જાપાનની રાજકુમારી માકો પ્રેમીને પરણવા રાજ પરીવાર છોડશે

રાજકુમારી માકો

ઇમેજ સ્રોત, Reuters

વાત જ્યારે સાચા પ્રેમની હોય ત્યારે બૉબી ફિલ્મનાં ગીત 'ના ચાહૂં સોના ચાંદી, ના ચાહૂં હીરા મોતી, યે મેરે કિસ કામ કે?' સાચું પડે. હિરા, મોતી, મોટા મહેલ કે રાજપાટનું મૂલ્ય સાચા પ્રેમ સામે કઈં જ નથી.

આ વાત સાબિત કરી છે, જાપાનની રાજકુમારી માકોએ. તેમને એક સામાન્ય જાપાની નાગરિક કોમૂરો સાથે પ્રેમ થઈ ગયો છે અને હવે તેની સાથે લગ્ન કરશે.

જાપાનના સમ્રાટે રાજકુમારી માકો એ લગ્ન માટેી મંજૂરી આપતાં જાહેરાત કરી છે. જાહેરાત બાદ લગ્નના લાંબા રીતરિવાજ શરૂ થશે અને માકોનો રાજકુમારી તરીકેનો રાજવી દરજ્જો પણ આ સાથે જ પૂરો થઈ જશે.

જાપાનના કાયદા પ્રમાણે જ્યારે રાજ પરીવારની મહિલા કોઈ સામાન્ય નાગરિક સાથે લગ્ન કરે, તો તે પોતાનો શાહી દરજ્જો ગુમાવી દે છે. પરંતુ, કોઈ રાજ પરીવારનો પુરૂષ આ રીતે લગ્ન કરે તો તેનો રાજવી દરજ્જો યથાવત્ રહે છે. આ કાયદો વિવાદાસ્પદ છે.

રાજકુમારી માકોની પ્રેસ કોન્ફરન્સ

ઇમેજ સ્રોત, Getty Images

રાજકુમારી માકોએ રવિવારે એક પત્રકાર પરીષદમાં કહ્યું કે તે કોમૂરોના સૂરજ જેવા સ્મિતથી આકર્ષિત થઈ હતી. કોમૂરોએ પણ તેના પ્રતિભાવમાં કહ્યું કે રાજકુમારી તેને ચૂપચાપ ચાંદની જેમ જોઈ રહેતી.

માકો કહે છે, "મને બાળપણથી જ ખબર હતી કે, લગ્ન બાદ હું મારો શાહી દરજ્જો ગુમાવીશ. રાજવી પરિવારના સભ્ય તરીકે દરેક રાજવી કામો શક્ય રીતે પૂરા કરવાની કોશિશ કરી છે. હું મારું જીવન પણ સંપૂર્ણતાથી રીતે જીવી છું."

માકોનો 25 વર્ષીય પ્રેમી કોમૂરો એક લો-ફર્મમાં કામ કરે છે.

પાંચ વર્ષ પહેલા એક યુનિવર્સિટીમાં ભણતી વખતે બન્ને એકબીજાને મળ્યાં હતાં.

રાજકુમારી માકો જાપાની સમ્રાટ અકિહિતોની સૌથી મોટી પૌત્રી અને રાજકુમાર ફૂમિહિતોની સૌથી મોટી દીકરી છે. તે પીએચ.ડી. કરી રહ્યાં છે અને એક મ્યૂઝિયમમાં સંશોધક પણ છે.

રાજકુમારી જુલાઈમાં તેમનાં લગ્નની જાહેરાત કરવાનાં હતાં, પણ પશ્ચિમી જાપાનમાં થયેલા વરસાદથી આવેલી આપત્તિને કારણે જાહેરાત ટાળી દીધી હતી.