બ્રિટન : ભારતીય રસોઈની સુગંધ કોર્ટમાં પહોંચી

ભારતીય અને પાકિસ્તાની ભાડૂઆતોની રસોઈની સુગંધને કારણે તેમને મકાન ભાડે ન આપતા પ્રોપર્ટીના મોટા ધંધાર્થીને કોર્ટે ઝટકો આપ્યો છે.
ફર્ગસ વિલ્સન નામના એ ધંધાર્થી બ્રિટનના કેન્ટમાં હજ્જારો પ્રોપર્ટીના માલિક છે.
ભારતીય અને પાકિસ્તાનીઓને મકાન ભાડે નહીં આપવા તેમની નીતિને ત્રણ વર્ષ સુધી લાગુ નહીં પાડવા વચગાળાનો આદેશ મેઈડસ્ટોન કાઉન્ટી કોર્ટે આપ્યો હતો.
તમને આ પણ વાંચવું ગમશે
પોતે વંશવાદી હોવાનો ફર્ગસ વિલ્સને ઈનકાર કર્યો હતો અને કોર્ટને જણાવ્યું હતું કે તેમણે અનેક અશ્વેત લોકોનાં મકાન ભાડેથી આપ્યાં છે.
ફર્ગસ વિલ્સને રસોઈની સુગંધ સામે મુશ્કેલી હતી તેવું તેમણે બીબીસી એશિયન નેટવર્ક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

ઈમેઇલથી શરૂઆત

અન્ય વંશના લોકોને મકાન ભાડેથી નહીં આપવાનો આદેશ આપતો ઈ-મેઇલ ફર્ગસ વિલ્સને તેમની એજન્સીને મોકલ્યો હતો.
એ ઈ-મેઇલ ધ સન અખબારને પહોંચાડવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ ઈ-મેઇલના અનુસંધાને કોર્ટની કાર્યવાહી શરૂ થઈ હતી.
સુનાવણી દરમ્યાન પોતાનો બચાવ કરતાં ફર્ગસ વિલ્સને જણાવ્યું હતું કે એ નિર્ણય લોકોની ચામડીના રંગને આધારે નહીં, પણ આર્થિક કારણોસર લેવામાં આવ્યો હતો.
ઈ-મેઇલમાંની પોતાની ટીપ્પણીને તેમણે તરુણાવસ્થાની મજાક જેવી ગણાવી હતી.
જોકે, ન્યાયમૂર્તિ રિચર્ડ પોલ્ડને તેમની એ દલીલને ફગાવી દીધી હતી.
ન્યાયમૂર્તિએ કહ્યું હતું, ''આ નીતિ મને સ્પષ્ટપણે ભેદભાવપૂર્ણ અને ગેરકાયદેસરની લાગે છે.''
ભારતીય અને પાકિસ્તાનીઓને મકાન ભાડે નહીં આપવાની નીતિનો અમલ ત્રણ વર્ષ સુધી નહીં કરવાનો આદેશ કોર્ટે ફર્ગસ વિલ્સનને આપ્યો હતો.

રસોઈની સુગંધની સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી એશિયન નેટવર્ક સાથે આ વર્ષની શરૂઆતમાં વાત કરતાં ફર્ગસ વિલ્સને જણાવ્યું હતું કે તેમણે એક ભારતીય દંપતી પાસેથી 12,000 પાઉન્ડમાં એક પ્રોપર્ટી ખરીદી હતી.
તેનું કારણ મોટી સમસ્યા બની ગયેલી તેમની રસોઈની સુગંધ હતી.
કોર્ટમાં સુનાવણી બાદ ફર્ગસ વિલ્સને જણાવ્યું હતું કે પોતાના ઘરમાં વાનગીઓ રાંધતા લોકો મોટી સમસ્યા બની ગયા છે.
તેમણે કહ્યું હતું કે ''તેમની રસોઈની સુગંધ કાર્પેટમાં, દિવાલોમાં ઘૂસી જાય છે. મોટાભાગના મકાનમાલિકોનો મત મારા જેવો જ છે.''
ધ ઈક્વાલિટી એન્ડ હ્યુમન રાઈટ્સ કમિશનનાં ચીફ એક્ઝિક્યુટિવ રેબેકા હિલ્સેનરથે કહ્યું હતું, ''લોકોના વંશ કે ચામડીના રંગને આધારે તેમને મકાન ભાડે આપવાનો ઈનકાર ધૃણાસ્પદ વર્તન છે.
આજના સમાજમાં એવા વર્તનને સ્વીકારી શકાય નહીં.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












