Electoral Bond : ભાજપના ખાતામાં સૌથી વધારે ફાળો, શું સત્તાધારી પક્ષને લાભ પહોંચાડવા માટે લાવવામાં આવી આ યોજના?
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા

ઇમેજ સ્રોત, NurPhoto
ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરેલા એક વાર્ષિક ઑડિટ રિપોર્ટમાં ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યું છે કે 2019-20ના નાણાકીય વર્ષ દરમિયાન પક્ષને ઇલેક્ટોરલ બૉન્ડ મારફત લગભગ 2,500 કરોડ રૂપિયાની આવક થઈ હતી.
તે આવક 2018-19ના નાણાકીય વર્ષમાં પક્ષને ઇલેક્ટોરલ બૉન્ડ મારફત મળેલા 1,450 કરોડ રૂપિયા કરતાં લગભગ 76 ટકા વધારે છે.
ઉપલબ્ધ માહિતી અનુસાર, 2019-20ના નાણાકીય વર્ષ દરમિયાન 18 અધિકૃત રાજકીય પક્ષોને ઇલેક્ટોરલ બૉન્ડ મારફત કુલ લગભગ 3,441 કરોડ રૂપિયા દાન સ્વરૂપે મળ્યા હતા. એ પૈકીનું લગભગ 75 ટકા દાન ભાજપના ખાતામાં આવ્યું હતું.
એક તરફ ભાજપને મળેલા દાનના પ્રમાણમાં અનેક ગણો વધારો થયો છે ત્યારે કૉંગ્રેસને 2019-20ના નાણાકીય વર્ષમાં ઇલેક્ટોરલ બૉન્ડ મારફત માત્ર 318 કરોડ રૂપિયા જ મળ્યા છે. આ નાણાં પક્ષને 2018-19ના નાણાકીય વર્ષમાં દાન તરીકે મળેલા 383 કરોડ રૂપિયાની સરખામણીએ 17 ટકા ઓછા હતા. 2019-20માં ઇલેક્ટોરલ બૉન્ડના માધ્યમથી જેટલું રાજકીય દાન આપવામાં આવ્યું હતું એ પૈકીનું માત્ર નવ ટકા જ કૉંગ્રેસને મળ્યું હતું.
અન્ય વિરોધ પક્ષોની વાત કરીએ તો 2019-20ના નાણાકીય વર્ષમાં ઇલેક્ટોરલ બૉન્ડ મારફત તૃણમૂલ કૉંગ્રેસને 100 કરોડ રૂપિયા, ડીએમકેને (દ્રવિડ મુનેત્ર કઝગમ્) 45 કરોડ રૂપિયા, શિવસેનાને 41 કરોડ રૂપિયા, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષને 20 કરોડ રૂપિયા, આમ આદમી પાર્ટીને 17 કરોડ રૂપિયા અને રાષ્ટ્રીય જનતા દળને અઢી કરોડ રૂપિયા દાન સ્વરૂપે મળ્યા હતા.
ચૂંટણી અને રાજકીય સુધારાના ક્ષેત્રે કાર્યરત બિન-સરકારી સંસ્થા ઍસોસિયેશન ફૉર ડેમૉક્રેટિક રિફૉર્મ્સ(એડીઆર)ના જણાવ્યા અનુસાર, 2017-18 અને 2019-20ના નાણાકીય વર્ષ દરમિયાન અધિકૃત રાજકીય પક્ષોને ઇલેક્ટોરલ બૉન્ડ સ્વરૂપે કુલ 6,200 કરોડ રૂપિયાથી વધારે દાનમાં મળ્યા હતા. એ પૈકીનું લગભગ 68 ટકા દાન ભાજપને મળ્યું હતું, જે 4,500 કરોડ રૂપિયાથી વધારે છે.
આ સંજોગોમાં એવો સવાલ કરવામાં આવી રહ્યો છે કે શું ઇલેક્ટોરલ બૉન્ડની યોજના સત્તાધારી ભાજપના લાભ કરાવવા માટે જ બનાવવામાં આવી હતી?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શું છે ઇલેક્ટોરલ બૉન્ડ?

ઇમેજ સ્રોત, Getty Images
ઇલેક્ટોરલ બૉન્ડ રાજકીય પક્ષોને દાન આપવાનું એક નાણાકીય માધ્યમ છે. આ એક પ્રકારનું વચનપત્ર છે, જેની ખરીદી દેશનો કોઈ પણ નાગરિક કે કંપની ભારતીય સ્ટેટ બૅન્કની પસંદગીની કેટલીક શાખાઓમાંથી કરી શકે છે અને પોતાની પસંદના કોઈ પણ રાજકીય પક્ષને તેનું ગુપ્તદાન કરી શકે છે.
ભારત સરકારે 2017માં ઇલેક્ટોરલ બૉન્ડની યોજના જાહેર કરી હતી. આ યોજનાને સરકારે 2018ની 29 જાન્યુઆરીથી કાયદેસર અમલી પણ બનાવી દીધી હતી.
આ યોજના હેઠળ ભારતીય સ્ટેટ બૅન્ક રાજકીય પક્ષોને નાણાં આપવા માટે બૉન્ડ બહાર પાડી શકે છે. કેવાયસી (Know Your Customer) માહિતી ઉપલબ્ધ હોય એવું બૅન્ક અકાઉન્ટ ધરાવતો કોઈ પણ દાતા એ બૉન્ડ ખરીદી શકે છે.
કેન્દ્ર સરકારનું કહેવું છે કે કોઈ પણ રાજકીય પક્ષને આપવામાં આવેલા દાન કે ફાળો, તેના દાતા વિશેની વિગત જાહેર કર્યા વિના બૅલેન્સશીટમાં સામેલ કરી શકાય એ સુનિશ્ચિત કરવાના હેતુસર ચૂંટણી બૉન્ડની આ યોજના શરૂ કરવામાં આવી છે.
સરકારના જણાવ્યા મુજબ, આ ચૂંટણી બૉન્ડ દાન માટે કાળા નાણાંના ઉપયોગ બંધ કરવાની રીત છે. ચૂંટણી બૉન્ડની ગેરહાજરીમાં, દાતાઓ પાસે તેમના વ્યવસાયોમાંથી નાણાં ઉપાડ્યા પછી રોકડ દાન કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં, એવું પણ સરકારે જણાવ્યું હતું.
આ યોજનાના પ્રારંભે સરકારે જણાવ્યું હતું કે ચૂંટણી બૉન્ડ મારફત રાજકીય પક્ષોને દાનના હેતુસર ધનના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે જ દાતાઓ વિશેની માહિતી ગુપ્ત રાખવામાં આવી રહી છે.

યોજનાની આટલી ટીકા શા માટે?

ઇમેજ સ્રોત, EPA
ઇલેક્ટોરલ બૉન્ડ વિરુદ્ધની દલીલ એ છે કે આ યોજનામાં દાતાની ઓળખ ગુપ્ત રાખવામાં આવતી હોવાથી તેમાં કાળા નાણાંના પ્રમાણમાં વધારો થઈ શકે છે.
મોટાં કૉર્પોરેટગૃહો તેમની ઓળખ જાહેર કર્યા વિના દાન કરી શકે એટલા માટે આ યોજના બનાવવામાં આવી હોવાની ટીકા પણ કરવામાં આવે છે.
આ યોજનાની ટીકા કરતા લોકો એવું કહે છે કે ભારતીય રિઝર્વ બૅન્ક, ચૂંટણીપંચ, કાયદા મંત્રાલય તથા અનેક સંસદસભ્યો આ યોજના બાબતે સમયાંતરે આશંકા અને વિરોધ વ્યક્ત કરતા રહ્યા છે તેમજ તેમણે ચેતવણી પણ આપી છે.
ટીકાકારો તો ત્યાં સુધી કહે છે કે ચૂંટણી બૉન્ડ મારફત રાજકીય પક્ષોને આપવામાં આવેલું દાન એક પ્રકારનું મની લૉન્ડરિંગ એટલે કે કાળા નાણાંના કાયદેસરના બનાવવાનું કામ છે.

શું કહે છે સરકાર?

ઇમેજ સ્રોત, EPA
જૂન-2019માં કૉંગ્રેસના રાજ્યસભાના તત્કાલીન સંસદસભ્ય બી કે હરિપ્રસાદે સરકારને સવાલ કર્યો હતો કે શું ઇલેક્ટોરલ બૉન્ડના ઉપયોગે રાજકીય પક્ષો માટે અમાપ કૉર્પોરેટ દાન તથા ભારતીય અને વિદેશી કંપનીઓ પાસેથી મળનારા અજ્ઞાત ફાઇનાન્સિંગને આમંત્રણ આપ્યું છે? તેનું પરિણામ ભારતીય લોકતંત્ર માટે ગંભીર હશે?
આ સવાલના જવાબમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે કેવાયસીના નિયમોનું પાલન કરતા દાનકર્તાઓ જ બૉન્ડ ખરીદી શકે એ રીતે સરકારે ઇલેક્ટોરલ બેરરબૉન્ડ યોજનાની શરૂઆત કરી હતી.
નિર્મલા સીતારમણે એમ પણ જણાવ્યું હતું કે આ બૉન્ડમાં દાન આપનારનું નામ જાહેર કરવામાં આવતું નથી અને અધિકૃત બૅન્કો પણ દાતાની ઓળખ ગુપ્ત રાખે છે એ ખરું, પરંતુ સક્ષમ અદાલતમાં કે ક્રિમિનલ કેસ નોંધાયો હોય એવા સંજોગોમાં દાતાની ઓળખ જાહેર થઈ શકે છે.
નિર્મલા સીતારમણે એમ પણ જણાવ્યું હતું કે આવી આશંકાઓ સંદર્ભે સલામતીના જરૂરી ઉપાય, યોજના બનાવતી વખતે જ કરવામાં આવ્યા હતા.

'આ પારદર્શકતા અને લોકતંત્રની સંપૂર્ણ ઉપેક્ષા છે'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
એડીઆરના સ્થાપક અને ટ્રસ્ટી પ્રોફસર જગદીપ છોકર જણાવે છે કે ઇલેક્ટોરલ બૉન્ડની યોજનાને જે રીતે સંસદમાં મંજૂરી આપવામાં આવી હતી એ બંધારણને અનુરૂપ ન હતું.
પ્રોફેસર જગદીપ છોકર કહે છે, "ઇલેક્ટોરલ બૉન્ડનો મુદ્દો બજેટમાં નાખી દેવાયો હતો અને બજેટ એક નાણાં ખરડો હોવાથી રાજ્યસભા તેમાં કોઈ ફેરફાર કરી શકતી નથી. બજેટ લોકસભામાં પસાર થાય છે અને રાજ્યસભામાં માત્ર તેના વિશે ચર્ચા કરવામાં આવે છે."
"તેને અટકાવવાનો કે તેમાં ફેરફારનો કોઈ અધિકાર રાજ્યસભાને નથી. સરકાર પાસે રાજ્યસભામાં બહુમતી ન હતી એટલે તેમણે ઇલેક્ટોરલ બૉન્ડનો મુદ્દો નાણા ખરડામાં ઉમેરી દીધો હતો."
"બંધારણ અનુસાર નાણા ખરડાનો અર્થ એ છે કે જે કન્સૉલિડેટેડ ફંડ ઑફ ઇન્ડિયામાંથી ખર્ચાશે તે નાણાંખરડાનો હિસ્સો હશે, પરંતુ ઇલેક્ટોરલ બૉન્ડને કન્સૉલિડેટેડ ફંડ ઑફ ઇન્ડિયા સાથે કોઈ સંબંધ નથી."
પ્રોફસર છોકરના જણાવ્યા મુજબ, "રિઝર્વ બૅન્ક અને ચૂંટણીપંચે આ દરખાસ્તનો વિરોધ કર્યો હતો, પરંતુ તેને ધ્યાનમાં લેવાયો ન હતો. રિઝર્વ બૅન્ક અને ચૂંટણીપંચે એમ પણ કહ્યું હતું કે ઇલેક્ટોરલ બૉન્ડને કારણે કાળા નાણા રાજકીય પક્ષોમાં આવવાનો માર્ગ ખુલી જશે."
"તેમાં વિદેશીધન અને શંકાસ્પદ સ્રોતમાંથી આવેલા નાણાં પણ સામેલ હોઈ શકે છે."
પ્રોફેસર જગદીપ છોકર કહે છે, "તમામ વિરોધ પક્ષોનું ફંડિગ રોકવાની ક્ષમતા આ યોજનામાં છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા આ બૉન્ડ વેચે છે અને ખરીદકર્તાઓની બધી માહિતી મેળવે છે. તેથી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા એ માહિતી ક્યારેય જાહેર કરશે નહીં એવું કહેવું તે છોકરમત છે."
તેઓ ઉમેરે છે કે સ્ટેટ બૅન્ક એક સરકારી બૅન્ક છે અને રિઝર્વ બૅન્ક કોઈ માહિતી માગે તો તે આપવાનો ઇનકાર સ્ટેટ બૅન્ક ન કરી શકે. "નાણા મંત્રાલય એ માહિતી આસાનીથી મેળવી શકે છે અને તે માહિતી નાણા પ્રધાન પાસે પહોંચી શકે તો સમજી લો કે રાજકીય પક્ષ સુધી પણ પહોંચી શકે."
પ્રોફેસર છોકર માને છે કે કોઈ ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદશે ત્યારે તેની સત્તાધારી પક્ષને તરત જ ખબર પડી જશે અને સત્તાધારી પક્ષના લોકો દબાણ લાવીને એ સુનિશ્ચિત કરશે કે દાતા વિરોધ પક્ષોને બૉન્ડ મારફત દાન ન આપે.
પ્રોફેસર જગદીપ છોકર કહે છે, "બીજા રાજકીય પક્ષને દાન સ્વરૂપે નાણાં ન મળે તેવી ક્ષમતા ઇલેક્ટોરલ બૉન્ડમાં છે અને એ દરેક વખતે સાબિત થઈ રહ્યું છે. પહેલી વખત કુલ 212 કરોડ રૂપિયામાંથી 200 કરોડ રૂપિયાનું દાન ભાજપને મળ્યું હતું."
પ્રોફેસર છોકરના જણાવ્યા મુજબ, ચૂંટણી બૉન્ડ ગુમનામ હોય છે એમ કહેવું ખોટું છે. તેઓ સવાલ કરે છે કે "રાજકીય પક્ષોને બૉન્ડના સ્વરૂપમાં નાણાં મળે અને એ નાણાં કોણે આપ્યાં છે તેની ખબર તેને ન પડે એવું બની શકે? આ હાસ્યાસ્પદ વાત છે. ગુમનામી અને પારદર્શકતા એક જ ચીજ હોઈ શકે? મારા મતે તો આ બન્ને બાબત એકમેકથી વિપરીત છે."

સુપ્રીમ કોર્ટમાં અરજી

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES/GETTY IMAGES
એડીઆરે આ ઇલેક્ટોરલ બૉન્ડની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી વિચારણા હેઠળ છે.
સુપ્રીમ કોર્ટે આ વર્ષે માર્ચમાં, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ જેવાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ઇલેક્ટોરલ બૉન્ડના વેચાણ પર પ્રતિબંધ લાદવાનો ઇનકાર કર્યો હતો.
તત્કાલીન વડા ન્યાયમૂર્તિ શરદ અરવિંદ બોબડેના વડપણ હેઠળની ખંડપીઠે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે આ યોજના 2018માં શરૂ કરવામાં આવી હતી અને 2019 તથા 2020માં કોઈ અડચણ વિના ચાલી રહી છે. અદાલતને ઇલેક્ટોરલ બૉન્ડનું વેચાણ રોકવાનું કોઈ કારણ દેખાયું નથી.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી બૉન્ડના વેચાણ પર વચગાળાનો સ્ટે આપવાની માગ કરતી અરજીને ગયા વર્ષે એપ્રિલમાં પણ ફગાવી દીધી હતી.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.












