સાઉદી અરેબિયાનો આખો રાજવી પરિવાર વિખેરાઈ જશે?

સાઉદી અરેબિયાના રાજવીઓનું પોસ્ટર બનાવી રહેલો ચિત્રકાર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી
    • પદ, નવી દિલ્હી

સાઉદી અરેબિયા અને અમેરિકા વચ્ચે આટલો પ્રેમ શા માટે છે? સવાલ એ પણ છે કે એક તાનાશાહ કે રાજા અને લોકોએ ચૂંટેલા રાષ્ટ્રપ્રમુખ વચ્ચે દોસ્તી કઈ રીતે હોઈ શકે?

અમેરિકા લોકશાહી, માનવ અધિકારો અને મહિલાઓના મૂળભૂત અધિકારો બાબતે દુનિયાભરમાં ઝુંબેશ ચલાવતું હોય છે, પણ એ ઝુંબેશ સાઉદી અરેબિયા સુધી શા માટે પહોંચતી નથી?

સદ્દામ હુસૈનના સરમુખત્યારી વલણ મુદ્દે અમેરિકાએ તો ઇરાક પર હુમલો પણ કરી નાખ્યો હતો.

બીજી તરફ સાઉદી અરેબિયામાં લોકશાહી નથી, માનવ અધિકારોનાં આધુનિક મૂલ્યો નથી અને મહિલાઓ આજે પણ મૂળભૂત અધિકારોથી વંચિત છે, પણ અમેરિકા ચૂપ રહે છે. શા માટે?

એવું કયો હેતુ છે જેને કારણે અમેરિકા તેના પોતાનાં જ આધુનિક મૂલ્યો સામે સાઉદી અરેબિયામાં આંખ આડા કાન કરી રહ્યું છે?

line

કિંગ અબ્દુલ્લાહની પ્રશંસા

સાઉદી અરેબિયાના કિંગ અબ્દુલ્લાહ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કિંગ અબ્દુલ્લાહ

સાઉદીના કિંગ અબ્દુલ્લાહનું ફેફસાંમાં ઇન્ફૅક્શનને કારણે 2015ના જાન્યુઆરીમાં મૃત્યુ થયું ત્યારે સંખ્યાબંધ અમેરિકન નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.

અમેરિકાના તત્કાલીન પ્રમુખ બરાક ઓબામાએ કિંગ અબ્દુલ્લાહની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે મધ્ય-પૂર્વમાં શાંતિ સ્થાપવામાં તેમણે મોટું યોગદાન આપ્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

અમેરિકાના તત્કાલીન વિદેશ પ્રધાન જોન કેરીએ કિંગ અબ્દુલ્લાહને દૂરદર્શી તથા વિવેકસભર વ્યક્તિ ગણાવ્યા હતા.

તત્કાલીન ઉપપ્રમુખ જો બિડને એવી જાહેરાત કરી હતી કે કિંગ અબ્દુલ્લાહને શ્રદ્ધાંજલિ આપવા સાઉદી અરેબિયા જનારા પ્રતિનિધિ મંડળનું પ્રતિનિધિત્વ તેઓ કરશે.

line

માનવ અધિકાર સંબંધી રેકર્ડ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનું સન્માન કરી રહેલા સાઉદી અરેબિયાના રાજવીનો ફાઈવ ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Getty Images

કિંગ અબ્દુલ્લાહના મૃત્યુ સંબંધે અમેરિકાનો આ પ્રતિભાવ ચોંકાવનારો નહોતો. સાઉદી અરેબિયા અને અમેરિકા દાયકાઓથી સહયોગી છે.

તેમ છતાં અમેરિકા અને સાઉદી સુલતાનો વચ્ચેના સંબંધોમાં વિરોધાભાસોનો ઉલ્લેખ સતત થતો રહે છે.

માનવ અધિકારો સંબંધે સાઉદી અરેબિયાનો રેકર્ડ ઘણો ખરાબ છે. એ વિસ્તારમાં શાંતિ સ્થાપવામાં પણ તેની ભૂમિકા સંદિગ્ધ છે.

અમેરિકા અને સાઉદી અરેબિયાની દોસ્તી બાબતે કહેવાય છે કે અમેરિકાને સાઉદી અરેબિયાના સાથની જેટલી જરૂર અત્યારે છે તેટલી અગાઉ ક્યારેય નહોતી.

કિંગ અબ્દુલ્લાહના મૃત્યુ પછી તેમના ઓરમાન ભાઈ કિંગ સલમાને સત્તા સંભાળી. તેમણે પણ અમેરિકા સાથેના સંબંધમાં તેમના પુરોગામી સુલતાનની નીતિને અનુસરવાનું ચાલુ રાખ્યું છે.

line

ચાર દીકરીઓ 13 વર્ષ સુધી નજરકેદમાં

સાઉદી અરેબિયામાં રાજાશાહી છે અને ત્યાં કોઈ વિરોધ પક્ષ નથી એ વાત જગજાહેર છે.

સાઉદી અરેબિયાની કુલ વસતીમાં મહિલાઓનું પ્રમાણ 42.5 ટકા છે. અહીં શરૂઆતમાં તો મહિલાઓ સાથે બાળકો જેવો વ્યવહાર કરવામાં આવતો હતો.

સાઉદી અરેબિયામાં ગાર્ડિયનશિપની સિસ્ટમ છે. એ મુજબ, મહિલાઓએ કામ કે યાત્રા માટે બહાર જવા માટે તેમના પરિવારના પુરુષોની પરવાનગી લેવી પડે છે.

કિંગ અબ્દુલ્લાહની કુલ 15 દીકરીઓ પૈકીની ચાર દીકરીઓ 13 વર્ષ સુધી નજરકેદમાં હતી.

એ ચારેય દીકરીઓએ મહિલાઓ સંબંધી નીતિઓ બદલ શાહી શાસનની ટીકા કરી હોવાથી તેમને નજરકેદમાં રાખવામાં આવી હતી.

ચાર પૈકીની બેએ જણાવ્યું હતું કે તેમને યોગ્ય પ્રમાણમાં ભોજન પણ આપવામાં આવતું ન હતું.

line

સાઉદી અરેબિયાની નીતિ

સાઉદી અરેબિયાના યુવરાજ સલમાન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાઉદી અરેબિયાના યુવરાજ સલમાન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇજિપ્તમાં હોસ્ની મુબારકના શાસન સામે લોકશાહીના સમર્થનમાં લોકો રસ્તાઓ પર ઊતર્યા ત્યારે કિંગ અબ્દુલ્લાહે તેનો વિરોધ કર્યો હતો.

હોસ્ની મુબારકની સત્તા બચાવવા માટે હસ્તક્ષેપ કરવા કિંગ અબ્દુલ્લાહે અમેરિકાને જણાવ્યું હતું, પણ અમેરિકા હોસ્ની મુબારક વિરુદ્ધના લોકઆંદોલનને ટેકો આપતું હતું.

કિંગ અબ્દુલ્લાહ લાંબા સમય સુધી ઇજિપ્તના મુસ્લિમ બ્રધરહૂડને મદદ કરતા રહ્યા હતા. સાઉદી અરેબિયા શિયા આંદોલનની વિરુદ્ધમાં પણ હતું.

સાઉદી અરેબિયા માનતું હતું કે શિયા આંદોલનોને કારણે ઈરાનનો પ્રભાવ વધશે. શિયા પ્રદર્શનકર્તાઓએ પાડોશના બહેરિનમાં સરમુખત્યારીને પડકારી ત્યારે સાઉદી અરેબિયાએ તેનું લશ્કર ત્યાં મોકલ્યું હતું.

સાઉદી અરેબિયાએ સીરિયામાં પણ વિદ્રોહીઓને મદદ કરી હતી, પરંતુ તેનું પરિણામ વિપરીત આવ્યું હતું. સાઉદી અરેબિયા ઇસ્લામિક સ્ટેટને આર્થિક મદદ કરતું હોવાના આક્ષેપ પણ થયા હતા.

line

ઑઇલનો ખેલ

અમેરિકાના પ્રમુખને આવકારી રહેલા સાઉદી અરેબિયાના રાજવીઓ

ઇમેજ સ્રોત, Getty Images

આટલું બધું થવા છતાં અમેરિકા સાઉદી અરેબિયાની પડખે કેમ રહે છે?

વોશિંગ્ટન સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફોર ગલ્ફ અફેર્સમાંના સાઉદી અરેબિયાના નિષ્ણાત અલી-અહમદના જણાવ્યા મુજબ, આ સવાલનો અત્યંત આસાન જવાબ છેઃ ઑઇલ.

અલી અલ-અહમદે કહ્યું હતું, "સાઉદી અરેબિયા અને અમેરિકા સ્વાભાવિક દોસ્ત નથી, પણ બન્ને સતત એકમેકની પડખે રહે છે. બન્ને એકમેકનો લાભ લેતા રહે છે.”

"અમેરિકાને છેક 1940ના દાયકાથી સાઉદી અરેબિયા પાસેથી સસ્તું ઑઇલ મળી રહ્યું છે અને સાઉદી અરેબિયા તથા અમેરિકાની દોસ્તીનું રહસ્ય પણ એ જ છે.

"ઑઇલ ઉપરાંતની બીજી અનેક બાબતો છે, પણ ઑઇલ સૌથી મહત્ત્વનું છે."

અલી અલ-અહમદે ઉમેર્યું હતું, "અમેરિકાની સામ્યવાદ વિરુદ્ધની લડાઈમાં સાઉદી અરેબિયાએ જોરશોરથી સાથ આપ્યો છે.”

"અફઘાનિસ્તાનમાંની કથિત જેહાદમાં પણ સાઉદી અરેબિયાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને રશિયાએ ત્યાંથી ચાલ્યા જવું પડ્યું હતું.”

"જોકે, તેના કારણે અફઘાનીસ્તાન ત્રણ દાયકા સુધી ખતરનાક યુદ્ધમાં ફસાયેલું રહ્યું હતું. તેના પરિણામે તાલિબાન તથા અલ કાયદાનો જન્મ થયો હતો અને 9/11નો હુમલો પણ થયો હતો.”

"અફઘાનિસ્તાનમાં આજે પણ હાલત ગૃહયુદ્ધ જેવી જ છે."

અલી અલ-અહમદે કહ્યું હતું, "સાઉદી અરેબિયાએ આર્થિક મદદ કરીને તેના જ નાગરિકોને અફઘાનિસ્તાનમાં રશિયાની રેડ આર્મી સામે લડાવ્યા હતા.”

"અમેરિકા એ વાતે બહુ રાજી હતું કે તેણે જે કહ્યું હતું એ સાઉદી અરેબિયાએ કરી દેખાડ્યું હતું. શીત યુદ્ધ ખતમ થયા પછી પણ સાઉદી અરેબિયાને અમેરિકા સાથેના સારા સંબંધથી બહુ ફાયદો થયો હતો.”

"તેની સામે ઈરાન કંઈ કરી શક્યું ન હતું. આજની તારીખે ઈરાન સાઉદી અરેબિયાનું કટ્ટર દુશ્મન છે. ઈરાન સંબંધે અમેરિકાનો અભિગમ પણ સાઉદી અરેબિયા જેવો જ છે.”

"1979માં ઈરાની ક્રાંતિ થઈ ત્યારે અમેરિકાએ સાઉદી અરેબિયાને સલામત રાખ્યું હતું.”

“પર્શિયન અખાતમાં અમેરિકાનું સૈન્ય થાણું છે અને તેના માટે અમેરિકા દર વર્ષે 200 અબજ ડૉલર ખર્ચે છે. આ સૈન્ય થાણાથી સાઉદી અરેબિયા પણ સલામતી અનુભવે એ દેખીતું છે."

line

અમેરિકામાં ક્રુડનું ઉત્પાદન

સાઉદી અરેબિયાના યુવરાજ સલમાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાઉદી અરેબિયાના યુવરાજ સલમાન

સાઉદી અરેબિયા ઑઇલ ઉત્પાદક દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઑફ પેટ્રોલિયમ ઍક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઑપેક)માંનો સૌથી મોટો ક્રુડ ઑઇલ ઉત્પાદક તથા મહત્ત્વનો દેશ છે.

વિશ્વના કુલ ઑઇલ પૈકીના 40 ટકા હિસ્સા પર ઑપેકનું નિયંત્રણ છે. અમેરિકા તાજેતરનાં વર્ષોમાં ઑઇલની સૌથી વધુ આયાત કરતો દેશ બની રહ્યો છે.

તેથી સાઉદી અરેબિયા સાથેની તેની દોસ્તી વધારે પ્રાસંગિક બની જાય છે.

અમેરિકા તેની જમીનમાંથી ક્રુડ ઑઇલનું ઉત્પાદન તાજેતરમાં શરૂ કર્યું છે. અમેરિકા રોજ 90 લાખ બેરલ ક્રુડ ઑઇલનું ઉત્પાદન કરી રહ્યું છે, જે લગભગ સાઉદી અરેબિયાના ઉત્પાદન જેટલું જ છે.

આગામી વર્ષોમાં અમેરિકા માટે સાઉદી અરેબિયા સાથેનો સંબંધ જરૂરી નહીં રહે એવું કહેવાય છે.

સાઉદી અરેબિયા અને અમેરિકા વચ્ચે મુખ્ય વેપાર ઑઇલ અને શસ્ત્રોનો છે. ઓબામા વહીવટીતંત્રે સાઉદી અરેબિયાને 95 અબજ ડૉલરનાં શસ્ત્રો વેચ્યાં હતાં.

સાઉદી અરેબિયા સાથે અમેરિકાને અનેક મુદ્દે મતભેદ પણ છે. સીરિયા, ઈરાન, ઇઝરાયલ-પેલેસ્ટાઈન સંઘર્ષ અને ઇજિપ્તમાં લોકશાહીના મુદ્દે બન્ને દેશો વચ્ચે મતભેદ રહ્યા છે.

અમેરિકા ઈરાન સાથે અણુ કરાર કરે એવું સાઉદી અરેબિયા ઇચ્છતું ન હતું. તેમ છતાં ઓબામા વહીવટીતંત્રે એ કરાર કર્યો હતો. જોકે, ટ્રમ્પ વહીવટીતંત્રે એ કરાર તોડી નાખ્યો હતો.

line

રાજવી પરિવારનું શું થશે?

સાઉદી અરેબિયાના યુવરાજ સલમાન

ઇમેજ સ્રોત, Getty Images

સાઉદી અરેબિયા અનેક ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે અને આગામી સમયમાં તે ખરાબ રીતે અસ્થિર થઈ શકે છે, એવું ઘણા વિશ્લેષકોનું કહેવું છે.

યુવરાજ સલમાન સાઉદી અરેબિયા પર હવે સંપૂર્ણ અંકુશ મેળવી ચૂક્યા છે. તેમના નિર્ણયો સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. તેમને અનુભવ વિહોણા ગણાવવામાં આવી રહ્યા છે.

સત્તા પરિવર્તનના મુદ્દા શાહી પરિવારમાં વ્યાપક ઉકળાટ છે. યુવરાજ સલમાને તેમના અનેક પિતરાઈ ભાઈઓને જેલમાં પૂરી દીધા હતા.

સાઉદી અરેબિયા યમનમાં એક લડાઈમાં એવું ફસાયું છે કે તેમાંથી નીકળી શકતું નથી. પાડોશી ઈરાન સાથે સાઉદી અરેબિયાને ખાસ કોઈ સંબંધ નથી.

ક્રૂડ ઑઇલના ભાવમાં ઘટાડો થાય ત્યારે સાઉદી અરેબિયાનું બજેટ બગડી જાય છે. અમેરિકા ઑઇલ માટે સાઉદી અરેબિયા પર આશ્રિત નહીં રહે તો સાઉદીના અસ્થિર થવાની શક્યતા વધી શકે છે.

એ અસ્થિરતાનો પ્રભાવ સાઉદી રાજવી પરિવાર તથા તેના કથિત સહયોગીઓ પર નિશ્ચિત રીતે પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો