ગાંધીનગરમાં આદિવાસીઓનો સત્યાગ્રહ, વિધાનસભા ભણી કૂચ કરે એ પહેલાં જ કૉંગ્રેસી નેતાઓની અટકાયત

ગુજરાતના આદિવાસીઓ પોતાના પ્રશ્નોના ઉકેલ માટે મોટી સંખ્યામાં આજે ગાંધીનગરમાં ભેગા થયા છે. કૉંગ્રેસે આદિવાસીઓની આ કૂચને સમર્થન જાહેર કર્યું છે.

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે યોજાયેલા આ 'આદિવાસી સત્યાગ્રહ'માં આદિવાસીઓ અને કૉંગ્રેસના નેતા વિધાનસભા ભણી કૂચ કરે એ પહેલાં જ તેમની અટકાયત કરી લેવાઈ હતી.

આદિવાસી

ઇમેજ સ્રોત, PAvan Jaiswal

પોતાનો પ્રશ્નનો કોઈ નિવેડો ન આવતાં આદિવાસીઓએ 'આદિવાસી સત્યાગ્રહ'ની જાહેરાત કરી છે.

વલસાડના કપરાડામાં 21 માર્ચે વિશાળ જનમેદની એકઠી થઈ હતી અને આદિવાસીઓની માગોનો ગુજરાત સરકાર ઉકેલ ન લાવતી હોવાનો આરોપ લગાવી પોતપોતાના સ્થળેથી અલાયદી વ્યવસ્થા કરી ગાંધીનગર સુધી પહોંચીને રેલી યોજવાની જાહેરાત કરી હતી.

આદિવાસી અગ્રણી લાલસિંહ ગામિતે બીબીસી સાથેની વાતચીતમાં આ કાર્યક્રમમાં 25થી 30 હજાર લોકો જોડાય એવો દાવો કર્યો છે.

તેમણે જણાવ્યું, "જે રીતે સરકાર દ્વારા લાખો આદિવાસીઓનાં ઘર છીનવી લેવામાં આવ્યાં છે, તેમની જમીન કબજે કરી લેવામાં આવી છે. તે લોકોમાં આ વાતને લઈને આક્રોશ છે."

તેમના કહેવા પ્રમાણે અંબાજીથી ઉમરગામ એટલે કે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના ખેડૂતો અને આદિવાસીઓ સાથે સરકાર દ્વારા અન્યાય કરવામાં આવ્યા છે. જેના વિરોધમાં આજે તમામ લોકો એકત્ર થઈને વિરોધ નોંધાવશે.

આજના આ આંદોલન અંગે તેમણે જણાવ્યું કે પાર-તાપી- નર્મદા લિંક પ્રૉજેક્ટ સહિત રતનપુર રીંછ અભ્યારણ્યના નામે ગામ ખાલી કરાવવા, ઉકાઇ ડૅમના કારણે વિસ્થાપિત થયેલા લોકોને તેમની જમીન અપાવવા સહિત આદિવાસી લોકોના મુદ્દાઓને લઈને લડત શરૂ કરવામાં આવી છે. જે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

line

કૉંગ્રેસનું સમર્થન

આદિવાસી

ઇમેજ સ્રોત, PAvan Jaiswal

ગુજરાત કૉંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માએ ગુરુવારે પત્રકારપરિષદને સંબોધતાં કહ્યું હતું કે કૉંગ્રેસ હંમેશાંથી આદિવાસી સમાજની સાથે રહ્યો છે.

"જંગલની જમીન માટેનો કાયદો હોય કે પછી મનરેગા, આ તમામ કાયદા આદિવાસી સમાજને સક્ષમ કરીને મુખ્યધારામાં જોડવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. "

" જ્યારે ભાજપ આદિવાસીઓના અવાજ દબાવવાની સાથેસાથે તેમનું શોષણ કરવાનું કામ કરી રહ્યો છે, ત્યારે ગાંધીનગર ખાતે "આદિવાસી સત્યાગ્રહ" આદિવાસી સમાજના હકો અને અધિકારો સહિત અસ્મિતા બચાવવાની હાકલ કરે છે. "

ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરના જણાવ્યા પ્રમાણે કૉંગ્રેસ પક્ષ આદિવાસી સમાજની સાથે તેમના હક અને અધિકાર માટે મજબૂતીથી લડત આપતો રહ્યો છે.

તેમણે કહ્યું, "સત્તામાં બેઠેલી ભાજપ સરકારે આદિવાસી સમાજના પ્રશ્નોના નિરાકરણ બાબતે આંખ આડા કાન કર્યા છે. વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન થતાં આદિવાસી સમાજના આગેવાનો, ધારાસભ્યો, સાંસદો અને કૉંગ્રેસ પક્ષના પદાધિકારીઓએ ભેગા મળીને 'ચલો ગાંધીનગર'ના સૂત્ર સાથે આદિવાસી આંદોલન શરૂ કર્યું છે."

જ્યારે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું, "ભાજપ જળ, જમીન અને જંગલ પર મીટ માંડીને બેઠો છે. જંગલની જમીનમાંના ખનીજતત્ત્વો પર ભાજપની નજર છે."

તેમણે વધુમાં કહ્યું, "આદિવાસી લોકો મળવાપાત્ર લાભ માટે વર્ષોથી વંચિત છે. આ લોકો ગરીબ, અશિક્ષિત અને ભોળા છે, તેમના માટે કામ કરવાના બદલે તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને તેમને સમસ્યા સામે ઝઝૂમવા એકલા છોડી દેવામાં આવ્યા છે."

line

પાર- તાપી- નર્મદા રિવ લિંક પ્રોજેક્ટનો વિરોધ

પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ અંતર્ગત છેવાડાના ડાંગ જિલ્લામાં પણ અંબિકા, ખાપરી અને પૂર્ણા નદી પર ત્રણ ડૅમ બનાવવાની ચર્ચા વર્ષ 2010થી ચાલે છે

ઇમેજ સ્રોત, UMESH GAVIT

ઇમેજ કૅપ્શન, પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ અંતર્ગત છેવાડાના ડાંગ જિલ્લામાં પણ અંબિકા, ખાપરી અને પૂર્ણા નદી પર ત્રણ ડૅમ બનાવવાની ચર્ચા વર્ષ 2010થી ચાલે છે

પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ અંતર્ગત છેવાડાના ડાંગ જિલ્લામાં પણ અંબિકા, ખાપરી અને પૂર્ણા નદી પર ત્રણ ડૅમ બનાવવાની ચર્ચા વર્ષ 2010થી ચાલે છે.

એ બાદ 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે પણ આ મુદ્દે ચર્ચા શરૂ થઈ હતી, પરંતુ ચૂંટણી બાદ આ મુદ્દો શાંત થઈ ગયો હતો.

2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નદીઓના જોડાણના પાંચ પ્રોજેક્ટ તૈયાર હોવાનું જણાવ્યું હતું અને સંબંધિત પક્ષકારો વચ્ચે સહમતિથી તેની પર કામ હાથ ધરવાની વાત પણ કહી હતી.

પાર-તાપી- નર્મદા લિંક પ્રોજેકટ માટે 2010માં ત્રિપક્ષીય સરકાર સાથે સમજૂતી કરાર થયો હતો. એ સમયે કેન્દ્રમાં ડૉ. મનમોહનસિંહના નેતૃત્વમાં યુપીએની સરકાર હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ સમયે ગુજરાતના મુખ્ય મંત્રી હતા, જ્યારે અશોક ચવ્હાણ મહારાષ્ટ્રના સીએમ હતા.

ગાંધીનગરમાં નેશનલ વૉટર ડેવલપમૅન્ટ એજન્સીની (NWDA) વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, કેન્દ્રીય જળસંસાધન વિકાસ-મંત્રાલય દ્વારા વર્ષ 1980માં અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચે તે માટે નદીઓના જોડાણની યોજના રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં વિચારવામાં આવી હતી.

1982માં ઉપરોક્ત યોજના અંગે વિચાર હાથ ધરવામાં આવ્યો હતો. વર્ષ 2006માં એનડબલ્યુડીએના નેજા હેઠળ 'કેન્દ્રીય જળઆયોગ'નો વિચાર કરવામાં આવ્યો હતો.

વર્ષ 2014માં દમણગંગા-પિંજલ લિંક પ્રોજેક્ટનો ડીપીઆર (ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ, વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ) તૈયાર થયો હતો.

જ્યારે પાર-તાપી-નર્મદા લિંકનો ડીપીઆર વર્ષ 2015માં તૈયાર થયો હતો. આ યોજનાને સાકાર કરવા મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં ડૅમોના નિર્માણની યોજના છે.

line

ગુજરાતના આદિવાસીઓને આશંકા શેની?

દેશની કૃષિ આજે પણ મહદંશે વરસાદઆધારિત છે, જેના કારણે અમુક વિસ્તારોમાં દર વર્ષે દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થાય છે

ઇમેજ સ્રોત, UMESH GAVIT

ઇમેજ કૅપ્શન, દેશની કૃષિ આજે પણ મહદંશે વરસાદઆધારિત છે, જેના કારણે અમુક વિસ્તારોમાં દર વર્ષે દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થાય છે

દેશની કૃષિ આજે પણ મહદંશે વરસાદઆધારિત છે, જેના કારણે અમુક વિસ્તારોમાં દર વર્ષે દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

આથી, પાણીને દરિયામાં વહી જતું અટકાવવા, તેનો સંચય કરવા, પૂરની પરિસ્થિતિને ટાળવા, પીવા તથા સિંચાઈ માટે વાપરવા તથા વીજઉત્પાદનના આશયથી નદીઓનું જોડાણ કરવાની યોજના વિચારવામાં આવી છે.

પાર તાપી નર્મદા લિંક હેઠળ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છ ડૅમનું નિર્માણ હાથ ધરાશે. જેની વિગતો આ મુજબ છે:

•ઝરી ડૅમ : મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લાના છ ગામ ડૂબમાં જશે, જેમાં એક હજાર 30 પરિવારના પાંચ હજાર 733 લોકો વિસ્થાપિત થશે, એવું અનુમાન છે.

•પૈખેડ ડૅમ : મહારાષ્ટ્રમાં નિર્માણ પામનાર આ ડૅમમાં 11 ગામડાંના એક હજાર 474 પરિવારના સાત હજાર 360 લોકો વિસ્થાપિત થવાનું અનુમાન છે.

•ચિકાર ડૅમ : ગુજરાતના ડાંગ જિલ્લામાં ડૅમનું નિર્માણ થશે. જેમાં નવ ગામના લગભગ 1300 પરિવારના સાત હજાર 800 જેટલા લોકો વિસ્થાપિત થશે, એવું અનુમાન છે.

•ચાસ-માંડવા ડૅમ : ગુજરાતના વલસાડ જિલ્લામાં નિર્માણ પામનારા ડૅમમાં ધરમપુર તાલુકાનાં સાત ગામના બે હજાર 122 પરિવારના લગભગ નવ હજાર 700 લોકો વિસ્થાપિત થાય તેવો અંદાજ છે.

•દાબદર ડૅમ : ગુજરાતના ડાંગ જિલ્લામાં બનનારા આ ડૅમના પગલે ગામમાં 11 ગામના એક હજાર 600 પરિવાર તથા લગભગ 10 હજાર 660 લોકો બેઘર થશે, એવો અંદાજ છે.

•કેળવણ ડૅમ : ડાંગ જિલ્લામાં બે હજાર 220 પરિવારના લગભગ 12 હજાર લોકો વિસ્થાપિત થવાનું અનુમાન છે.

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો