અગ્નિપથ : મોદી સરકારની આ યોજનાથી કોને ફાયદો, નોકરી મેળવનારને, સેનાને કે સરકારને?
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
સંરક્ષણમંત્રી રાજનાથસિંહે મંગળવારે ભારતીય સેનામાં 'અગ્નિપથ' યોજનાની જાહેરાત કરી. જેમાં ટૂંકી મુદત માટે નિયુક્તિ થશે.
યોજના પ્રમાણે ભારતીય સેનામાં ચાર વર્ષ માટે યુવાનોની ભરતી કરવામાં આવશે. નોકરી બાદ તેમને સેવા નિધિ પૅકેજ આપવામાં આવશે. તેમનું નામ હશે અગ્નિવીર.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં સેનામાં ભરતીઓ રોકાયેલી હતી. જેને લઈને અનેક સવાલ પૂછવામાં આવી રહ્યા હતા. પૂછનારાઓમાં ઘણા યુવાનો હતા, જેમના માટે સેનામાં ભરતી એ જીવનનું સૌથી મોટું સપનું હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images
સરકારે પોતાની જાહેરાતમાં દુર્ઘટનામાં મૃત્યુની સ્થિતિમાં અગ્નિવીરોને પૅકેજ આપવાની પણ વાત કરી હતી.
રાજનાથસિંહે અગ્નિપથ યોજનાને સેનાને આધુનિક બનાવનાર તેમજ કાયાપલટ કરી દેનારી યોજના ગણાવી છે.
નવા અગ્નિવીરોની ઉંમર સાડા સત્તરથી 21 વર્ષ વચ્ચેની હશે અને તેમનું વેતન 30થી 40 હજાર રૂપિયા પ્રતિવર્ષ વચ્ચે રહેશે. ભરતી કરાયેલ 25 ટકા યુવાનોને ભારતીય સેનામાં આગળ વધવાની તક આપવામાં આવશે. જ્યારે બાકીના યુવાનોએ નોકરી છોડવી પડશે.
આ વર્ષે 46 હજાર અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે.
રાજનાથ સિંહે કહ્યું, "યુવાનોને સેનામાં સેવાની તક આપવામાં આવશે. આ યોજના દેશની સુરક્ષાને મજબૂત કરવા અને યુવાનોને મિલિટરી સેવાનો અવસર આપવા માટે લાવવામાં આવી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે આ યોજનાથી નોકરીની તક વધી જશે અને સેવા દરમિયાન કેળવેલ હુન્નર અને અનુભવ તેમને અન્ય ક્ષેત્રોમાં પણ નોકરી અપાવશે.

અગ્નિપથ યોજના પર ઊઠી રહેલા પ્રશ્નો

- ચાર વર્ષ બાદ તાલીમબદ્ધ યુવાનો શું કરશે? તેનાથી સમાજનું 'સૈન્યીકરણ' થવાનો ખતરો છે.
- આ યોજનાથી ભારતીય સેનામાં 'શિખાઉ' જવાનોની સંખ્યા વધી જશે.
- આ યોજનાના કારણે સશસ્ત્ર બળોની સદીઓ પુરાણી રૅજિમેન્ટલ સંરચનાને ખલેલ પહોંચી શકે છે.
- પાઇલટ પ્રોજેક્ટ વગર જ આ યોજના શરૂ કરી દેવામાં આવી છે
- તેનાથી દર વર્ષે અંદાજે 40 હજાર યુવાનો બેરોજગાર થશે.

શું આ યોજના ભારતીય સેનાની કાયાપલટ કરી શકશે?

ઇમેજ સ્રોત, ANI
સરકારનું માનીએ તો યોજનાનો હેતુ યુવાનોમાં રાષ્ટ્રીયતાની ભાવના દૃઢ કરવનો, ભારતીય સેનાને યુવાનોની સેનાનું સ્વરૂપ દર્શાવવાનો અને યુવાનોની ભારતીય સેનામાં કામ કરવાની મહત્ત્વાકાંક્ષાને પૂર્ણ કરવાનો છે.
ટીકાકારો આ યોજનાને ખોટું પગલું ગણાવી રહ્યા છે અને ભારતીય સેનાના પરંપરાગત સ્વરૂપ સાથેની છેડછાડ ગણાવે છે અને કહે છે કે તેનાથી સૈનિકોના મનોબળ પર વિપરીત અસર થશે તેવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
રિટાયર્ડ મેજર જનરલ શેઓનાનસિંહ આ યોજનાને મૂર્ખતાભર્યું પગલું ગણાવે છે અને કહે છે કે, "પૈસા બચાવવા માટેની સારી વાત છે પરંતુ તેને સેનાની કિંમતે ન કરવું જોઈએ."
માનવામાં આવી રહ્યું છે કે આ સરકારી પગલાનો ઉદ્દેશ ભારતીય સેના પર વેતન અને પૅન્શનનો બોજ ઘટાડવાનો છે. રિટાયર્ડ મેજર જનરલ શેઓનાનસિંહ કહે છે, "ભાજપ દેખાડવા માગે છે કે અમે બધું જ કરી બતાવ્યું છે. અમે પગલાં ભરનારી પાર્ટી છીએ. આ બૉર્ડ પર નિશાન તાકવા જેવી બાબત છે. પરિણામથી કોણે ફરક પડે છે?"
બદલાઈ રહેલા સમય સાથે ભારતીય સેનાનું નવીનીકરણ કઈ રીતે કરી શકાય, તેના પર લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.

શું આ બેરોજગારીની દવા છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય સેનામાં 68 ટકા ઉપકરણો જૂનાં છે, 24 ટકા ઉપકરણો આજનાં છે અને આઠ ટકા ઉપકરણો સ્ટેટ ઑફ ધ આર્ટ કૅટેગરીનાં છે. કારણ સ્પષ્ટ છે કે વર્ષ 2021-22માં સંરક્ષણ બજેટનો 54 ટકા ભાગ પગાર અને પૅન્શન પર ખર્ચ થયો હતો. 27 ટકા ભાગ કૅપિટલ એટલે કે નવાં કામો પાછળ વપરાયો હતો. બાકીનો ખર્ચ સ્ટોર, ઉપકરણોનાં સમારકાર અને સરહદો પર રસ્તા તેમજ રિસર્ચ પાછળ થયો હતો.
આંકડા પ્રમાણે છેલ્લાં 10 વર્ષમાં સંરક્ષણ પૅન્શન પર ખર્ચમાં 12 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે સંરક્ષણ બજેટમાં સરેરાશ 8.4 ટકા વધારો કરવામાં આવ્યો હતો. સંરક્ષણ બજેટમાં પૅન્શનની ટકાવારી 26 ટકા સુધી વધી અને બાદમાં ઘટીને 24 ટકા પર પહોંચી હતી.
સરકારની આ યોજના એવા સમયે આવી જ્યારે દેશમાં નોકરી ન મળવી એ મોટી સમસ્યા છે. ભારતીય અર્થવ્યવસ્થા પર નજર રાખનારી સંસ્થા સીએમઆઈઈના મહેશ વ્યાસ અનુસાર, ભારતમાં બેરોજગારી એક ગંભીર સમસ્યા છે. કારણ કે જે દરથી લોકોને નોકરીની જરૂર છે, રોજગારી તે દરથી વધી રહી નથી.
તેમના પ્રમાણે કોરોનાની સૌથી ખરાબ પરિસ્થિતિ દરમિયાન ભારતમાં બેરોજગારી 25 ટકા સુધી પહોંચી ગઈ હતી. હાલમાં એ સાત ટકા છે. શહેરી વિસ્તારોમાં લાંબા સમયથી યુવાનો (15થી 29 વર્ષ)માં બેરોજગારીનો દર 20 ટકાથી વધુ છે. એવામાં વડા પ્રધાનની આગામી દોઢ વર્ષમાં 10 લાખ લોકોની મંત્રાલયો અને વિવિધ ડિપાર્ટમેન્ટમાં ભરતી કરવાની જાહેરાતને આ સંદર્ભમાં જોવામાં આવી રહી છે.

યોજના સારી કે ખરાબ?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
રિટાયર્ડ મેજર જનરલ શેઓનાનસિંહ પ્રમાણે ભારતીય સેનામાં કોઈનું ચાર વર્ષ માટે જોડાવું એ ઘણો ઓછો સમય કહેવાય અને જો આ આઇડિયા સારો હોય તો તેને તબક્કાવાર લાગુ કરવો જોઈએ.
તેઓ કહે છે કે ચિંતા એ પણ છે કે આટલા ઓછા સમય માટે કોઈ યુવાન ખુદના સ્વભાવને મિલિટરીના બીબામાં કઈ રીતે ઢાળી શકશે.
તેઓ કહે છે કે, "ચાર વર્ષમાંથી છ મહિના તો ટ્રેનિંગમાં જશે. પછી એ વ્યક્તિ ઇન્ફૅન્ટરી, સિગ્નલ જેવાં ક્ષેત્રોમાં આગળ જાય તો તેની વિશેષ ટ્રેનિંગ લેવી પડશે."
"જેમાં વધારે સમય જશે. ઉપકરણોનો ઉપયોગ કરતા પહેલાં તેની સારી જાણકારી મેળવવી જરૂરી છે."
શેઓનાનસિંહને ચિંતા છે કે ટ્રેનિંગમાં આટલો સમય વીતાવ્યા બાદ કોઈ પણ વ્યક્તિ ખરેખર સેવામાં કેટલો આગળ વધી શકશે. તેઓ કહે છે, "એ વ્યક્તિ ઍરફોર્સમાં પાઇલટ તો બની શકશે નહીં. એ ગ્રાઉન્ડ્સમૅન કે પછી મિકૅનિક બનશે. એ વર્કશૉપમાં જશે. ચાર વર્ષમાં એ શું શીખી શકશે?"
"કોઈ તેને ઍરક્રાફ્ટને હાથ પણ નહીં લગાવવા દે. જો તમને ઉપકરણોની સારસંભાળ રાખતા પણ ન આવડતી હોય તો ઇન્ફૅન્ટ્રીમાં પણ તમારું કોઈ કામ નથી."
"યુદ્ધમાં કોઈ અનુભવી સૈનિક સાથે જાઓ તો શું યુદ્ધમાં તેમના મૃત્યુ બાદ ચાર વર્ષનો અનુભવી સૈનિક તેમની જગ્યા લઈ શકશે? આ કામ એ રીતે થતું નથી. આથી સુરક્ષાબળોની કુશળતાને અસર થશે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
રિટાયર્ડ મેજર જનરલ એસબી અસ્થાનાનું કહેવું છે કે સરકારના પગલાથી ભારતીય સેનાની પ્રોફાઇલ છ વર્ષ ઓછી થશે, જેનાથી તેમને ફાયદો થશે.
તેઓ કહે છે કે "જો તમે લોકોને આઈટીઆઈમાંથી લાવશો તો તે ટેકનિકલ બાબતોમાં ખૂબ સારા હશે. જૂના લોકોને ટેકનિકલ બાબતો વિશે શીખવાડવું મુશ્કેલ છે. નવી પેઢી ટેકનિકલ બાબતોમાં સારી સમજણ ધરાવે છે."
તેઓ આગળ કહે છે કે, "અત્યારે આપણી સિસ્ટમ છે કે જો કોઈ જવાનની ભરતી થઈ જાય અને પછી તે યોગ્ય ન હોવાની જાણ થાય તો જ્યાં સુધી તેના વિરુદ્ધ શિસ્તભંગ કે અક્ષમતાનો કેસ ન ચલાવવામાં આવે ત્યાં સુધી તેને કાઢી શકાય નહીં."
આ દલીલો વચ્ચે સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે ચાર વર્ષ પૂરાં કર્યા બાદ અગ્નિવીરોને આસામ રાઇફલ્સ અને સૅન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

યોજના અંતર્ગત ભરતી થનારા લોકોનું ભવિષ્ય?
અન્ગિપથ યોજનાના ટીકાકારોનું કહેવું છે કે સેનામાં ટ્રેનિંગ લીધેલા 21 વર્ષીય બેરોજગાર યુવાન ખોટા રસ્તે જઈને પોતાની ટ્રેનિંગનો ખોટો ઉપયોગ કરી શકે છે.
રિટાયર્ડ મેજર જનરલ શેઓનાનસિંહ પૂછે છે કે 21 વર્ષીય દસ કે બાર ધોરણ પાસ બેરોજગાર યુવાન રોજગારી માટે ક્યાં જશે?
તેઓ કહે છે કે, "જો તે પોલીસમાં ભરતી માટે જાય તો તેને કહેવામાં આવશે કે ત્યાં તો પહેલાંથી બીએ પાસ જવાનો છે, તેથી તેને લાઇનમાં સૌથી પાછળ ઊભું રહેવું પડશે. અભ્યાસના કારણે તેના પ્રમોશન પર અસર પડશે."
તેમનો મત છે કે યુવાનોને 11 વર્ષ સુધી સેનામાં સામેલ કરવામાં આવે. જેથી તેઓ ઓછામાં ઓછાં આઠ વર્ષ સેવા આપી શકે અને બાદમાં તેમને અડધું પૅન્શન આપીને જવા દેવામાં આવે.
રિટાયર્ડ મેજર જનરલ એસબી અસ્થાનાનું માનવું છે કે 21 વર્ષીય ગ્રૅજ્યુએટ યુવાન અને અગ્નિવીરો નોકરી શોધતી વખતે કોઈ અલગ સ્તર પર નહીં હોય. કારણ કે અગ્નિવીરો હુન્નરની દૃષ્ટિએ અન્યો કરતાં તદ્દન જુદા હશે.
રિટાયર્ડ લૅફ્ટનન્ટ જનરલ ડીએસ હુડા કહે છે કે, "આ યોજના અંતર્ગત આગામી ચાર વર્ષમાં 1.86 લાખ સૈનિકોની ભરતી થશે. જે સૈન્ય શક્તિના 10 ટકા હશે."
"આ ચાર વર્ષ આપણને સમજવામાં મદદરૂપ થશે કે આ યોજના કેવી રીતે ચાલી રહી છે. શું યુવાનો તેનાથી આકર્ષિત થાય છે, શું તેઓ યુનિટ સાથે જોડાય છે, તેમની મનોદશા કેવી છે અને સરકાર શું પગલાં ભરી રહી છે."

ઇઝરાયલ સાથે તુલના
રિટાયર્ડ મેજર જનરલ અસ્થાનાએ વાતચીતમાં કહ્યું કે "એમ નથી કે મોદી સરકારની અગ્નિપથ યોજનાનું મૉડલ ક્યાંય ટ્રાય નથી કરવામાં આવ્યું."
તેમણે આ અંગે ઇઝરાયલનું ઉદાહરણ આપ્યું હતું.
ઇઝરાયલમાં શું સ્થિતિ છે, તે જાણવા જેરુસલેમમાં પત્રકાર હરેન્દ્ર મિશ્રાનો સંપર્ક કર્યો. હરેન્દ્ર મિશ્રા પ્રમાણે ત્યાં બેરોજગારીની કોઈ સમસ્યા નથી અને એમ નથી કે અનિવાર્ય મિલિટરી ટ્રેનિંગ બાદ યુવાનો એ ટ્રેનિંગનો દુરુપયોગ કરતા હોય.
તેઓ કહે છે કે દરેક યુવાને 18 વર્ષમાં અનિવાર્ય ટ્રેનિંગ લેવી પડે છે અને આ ટ્રેનિંગ માટે તેમને પગાર પણ મળતો નથી. કારણ કે તેને દેશ સેવાના ભાવથી જોવામાં આવે છે, ન કે નોકરી તરીકે. મહિલાઓ માટે આ ટ્રેનિંગ બે વર્ષની હોય છે. જ્યારે પુરુષો માટે ચાર વર્ષની.
આ ટ્રેનિંગ દરમિયાન માત્ર પૉકેટમની આપવામાં આવે છે. આ ટ્રેનિંગ દરેક લોકો માટે હોવાથી એમ નથી બનતું કે અભ્યાસમાં અન્ય કોઈ આગળ નીકળી જાય.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













