ગુજરાત : પ્રેમિકાએ પ્રેમીને પોલીસ લૉક-અપમાંથી કેવી રીતે ભગાડ્યો?

છોકરીના પિતાએ સગીર દીકરીને ભગાડી જવાની પોલીસ ફરિયાદ નોંધાવી, આ સ્થિતિમાં પ્રેમી જોડા માટે હવે છુપાઈને રહેવું મુશ્કેલ હતું એટલે વકીલની સલાહ લઈ બંને પોલીસ મથકેમાં હાજર થઇ ગયા હતા

ઇમેજ સ્રોત, SANKET SIDANA

ઇમેજ કૅપ્શન, છોકરીના પિતાએ સગીર દીકરીને ભગાડી જવાની પોલીસ ફરિયાદ નોંધાવી, આ સ્થિતિમાં પ્રેમી જોડા માટે હવે છુપાઈને રહેવું મુશ્કેલ હતું એટલે વકીલની સલાહ લઈ બંને પોલીસ મથકેમાં હાજર થઇ ગયા હતા
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
લાઇન
  • સગીર પ્રેમી યુગલ પોલીસ કસ્ટડીમાં હતું, પ્રેમિકાને ગ્રામ રક્ષકદળની મહિલાની દેખરેખમાં પોલીસ સ્ટેશનમાં રાખ્યાં હતાં
  • સવારે ચાર વાગ્યે સૌ ઊંઘી ગયા પછી કિશોરીએ પોલીસ સ્ટેશનના ટેબલના ડ્રૉઅરમાંથી લૉક-અપના તાળાની ચાવી સેરવી લીધી
  • લૉક-અપમાં જ્યાં કિશોરીના પ્રેમીને રખાયા હતા એનું તાળું ખોલીને બંને ભાગ્યાં
લાઇન

'મેં મારા પ્રેમીને જેલમાંથી ભગાડ્યો છે અને એ મને પણ જેલમાંથી છોડાવશે, મને મારા કર્યાં પર કોઈ અફસોસ નથી'. આ શબ્દો છે પોતાના પ્રેમીને પોલીસ કસ્ટડીમાંથી ભગાડનાર પ્રેમિકા તોરલ(નામ બદલ્યું છે)ના.

મહેસાણાના નંદાસણ ગામના નવાપુરા રાવળ વાસમાં રહેતાં તોરલ અને જતીન વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

પોલીસ અનુસાર બંને એક જ ગોત્રનાં હતાં અને જતીન કોઈ ખાસ કામધંધો કરતા નહોતા એટલે તોરલનાં માતાપિતા લગ્ન માટે તૈયાર નહોતાં.

બંનેએ સગીરાવસ્થામાં જ એકબીજાને જીવન-મરણના વાયદા કર્યા હતા અને ગામ છોડીને પરણવાં માટે ભાગી ગયાં હતાં. છોકરીના પિતાએ સગીર દીકરીને ભગાડી જવાની પોલીસ ફરિયાદ નોંધાવી.

આ સ્થિતિમાં પ્રેમી યુગલ માટે હવે છુપાઈને રહેવું મુશ્કેલ હતું. એક મિત્રની મદદથી વકીલની સલાહ લઈ બંને પોલીસ મથકમાં હાજર થઈ ગયા હતા.

તોરલની ઉંમર 16 વર્ષ અને 9 મહિના હતી એટલે તેમનું મેડિકલ ચૅક-અપ કરાવવાનું હતું તેમના પ્રેમી જતીનનો કોરોના ટેસ્ટ કરવાનો હતો.

બંને રાત્રે નવ વાગ્યે પોલીસ મથકે હાજર થયાં હતાં એટલે જતીનને પોલીસ લૉક-અપમાં રાખવામાં આવ્યા હતા. તોરલને પણ ગ્રામ રક્ષકદળની મહિલા બેનઝીર મહમદના જાપ્તામાં પોલીસ સ્ટેશનમાં રાખ્યાં હતાં.

line

સૂઈ જવાનું નાટક કર્યું

પીએસઓ કહે છે, "સવારે લગભગ ચાર વાગ્યે મને ઊંઘ આવી ગઈ અને એ છોકરીએ પોલીસ સ્ટેશનના ટેબલના ડ્રૉઅરમાંથી લૉક-અપના તાળાની ચાવી સેરવી લીધી"

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પીએસઓ કહે છે, "સવારે લગભગ ચાર વાગ્યે મને ઊંઘ આવી ગઈ અને એ છોકરીએ પોલીસ સ્ટેશનના ટેબલના ડ્રૉઅરમાંથી લૉક-અપના તાળાની ચાવી સેરવી લીધી"

નંદાસણ પોલીસ સ્ટેશનમાં નાઇટ ઇન્ચાર્જ તરીકે પી.એસ.ઓ. નિકિતા સગરામ નિયુક્ત કરાયા હતા. એમની સાથે બે ગ્રામ રક્ષકદળના અન્ય બે સભ્યો હાજર હતા.

પીએસઓ નિકિતાબહેન બીબીસી સાથે વાત કરતાં કહે છે, "મોડીરાત્રે બંને આવ્યા હતા એટલે રાત્રે છોકરીનો મેડિકલ ટેસ્ટ શક્ય નહોતો. છોકરી સગીર હોવાથી પૉસ્કો હેઠળ કેસ થયો છે. અમે યુવકને પોલીસ સ્ટેશનના લૉક-અપમાં રાખ્યો હતો. રાત્રે છોકરીએ કોઈ હરકત કરી નહોતી અને અમે જોયું કે તે સૂઈ ગઈ છે."

તેઓ આગળ કહે છે, "સવારે લગભગ ચાર વાગ્યે મને ઊંઘ આવી ગઈ અને એ સગીરાએ પોલીસ સ્ટેશનના ટેબલના ડ્રૉઅરમાંથી લૉક-અપના તાળાની ચાવી સેરવી લીધી. પોલીસ સ્ટેશનના લૉક-અપમાં જ્યાં જતીનને પૂર્યા હતા એનું તાળું ખોલીને બંને ભાગ્યા."

"દોડવાનો અવાજ સાંભળતા હું જાગી ગઈ અને મેં બૂમાબૂમ કરી એટલે મારી સાથે ફરજ બજાવતા બીજા પોલીસકર્મી અને ગ્રામ રક્ષકદળના કર્મચારીઓ પણ હરકતમાં આવ્યા. ત્યાં સુધીમાં પ્રેમી જતીન દીવાલ કૂદીને ભાગી ગયા અને દીવાલ કૂદવા જતી તોરલને અમે પકડી પાડી."

line

લોકો પ્રેમ માટે જીવ આપી દે છે તો હું...

તોરલે કહ્યું, "હું કેદી છું, ગુનેગાર નથી. અમે બંનેએ સાથે જીવવા-મરવાના કૉલ આપ્યા છે. લોકો પ્રેમ માટે જીવ આપી દે છે તો હું મારા પ્રેમીને ભગાડું એમાં કયું મોટું પાપ કર્યું છે?"

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તોરલે કહ્યું, "હું કેદી છું, ગુનેગાર નથી. અમે બંનેએ સાથે જીવવા-મરવાના કૉલ આપ્યા છે. લોકો પ્રેમ માટે જીવ આપી દે છે તો હું મારા પ્રેમીને ભગાડું એમાં કયું મોટું પાપ કર્યું છે?"

તોરલે કહ્યું, "હું કેદી છું, ગુનેગાર નથી. અમે બંનેએ સાથે જીવવા-મરવાનો વાયદો કર્યો છે. લોકો પ્રેમ માટે જીવ આપી દે છે તો હું મારા પ્રેમીને ભગાડું એમાં કયું મોટું પાપ કર્યું છે?"

નંદાસણ પોલીસ સ્ટેશનમાંથી પ્રેમીને ભગાડનાર તોરલ સાથે પણ બીબીસીએ વાત કરી હતી.

"અમે ગુજરાત બહાર જઈને મજૂરી કરીને પણ જીવન નિર્વાહ કરત. મને હવે ખબર પડી કે મને પોલીસ સ્ટેશનમાંથી ભગાડવાના આરોપ હેઠળ સજા થશે, ત્યાં સુધીમાં હું લગ્નની ઉંમરે પહોંચી જઈશ એટલે હું અને જતીન લગ્ન કરી લઈશું."

"જો મેં જતીનને ભગાડ્યા ન હોત તો મારા મેડિકલ ટેસ્ટ પછી મારા પિતા મને ઘરે લઈ જાત અને મારાં લગ્ન બીજે કરાવી દેત. પણ હું પકડાઈ ગઈ એ સારું થયું, જતીન સિવાય કોઈની સાથે લગ્ન નહીં થાય."

નંદાસણના નવાપુરાના રાવળ વાસમાં અમે તોરલના પિતા ત્રિભુવનલાલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ વાત કરવાની સ્થિતિમાં નહોતા.

line

"અમે સગોત્રના લગ્ન કેવી રીતે કરીએ?"

બંને એક જ ગોત્રના છે અને અમારી જ્ઞાતિના રિવાજ મુજબ, સગોત્ર લગ્ન થઈ શકતા નથી

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, બંને એક જ ગોત્રના છે અને અમારી જ્ઞાતિના રિવાજ મુજબ, સગોત્ર લગ્ન થઈ શકતા નથી

તોરલના પિતરાઈ ભાઈ મિનેશ રાવળે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે બંને એક જ ગોત્રનાં છે અને અમારી જ્ઞાતિના રિવાજ મુજબ, સગોત્ર લગ્ન થઈ શકતાં નથી.

"બંનેને અમે સમજાવ્યાં હતાં પણ તેઓ માન્યાં નહીં. ગામની પંચાયતે આ લગ્ન માન્ય ન રાખ્યાં અને છોકરાના પિતાને સમાજના રીત રિવાજ મુજબ દંડ ભરી પુત્રને હાજર કરવા કહ્યું પરંતુ તેમણે મનાઈ કરી એટલે અમે આ મામલો ઘરમેળે પતાવવાને બદલે પોલીસમાં ફરિયાદ કરી છે."

આ અંગે બીબીસીએ જતીનના પિતા ગોરધનભાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ તેમણે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

નંદાસણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ધડુકે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ મામલો ગંભીર છે, અમે એની તપાસ કરી રહ્યા છીએ અને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે."

નોંધ: બંને પ્રેમી સગીર હોવાથી તેમની ઓળખ ગુપ્ત રહે તે માટે અમે અહીં તેમનાં નામ બદલ્યાં છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન