ગુજરાત હાઈકોર્ટ: "ગુજરાતી" ભાષામાં દલીલ કરવા પાંચ વર્ષથી કાનૂની જંગ લડનારની કહાણી

રાજકોટના એક સિનિયર સિટીઝન અમૃતલાલ પરમાર છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષામાં કેસ લડવા અંગે ખુદની કાનૂની લડાઈ લડી રહ્યાં છે

ઇમેજ સ્રોત, Laxmi Patel

ઇમેજ કૅપ્શન, રાજકોટના એક સિનિયર સિટીઝન અમૃતલાલ પરમાર છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષામાં કેસ લડવા અંગે ખુદની કાનૂની લડાઈ લડી રહ્યાં છે
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
લાઇન
  • રાજકોટના એક સિનિયર સિટીઝન અમૃતલાલ પરમાર છેલ્લાં પાંચ વર્ષથી ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષામાં કેસ લડવા અંગે ખુદની કાનૂની લડાઈ લડી રહ્યા છે
  • ભારતમાં ઉચ્ચ અને સર્વોચ્ચ ન્યાયાલયોમાં માત્ર અંગ્રેજી ભાષામાં દલીલ થઈ શકે છે
  • ગુજરાત હાઈકોર્ટમાં જુદીજુદી પિટિશન દાખલ કર્યા બાદ વકીલ રાખવાને બદલે તેઓ પોતે જ પાર્ટી ઇન પર્સન તરીકે કેસ લડવા માગતા હતા, આ કેસમાં વાંચો આગળ શું થયું?
લાઇન

રાજકોટના એક સિનિયર સિટીઝન અમૃતલાલ પરમાર છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષામાં કેસ લડવા અંગે ખુદની કાનૂની લડાઈ લડી રહ્યા છે.

અમૃતલાલ પરમારની ગુજરાતી ભાષામાં દલીલ કરવા દેવાની માગણી અગાઉ ગુજરાત હાઈકોર્ટની સિંગલ જજની બૅન્ચ અને ડબલ જજની બૅન્ચ ફગાવી ચૂકી છે અને હવે ચીફ જસ્ટિસની ખંડપીઠ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે.

ધોરણ-10 સુધી અભ્યાસ કરનાર અમૃતલાલ પરમાર રાજકોટના છે અને ફાઇનાન્સનો ધંધો કરે છે.

line

યોગ્યતા પ્રમાણપત્રનો વિવાદ અને કેસ

ફાઇનાન્સના બિઝનેસ સાથે સંકળાયેલા સિનિયર સિટીઝન અમૃતલાલ પરમાર ગુજરાત હાઈકોર્ટમાં જુદી જુદી પિટિશન દાખલ કર્યાં બાદ વકીલ રાખવાને બદલે પોતે જ પાર્ટી ઇન પર્સન તરીકે કેસ લડવા માગતા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફાઇનાન્સના બિઝનેસ સાથે સંકળાયેલા સિનિયર સિટીઝન અમૃતલાલ પરમાર ગુજરાત હાઈકોર્ટમાં જુદી જુદી પિટિશન દાખલ કર્યાં બાદ વકીલ રાખવાને બદલે પોતે જ પાર્ટી ઇન પર્સન તરીકે કેસ લડવા માગતા હતા

ફાઇનાન્સના બિઝનેસ સાથે સંકળાયેલા સિનિયર સિટીઝન અમૃતલાલ પરમાર ગુજરાત હાઈકોર્ટમાં જુદીજુદી પિટિશન દાખલ કર્યાં બાદ વકીલ રાખવાને બદલે પોતે જ પાર્ટી ઇન પર્સન તરીકે કેસ લડવા માગતા હતા. અને પોતાના કેસની મૌખિક દલીલો પોતે જ ગુજરાતી ભાષામાં કરવા માગતા હતા.

જોકે, અમૃતલાલ પરમારની માગણી સામે ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારે વાંધો ઉઠાવ્યો હતો અને તેમને પાર્ટી ઇન પર્સન તરીકે કેસ લડવા માટે જરૂરી એવું યોગ્યતા પ્રમાણપત્ર (કૉમ્પિટન્સી સર્ટિફિકેટ) ઇસ્યુ કરવાનો ઇનકાર કર્યો હતો.

કોઈ દાવો માંડનાર વ્યક્તિ પોતાના કેસ મામલે કોઈ વકીલની સેવા લેવા ન માગતી હોય અને પોતે જ પાર્ટી ઇન પર્સન તરીકે કેસ લડવા ઇચ્છતી હોય તેની માટે આ કૉમ્પિટન્સી સર્ટિફિકેટ ફરજિયાત છે.

ગુજરાત હાઈકોર્ટની રજિસ્ટ્રીએ અમૃતલાલ પરમારને અંગ્રેજી ભાષાનું જ્ઞાન નથી તે મુદ્દા ઉપર તેમની કૉમ્પિટન્સી સર્ટિફિકેટની માગણી રદ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટના નિયમ અનુસાર અંગ્રેજી ભાષામાં રજૂઆત કરી શકાય છે.

રજિસ્ટ્રીએ ઑગસ્ટ 2017માં કૉમ્પિટન્સી સર્ટિફિકેટ આપવાની માગ ફગાવી તે નિર્ણયને અમૃતલાલ પરમારે હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને ગુજરાતી ભાષામાં દલીલ કરવા દેવા માટે સર્ટિફિકેટ આપવાની કાનૂની લડાઈ છેડી હતી.

અમૃલાલ પરમારનો દાવો છે કે, તેમને ગુજરાત હાઈકોર્ટોમાં ગુજરાતી ભાષામાં દલીલ કરતા રોકી શકાય એવી કોઈ કાયદાકીય જોગવાઈ નથી.

ડિસેમ્બર 2017માં ગુજરાત હાઈકોર્ટની સિંગલ જજની બૅન્ચ દ્વારા તેઓની પિટિશન ફગાવી દેવાઈ હતી. આ પછી અમૃતલાલ પરમારે સિંગલ જજના આદેશને સામે ડબલ જજની બૅન્ચમાં અપીલ કરી હતી જેને 2018માં ફગાવી દેવાઈ હતી.

ગત અઠવાડિયે અમૃતલાલ પરમારે ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ હાજર થતા અગાઉ આ મુદ્દે સુનાવણી માટે તારીખ નક્કી કરવા રજૂઆત કરી હતી પણ આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે.

line

શું છે નીતિ-નિયમો?

વકીલ હેમાંગ શાહ

ઇમેજ સ્રોત, Laxmi Patel

ઇમેજ કૅપ્શન, વકીલ હેમાંગ શાહ

ગુજરાત હાઈકોર્ટના ઍડ્વોકેટ હેમાંગ શાહ જણાવે છે કે, "કોર્ટની કામગીરીને લઈને ગુજરાત હાઈકોર્ટના પોતાના નિયમો છે. ગુજરાત હાઈકોર્ટના નિયમ ક્રમાંક 37 અનુસાર તમે સબમિશન (લેખિત રજૂઆત) તમે ગુજરાતીમાં કરી શકો છો."

"જે ગુજરાત હાઈકોર્ટ પોતાના અનુવાદક પાસે અનુવાદ કરાવશે. ભારતીય બંધારણના આર્ટિકલ 348 મુજબ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ભાષા અંગ્રેજી રહેશે પરંતુ જો ગવર્નર દ્વારા નોટિફિકેશન કરવામાં આવે તો ગુજરાતી ભાષાને બીજી માન્ય ભાષા ગણીને હાઈર્કોર્ટમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરી શકાશે."

"જોકે, ગુજરાત રાજ્યના ગર્વનર દ્વારા આ પ્રકારનું કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું નથી. આ મુદ્દો પહેલાં જ નક્કી થઈ ચૂક્યો છે. ગુજરાત હાઈકોર્ટના બે જજ દ્વારા ઑર્ડર કરવામાં આવ્યો છે."

"ગુજરાત હાઈકોર્ટ ભારતીય બંધારણ અને નીતિ-નિયમોને અનુસરે છે એટલે તમે ગુજરાતીમાં સબમિશન(લેખિત રજૂઆત) આપી શકો છો પરંતુ ઓરલ આર્ગ્યુમેન્ટ (મૌખિક દલીલો) ગુજરાતીમાં ન કરી શકો."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "મૌખિક દલીલો કરવા માટે ગુજરાત હાઈકોર્ટના નિયમ 31(એ) મુજબ કૉમ્પિટન્સી સર્ટિફિકેટની લેવું પડે છે. આ સર્ટિફિકેટ ઇસ્યુ કરતી વખતે તમને અંગ્રેજીની સમજણ અને બોલાવની ક્ષમતા અંગે પૂછવામાં આવે છે. આ ઉપરાંત કોર્ટ પ્રત્યેનું તમારું વલણનું ધ્યાને લેવામાં આવે છે. જો તમે અંગ્રેજી ભાષા બોલી અને સમજી ન શકતા હો તો તમને કૉમ્પિટન્સી સર્ટિફિકેટ ન મળે. આવા કિસ્સામાં કોર્ટ લીગલ હેલ્પ માટે પણ તમને પૂછતી હોય છે."

અમૃતલાલ પરમારના કેસ અંગે ઍડ્વોકેટ હેમાંગ શાહે જણાવ્યું હતું કે, "અમૃતલાલ પરમાર દ્વારા ગુજરાતી ભાષામાં સબમિશન કરવામાં આવ્યા હતા. જસ્ટિસ ગુજરાતી નથી જેથી તે ગુજરાતી વધારે સમજી શકતા નથી. જજે અમૃતલાલ પરમારને હિન્દીમાં દલીલ કરવા માટે કહ્યુ હતું. અમૃતલાલ પરમારે હિન્દીમાં દલીલ કરવાનું સ્વીકારી હિન્દીમાં દલીલ કરી હતી. "

"કોર્ટે કહ્યું કે, આ મુદ્દે અગાઉ જજમેન્ટ આવી ચૂક્યું છે. જેથી કોર્ટ દ્વારા ઑર્ડર રિઝર્વ રાખવામાં આવ્યો છે. કોર્ટે અમૃતલાલ પરમારને લીગલ એઇડની મદદ અપાવવાનું પણ કહ્યું હતું પરંતુ અમૃતલાલ પરમારે મદદ લેવાની ના પાડી હતી."

લીગલ એઇડની મદદ ન લેવા માટે અમૃતલાલનું કહેવું છે કે, "મારી પાસે અનેક કેસ છે આ ફક્ત એક કેસની વાત નથી એટલે લીગલ એઇડ લેવી નથી."

line

નીચલી કોર્ટમાં જાતે જ લડે છે કેસ

અમૃતલાલ પરમાર 1997થી ફાઇનાન્સનો ધંધો કરે છે અને રાજકોટમાં સરકારી લાઇસન્સ ધરાવનાર ફાઇનાન્સર છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમૃતલાલ પરમાર 1997થી ફાઇનાન્સનો ધંધો કરે છે અને રાજકોટમાં સરકારી લાઇસન્સ ધરાવનાર ફાઇનાન્સર છે

અમૃતલાલ પરમાર 1997થી ફાઇનાન્સનો ધંધો કરે છે અને રાજકોટમાં સરકારી લાઇસન્સ ધરાવનાર ફાઇનાન્સર છે.

તેઓ કહે છે કે, "ફાઇનાન્સના બિઝનેસમાં સરકાર દ્વારા વ્યાજ નક્કી કરવામાં આવેલું હોય છે. મની લેન્ડિંગ ઍક્ટ મુજબ જો કોઈ સિક્યૉરિટી લઈને વ્યાજે પૈસા આપવામાં આવે તો વાર્ષિક 18 ટકા સુધી વ્યાજ લઈ શકાય છે તેમજ સિક્યૉરિટી વગર વ્યાજે પૈસા આપવામાં આવે તો વાર્ષિક 21 ટકા સુધી વ્યાજ લઈ શકાય છે. અમારો ફાઇનાન્સ દરેક વ્યવહાર બૅન્કથી જ થાય છે. પરંતુ જો કોઈ પાર્ટી પૈસા પરત આપવામાં નિષ્ફળ જાય તો તે કેસ કોર્ટમાં જાય છે. "

"કોર્ટ દ્વારા અમુક કિસ્સાઓમાં વાર્ષિક છથી આઠ ટકા સુધીનું જ વ્યાજ લેવાનો હુકમ કરવામાં આવે છે અને આ સંજોગોમાં અમને નુકસાન જાય છે. અમારા ફાઇનાન્સના દરેક કેસ છેલ્લાં 20 વર્ષથી દરેક કોર્ટમાં હું જાતે જ લડું છું."

અમૃતલાલ પરમારનું કહેવું છે કે "આ પ્રકારના 25 કરતાં વધારે કેસ હું જાતે જ લડ્યો છું. નીચલી કોર્ટમાં અને હાઈકોર્ટમાં પણ લડી ચૂક્યો છું. જોકે, ગુજરાત હાઈકોર્ટમાં 2016થી નિયમ બદલાઈ ગયો છે."

તેઓ કહે છે, "વર્ષ 2016 અગાઉ પાર્ટી ઇન પર્સન તરીકે કેસ લડવા માટે અંગ્રેજી ભાષા જરૂરી ન હતી તે સમયે હું 25 કરતાં પણ વધારે કેસ ગુજરાતી ભાષામાં દલીલ કરીને લડ્યો છું. પરંતુ વર્ષ 2016માં પાર્ટી ઇન પર્સન તરીકે કેસ લડવા માટે અંગ્રેજી ભાષા બોલી શકવું અને સમજી શકવું જરૂરી થઈ ગયું છે અને મને અંગ્રેજી ભાષા બોલતા આવડતી નથી. "

"જેથી મને પાર્ટી અને પર્સન તરીકે કેસ લડવા માટે હાઇકોર્ટ ની રજિસ્ટ્રી વિભાગ માથી લેવું પડતું કૉમ્પિટન્સી સર્ટિફિકેટ મળી રહ્યું નથી. આ અંગે કોર્ટમાં અલગ અલગ અરજીઓ કરી અને એ પછી સ્પેશિયલ ઍપ્લિકેશન તેમજ પીઆઈએલ પણ કરી છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ