની વાત નથી

ઇમેજ સ્રોત, Getty Images
બાર્નેસ કહે છે કે તેમની સંસ્થા હવે બીજી 50 જેટલી કંપનીઓને માર્ગદર્શન આપી રહી છે કે કઈ રીતે ચાર દિવસનું અઠવાડિયું કરી શકાય.
બાર્નેસ માને છે કે આપણે પૂર્ણ સમયના કામકાજનું માળખું કઈ રીતે ગોઠવીએ છીએ તેના આધારે ઘણાં બધાં સામાજિક પરિવર્તનો પણ લાવી શકાય છે.
બાર્નેસ કહે છે, "આપણા દર પાંચમાંથી એક કર્મચારી હંમેશાં તણાવમાં હોય છે. તમે વિચારો કે તેના કારણે આપણા આરોગ્યના બજેટ પર કેટલી અસર થતી હશે?"
"જો તમે માતાપિતાને બાળકો સાથે વધારે સમય ગાળવા માટેની વ્યવસ્થા કરી આપો તો શિક્ષણના સ્તરમાં કેવો સુધારો થશે? પીક-અવરમાં રસ્તા પર ગીચોગીચ કાર ના હોય તો તેનાથી પર્યાવરણને કેટલો ફાયદો થશે?"
સિડની યુનિવર્સિટીના કર્મચારી સાથેના સંબંધોની બાબતના નિષ્ણાત પ્રોફેસર રે કૂપર કહે છે કે ચાર દિવસના અઠવાડિયાના કારણે એક બીજી મહત્ત્વની સમસ્યાનું સમાધાન પણ થઈ રહ્યું છે :
કામકાજમાંથી કુશળતા ધરાવતી મહિલાઓ ઓછી થઈ રહી છે તે સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ કહે છે, "ઑસ્ટ્રેલિયામાં સ્ત્રીઓ સરેરાશ ત્રીસીના પ્રારંભમાં પ્રથમ વાર માતા બને છે. તે જ વખતે કૅરિયરમાં મહત્ત્વનો તબક્કો હોય છે, આવકમાં વધારો થઈ રહ્યો હોય છે અને ઉત્પાદકતાની રીતે પણ ઉત્તમ કર્મચારી બન્યા હોઈએ છીએ."
"બરાબર એ જ તબક્કે આપણે સ્ત્રી કર્મચારીને ગુમાવી દઈએ છીએ, કેમ કે આપણે તેમને એવી તક નથી આપતા કે તે માતા અને ઉપયોગી કર્મચારી બન્ને બની રહે."
આ જ બાબતે વર્સા કંપનીના બ્લેકહેમ બદલવા માટે આતુર છે. તેઓ ઇચ્છે છે કે તેમની પુત્રી કરિયર અને પરિવાર બન્નેને સંભાળી શકે.
તેઓ કહે છે, "કોઈએ મોકળાશ માટે સંઘર્ષ કરવો પડે તેવું ના હોવું જોઈએ"


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












