શ્રીલંકામાં હિંસક અથડામણો બાદ રાષ્ટ્રપતિનું રાષ્ટ્રને પ્રથમ સંબોધન, અઠવાડિયામાં મંત્રીમંડળ બનાવવાની જાહેરાત - પ્રેસ રિવ્યૂ
શ્રીલંકામાં વિરોધપ્રદર્શન શરૂ થયા બાદ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ પ્રથમ વખત દેશને સંબોધન કર્યું છે. તેમણે સરકાર તરફી અને સરકાર વિરોધી વિરોધીઓ વચ્ચેની હિંસક અથડામણની નિંદા કરી છે.
આ અથડામણમાં 300 લોકો ઘાયલ થયા છે.

ઇમેજ સ્રોત, Twitter
રાષ્ટ્રપતિ રાજપક્ષેએ કહ્યું કે તેઓ એક સપ્તાહની અંદર નવા મંત્રીમંડળની નિમણૂક કરશે. આ કૅબિનેટમાં તેમના ભાઈ મહિંદા રાજપક્ષેના સ્થાને કોઈને સ્થાન આપવામાં આવશે.
મહિંદા રાજપક્ષેને સોમવારે શ્રીલંકાના વડા પ્રધાનપદ છોડવાની ફરજ પડી હતી.
આ પહેલા સેન્ટ્રલ બૅન્કે ચેતવણી આપી હતી કે જો આગામી બે દિવસમાં નવી સરકાર નહીં બને તો દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગી શકે છે.
બૅન્કના ગવર્નર (ડૉ. નંદલાલ વીરસિંઘે)એ કહ્યું હતું કે જો જીવનસંકટને લઈને સરકાર વિરોધી વિરોધ ચાલુ રહેશે તો ઈંધણ અને ખોરાકની અછત વધુ ઘેરી બની શકે છે. આવી સ્થિતિમાં શ્રીલંકાના લોકોને દિવસમાં 12 કલાક વીજળી કાપનો સામનો કરવો પડી શકે છે.
વિરોધપ્રદર્શન હિંસક બન્યા બાદ ગુરુવાર સુધી દેશમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. સુરક્ષા દળોને લૂંટ સહિતની હિંસક ઘટનાઓમાં સામેલ કો ઈપણ વ્યક્તિ પર ભારે બળપ્રયોગની અને ગોળીબાર કરવાની મંજૂરી આપવામાં આવી છે.

ઇઝરાયલના દરોડામાં અલ-જઝીરાનાં મહિલા પત્રકારનું મૃત્યુ

ઇમેજ સ્રોત, AL-JAZEERA
કતારની સમાચાર ચેનલ અલ-જઝીરાનાં સંવાદદાતા શિરીન અબુ અકલેહનું ઇરઝરયલના દરોડા દરમિયાન મૃત્યુ થયું છે. શિરીન વેસ્ટ બૅન્કના જેનીન શહેરમાં બુધવારે ઇઝરાયલી દરોડાને કવર કરવા પહોંચ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર સંસ્થા ઍસોસિએટેડ પ્રેસ (એપી) અનુસાર શિરીન અબુ અકલેહ અરબી ભાષાની ચેનલ અલ-જઝીરાનાં જાણીતા પેલેસ્ટાઇનિયન મહિલા રિપોર્ટર હતાં.
સમાચાર અનુસાર ગોળી વાગવાની થોડી વારમાં જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.
પેલેસ્ટાઇનિયના અન્ય એક પત્રકાર પણ આ ઘટનામાં ઘાયલ થવાના સમાચાર છે.
એપી અનુસાર અલ-કુદ્સ માટે કામ કરનારા પેલેસ્ટાઇનિયન પત્રકારની સ્થિતિ હાલમાં સ્થિર છે.
અલ-જઝીરાએ આ ઘટનામાં ઇઝરાયેલી સૈન્ય પર હત્યાનો આરોપ લગાવ્યો છે.
ચેનલ પર બતાવાયેલા નિવેદન અનુસાર અલ-જઝીરાએ આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે કે તેમનાં સહયોગીને જાણીજોઈને મારવા બદલ તે ઇઝરાયેલી દળોની નિંદા કરે અને જવાબદારી નક્કી કરે.

મોહાલી બ્લાસ્ટ : 'શીખ ફૉર જસ્ટિસ'એ સ્વીકારી જવાબદારી

ઇમેજ સ્રોત, ANI
પંજાબના મોહાલીમાં પોલીસ ઇન્ટેલિજન્સ હૅડક્વૉર્ટર્સ પર થયેલા હુમલાની જવાબદારી પ્રતિબંધિત સંગઠન 'શીખ ફૉર જસ્ટિસ' (એસએફજે) એ સ્વીકારી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે પંજાબ પોલીસે અત્યાર સુધી આ મામલે 20 જેટલા શકમંદોની ધરપકડ કરી છે.
સોમવારે પોલીસ કાર્યાલય પર રૉકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ (આરપીજી) ઍટેક કરવામાં આવ્યો. જેનાંથી ઇમારતને નુકસાન પહોંચ્યું હતું. ત્યાર બાદથી મોહાલીમાં હાઈ ઍલર્ટ છે.
અહેવાલમાં પોલીસને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે એસએફજેના ગુરપતવંતસિંહ પન્નૂના અવાજમાં એક કથિત વૉઇસ મૅસેજ મળી આવ્યો છે. જેના દ્વારા એસએફજેએ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
મોહાલી એસએસપી વિવેકશીલ સોનીએ કહ્યું, "અમે તપાસ પૂર્ણ કરવાની ખુબ નજીક છે."
હાલમાં પોલીસ વધુ પુરાવા એકઠા કરવા માટે હૅડક્વૉટરની આસપાસ હાજર ત્રણ મોબાઇલ ટાવરમાંથી 6થી 7 હજાર મોબાઇલોના ડેટાની તપાસ કરી રહી છે.

પંચમહાલમાં બે ધર્મના જૂથ વચ્ચે અથડામણ, આઠ લોકોની અટકાયત

ઇમેજ સ્રોત, Daxesh Shah
પંચમહાલના કાલોલમાં વરઘોડા સમયે નજીવી બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બે ધર્મના જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ મામલે પોલીસે આઠ લોકોની અટકાયત કરી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, સોમવારે રાત્રે કાલોલમાં નીકળેલા એક વરઘોડામાં કેટલાક લોકો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી.
ગણતરીની મિનિટોમાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બે ધર્મનાં જૂથો સામસામે આવી ગયાં હતાં અને પથ્થરમારો તેમજ વાહનોમાં તોડફોડ કરી હતી.
જોકે, જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પોલીસકાફલો પહોંચી ગયો હતો અને ટોળાંને વિખેરી નાંખ્યાં હતાં. ઘટનાના બીજા દિવસે કાલોલમાં પોલીસ તહેનાત કરવામાં આવી હતી.
પોલીસે આ મામલે ગુનો નોંધીને અત્યાર સુધી આઠ લોકોની અટકાયત કરી છે.

હિંદુ દેવી-દેવતાઓના વિવાદિત આર્ટવર્ક બનાવનારા વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો દાખલ

ઇમેજ સ્રોત, RAJIV PARMAR
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સ ફૅકલ્ટીના એક વિદ્યાર્થીએ હિંદુ દેવી-દેવતાના વિવાદિત આર્ટવર્ક બનાવતા ભારે વિવાદ સર્જાયો હતો. આ મામલે પોલીસે વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
ન્યૂઝ વેબસાઇટ સ્ક્રોલના અહેવાલ અનુસાર, ફાઇન આર્ટ્સ ફૅકલ્ટીમાં વાર્ષિક ઍક્ઝિબિશન પહેલાં વિદ્યર્થીઓનું જ્યુરી ઍસેસમેન્ટ ચાલી રહ્યું હતું. જેમાં એક વિદ્યાર્થીએ હિંદુ દેવી-દેવતાઓનું વિવાદિત આર્ટવર્ક રજૂ કર્યું હતું.
જોકે, આ આર્ટવર્કના ફોટો વાઇરલ થતાં હિંદુવાદી સંગઠનો અને વિદ્યાર્થી જૂથ એબીવીપીએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. જ્યાર બાદ યુનિવર્સિટી દ્વારા એક કમિટી રચવામાં આવી હતી.
આ કમિટીએ મંગળવારે સિન્ડિકેટ સમક્ષ રિપોર્ટ રજૂ કરતાં અંતે સયાજીગંજ પોલીસ દ્વારા વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












