બાબુભાઈ જશભાઈ પટેલ : ગુજરાતના એ મુખ્ય મંત્રી જેમણે મચ્છુ હોનારત દરમિયાન આખું સચિવાલય મોરબી ખસેડ્યું

જમણેથી બીજા બાબુભાઈ જશભાઈ પટેલ

ઇમેજ સ્રોત, Facebook/MPParimalNathwani

ઇમેજ કૅપ્શન, જમણેથી બીજા બાબુભાઈ જશભાઈ પટેલ
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"હું મોરબી પહોંચ્યો ત્યારે પૂર તો ઓસરી ગયું હતું પણ હજુય શહેર આખામાં બેથી ત્રણ ફૂટ પાણી ભરેલાં હતાં. ચારેતરફ કાદવકીચડ હતો અને પાણીની અંદર મુકાતા પગ મૃતદેહો ઉપર પડી રહ્યા હતા. આખું શહેર ગંધાઈ ચૂક્યું હતું. જ્યાં જુઓ ત્યાં નોધારા મૃતદેહો પડ્યા હતા. મચ્છુ નદી અને મોરબી શહેર જાણે એક થઈ ગયાં હતાં. નદી ક્યાં હતી અને શહેર ક્યાં હતું એ કળવું મુશ્કેલ થઈ ગયું હતું."

વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર પટેલે અગાઉ બીબીસી ગુજરાતી સાથે વાત કરતી વેળાએ તા. 11 ઑગસ્ટ 1979ના મચ્છુ-2 ડૅમ તૂટવાને પગલે થયેલી તારાજીનું વર્ણન કરતાં આ વાત કહી હતી.

આજે સંચાર-પરિવહન, નિયમન અને વ્યવસ્થાપનનાં આધુનિક સાધનો હોવા છતાં મોરબીનું દૃશ્ય ભયાનક ચિત્ર ઊભું કરે છે, ત્યારે 43 વર્ષ અગાઉ એ સ્થિતિ કેટલી ભયાનક હશે, તેની કલ્પના કરવી મુશ્કેલ નથી.

આવા કપરા સંજોગોમાં ગુજરાતની કમાન બાબુભાઈ જશભાઈ પટેલના હાથમાં હતી. તેમણે મોરબી ખાતે જ 'મિનિ સચિવાલય' ઊભું કરી દીધું હતું અને જોતજોતામાં મોરબી શહેર બેઠું થઈ ગયું હતું.

સંજોગો એવા ઊભા થયા હતા કે નખશીખ ગાંધીવાદી બાબુભાઈએ કૉંગ્રેસ છોડવી પડી હતી અને ગુજરાતમાં પ્રથમ બિનકૉંગ્રેસી સરકારના મુખ્ય મંત્રી બન્યા હતા. બાબુભાઈ વિપક્ષમાં હતા, ત્યારે પણ સત્તારૂઢ મુખ્ય મંત્રીએ મહત્ત્વપૂર્ણ કામો માટે બાબુભાઈ તરફ જ મીટ માંડી હતી.

શું બાબુભાઈ સરકારની ભૂલને કારણે મચ્છુ ડૅમ તૂટ્યો હતો? એ ઘટના 'ઍક્ટ ઑફ ગૉડ' હતી? મચ્છુ હોનારત માનવસર્જિત દુર્ઘટના હતી કે કુદરતી, તેના વિશે અભ્યાસુ, રાજનેતાઓ અને પત્રકારો ચર્ચા કરતા રહેશે, પરંતુ મોરબીવાસીઓ બાબુભાઈની કામગીરી વિશે 'ઔપચારિક મત' વ્યક્ત કરી ચૂક્યા છે.

line

મચ્છુ હોનારત

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તા. 11 ઑગસ્ટ 1979ના રોજ બપોરે એક વાગ્યાનો સમય હતો. અતિ ભારે વરસાદને કારણે વીજળી અને વાયરલેસ વ્યવસ્થા ઠપ થઈ ગયાં હતાં. મચ્છુ ડૅમ-2 પર સાતેક કર્મચારી ફરજ પર હતા. ઉચ્ચ ઇજનેર વરસાદની સ્થિતિ અંગે જાતે માહિતી આપવા માટે એ સમયના જિલ્લામથક રાજકોટ જવા રવાના થઈ ગયા હતા.

ઉપરવાસમાં સતત વરસાદને કારણે મચ્છુ-2 ડૅમનું જળસ્તર માત્ર ચાર કલાકમાં નવ ફૂટ જેટલું વધી ગયું હતું.

ઉત્પલ સાંડેસરા તથા ટૉમ વૂટને મચ્છુની હોનારત પર 'નો વન હૅડ ઍ ટંગ ટુ સ્પીક : ધ અનટૉલ્ડ સ્ટોરી ઑફ વન ઑફ હિસ્ટ્રીઝ ડૅડલિઍસ્ટ ફ્લ્ડ્સ' નામનું પુસ્તક લખ્યું છે. તેઓ લખે છે, બંધ પરના લોકોને અમંગળનાં એંધાણ વર્તાઈ ગયાં હતાં પણ મોરબી કે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ચેતવી શકાય એ માટેનું કોઈ સાધન કામ નહોતું કરી રહ્યું.

આવી સ્થિતિમાં એટલે બંધ છોડવા સિવાય તેમની પાસે કોઈ સંચાર કે પરિવહનનું કોઈ માધ્યમ રહ્યું ન હતું. નાછૂટકે એ તમામ લોકો બંધના કન્ટ્રોલ રૂમમાં એકઠા થયા અને 'બંધના ઇજનેરી ઇતિહાસની કરુણાંતિકાને' નજરે નિહાળી.

પહેલાં લખધીરપુર બાજુ અને પછી જોધપુર બાજુનો પાળો તૂટ્યો
ઇમેજ કૅપ્શન, પહેલાં લખધીરપુર બાજુ અને પછી જોધપુર બાજુનો પાળો તૂટ્યો

પહેલાં લખધીરપુર બાજુ અને પછી જોધપુર બાજુનો પાળો તૂટ્યો. પાણીના વહેણે મોરબીની વાટ પકડી. અહીંનાં મંદિર, બ્રાહ્મણ સમાજની વાડી તથા અન્ય સ્થળોએ આશ્રય લઈ રહેલા લોકો અને સ્થાનિકો ઉપર જળપ્રકોપ થયો.

જોતજોતામાં પાણીનાં પૂર શહેરમાં ફરી વળ્યાં. ઇમારતોના કાટમાળ, ધરાશાયી થયેલાં વૃક્ષો અને વાહનોને કારણે પાણીના વહેણમાં અવરોધ ઊભો થયો અને તે ઊંચાણવાળા વિસ્તારમાં પણ ફરી વળ્યાં. લગભગ દસ-12 કલાક સુધી જળપ્રલય ચાલ્યો અને મોડી રાત્રે પાણી ઓસર્યાં.

મચ્છુ ડૅમ પર બનેલી ડૉક્યુમૅન્ટરી 'મચ્છુનાં પાણીની ખુવારી અને ખુમારી'માં જણાવ્યા પ્રમાણે, બીબીસી રેડિયોએ સૌપ્રથમ મોડી રાત્રે આ સમાચાર પ્રસારિત કર્યા હતા. ત્યાં સુધી ભારત અને ગુજરાત સરકાર મોરબીમાં મચ્છુ ડૅમ તૂટવા અંગેની ઘટનાથી અજાણ હતાં. ખુદ રાજ્ય સરકારના મંત્રી કેશુભાઈ સનાળા પાસે હોવા છતાં આ ઘટનાથી વાકેફ ન હતા.

ડૉક્યુમૅન્ટરીના સહ-દિગ્દર્શક દિલીપસિંહ ક્ષત્રિયના જણાવ્યા પ્રમાણે, "સરકારી આંકડા પ્રમાણે, છ હજાર 158 મકાન અને એક હજાર 800 ઝૂંપડાં ધરાશાયી થઈ ગયાં હતાં. જ્યારે ત્રણ હજાર 900 મકાનને આંશિક નુકસાન થયું હતું. એક હજાર 439 મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે ઉદ્યોગધંધાને રૂ. 28.39 કરોડનું નુકસાન થયું હતું. આ સિવાય 12 હજાર આઠસો 49 ઢોર મૃત્યુ પામ્યાં હતાં."

બિનસત્તાવાર રીતે આ આંકડો બમણો હતો, જ્યારે એ સમયે વિપક્ષના નેતા માધવસિંહ સોલંકીએ આરોપ મૂક્યો હતો કે મૃત્યુનો આંકડો લગભગ 20 હજાર જેટલો હતો. આ સિવાય ડૅમની સ્થિતિ ઉપર ધ્યાન નહીં આપવાનો પણ તંત્ર ઉપર આરોપ મૂક્યો.

સોલંકીએ તત્કાલીન બાબુભાઈ પટેલ સરકાર દ્વારા માત્ર સંઘના કાર્યકરોને જ સેવાકીય કામગીરી કરવા દેવામાં આવતી હોવાનો તથા તેમના દ્વારા મૃતદેહોના બારોબાર અંતિમ સંસ્કાર કરવાનો તથા તેમને નદીમાં વહાવી દેવાનો આરોપ મૂક્યો. જોકે, પત્રકારો અને પ્રત્યક્ષદર્શીઓએ સંઘે કરેલી સેવાકીય કામગીરી આવકારી હતી અને તેના અહેવાલ પણ છપાયા હતા.

જનસંઘના નેતા અને ભાવિ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ તત્કાલીન બાબુભાઈ પટેલની સરકારમાં સિંચાઈ મંત્રી હતા, એટલે તેમના ઉપર પણ માછલાં ધોવાયાં હતાં.

લાઇન

મોરબીની મચ્છુ હોનારતમાંથી ઉગારવામાં મહત્ત્વપૂર્ણ ફાળો આપનાર પૂર્વ CM બાબુભાઈ પટેલ

લાઇન
  • મચ્છુ ડૅમ હોનારત સમયે ગુજરાતના મુખ્ય મંત્રી એવા બાબુભાઈ પટેલે સમગ્ર સચિવાલય મોરબી ખસેડ્યું હતું
  • રાહતકાર્યને વધુ કાર્યક્ષમ બનાવવા આવું કરાયું હોવાનો તર્ક
  • ગુજરાતની પ્રથમ બિનકૉંગ્રેસી સરકારમાં મુખ્ય મંત્રી હતા બાબુભાઈ
  • હજારોનાં મોતનું નિમિત્ત બનેલી દુર્ઘટનામાંથી શહેરવાસીઓને ઉગારવા કર્યા ઘણા પ્રયત્નો
  • પાછળથી મોરબીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી અને જીત્યા હતા
લાઇન

જનતાના આંગણે સચિવાલય

મચ્છુ હોનારતે સર્જી તારાજી
ઇમેજ કૅપ્શન, મચ્છુ હોનારતે સર્જી તારાજી

ભારે વરસાદ તથા ડૅમ હોનારતને કારણે ટેલિફોનની લાઇનો ખોરવાઈ ગઈ હતી અને માર્ગપરિવહન મુશ્કેલ બની ગયું હતું. ખુદ મુખ્ય મંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ બે દિવસ પછી મોરબી પહોંચી શક્યા. પારિભાષિક રીતે જોવામાં આવે તો મુખ્ય મંત્રી જ્યાંથી કામ કરે તે મુખ્ય મંત્રીકાર્યાલય બાબુભાઈએ તો સચિવાલયને મોરબીના આંગણે લાવી દીધું હતું.

ક્ષત્રિય કહે છે, "પ્રત્યક્ષદર્શીઓના કથન પ્રમાણે, શરૂઆતના ત્રણ દિવસ ભારે અંધાધૂંધી જેવી સ્થિતિ રહી હતી. તે સમયે આજના સમય જેવા પરિવહન અને કૉમ્યુનિકેશનનાં આધુનિક સાધનો ન હતાં. અલગ-અલગ સરકારી તંત્રોની વચ્ચે પણ કોઈ સંકલન ન હતું તથા કોને શું કરવું તેના વિશે કોઈ ખબર નહોતી પડતી."

"એવા સમયમાં બાબુભાઈએ નિર્ણય કર્યો કે સરકાર મોરબીથી જ ચાલશે. તમામ નિર્ણયો ત્યાંથી જ લેવાઈ રહ્યા હતા. મોરબીમાં આખું મંત્રીમંડળ બેસતું."

બાબુભાઈ પટેલે આકાશવાણી પરથી દેશની જનતા સમક્ષ મોરબીને મદદ કરવા માટે આહ્વાન કર્યું. દેશભરમાંથી સહાયની સરવાણી ફૂટી.

મોરબીસ્થિત વરિષ્ઠ પત્રકાર રવિ મોટવાણીના જણાવ્યા પ્રમાણે, "1975ની વિધાનસભા ચૂંટણી સમયે બાબુભાઈ પટેલ મોરબી આવ્યા હતા. ત્યારે તેમણે જરૂર પડ્યે મોરબીવાસીઓની પડખે ઊભા રહેવાની ખાતરી આપી હતી. મચ્છુ ડૅમની દુર્ઘટના બાદ તેમણે આ વાત કરી બતાવી હતી."

"ટપાલ, સંદેશાવ્યવહાર અને માર્ગપરિવહનમાં અવરોધ ઊભા થયા હતા. તેના કારણે જનતાને હાલાકી ન પડે તે માટે સમગ્ર મંત્રીમંડળ મોરબી આવી ગયું હતું. દરરોજ તેઓ કાદવવાળા રસ્તામાં પગપાળા ચાલીને જનતાની સમસ્યાઓને સાંભળતા અને તંત્રની કામગીરીનું જાતનિરીક્ષણ કરતા. દરરોજ સાંજે છ વાગ્યે મણિમંદિર ખાતે બેઠક મળતી, જેમાં દિવસ દરમિયાન તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીનું સરવૈયું લેવાતું."

"તંત્રને પણ વ્યાપક સત્તાઓ આપવામાં આવી હતી. તથા અમુક નિર્ણયો માટે કૅબિનેટની મંજૂરી વગર અધિકારીઓ દ્વારા જ નિર્ણય લઈ લેવામાં આવતા. જેના કારણે હોનારત બાદ જનતાને વહીવટી દૃષ્ટિએ ઓછી હાલાકી ભોગવવી પડી જેનો તેમને સંતોષ રહ્યો."

મોરબી તથા આસપાસના વિસ્તારોમાં સરકાર દ્વારા રાહતછાવણીઓ ઊભી કરવામાં આવી હતી. ત્યાં કેવું ભોજન પીરસવામાં આવે છે, તે ચકાસવા માટે પોતાની ઓળખ છતી કર્યા વગર કેશુભાઈ પટેલ સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઊભા રહી જતા અને ભોજન કરી લેતા.

બાબુભાઈએ મોરબી પહોંચતાં જ હાઈકોર્ટના જજ બી. કે. મહેતાની અધ્યક્ષતામાં તપાસપંચનું ગઠન કર્યું. જેને દોઢેક વર્ષ બાદ માધવસિંહ સોલંકીની સરકારે વિખેરી નાખ્યું હતું. એ પહેલાં પંચે તેનો 'આંશિક અહેવાલ' સુપરત કર્યો હતો.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

બાબુભાઈના સમર્થનને કારણે કેશુભાઈ પટેલનું પદ ન ગયું. આગળ જતાં તેઓ નાયબ મુખ્ય મંત્રી અને પછી મુખ્ય મંત્રી પણ બન્યા. જોકે, 2001માં કચ્છના ભૂકંપ પછી તેઓ નસીબદાર ન નીવડ્યા અને તેમણે પદ છોડવું પડ્યું. મચ્છુ ડૅમ હોનારત વખતે આરએસએસનો એક સ્વયંસેવક સેવા માટે પહોંચ્યો હતો, તેણે કેશુભાઈ પાસેથી પદભાર સંભાળ્યો. આ સ્વયંસેવક એટલે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે પાટીદારો ભાજપ વિરૂદ્ધ હતા, ત્યારે રાજકોટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યાદ અપાવ્યું હતું કે ભાજપના પુરોગામી જનસંઘને કારણે જ પાટીદાર નેતા બાબુભાઈ જશભાઈ પટેલ બે વખત મુખ્ય મંત્રી બન્યા હતા, પરંતુ તેઓ કૉંગ્રેસને ખટકતા હતા.

મચ્છુ હોનારતને કારણે થયેલી ભારે તારાજીને કારણે મોરબી તથા આજુબાજુના વિસ્તારોમાં નળિયાંની જરૂર ઊભી થઈ હતી, જે પૂરાં પાડવાં માટે અહીં અનેક કારખાનાં સ્થપાયાં. લોકોને કામ મળવા લાગ્યું અને પુનઃનિર્માણનું કામ શરૂ થયું.

એ પછી ઘડિયાળ ટેકનૉલૉજીમાં 'ક્વાર્ટ્સ'નું પરિવર્તન આવ્યું, ત્યારે આ તક મોરબીના ઉદ્યોગકારોએ ઝડપી લીધી. આગળ જતાં સિરામિક ઉદ્યોગ, એલઈડી લૅમ્પ અને ઇલેક્ટ્રિક વાહનોમાં પણ સ્થાનિક ઉદ્યોગ સાહસિકોએ કાઠું કાઢ્યું.

line

મોરબીવાસીઓનો 'મત'

મચ્છુ હોનારતનાં કારણો વિશે અનેક મતમતાંતર છે અને રહેશે, પરંતુ એ પછી સરકારે જે કામગીરી કરી, તેના વિશે કદાચ જ કોઈ મતભેદ હશે. આના વિશે ખુદ મોરબીની જનતા પણ પોતાનો 'મત' ઔપચારિક રીતે આપી ચૂકી છે.

1972ની વિધાનસભા ચૂંટણી દરમિયાન બાબુભાઈ કૉંગ્રેસ (ઓ)ની ટિકિટ પરથી પોતાના જન્મસ્થાન નડિયાદની બેઠક પરથી હારી ગયા હતા. મચ્છુ દુર્ઘટનાના 11 વર્ષ બાદ 1990ની વિધાનસભા ચૂંટણી સમયે તેમણે મોરબીની બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી હતી અને કૉંગ્રેસના ઉમેદવારને 14 હજાર 208 મતથી પરાજય આપ્યો હતો, જે કુલ માન્ય મતના 22 ટકા જેટલી લીડ હતી. એ સમયે તેમની ઉંમર 79 વર્ષની હતી.

એ ચૂંટણી ભાજપ તથા ચીમનભાઈ પટેલની જનતા દળે સાથે મળીને લડી હતી, પરંતુ વૈચારિક મતભેદને કારણે ગણતરીના મહિનાઓમાં તેનું પતન થયું હતું. જેના કારણે ચીમનભાઈની સત્તાપિપાસુ તરીકેની છાપ ઊભી થઈ હતી. આવા સમયે તેમણે અપક્ષ ધારાસભ્ય બાબુભાઈ તરફ નજર દોડાવી.

દાયકાઓથી વિરોધાભાસી વિચારસરણી ધરાવતા બંને પાટીદાર નેતાને જોડતી એક કડી હતી, નર્મદા ડૅમ. શરૂઆતથી જ બાબુભાઈ તેના હિમાયતી હતા, જ્યારે તે ચીમનભાઈનો પણ 'ખાસ પ્રોજેક્ટ' હતો. ચીમનભાઈએ નર્મદા ડૅમનું ખાતું બાબુભાઈને સોંપ્યું, જે અગાઉ કેશુભાઈ પાસે હતું.

અગાઉ મુખ્ય મંત્રી તરીકે રહ્યાં હોવા છતાં માત્ર નર્મદા ડૅમ પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે તેમણે મંત્રીપદ સ્વીકાર્યું. એક વખત ચીમનભાઈને નિશાન બનાવીને વિપક્ષ દ્વારા નર્મદા ડૅમ મુદ્દે આક્ષેપ કરવામાં આવ્યા, ત્યારે બાબુભાઈએ પોતાનું રાજીનામું લખી આપ્યું, પરંતુ ચીમનભાઈએ તેને સ્વીકાર્યું ન હતું.

બાબુભાઈના આગમન માત્રથી ચીમનભાઈ પટેલ સરકારની શાખમાં વધારો થયો અને બાબુભાઈએ જૈફ વયે આવો નિર્ણય કેમ લીધો હશે, તેવો સવાલ પણ જનતાને થયો, પરંતુ કદાચ તેનું કારણ નર્મદા ડૅમ હતો.

આ વર્ષો દરમિયાન ગુજરાતના રાજકીય પરિદૃશ્ય ઉપર વધુ એક 'બાબુભાઈ' પટેલે કાઠું કાઢ્યું. જે વ્યવહારકુશળ, માર્ગદર્શક, મૅનેજર અને રાજકીય જોડાણ સાધવાનના નિષ્ણાત હતા. વિપક્ષમાં પણ તેમના મિત્રો હતા. આ રાજનેતા એટલે અહમદ પટેલ. મિત્રવર્તુળમાં તેમનું હુલામણું નામ 'બાબુભાઈ' હતું.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન