રાજસ્થાનના કુટુંબમાં 35 વર્ષ પછી દીકરી જન્મી, હેલિકૉપ્ટર દ્વારા ઘરે લાવવામાં આવી

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
- લેેખક, મોહરસિંહ મીના
- પદ, બીબીસી ગુજરાતી માટે
"છોકરીઓને કોઈ પ્રેમ કરતું નથી. જ્યારે ઘરે છોકરાનો જન્મ થાય છે, ત્યારે ઉજવણી કરવામાં આવે છે. બાળકીના જન્મ પર કોઈ કંઈ કરતું નથી અને ઊલટાનું આખું ઘર નારાજ થઈ જાય છે. કેટલીક વખત તો લોકો ડૉક્ટર પાસે તપાસ કરાવીને ગર્ભમાં બાળકીની હત્યા કરી નાખે છે."
ખેડૂત મદન પ્રજાપત ખૂબ જ ગર્વ અને ખુશી સાથે બીબીસીને આ વાત જણાવે છે.
તેઓ ખુશ છે કે તેમના પરિવારમાં 35 વર્ષ બાદ દીકરી જન્મી છે. ગર્વ એ વાતનો છે કે દીકરીના જન્મની એક ઉત્સવની જેમ ઉજવણી કરી છે. આજે તેમના ગામથી લઈને સમગ્ર રાજસ્થાનમાં તેમના આ કાર્યની ચર્ચા થઈ રહી છે.

મદન પ્રજાપતે શું કર્યું?

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
રાજસ્થાનના નાગૌર જિલ્લાના નિમ્બડી ચાંદવાતા ગામના 55 વર્ષીય ખેડૂત મદન પ્રજાપતના પરિવારમાં 35 વર્ષ પછી પુત્રીનો જન્મ થયો છે. તેઓ કહે છે કે તેમને એક પુત્રી અને એક પુત્ર છે.
મોટી પુત્રી આશરે 35 વર્ષની છે અને 21 વર્ષના પુત્ર હનુમાન પ્રજાપતનાં લગ્ન ગયા વર્ષે જ થયાં હતાં. પુત્રની પત્ની ચૂકી દેવીએ 2જી એપ્રિલે પુત્રીને જન્મ આપ્યો હતો.
પરિવારે દીકરીનું નામ સિદ્ધિ રાખ્યું છે. નાગૌરની ડિસ્ટ્રિકટ હૉસ્પિટલમાં જન્મેલી બાળકી સ્થાનિક રીતરિવાજ મુજબ ચૂકી દેવીના ગામ હેરસોલ લઈ જવામાં આવી હતી.
અહીંથી જ મદન પ્રજાપતે નક્કી કર્યું હતું કે સાડા ત્રણ દાયકા બાદ પરિવારમાં જન્મેલી બાળકીનો ગૃહપ્રવેશ એક ઉત્સવની જેમ ઊજવશે.
અઠવાડિયા પહેલાંથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. ખેડૂત મદન પ્રજાપતે તેને અવિસ્મરણીય બનાવવા માટે નક્કી કર્યું કે તેઓ પૌત્રીને હરસોલથી નિમ્બોડા એટલે કે પોતાના ઘરે હેલીકૉપ્ટરમાં લાવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હેલિકૉપ્ટર માટે વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેઓ પરવાનગી લેવા માટે જિલ્લા કલેક્ટર પાસે પણ ગયા હતા.
નાગૌર જિલ્લા કલેક્ટર ડૉ. જિતેન્દ્રકુમાર સોનીએ બીબીસીને ફોન પર જણાવ્યું, "મદન પ્રજાપત અમારી પાસે આવ્યા અને હેલિકૉપ્ટર માટેની પરવાનગી માગી હતી. અમે તેમને કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવાની સૂચના આપી અને મંજૂરી આપી દીધી."
રામનવમીના દિવસે હરસોલથી નિમ્બડી ચાંદાવતા સુધીની હેલિકૉપ્ટર યાત્રા 10 મિનિટમાં પૂર્ણ થઈ ગઈ હતી. અહીં ગામલોકો અને પરિવારના સભ્યો બાળકીની કાગાડોળે રાહ જોઈ રહ્યા હતા.
બાળકી પહોંચતાંની સાથે જ તેનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યું. મહિલાઓએ પરંપરાગત ગીતોથી બાળકીનું સ્વાગત કર્યું. કાર્યક્રમમાં હાજર તમામ મહેમાનોને અહીં પુત્ર-પુત્રી સમાન પાઠ શીખવા મળ્યો.

લોકોને સારો સંદેશ મળ્યો
સામાજિક કાર્યકર્તા રાજન ચૌધરી ઘણા દાયકાઓથી રાજસ્થાનમાં લિંગ અસમાનતા સામે કામ કરી રહ્યા છે. બાળકીને પરિવારમાં જે સન્માન મળ્યું તેનાથી તેઓ બહુ ખુશ છે.
તેઓ કહે છે, આ પ્રકારની વિચારસરણી જો વિકસિત થઈ જાય તો છોકરીઓને બચાવવા માટે કોઈ પણ પ્રકારના પ્રયત્નો કરવાની જરૂર નહીં પડે. તેના કારણે છોકરીઓને સમાન દરજ્જો અને સન્માન મળ્યું છે. આ શ્રેષ્ઠ અને પ્રશંસનીય છે. રાજસ્થાનમાં મેં આ પહેલીવાર જોયું છે."
ચૂકી દેવીના ગામ હરસોલમાં રહેતા શિવેન્દ્ર આ પગલાને પ્રેરણાદાયી ગણાવે છે.
તેઓ કહે છે, "અમને ખુશી છે કે અમારા ગામના એક પરિવારે સમાજ સામે દાખલો બેસાડ્યો છે કે છોકરા અને છોકરીના જન્મ પર સરખી ખુશી હોવી જોઈએ."
મદન પ્રજાપત જણાવે છે કે, જ્યારે બાળકીને લઈને અમે હેલિકૉપ્ટર મારફત હરસોલથી નીમ્બડી પહોંચ્યા ત્યારે ગામલોકો ખૂબ ખુશ થયા હતા. દરેકના મોઢામાં એક જ વાત હતી કે આવું પહેલાં ક્યારેય બન્યું નથી. તેઓ કહે છે કે છોકરીઓ સાથે પણ આવું થવું જોઈએ.
નાગૌર જિલ્લામાં છોકરીઓની સ્થિતિ સુધરે તે માટે ક્લેક્ટર ડૉ. જિતેન્દ્રકુમાર સોની ઘણા પ્રયત્નો કરી રહ્યા છે, જેના કારણે લોકોમાં જાગૃતિ પણ વધી છે.
તેઓ કહે છે, "તેનાથી લોકોને એક સારો સંદેશ મળ્યો છે. ચૂકી દેવી પોતે કેટલાં ખુશ હશે કે તેમણે 35 વર્ષ બાદ પરિવારને બાળકી આપી છે. આજે તેઓ પ્રાઉડ મધર બની ગયાં છે."

પરિવારમાં કોઈએ આઠમા ધોરણ સુધી અભ્યાસ કર્યો નથી
કહેવત છે કે 'શિક્ષણ વિના મનુષ્ય પ્રાણી સમાન છે'. પરંતુ આ પરિવારે માનવતાવાદ અને સમાનતાનું જે ઉદાહરણ પુરું પાડ્યું છે, તે ખરેખર વખાણવાલાયક છે.
નવજાત બાળકી સિદ્ધિના દાદા મદન પ્રજાપતે સાતમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. કૃષિ હંમેશાં પરિવારનો મુખ્ય વ્યવસાય રહ્યો છે. તેમનાં પત્ની મુન્ની દેવી ક્યારેય સ્કૂલ નહોતાં ગયાં.
સિદ્ધિના પિતા હનુમાન પ્રજાપતે આઠમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને તેમનાં પત્ની ચૂકી દેવીએ પણ સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું નથી. તેઓ કહે છે કે અમારી પાસે 100 વીઘા જમીન છે અને માતાપિતા સાથે મળીને અમે ખેતી કરીએ છીએ.
બાળકીના નાના પાંચારામ પ્રજાપતે જણાવ્યું કે તેમને આઠમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને તેમનાં પુત્રી ચૂકી દેવીએ ત્રીજા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે.
બાળકીનાં નાની ચંપા દેવીએ બીજા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. ચૂકી દેવીના ઘરે બધા ખેતી કરે છે અને સાસરામાં પણ મુખ્ય વ્યવસાય ખેતી છે.
બંને પરિવારોમાં કોઈ પણ સભ્યે ધોરણ આઠથી આગળ અભ્યાસ કર્યો નથી. પરંતુ, આ પરિવારોએ છોકરા-છોકરીના ભેદભાવને મટાડવા માટે જે દાખલા બેસાડ્યો છે તેની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે.'

'બાળકીનું સારું ભવિષ્ય એકમાત્ર હેતુ છે'

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
સિદ્ધિના પિતા હનુમાન પ્રજાપત કહે છે, "લોકો પુત્રીઓને ગર્ભાશયમાં મારી નાખે છે. હું માનું છું કે છોકરીઓનું પણ જીવન હોય છે. તેઓ જે કંઈ પણ કરવા માંગે છે તે માટે તેમને એક તક આપવી જોઈએ."
તેઓ પોતાનાં દીકરીને સારું શિક્ષણ અને સંપૂર્ણ સ્વતંત્રતા સાથે સફળ ભવિષ્ય આપવા માગે છે. કુટુંબ હવે સિદ્ધિની સંભાળમાં ખુશીથી વ્યસ્ત છે.
દાદા મદન પ્રજાપત કહે છે, "હું બાળકીને સારું શિક્ષણ અપાવીશ અને તેની દરેક ઇચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરીશ. હું છોકરીને એટલો પ્રેમ આપીશ."
ભલે પરિવારના કોઈ પણ સભ્યએ શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું ન હોય, પરંતુ તેઓ પોતાના પરિવારમાં આવેલ આ છોકરીને સારું શિક્ષણ અને ઉછેર આપવા માટે અત્યારથી તૈયાર છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














