પ્રિયંકા ગાંધીની લખીમપુર મામલે સક્રિયતાથી કૉંગ્રેસ કરતાં ભાજપને વધુ ફાયદો થશે?
- લેેખક, અનંત ઝણાણે
- પદ, લખનૌથી બીબીસી હિન્દી માટે
છેલ્લા એક સપ્તાહથી ઉત્તર પ્રદેશની રાજનીતિમાં જે એક નેતાની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે એ છે પ્રિયંકા ગાંધી.
યુપીના રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે આ એક સપ્તાહ દરમિયાન પ્રિયંકા ગાંધીએ કદાચ એ કરી બતાવ્યું છે, જે તેઓ અત્યાર સુધીમાં કરી શક્યાં નહોતાં.
જોકે તેઓ પ્રદેશની રાજનીતિમાં સક્રિય થયા એને બહુ સમય થયો નથી. અમેઠી અને રાયબરેલીની પારંપારિક સીટોથી બહાર નીકળીને પહેલી વાર 2019ની લોકસભા ચૂંટણી પહેલાં પ્રિયંકા ગાંધી સક્રિય થયાં હતાં.

ઇમેજ સ્રોત, Reuters
પ્રિયંકા ગાંધી બહુ ઓછાં આક્રમક જોવાં મળે છે, પરંતુ લખીમપુર મામલે તેમણે રસ્તા પર ઊતરવાનો નિર્ણય કર્યો.
ગત રવિવારે (ત્રણ ઑક્ટોબર) રાતે સાડા બાર વાગ્યે લખનૌના રસ્તાઓ પર તેઓ પગપાળા નીકળ્યાં, ત્યાંથી શરૂ થયેલો સિલસિલો આ રવિવારે (10 ઑક્ટોબર) વડા પ્રધાન મોદીના ક્ષેત્ર વારાણસીમાં ખેડૂત ન્યાયરેલી સુધી પહોંચ્યો છે.
વડા પ્રધાનના મતવિસ્તારમાં અપેક્ષા કરતાં વધુ ભીડ હતી, પરંતુ આ ભીડ કૉંગ્રેસના દાવા જેટલી નહોતી.

વારાણસીમાં પ્રિયંકા ગાંધીનું ભાષણ

ઇમેજ સ્રોત, Ani
કૉંગ્રેસે દાવો કર્યો હતો કે આ રેલીમાં પચાસ હજાર લોકો સામેલ થશે, પરંતુ પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર અંદાજે 25 હજાર લોકો એકઠા થયા હતા.
આ ભીડ સામે પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં કહ્યું, "દુનિયાના ખૂણેખૂણે આપણા વડા પ્રધાન ફરી શકે છે, પરંતુ પોતાના દેશના ખેડૂતો સાથે વાત કરવા માટે પોતાના ઘરથી માત્ર દસ કિમી દૂર દિલ્હીની સરહદે આવી શકતા નથી. પોતાને ગંગાપુત્ર કહેનારા આપણા વડા પ્રધાને ખેતરોમાં પાક લહેરાવતા કરોડો ગંગાપુત્રોનું અપમાન કર્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
કૉંગ્રેસ અનુસાર, લખીમપુર ખીરી હિંસાના મુખ્ય આરોપી આશિષ મિશ્રની ધરપકડ બાદ હવે તેમના પિતા કેન્દ્રીય મંત્રી અજય મિશ્ર ટેનીના રાજીનામાનો વારો છે.
આ માગને પ્રિયંકાએ કૉંગ્રેસના સંઘર્ષનો આગામી પડાવ બનાવતાં હોય એમ કહ્યું, "અમને જેલમાં નાખો, અમને મારો, અમને કંઈ પણ કરો, અમે લડતાં રહીશું."
"જ્યાં સુધી ગૃહરાજ્યમંત્રી રાજીનામું ન આપે, અમે લડતાં રહીશું, લડતાં રહીશું. અમે ડરીશું નહીં, અમે હઠીશું નહીં."

નવા અંદાજમાં પ્રિયંકા

ઇમેજ સ્રોત, ANI
પ્રિયંકાના આ નવા અંદાજ પર વરિષ્ઠ રાજકીય પત્રકાર શરત પ્રધાન કહે છે, "અત્યાર સુધીમાં પ્રિયંકા ગાંધીની મુલાકાત થતી, તો લાગતું હતું કે એ માત્ર દેખાડા પૂરતી આવી છે, પરંતુ આ વખતે પ્રિયંકાએ જે કર્યું એ એકદમ ઇન્સ્ટિન્ક્ટિવ કામ છે."
"તેઓ લખનૌ પોલીસને ચકમો આપીને નીકળી ગયાં અને મોડે સુધી પોલીસ તેમને શોધતી રહી. પહેલી વાર પ્રિયંકાની અંદરની લીડરશિપ ક્વૉલિટી છે, એ જાગી અને બહાર દેખાઈ."
પ્રિયંકા ગાંધીએ અંદાજે 60 કલાક સુધી સીતાપુર પીએસી ગેસ્ટહાઉસમાં કેદ કરીને દર્શાવવાની કોશિશ કરી કે તેઓ લોકો માટે લડવાનો ઇરાદો રાખે છે.
બાદમાં લખીમપુર ખીરી હિંસામાં માર્યા ગયેલા 18 વર્ષીય ખેડૂત લવપ્રીતસિંહના ઘરે જઈને પ્રિયંકા ગાંધી લવપ્રીતનાં બહેનને ગળે મળ્યાં અને થોડી મિનિટોના અંતરે આવેલા નિઘાસનમાં પત્રકાર રમન કશ્યપના ઘરે પહોંચીને તેમની પત્ની આરાધનાને સાંત્વના આપી.
ત્યારબાદ તેઓ બહરાઈચમાં મૃતક ખેડૂતના પરિવારને મળ્યાં, વચ્ચે રસ્તામાં મીડિયાને નિવેદન આપવાનું પણ ન ભૂલ્યાં કે તેઓ આ હિંસામાં માર્યા ગયેલા ભાજપના કાર્યકરોના પરિવારોને પણ મળવા માગતાં હતાં.
જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે સીતાપુરમાં ધરપકડ દરમિયાન ઝાડું મારવાને લઈને મજાક ઉડાવી તો પ્રિયંકાએ વાલ્મીકિ વસ્તીમાં ઝાડું ફેરવીને યોગી સરકારને એકસાથે ખેડૂત અને દલિતવિરોધી ઠરાવવાની કોશિશ કરી.
તેમની આ તસવીરોને લઈને સોશિયલ મીડિયામાં પણ ઘણી ચર્ચા થઈ.

કૉંગ્રેસને ફાયદો થશે?

ઇમેજ સ્રોત, INC
યુપીના રાજકારણ પર નજર રાખનારા લોકોનું માનવું છે કે આ બધાને લીધે કદાચ એક હદ સુધી પ્રિયંકા ગાંધીની રાજકીય છબિ વિપક્ષના અન્ય નેતાઓ કરતાં વધુ ઊપસી છે.
પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું આનાથી કૉંગ્રેસને યુપીમાં કોઈ ફાયદો થશે ખરો?
શરત પ્રધાન કહે છે, "પ્રિયંકા પાસે સંગઠન નથી, પણ તેઓ એકલાં ચાલી નીકળ્યાં છે. જેની પાસે કૅડર છે, તેઓ ઘરમાં બેઠા છે. અખિલેશ યાદવે પોતાને ઘરની બહાર કોર્ટ અરેસ્ટ કરાવીને ઔપચારિકતા નિભાવી છે."
"ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ પાર્ટી પાસે મજબૂત સંગઠન નથી, પરંતુ જો સંગઠન હોત તો પ્રિયંકાના એક સપ્તાહની મહેનતની અસર કદાચ કંઈક અલગ જ હોત."
લખીમપુર ખીરી હિંસા મામલે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીનાં માયાવતી બંને એટલાં સક્રિય જોવાં નથી મળ્યાં, જેટલાં પ્રિયંકા જોવાં મળ્યાં છે.
એક રીતે આ આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં પાર્ટીના નવનિર્માણની કોશિશોની સાથે પ્રિયંકા ગાંધીની પોલિટિકલ ઇમેજ મેકઓવર કરવાની કોશિશ પણ છે.

પ્રશાંત કિશોરે શું કહ્યું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
રાજ્યના વરિષ્ઠ રાજકીય પત્રકાર રતનમણિલાલ કહે છે, "પ્રિયંકાનો જે પણ પ્રયાસ છે, એ તેમનો એકલાનો છે. આખું પ્રયોજન એવું લાગે છે કે માત્ર પ્રિયંકા ગાંધી વાડ્રાને સ્થાપિત કરવા માટે આ કરાઈ રહ્યું છે. તેમના પ્રદેશ અધ્યક્ષ પણ કાર્યકરની ભૂમિકામાં છે."
"તેઓ લખીમપુરથી બનારસ આવે છે, તો ત્યાં પણ એવું કોઈ દૃશ્ય જોવા મળતું નથી, જેનાથી લાગે કે આ કૉંગ્રેસ પાર્ટીના પ્રચારની શરૂઆત છે. આ પ્રિયંકાની લખીમપુર યાત્રાનું એક ઍક્સ્ટેન્શન માત્ર લાગે છે."
ઘણાં રાજ્યોમાં કૉંગ્રેસ પાર્ટી માટે ચૂંટણી મૅનેજરની ભૂમિકા નિભાવી ચૂકેલા પ્રશાંત કિશોર આ મામલે લોકોને એક રીતે સચેત કરતાં કહ્યું કે વધુ ખુશ થવાની જરૂર નથી.
તેમણે આ સવાલ પર એક ટ્વીટ કરીને કહ્યું કે "જે લોકો લખીમપુરની ઘટનામાં કૉંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી પુનર્જીવન શોધી રહ્યા છે, તેમને આગળ વધુ નિરાશા સાંપડશે."
"કૉંગ્રેસની સમસ્યાઓનું કોઈ તુરંત સમાધાન નથી, કેમ કે તેનો ઢાંચો નબળો છે અને સમસ્યાઓ પાર્ટીનાં મૂળની ઊંડાઈ સાથે જોડાયેલી છે."

પ્રિયંકા ગાંધીની સક્રિયતા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
જોકે કેટલાક સામાન્ય લોકો અને ખાસ કરીને કૉંગ્રેસના કાર્યકરોના વિચાર અલગ છે.
લખીમપુર ખીરીના પલિયાના ખેડૂત હરવિંદરસિંહ ગાંધીનું કહેવું છે કે વિપક્ષ પાર્ટીઓમાં સૌથી આગળ કૉંગ્રેસ આવી ગઈ છે. એ પણ માત્ર પ્રિયંકા ગાંધીને કારણે.
તેઓ કહે છે, "અખિલેશ પણ પૂરું જોર લગાવી રહ્યા છે. પણ જે લોકો કહે છે કે કૉંગ્રેસનું કોઈ અસ્તિત્વ નથી, તેઓ ભૂલી રહ્યા છે કે ચૂંટણી હજુ દૂર છે અને રાજકારણમાં કિસ્મત બદલાતા વાર નથી લાગતી."
તો પત્રકાર રતનમણિલાલ તેને અલગ રીતે જુએ છે.
રતનમણિલાલ કહે છે, "પ્રિયંકા ગાંધીની સક્રિયતાની જે વર્તમાન સમયમાં વાસ્તવિક વિપક્ષ છે, એ નબળો થશે."
"અખિલેશ યાદવ પાસે સંગઠન છે, ભીડ એકઠી કરવાની ક્ષમતા છે અને પોતાની છબિ પણ છે, પરંતુ ચિત્ર એવું ઊપસ્યું કે આખેઆખું વિપક્ષનું કૅમ્પેન પ્રિયંકા લીડ કરી રહ્યાં છે, તો પબ્લિક પરસેપ્શનમાં એવું લાગશે કે ટક્કર તો પ્રિયંકા ગાંધીએ આપી હતી અને એવામાં જે વાસ્તવિક રીતે ટક્કર આપે છે, તેની સ્થિતિ નબળી પડી જશે."

ભાજપ પર શું અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રિયંકા ગાંધીને ગત એક સપ્તાહમાં ઉત્તર પ્રદેશની રાજનીતિમાં મહત્ત્વ મળ્યું છે, ખાસ કરીને મીડિયાથી અને રાજ્ય પ્રશાસનથી પણ. એવામાં એક સવાલ એ થઈ રહ્યો છે કે શું તેમની સક્રિયતાનો લાભ ભાજપને તો નહીં મળે ને, કેમ કે એ માનવામાં આવે છે કે કૉંગ્રેસ મજબૂત થશે તો એ સમાજવાદી પાર્ટીના જ મત કાપશે.
કૉંગ્રેસની વોટબૅન્ક જો વધશે તો એ ભાજપમાં ભંગાણને કારણે નહીં પણ ભાજપના વિરોધીઓના મત કપાવાને કારણે વધશે. ભાજપના વોટરોમાં કોઈ ભંગાણ પડે એવી શક્યતા બહુ ઓછી છે.
આ અંગે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અબ્દુલ હફીઝ ગાંધી કહે છે, "બની શકે કે ભાજપની એ રણનીતિ હોય કે મતદારોમાં વિભાજન પેદા કરાય. પરંતુ અમારી પાર્ટી સતત પ્રયાસો કરી રહી છે કે વાસ્તવિક સ્તરે મજબૂતી હાંસલ કરવામાં આવે."
"વર્તમાન સમયમાં ભાજપને કોઈ પડકાર મળી રહ્યો હોય તો એ માત્ર સમાજવાદી પાર્ટી જ છે. તમે પંચાયત ચૂંટણીનાં પરિણામો જોઈ લો."
પ્રિયંકા ગાંધીની સક્રિયતાને અબ્દુલ હફીઝ ગાંધી બહુ મહત્ત્વ આપતા નથી.
તેઓ કહે છે, "લોકો તેમની રાજકીય સક્રિયતા અંગે જાણે છે, તે દિલ્હીથી આવે છે અને કેટલાક દિવસોમાં ફરી પાછી જતી રહે છે, તમે છેલ્લાં બે વર્ષની તેમની નિષ્ક્રિયતા જોઈ લો. આમ પણ તેમની સક્રિયતાની બહુ અસર થશે તો એ શહેરી ક્ષેત્રની સીટો પર જ થશે."
પ્રિયંકા ગાંધી આમ પણ છેલ્લાં વર્ષોમાં બહુ સક્રિય રહ્યાં નથી, પરંતુ તેમને પણ ખબર છે કે હવે બહુ મોડું કરાય તેમ નથી.
2024માં નરેન્દ્ર મોદીને પડકાર આપવા માટે તેમણે પાર્ટીને ઉત્તર પ્રદેશમાં કોઈ પણ ભાગે મજબૂત કરવી પડશે. એટલા માટે તેઓ એક સ્ટ્રીટ ફાઇટર જેવી છબિ બનાવવાની કોશિશ કરી રહ્યાં છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
લખીમપુર ખીરીની ઘટનાથી તેમણે શરૂઆત ચોક્કસ કરી છે પણ આખા પ્રદેશમાં તેમનું સંગઠન બહુ નબળું છે અને વર્તમાન સમયમાં પ્રદેશની અડધી સીટો પર પણ તેમને દમદાર ઉમેદવાર મળશે કે કેમ એ પણ કહેવું મુશ્કેલ છે. એવામાં તેમની સામે સંગઠનને ઊભું કરવાનો પડકાર છે.
રતનમણિલાલ કહે છે, "પ્રિયંકા ભાજપને ટક્કર આપવા માટે લાયક બની ચૂક્યાં છે કે નહીં એ તો સમય જ બતાવશે, પરંતુ વર્તમાન સમયમાં તે અખિલેશ યાદવને વિપક્ષની નંબર વન પૉઝિશનને ચોક્કસ ટક્કર આપી રહી છે."
ઉત્તર પ્રદેશમાં વર્તમાન સમયમાં કૉંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા સાત છે અને એવામાં પ્રિયંકા ગાંધી સામે સૌથી પહેલો પડકાર તેને બે અંકોમાં લઈ જવાનો હશે.
403 વિધાનસભા સીટવાળી ચૂંટણીમાં તેનાથી એ અંદાજ લગાવી શકાય કે કૉંગ્રેસ સામે કેવડો મોટો પડકાર છે. જોકે લખીમપુરના ખેડૂત અંગ્રેજસિંહને પણ પ્રિયંકા ગાંધી પાસે અપેક્ષા છે.
તેઓ કહે છે, "જે રીતે પ્રિયંકા ગાંધીને લખીમપુર ખીરી આવતાં રોકવામાં આવ્યાં, તેની આવનારા દિવસોમાં બહુ મોટી અસર પડશે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












