સુરત : લૉકડાઉને બેરોજગારી વધારી દીધી છે?

ગુજરાત સહિત દેશમાં વધતી બેરોજગારી પાછળ લૉકડાઉન એક મુખ્ય કારણ છે એવું નિષ્ણાતો માની રહ્યા છે.
ઇમેજ કૅપ્શન, ગુજરાત સહિત દેશમાં વધતી બેરોજગારી પાછળ લૉકડાઉન એક મુખ્ય કારણ છે એવું નિષ્ણાતો માની રહ્યા છે.
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

"લૉકડાઉન જેવી સ્થિતિ હોવાના કારણે બહુ ઓછું કામ હતું. એપ્રિલ મહિનામાં માંડ 10-12 દિવસ નોકરી પર ગયો છું. 29 એપ્રિલે મારા શેઠે મને 5000 રૂપિયા આપ્યા અને જણાવ્યું કે કામ ન હોવાના કારણે તેઓ જરીના યુનિટ બંધ કરી રહ્યા છે."

"ઘણા પ્રયત્નો કરવા છતાં મને સુરતમાં બીજી કોઈ નોકરી મળી નહીં. મારી પાસે જેટલી પણ બચત હતી તે પણ ખૂટી જતા મારી પાસે ગામ પરત આવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો અને એટલા માટે હું પરિવાર સાથે અહીં આવી ગયો."

સુરતના ડિંડોલી વિસ્તારના ગાયત્રીનગરમાં રહેતા ભૂપેન્દ્ર સોની પોતાનાં પત્ની અને ત્રણ બાળકો સાથે ઉત્તર પ્રદેશના ભદોહીમાં આવેલા પોતાના ઘરે આવી ગયા છે.

સોની છેલ્લાં સાડા ત્રણ વર્ષથી સુરતના ભેસ્તાનમાં આવેલા જરીના કારખાનામાં કામ કરતા હતા, પરંતુ લૉકડાઉનના કારણે તેમની નોકરી ચાલી ગઈ છે.

તેઓ નથી જાણતા કે જે જરીના યુનિટમાં કામ કરતા હતા તે ક્યારે શરૂ થશે.

"ફેબ્રુઆરી મહિનાથી કામ ઘટી ગયું હતું અને બે મહિનાની અંદર તો નહિવત્ કામ હતું. મારી સાથે કામ કરતા ઘણા કામદારો પોતાના વતન ચાલ્યા ગયા છે. અમારા માલિકે કહ્યું છે કે યુનિટ શરૂ કરશે ત્યારે અમને જાણ કરશે. ફોન આવશે ત્યારે જ હું સુરત પાછો ફરીશ."

ભૂપેન્દ્ર સોની કહે છે કે અડધો પગાર મળતો હોવાના કારણે તેમને ઘર ચલાવવા માટે ઘરનો અમુક સામાન અને મોબાઇલ વેચી દેવો પડ્યો છે. હાલ તેમની પાસે 3000 રૂપિયા છે અને તેઓ પોતાના ગામમાં કોઈ નોકરી શોધી રહ્યા છે.

તેઓ કહે છે, "ગામમાં પોતાનું ઘર છે એટલે રહેવાની કોઈ ચિંતા નથી. જો કોઈ નાની-મોટી નોકરી મળી જાય તો પરિવારનું ગુજરાન ચાલી જશે. મારાં ત્રણ બાળકોને ગામની શાળામાં દાખલ કરાવ્યાં છે. મેં ગામના પ્રધાનને નોકરી મેળવવામાં મદદ કરવા માટે વિનંતી કરી છે."

ભૂપેન્દ્ર સોની જેવી હાલત રાજેશ ડિન્ડની છે, જેઓ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં આવેલા પોતાના પૈતુક ઘરે આવી ગયા છે.

રાજેશ પણ જરીના કારખાનામાં કામ કરતા હતા. કોરોના વાઇરસના કેસ વધતા 12 દિવસ પહેલાં કારખાનું બંધ કરી દેવામાં આવતા તેમની નોકરી ચાલી ગઈ હતી.

રાજેશ કહે છે કે, "મારી પાસે માત્ર 6000 રૂપિયાની બચત હતી અને નોકરી મળવાની કોઈ શક્યતા ન જણાતા મેં ગામ આવવાનું નક્કી કર્યું. અમારા માલિકે કહ્યું છે કે જ્યારે કારખાનું ફરીથી શરૂ કરશે ત્યારે મને જાણ કરશે."

ભૂપેન્દ્રથી ઊલટું રાજેશ જલદીથી સુરત આવવા માગે છે, કારણ કે તેમના ગામ મિર્ઝાપુરમાં કોઈ રોજગારી નથી.

"ગત વર્ષે જ્યારે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે મેં સુરતમાં ઘણા દિવસો સુધી છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવ્યું હતું. આ વખતે છૂટક મજૂરી પણ મળવાની શક્યતા નહીં જણાતા હું ગામ આવી ગયો છું."

કોરોના વાઇરસની બીજી લહેરમાં ગુજરાતમાં મેડિકલ ઇમરજન્સીની સ્થિતિ ઊભી થઈ ગઈ છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રાત્રી કફર્યુ સહિતના પ્રતિબંધો લાદ્યા છે.

જોકે પ્રતિબંધોની સીધી અસર રોજગારી પર પડી રહી છે અને મોટી સંખ્યામાં લોકો પોતાની નોકરી ગુમાવી રહ્યા છે.

વીડિયો કૅપ્શન, કોરોનામાં નરેન્દ્ર મોદીનું વારાણસી જ બેહાલ, લોકો ગુસ્સે થઈને પૂછી રહ્યા છે સવાલ : India

ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, વડોદરાથી મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો પોતાના ગામ ચાલ્યા ગયા છે. હજુ પણ શ્રમિકો પોતાના ગામ જઈ રહ્યા છે.

બીબીસી સાથેની વાતચીતમાં અર્થશાસ્ત્રી ઘનશ્યામ શાહ કહે છે કે, "કોરોના વાઇરસ બાદ દેશમાં બેરોજગારી વધી ગઈ છે. લૉકડાઉન બાદ દેશની આર્થિક સ્થિતિ પર મોટી અસર થઈ અને રોજગારી ઘટવાથી પરપ્રાંતીય મજૂરો પાછા જતા રહ્યા હતા. આની સીધી અસર લોકોની આવક પર થઈ."

"જેટલી ઝડપથી અર્થવ્યવસ્થામાં સુધારો આવશે તેટલી ઝડપથી રોજગારીમાં વધારો થશે પરંતુ હાલની સ્થિતિને જોતા લાગે છે કે આમાં વાર લાગશે. સૌથી વધુ રોજગારી આપનાર સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને ફરીથી બેઠા થવામાં વાર લાગશે. આના કારણે રોજગારીની તકોમાં જોઈએ એટલો વધારો આવશે નહીં."

line

બેરોજગારી વધવા પાછળ લૉકડાઉન મુખ્ય કારણ છે?

ગુજરાત સહિત દેશમાં વધતી બેરોજગારી પાછળ લૉકડાઉન એક મુખ્ય કારણ છે એવું નિષ્ણાતો માની રહ્યા છે.

ઘનશ્યામ શાહ માને છે કે રોજગારી ઘટવા પાછળ લૉકડાઉન એક મુખ્ય કારણ છે. મંદીમાંથી પસાર થઈ રહેલી ભારતીય અર્થવ્યવસ્થાને લૉકડાઉનના કારણે ફટકો પડ્યો અને આર્થિક પ્રવૃત્તિઓ બંધ જેવી થઈ ગઈ, જેની સીધી અસર રોજગારી પર પડી.

"પરિસ્થિતિમાં સુધારો આવે તે પહેલાં કોરોના વાઇરસની બીજી લહેર આવી ગઈ. ગુજરાત સરકારને પ્રતિબંધો લાગુ કરવા પડ્યા અને ફરીથી રોજગારી પર અસર થઈ છે."

તેઓ વધુમાં જણાવે છે કે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને સૌથી વધુ અસર થઈ છે, કારણ કે તેમની આવક નક્કી હોતી નથી. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો પાસે નિયમિત કામ હોતું નથી અને તેમની નોકરી ક્યારેય પણ ચાલી જાય છે. બીજું કે આ ક્ષેત્રમાં કામ કરતા લોકોને નિયમિત રીતે પગાર પણ મળતો નથી.

વીડિયો કૅપ્શન, 90 વર્ષે કોરોનાને હરાવનારાં દાદીની કહાણી

2020માં જ્યારે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે રોજગારી ઘટવા પાછળ કારણ તરીકે જોવામાં આવ્યું હતું.

ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર 2020માં લૉકડાઉન લાગુ કર્યા બાદ ગુજરાતમાં બરોજગારીના દરમાં ત્રણ ગણો વધારો થયો હતો.

સીએમઆઈઈને ટાંકતાં અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે લૉકડાઉનના કારણે એપ્રિલ 2020માં ગુજરાતમાં બેરોજગારીનો દર વધીને 18.7 ટકા થઈ ગયો હતો. તે વખતે સીએમઆઈઈએ જણાવ્યું હતું કે લૉકડાઉનના કારણે નાના વેપારીઓ અને દૈનિક મજૂરોની હાલત સૌથી વધુ કફોડી બની ગઈ હતી.

line

દેશમાં બેરોજગારીનો દર 8 ટકા છે

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશનાં ઘણાં રાજ્યોમાં લૉકડાઉન અથવા પ્રતિબંધોના કારણે લોકો પોતાની નોકરી ગુમાવી રહ્યા છે, જેમાં સૌથી વધુ અસર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને થઈ છે.

ઇકૉનૉમિક્સ ટાઇમ્સના અહેવાલ અનુસાર એપ્રિલ મહિનામાં ભારતમાં બેરોજગારીનો દર 8 ટકા હતો, જે 4 મહિનામાં સૌથી વધુ છે. માર્ચ 2021માં બેરોજગારીનો દર 6.5 ટકા હતો, જે એપ્રિલમાં વધીને 7.97 ટકા થઈ ગયો છે.

સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (સીએમઆઈઈ)ને ટાંકતાં અહેવાલ લખે છે કે માત્ર એક મહિનામાં 70 લાખ લોકોએ પોતાની નોકરી ગુમાવી હતી અને હાલની પરિસ્થિતિ જોતાં હજુ નોકરી જઈ શકે છે.

સીએમઆઈઈ અનુસાર શહેરી વિસ્તારોમાં બેરોજગારી વધુ વિકટ છે. ભારતીય અર્થવ્યવસ્થા પૂરતા પ્રમાણમાં નોકરી ઉત્પન્ન કરી ન શકતા લોકોની આવક ઘટી ગઈ છે.

સીએમઆઈઈના ડિરેકટર મહેશ વ્યાસે બીબીસી ગુજરાતીને એક ઈમેલમાં જણાવ્યું માર્ચ મહિનામાં ભારતમાં 398.04 લોકો પાસે કામ હતું. એપ્રિલમાં કુલ નોકરીની સંખ્યા ઘટીને 390.79 મિલિયન થઈ ગઈ છે, જેના અર્થ થયો કે 7.25 મિલિયન લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે.

વીડિયો કૅપ્શન, ગર્ભવતી પત્નીને લઈને હૉસ્પિટલોના ધક્કા ખાધા, આખરે પત્ની અને બાળકનું મોત

તેઓ કહે છે કે, "કૃષિક્ષેત્રમાં સૌથી વધુ અસર થઈ છે. માર્ચ મહિનાની સરખામણીમાં એપ્રિલમાં 5.95 મિલિયન નોકરીઓ ઘટી ગઈ છે. પગારદાર લોકોએ પોતાની રોજગારી ગુમાવવી પડી છે. માર્ચ 2021ની સરખામણીમાં એપ્રિલ 2021માં 2.83 મિલિયન નોકરિયાત લોકોએ રોજગારી ગુમાવવી પડી છે."

જોકે મહેશ વ્યાસ મુજબ પરિસ્થિતિ એટલી પણ ગંભીર નથી. શું હજુ નોકરીઓ જઈ શકે છે કે કેમ તે વિશે તેમણે કહ્યું કે આ વિશે તેમની પાસે હાલ માહિતી નથી.

માર્ચ 2020માં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉનની જાહેરાત કરી હતી ત્યારે લાખોની સંખ્યામાં નોકરીઓ ગઈ હતી અને દેશની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો હતો.

હવે જ્યારે દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે આશંકા સેવાઈ રહી છે કે તેની દેશની અર્થવ્યવસ્થા પર મોટી અસર થઈ શકે છે.

રાજ્યની રોજગાર કચેરીમાં 4.12 લાખ બેરોજગાર યુવાનો રજિસ્ટર્ડ છે

વિધાનસભામાં ગુજરાત સરકારે જણાવ્યું છે કે 31 ડિસેમ્બર, 2020 પ્રમાણે રાજ્યની રોજગાર કચેરીમાં 4.12 લાખ બેરોજગાર યુવાનો નોંધાયેલા છે.

ધ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સરકારે ગૃહમાં આ વિગતો આપી હતી.

અહેવાલ અનુસાર રોજગાર કચેરીમાં નોંધાયેલા બેરોજગાર યુવાનોમાં સૌથી વધુ સંખ્યા અમદાવાદમાં (34063) છે. ત્યારબાદ વડોદરા (27362), આણંદ (24136) અને રાજકોટ (21161) જિલ્લાઓ છે.

સૌથી ઓછા બેરોજગાર (2789) ડાંગ જિલ્લામાં છે. રાજ્ય સરકારે ગૃહમાં જણાવ્યું કે રોજગાર કચેરી દ્વારા 1777 યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે. સરકારે સીધી રીતે કરવામાં આવેલી ભરતી આ આંકડામાં સામેલ નથી.

સરકારે જણાવ્યું કે છેલ્લાં બે વર્ષમાં તેમણે ખાનગી ક્ષેત્રમાં 5.86 લાખ યુવાનોને રોજગારી પૂરી પાડી છે.

line

કામ બંધ થાય એટલે રોજગારી ઘટે- દિલીપ ઠાકોર

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ગુજરાતના શ્રમ અને રોજગારમંત્રી દિલીપ ઠાકોરે બીબીસીને જણાવ્યું કે કામ બંધ થાય એટલે રોજગારી ઘટે છે, પરંતુ લોકોને વધુ અસર ન થાય તે માટે રાજ્ય સરકાર લૉકડાઉન લાગુ કરતી નથી.

"લોકોને કામ મળતું રહે એટલા માટે રાજ્ય સરકાર લૉકડાઉનની જગ્યાએ માત્ર રાત્રી કફર્યુ લાગુ કર્યું છે. અમે સખત લૉકડાઉન લાગુ નથી કરતા, કારણ કે તેનાથી લોકોને તકલીફ થશે. સામાન્ય લોકો માટે સરકાર અનાજ વિતરણ સહિતનાં વિવિધ પગલાં લઈ રહી છે."

ઠાકોરે સીએમઆઈઈના રિપોર્ટ વિશે કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું હતું.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો