પેગાસસ ફરી ચર્ચામાં, જાણો ઇઝરાયલનું આ સ્પાયવૅર કેવી રીતે કામ કરે છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હીથી
ભારતમાં પેગાસસ સ્પાયવેર એક વાર ફરી ચર્ચામાં છે. સંસદના બજેટસત્રની પહેલાં અમેરિકન અખબાર ન્યૂયૉર્ક ટાઈમ્સના શુક્રવારના અહેવાલ અનુસાર મિસાઈલ સિસ્ટમ સહિતનાં હથિયારોની 2-અબજ ડૉલરની ડીલના ભાગરૂપે ભારત સરકારે 2017માં ઇઝરાયેલી સ્પાયવેર પેગાસસ ખરીદ્યું હતું.
અખબારે અહેવાલ આપ્યો હતો કે વર્ષ-લાંબી તપાસમાં જાણવા મળ્યું છે કે ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશને પણ સ્પાયવેરને ખરીદી અને પરીક્ષણ કર્યું હતું.

ઇમેજ સ્રોત, Andrew Brookes
અહેવાલમાં કહેવાયુ છે કે ઇઝરાયેલે સંરક્ષણ સોદાના ભાગરૂપે પેગાસસ પૉલેન્ડ, હંગેરી અને ભારત તેમજ અન્ય દેશોને આપવામાં આવ્યું હતું.
જોકે અત્યાર સુધી, ન તો ભારત સરકાર અને ન તો ઇઝરાયેલ સરકારે સ્વીકાર્યું છે કે ભારતે પેગાસસ ખરીદ્યું છે.
પણ ગત વર્ષે ભારત સરકારના આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે અને ગૃહમંત્રી અમિત શાહે પેગાસસથી જાસૂસીનો આરોપ ફગાવી દીધો છે અને એવા અહેવાલોને ભારતને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું હતો.
હવે ન્યૂયૉર્ક ટાઇમ્સના અહેવાલ બાદ લોકસભામાં કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભા સ્પિકર ઓમ બિરલાને અશ્વિન વૈષ્ણવ સામે વિશેષાધિકાર પ્રસ્તાવ લાવવાની નોટિસ આપતા લખ્યું કે આઈટીમંત્રીએ પેગાસસ જાસૂસી મામલે સંસદને ગુમરાહ કરી હતી.
તો આવો સમજીએ કે પેગાસસ શું છે, જેને લઈને દાવો કરવામાં આવ્યો હતો કે તેનાથી ભારતમાં અનેક પત્રકારો અને ચર્ચિત હસ્તીઓના ફોનની જાસૂસી થઈ હતી.

પેગાસસ કઈ રીતે કરે છે કામ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પેગાસસ એક સ્પાયવેર છે જેણે ઇઝારયલની સાયબર સુરક્ષા કંપની એનએસઓ ગ્રૂપ ટેકનોલૉજીએ બનાવેલો પ્રોગ્રામ છે. આ એક એવો પ્રોગ્રામ છે જેણે જો કોઈ સ્માર્ટફોનમાં નાખવામાં આવે, તો કોઈ હૅકર એ સ્માર્ટફોનના માઇક્રોફોન, કૅમેરા, ઑડિયો અને ટેક્સ્ટ મૅસેજ, ઇમેલ તથા લૉકેશન સહિતની જાણકારીઓ મેળવી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાયબર સુક્ષા કંપની કેસ્પરસ્કાયના એક રિપોર્ટ પ્રમાણે પેગાસસ તમને ઇનક્રિપ્ટેડ ઑડિયો સાંભળવા તથા ઇનક્રિપ્ટેડ મૅસેજ મોકલવા મદદરૂપ થાય છે.
ઇનક્રિપ્ટેડ સંદેશા એટલે કે જેની જાણકારી માત્ર મૅસેજ મોકલનાર અને મેળવનારને જ હોય છે. જે કંપનીના પ્લૅટફૉર્મ પર મૅસેજ મોકલવામાં આવે છે, તેઓ પણ તેને જોઈ અથવા સાંભળી નથી શકતા.
પેગાસસના ઉપયોગથી હૅકિંગ કરનાર વ્યક્તિને એ ફોન સાથે જોડાયેલી તમામ જાણકારીઓ મળી જાય છે.

પહેલીવાર વર્ષ 2016માં નામ બહાર આવ્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images
રિપોર્ટ અનુસાર પેગાસસ સાથે જોડાયેલી જાણકારી પ્રથમ વખત વર્ષ 2016માં સંયુક્ત અરબ અમિરાતના માનવાધિકાર કાર્યકર્તા અહમદ મંસૂરને કારણે બહાર આવી હતી.
તેમને કેટલાક એસએમએસ પ્રાપ્ત થયા હતા, જે તેમના મુજબ શંકાશીલ હતા. તેમનું માનવું હતું કે તેમાં લિંક ખોટા ઇરાદાથી મોકલાઈ હતી. તેમણે તેમના ફોનને ટોરન્ટો વિશ્વવિદ્યાલયના ‘સિટિઝન લૅબ’ના નિષ્ણાતોને બતાવ્યો હતો. તેમણે એક અન્ય સાયબર સુરક્ષા કંપની ‘લુકઆઉટ’થી પણ મદદ લીધી.
મંસૂરનું અનુમાન સાચું પડ્યું. જો તેમણે લિંક પર ક્લિક કર્યું હોત, તો તેમનો આઈફોન મેલવેરથી સંક્રમિત થઈ શકતો હતો. આ મેલવેરને પેગાસસ નામ અપાયું. લુકઆઉટના સંશોધકોએ આને કોઈ ઍન્ડપૉઇન્ટ પર કરવામાં આવેલા સૌથી જટિલ હુમલો બતાવ્યો હતો.
નોંધનીય બાબત એ છે કે સામાન્ય રીતે સુરક્ષિત માનવામાં આવતા ઍપલ ફોનની સુરક્ષાને ભેદવામાં પણ આ પ્રોગ્રામ સફળ રહ્યો હતો. જોકે ઍપલે ત્યાર પછી સુરક્ષા પ્રણાલી અપડેટ કરી લીધી હતી.
ત્યાર પછી વર્ષ 2017માં ન્યૂયોર્ક ટાઇમ્સના છપાયેલા એક રિપોર્ટ મુજબ મેક્સિકોની સરકાર પર પેગાસસની મદદથી મોબાઇલની જાસૂસી કરવાનું ઉપકરણ બનાવવાનો આરોપ લાગ્યો હતો.
રિપોર્ટ અનુસાર તેનો ઉપયોગ મેક્સિકોમાં માનવાધિકાર કાર્યકર્તાઓ, પત્રકારો અને ભ્રષ્ટાચારવિરોધી કાર્યકર્તાઓ વિરુદ્ધ કરવામાં આવી રહ્યો હતો.
મેક્સિકોના જાણીતા પત્રકાર અને સામાજિક કાર્યકર્તાઓએ પોતાની સરકાર પર મોબાઇલ ફોનથી જાસૂસી કરવાનો આરોપ લગાવતા તેની વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો.
રિપોર્ટમાં કહેવાયું છે કે પેગાસસ સૉફ્ટવેર મેક્સિકોની સરકારને ઇઝરાયલી કંપની એનએસઓ દ્વારા એ શરત પર વેચવામાં આવ્યું હતું કે તેનો ઉપયોગ તે માત્ર અપરાધીઓ અને ચરમપંથીએ વિરુદ્ધ જ કરશે.
ન્યૂયૉર્ક ટાઇમ્સ અનુસાર આ સૉફ્ટવેરની ખાસિયત એ છે કે તે સ્માર્ટફોન અને મૉનિટર કૉલ્સ, ટેક્સ્ટ અને અન્ય મૅસેજ પણ પ્રાપ્ત કરી લે છે. તે ફોનના માઇક્રોફોન અથવા કૅમેરાને પણ ઍક્ટિવેટ કરી શકે છે.

કંપનીનો ફેસબુક સાથે વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
મે-2020માં આવેલા એક રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે એનએસઓ ગ્રૂપના એક યૂઝરે ફોનમાં હૅકિંગ સૉફ્ટવેર નાખવા માટે ફેસબુક જેવી દેખાતી વેબસાઇટનો ઉપયોગ કર્યો હતો.
સમાચાર વેબસાઇટ ‘મધરબૉર્ડ’ની એક તપાસમાં એક દાવો કરવામાં આવ્યો છે કે એનએસઓએ પેગાસસ હૅકિંગ ટૂલને ફેલાવવા માટે ફેસબુક જેવું જ એક ડોમેઇન બનાવ્યું હતું.
વેબસાઇટે દાવો કર્યો કે આ કામ માટે અમેરિકામાં રહેલા સર્વરોનો ઉપયોગ કરાયો હતો. બાદમાં ફેસબુકે જણાવ્યું કે તેમણે આ ડોમેઇન પર અધિકાર પ્રાપ્ત કર્યો જેથી સ્પાયવેરને ફેલાતો અટકાવી શકાય.
જોકે એનએસઓ એ આરોપથી ઇન્કાર કરતા તેને પાયાવિહોણા આરોપ ગણાવ્યા હતા.
ઇઝરાયલની કંપની આ પહેલાં જ ફેસબુક સાથે એક કાનૂની લડાઈમાં સપડાઈ હતી. વર્ષ 2019માં ફેસબુકે આરોપ લગાવ્યો હતો કે એનએસઓએ જાણી જોઈને વૉટ્સએપ પર પોતાના સૉફ્ટવેરને ફેલાવ્યું જેથી લોકોના ફોનની સુરક્ષા સાથે છેડખાની કરી શકાય.
ફેસબુક અનુસાર જેમના ફોન હૅક થયા તેમાં પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તાઓ પણ સામેલ હતા.
કંપની પર સાઉદી સરકારને પણ સૉફ્ટવેર વેચવાનો આરોપ છે. જેનો કથિતરૂપે પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યા પૂર્વે જાસૂસી માટે ઉપયોગ થયાનો આરોપ છે.

અલ-જઝીરાના પત્રકારોની જાસૂસીનો આરોપ

ઇમેજ સ્રોત, JACK GUEZ
ડિસેમ્બર 2020માં સાયબર સુરક્ષા સાથે જોડાયેલા નિષ્ણાતોએ આરોપ લગાવ્યો કે કંપનીએ બનાવેલા સ્પાયવેરથી અલ-જઝીરાના ડઝનબંધ પત્રકારોના ફોન કથિતરૂપે હૅક કરી લેવાયા હતા.
ટૉરેન્ટો વિશ્વવિદ્યાલયના સિટિઝન લૅબના એક રિપોર્ટમાં ટીવી ઍન્કરો અને અધિકારીઓ સહિત 36 સભ્યો કથિતરૂપે હૅકિંગનો શિકાર બન્યા હોવાની વાત કહેવામાં આવી હતી.

કંપની આરોપો વિશે શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
એનએસઓ કંપની હંમેશાં દાવો કરી આવી છે કે આ પ્રોગ્રામ માન્યતા પ્રાપ્ત સરકારી એજન્સીઓને જ વેચવામાં આવે છે અને તેનો ઉદ્દેશ માત્ર આતંકવાદ તથા અપરાધ વિરુદ્ધ લડવાનો છે.
કંપનીએ કૅલિફૉર્નિયાની અદાલતમાં કહ્યું હતું કે તે ક્યારેય પણ પોતાના સ્પાયવેરનો ઉપયોગ નથી કરતી. માત્ર માન્યતાપ્રાપ્ત સરકારો કરે છે.
ફેસબુક સાથે સંબંધિત વિવાદ દરમિયાન કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું, “અમને અમારી તકનીક અને ક્રાઇમ તથા આતંકવાદ સામેની લડાઈમાંની ભૂમિકા પર ગર્વ છે, પરંતુ એનએસઓ પોતાની પ્રોડક્ટ ખુદ નથી વાપરતું.”
“અમે ઘણી વખત એ વાત સ્પષ્ટપણે કહી છે કે એનએસઓની પ્રોડક્ટ માત્ર સત્યાપિત અને અધિકૃત સરકારી એજન્સીઓને જ આપવામાં આવે છે અને તેઓ જ તેને સંચાલિત કરે છે.”

કોરોનાકાળમાં ફરી સામે આવ્યું નામ

ઇમેજ સ્રોત, EPA
ગત વર્ષે કંપનીના એક એવા સૉફ્ટવેર નિર્માણનો દાવો કરાયો હતો જે કોરોના વાઇરસના ફેલાવાની દેખરેખ અને તેની સાથે જોડાયેલી આગાહી કરવામાં મદદ કરી શકે છે. આ માટે મોબાઇલ ફોન ડેટાનો ઉપયોગ કરે છે.
એનએસઓ અનુસાર તે વિશ્વભરની સરકારો સાથે વાતચીત કરી રહ્યું હતું અને દાવો કરવામાં આવ્યો હતો કે કેટલાક દેશો આનું પરિક્ષણ પણ કરી રહ્યા છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












