ભાવનગર : ચાર પોલીસકર્મી સાથે રાજસ્થાનમાં મૃત્યુ પામનાર દિલ્હીના ફહીમ સૈફી કોણ?
- લેેખક, જય મકવાણા
- પદ, બીબીસી સંવાદદાતા
લગભગ એક સપ્તાહ પહેલાંની વાત છે. ભાવનગરમાં થયેલી ઘરફોડના કથિત આરોપીનું પગેરું શોધતાં દિલ્હી પહોંચેલા ગુજરાત પોલીસના ચાર જવાનો ખાનગી વાહનમાં પરત ફરી રહ્યા હતા. દિલ્હીમાંથી પકડાયેલા કથિત આરોપી પણ એમની સાથે જ હતા.
તેઓ ગુજરાત પહોંચે એ પહેલાં જ વાહનને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો અને આરોપી સહીત ચારેય પોલીસકર્મીઓ મૃત્યુ પામ્યા.

ઇમેજ સ્રોત, Devesh Singh/BBC
મૃતક પોલીસકર્મીઓનાં નામ હતાં હેડ કૉન્સ્ટેબલ મનસુખ ભાલડિયા, કૉન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ, કૉન્સ્ટેબલ ભીખુભાઈ બુકેરા અને કૉન્સ્ટેબલ ઇરફાન અગવાર. પોલીસકર્મીઓ ઉપરાંત આ અકસ્માતમાં આરોપી અબ્દુલ ફહીમ સૈફીનું પણ મૃત્યુ નીપજ્યું હતું, જેના વિશે ક્યાંય કોઈ ચર્ચા નથી થઈ.
ગુજરાત પોલીસ અનુસાર ફહીમ ચોરીના કેસમાં શકમંદ હતા. ફહીમ દિલ્હીના સીલમપુર વિસ્તારમાં રહેતા હતા અને પરિવારજનોના જણાવ્યા અનુસાર એક કૅબ ડ્રાઇવર હતા.

ફહીમ અને એમનો પરિવાર

ઇમેજ સ્રોત, Devesh Singh/BBC
સીલમપુર. ઉત્તરપૂર્વ દિલ્હીમાં આવેલા આ અર્ધશહેરી વિસ્તારનો સંબંધ ભારત પર લદાયેલી કટોકટી સાથે છે. 70ના દાયકામાં ઇમર્જન્સી વખતે દિલ્હીની આસપાસ જે લોકોનાં ઘરો તોડી પડાયાં, એમને 80ના દાયકામાં અહીં વસાવવામાં આવ્યા.
આ જ સીલમપુરમાં 27 વર્ષના ફહીમ એમના પરિવાર સાથે રહેતા હતા.
છ ધોરણ સુધી ભણી શકેલા ફહીમને એક વર્ષ પહેલાં રોજગારી માટે મોટા ભાઈએ ગાડી લઈ આપી હતી. ગાડીના 11 હપ્તા ભરાયા હતા અને 13 હપ્તા બાકી હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફહીમનાં માતા હામિદાખાતૂનના જણાવ્યા અનુસાર પૈસાના અભાવે ફહીમ ગાડીના ત્રણ હપ્તા નહોતા ભરી શક્યા.
પરિવાર આર્થિક મુશ્કેલીઓ વેઠે છે અને જેમ-તેમ કરીને ગુજરાન ચલાવે છે. ત્રણ ભાઈઓમાં ફહીમ સૌથી નાના હતા. એમનાથી મોટા ભાઈ સલીમે થોડા પૈસા ભેગા કરીને એમને હપ્તેથી ગાડી ખરીદી આપી હતી.
ચાર બહેનો અને ત્રણ ભાઈઓના પરિવારમાં સૌથી મોટા ભાઈ નદીમ અલગ રહે છે અને ફહીમ જેમતેમ કરીને પરિવારની જવાબદારી ઉઠાવતા હતા.
હામિદાખાતૂન પોતાના મૃત પુત્રને યાદ કરતાં કહે છે, "મારો દીકરો દૂર-દૂર સુધી કામ કરવા જતો હતો. પાંચ વર્ષથી ગાડી ચલાવતો હતો. એક વર્ષ સુધી ડૅપોમાં પણ કામ કર્યું અને ડૅપોની બસ પણ ચલાવી. આજ સુધી એની કોઈ ફરિયાદ આવી નહોતી."
"એક દિવસ કહે કે મેરઠ જઈ રહ્યો છું, સવારી લઈને. એ ગયો તે ગયો પછી ક્યારેય ના આવ્યો. એ પછી મોટા દીકરાને ભાળ મળી કે ગુજરાત પોલીસ આવી હતી અને મારા દીકરાને પકડી લીધો છે."
"સોમવારે (14 ફેબ્રુઆરી)એ મને જાણ કરાઈ કે મારા દીકરાને પોલીસ લઈ જઈ રહી છે. હું મળવા ગઈ તો મારા દીકરાને હાથ બાંધેલા હતા."
"મેં પૂછ્યું પણ મને કોઈએ કંઈ કહ્યું નહીં અને પોલીસ રાતે એને લઈને જતી રહી. સવારે ફોન આવ્યો કે જે ગાડીમાં મારા દીકરાને લઈ જઈ રહ્યા હતા અને એને અકસ્માત નડ્યો છે. હું તો સાંભળતાં જ બેહોશ થઈ ગઈ."
આટલું કહેતાં જ મહામુશ્કેલીએ રોકી રાખેલાં આંસુ હામિદાખાતૂનની આંખોમાંથી ખરી પડે છે.

'બે પૈસા કમાવા ગાડી લઈ આપી હતી'

ઇમેજ સ્રોત, Devesh Singh/BBC
બે ઓરડી અને છત પર બનાવેલા ઢાળિયામાં ભારે અભાવો વચ્ચે રહેતા આ પરિવારમાં જુવાનજોધ દીકરાના કમોતથી સોંપો પડેલો છે.
માતાને રડતી જોઈને ત્રીસી વટાવી ગયેલો ઘરનો મોટો દીકરો પણ રડી પડે છે.
આંખોમાંથી આંસુ લૂછીને નદીમ થોડીવાર શૂન્યમનસ્ક બેસી રહે છે. પછી સ્વસ્થતા કેળવીને પોતાના ભાઈ વિશે વાત માંડે છે:
"ફહીમ અમારા ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો. મારાથી નાના ભાઈ સલીમે ખુદના પૈસે ગાડી લઈ આપી કે જેથી ફહીમ બે પૈસા કમાઈ શકે."
"સલીમે ગાડી લઈ આપી અને ફહીમ એને 'ટુરિસ્ટ ગાડી' તરીકે ચલાવતો હતો. ઘરે બે પૈસા લાવતો હતો."
નદીમ જણાવે છે, "બે-ચાર દિવસ સુધી મારો ભાઈ ઘરે ના આવ્યો એટલે ભાળ કાઢવા હું પોલીસસ્ટેશને ગયો. ત્યાં મને જાણ થઈ કે ગુજરાત પોલીસ દિલ્હી આવી છે અને એમણે ફહીમને ઉઠાવી લીધો છે."
"મને જણાવાયું કે ગુજરાતમાં ચોરીનો કોઈ કેસ નોંધવામાં આવ્યો છે અને એ સબબ મારા ભાઈને પકડવામાં આવ્યો છે. સીલમપુર પોલીસસ્ટેશનમાંથી જ મને કૉન્ટેક્ટ નંબર મળ્યો."
"એના પર મેં ફોન કર્યો તો ગુજરાત પોલીસના જવાને ફોન ઉપાડ્યો અને મને મળવા માટે કહ્યું. હું એમને મળ્યો ત્યારે મારો ભાઈ એમની કસ્ટડીમાં હતો."
ભાવનગર પોલીસે બીબીસી ગુજરાતીને જણાવ્યા અનુસાર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વધેલા ઘરફોડના ગુનાના તાર છેક દિલ્હી સુધી લંબાતા હતા. એ ગુનાનો ભેદ ઉકેલવા માટે ગુજરાત પોલીસ દિલ્હી આવી હતી.
નદીમ ઉમેરે છે, "પોલીસે મને જણાવ્યું કે ઘટનામાં મારો ભાઈ સામેલ હતો અને એમણે અમારી ગાડી પણ જપ્ત કરી લીધી હતી."
નદીમના જણાવ્યા અનુસાર ઘટનાનો મુખ્ય આરોપી બીજો કોઈ છે અને ગાડીના ડ્રાઇવર તરીકે પોલીસે ફહીમને ઝડપી લીધા હતા.

'મારા ચાર મિત્રો જતા રહ્યા'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ભાવનગરના ભરતનગર પોલીસસ્ટેશનના પીએસઆઈ એમ. એચ. યાદવે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "ભાવનગરમાં ઘરફોડની ઘટનામાં સીસીટીવી ફૂટેજ મળ્યા છે અને એમાં દિલ્હી પાસિંગની વ્હાઇટ સ્વિફ્ટ ડિઝાયર ગાડી જોવા મળી હતી."
"એ ગાડીની ડિટેઇલ મેળવી તો અમને આરોપીના ભાઈનો નંબર મળ્યો. એનો સંપર્ક કરતાં જાણવા મળ્યું કે આરોપી દિલ્હીના છે અને એટલે એમને ઝડપી પાડવા માટે પોલીસને દિલ્હી મોકલવામાં આવી."
ભાવનગરમાં ભરતનગર પોલીસસ્ટેશન ખાતે 48,600ની ઘરફોડની ફરિયાદ નોંધાયેલી છે. 1 ફ્રેબુઆરીએ નોંધાયેલી આ ફરિયાદના સપ્તાહ બાદ 8 ફેબ્રુઆરીએ ગુજરાત પોલીસ દિલ્હી ગઈ હતી અને 14 ફેબ્રુઆરીની મોડી રાતે આરોપી સાથે ગુજરાત પરત ફરતી વખતે એને અકસ્માત નડ્યો હતો.
ઘરફોડની તપાસ પીએસઆઈ યાદવ કરી રહ્યા છે. "આ કામમાં મારા ચાર મિત્રો જતા રહ્યા." એમ બોલતાં પીએસઆઈ યાદવને ડૂમો ભરાઈ જાય છે.
ભાવનગરના એસીપી શફી હસને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "ચારેય પોલીસકર્મી ભરતનગર પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેઓ ગુના ઉકેલવામાં સક્ષમ અને સફળ હતા."
"ભાવનગરમાં ઘટેલી ઘરફોડની કેટલીક ઘટનાઓના આરોપીઓ દિલ્હીમાં સંતાયા હોવાની જાણ થતાં ચારેય પોલીસકર્મી એને પકડવા માટે દિલ્હી જવા નીકળ્યા હતા."
"ત્યાંથી આરોપીને પકડીને પરત આવી રહ્યા હતા, ત્યારે માર્ગઅકસ્માતમાં અમારા પોલીસકર્મીઓનાં મૃત્યુ થયાં હતાં." ચારેય પોલીસ જવાનો દિલ્હીમાં પાંચેક દિવસ રોકાયા હતા.
ઘરફોડના આરોપીને પકડવા રાજ્યની બહાર જવા માટે ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક પાસેથી મંજૂરી મેળવાઈ હતી.
જોકે, આ મંજૂરી ટ્રેન મારફતે દિલ્હી જવાની હતી. પોલીસજવાનો ખાનગી વાહનમાં કઈ રીતે ગુજરાત પરત ફરી રહ્યા હતા, એની તપાસ ચાલી રહી છે.

ભાઈના મૃત્યુની જાણ કઈ રીતે થઈ?

પોતાના ભાઈના મૃત્યુના સમાચાર કેવી રીતે મળ્યા એ અંગે નદીમ જણાવે છે :
"મારા ભાઈને લઈને પોલીસ ગુજરાત માટે રવાના થઈ એના બીજા દિવસે (15 ફેબ્રુઆરી, મંગળવાર) મને રાજસ્થાનના શાહપુરામાંથી સવારે સાડા સાત વાગ્યે ફોન આવ્યો. "
"મને જણાવાયું કે મારા ભાઈનો ઍક્સિડેન્ટ થઈ ગયો છે. પહેલાં તો મને લાગ્યું કે કોઈ ખોટું બોલે છે. એટલે મેં રાજસ્થાનની ન્યૂઝ ચેનલ ચાલુ કરી. એમાં મને ખબર પડી કે આવી દુર્ઘટના ઘટી છે."
"એ પછી હું રાજસ્થાન દોડી ગયો. ત્યાં જઈને જોયું કે ચારેય પોલીસજવાનોના મૃતદેહો લઈ જવાયા હતા અને મારા ભાઈનો મૃતદેહ ત્યાં જ પડ્યો હતો. હું ભાડે વાહન કરીને એને દિલ્હી પરત લાવ્યો."
રાજસ્થાનમાં જે વિસ્તારમાં આ અકસ્માત થયો એ વિસ્તાર ભાંબરુ પોલીસસ્ટેશન હેઠળ આવે છે. આ મામલે ભાંબરુ પોલીસે અકસ્માતે થયેલાં મૃત્યુ અંગેની નોંધ કરી છે.
અહીંના સબ-ઇન્સ્પેક્ટર અત્તરસિંહ બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે કે, "જે જગ્યાએ અકસ્માત થયો ત્યાં એક મોટો વળાંક આવે છે. વળાંક આગળ ગાડી સામે અચાનક જ પશુ આવી જતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો અને આ અકસ્માત સર્જાયો."
મૃત્યુ બાદ ગુજરાત પોલીસના જવાનોના મૃતદેહ ચાર્ટર્ડ પ્લેન મારફતે ગુજરાત લઈ જવાયા હોવાનું પણ સબ-ઇન્સ્પેક્ટર અત્તરસિંહ જણાવે છે.
તેમના જણાવ્યા અનુસાર ગુજરાત પોલીસના જવાન ખાનગી વાહનમાં સવાર હતા અને તેમની પાછળ અન્ય એક વ્યક્તિ ફહીમની ગાડી ચલાવી રહી હતી. અકસ્માત બાદ એ ગાડીને ગુજરાત મોકલી દેવાઈ છે.
નદીમનું જણાવવું છે કે ગુજરાત પોલીસ તો એમના જવાનોના મૃતદેહ પરત લઈ ગઈ પણ એમને ફહીમનું ડૅથ સર્ટિફિકેટ, એનો મોબાઇલ, એની ગાડી, એનું પર્સ, કંઈ પણ પરત નથી મળ્યું.

'એક ભાઈ જતો રહ્યો હવે બીજાની ચિંતા'

ઇમેજ સ્રોત, Devesh Singh/BBC
ફહીમના મૃત્યુ બાદ નદીમને હવે ડર લાગી રહ્યો છે કે આ મામલે ક્યાંક તેનો બીજો ભાઈ પણ ફસાઈ ના જાય!
પોલીસ અને તંત્રને વિનંતીના સ્વરે નદીમ કહે છે, "એ ગાડી સલીમના નામે જ રજિસ્ટર થયેલી છે. મારો એક ભાઈ તો જતો રહ્યો, પણ હવે મને બીજા ભાઈની ચિંતા છે. ગાડી એના નામે છે એટલે અમને ડર લાગે છે કે એને આ મામલામાં ક્યાંક સંડોવવામાં ના આવે."
"અમારા ત્રણ ભાઈઓમાંથી સૌથી નાનો ભાઈ જતો રહ્યો પણ એમાં મારા બીજા ભાઈનો કોઈ દોષ નથી. હું પોલીસને કહું છું કે તમે તપાસ કરો પણ મારા બીજા ભાઈને આ મામલાથી દૂર રાખો."
"જે સાચો ગુનેગાર હોય એને હવે પકડો. એના વિરુદ્ધ કાર્યવાહી કરો. બાકી અમારે કંઈ જોઈતું નથી."
નદીમ પોતાની વાત કરે છે અને એવામાં હમીદાખાતૂન પોક મૂકી ઊઠે છે, "એના પર આરોપ મૂકી દીધો કે ચોર છે, ડાકુ છે."
"મારે એને સહેરો બાંધવો હતો. એની લીલી વાડી જોવી હતી પણ મારો દીકરો દુનિયામાંથી કેવી રીતે બદનામ થઈને ગયો!"
સીલમપુરનાં પોલીસસૂત્ર નામ ન આપવાની શરતે આ મામલે કહે છે કે ગુજરાત પોલીસે કથિત આરોપીને અધિકૃત રીતે જ પકડ્યો હતો અને સીલમપુર પોલીસને જાણ પણ કરાઈ હતી.
જોકે, આરોપી વિરુદ્ધ કોઈ ગુનો નોંધાયેલો છે કે કેમ તે અંગે બીબીસીને કોઈ માહિતી નથી અપાઈ.
આ બધા વચ્ચે આરોપીના પરિવારજનો અબ્દુલ ફહીમ નિર્દોષ હોવાની વાત કરી રહ્યા છે.
જોકે, પોતાના પર લાગેલા આરોપોનો બચાવ કરવા માટે મૃતક હવે આ દુનિયામાં નથી અને એ આરોપોની ખરાઈ કરનારા પોલીસકર્મીઓ પણ.
એટલે જ કદાચ, આ મામલે કેટલાય એવા સવાલો છે, જેનો જવાબ હજુ સુધી મળ્યો નથી અને કોણ જાણે હવે ક્યારે મળશે?



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












