શું આગામી દિવસોમાં આમ આદમીને પેટ્રોલ ડીઝલના વધતાં ભાવોમાંથી રાહત મળશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
ભારતમાં પહેલીવાર થયું છે કે અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 100 રૂપિયાને પાર કરી ગઈ છે. જો આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડઑઈલના ભાવમાં જોવા મળતું વૃદ્ધિનું વલણ ચાલુ રહે તો આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલ હજુ વધુ મોંઘાં થઈ શકે છે.
તો શું સામાન્ય ગ્રાહકોને જલદી રાહત નહીં મળે? શું આપણે ધીરે-ધીરે તેલ અને ડીઝલ પરની નિર્ભરતા ઓછી કરવી પડશે?
પેટ્રોલ ડીઝલની કિંમતો આકાશને આંબી રહી છે, ત્યારે વિરોધપક્ષો સતત સરકારની ટીકા પણ કરી રહ્યા છે.
થોડા દિવસો પહેલાં કૉંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વધારાના ટૅક્સને તાત્કાલિક ધોરણે હઠાવી દેવા જોઈએ. તેનાથી કિંમતોને નીચે લાવવામાં મદદ મળશે.
તેમણે કહ્યું કે મોદી સરકાર લોકો માટે સૌથી મોંઘી સરકાર રહી છે, જેણે લોકો ઉપર ભારે કરનો બોજો લાદ્યો છે.
આ બધાની વચ્ચે સામાન્ય માણસ પરેશાન છે અને ખેડૂતો નાખુશ છે. એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવા માટે મોદી સરકાર ઉપર દબાણ વધી રહ્યું છે.

શું કિંમત ઓછી થશે?

ઇમેજ સ્રોત, Getty Images
એવા અહેવાલો છે કે કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યૂટીમાં થોડો ઘટાડો કરવાનો વિચાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ માટે હજુ સુધી નાણાં અને તેલ મંત્રાલય વચ્ચે સહમતી બની નથી.
પરંતુ જો સરકાર પણ એક્સાઇઝ ડ્યૂટીમાં થોડો ઘટાડો કરી નાખે, તેમ છતાં બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડઑઈલના ભાવમાં સતત વધારો થતો રહે (જેની પૂરેપૂરી સંભાવના છે) તો ભારતના ગ્રાહકોને વધારે રાહત નહીં મળે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આગામી કેટલાક અઠવાડિયાં અને મહિનાઓમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધ-ઘટ થઈ શકે છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે આગામી સમયમાં તેમાં મોટો ઉછાળો આવી શકે છે.
આજકાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઑઈલનો ભાવ પ્રતિબેરલ 66-67 ડૉલરની આજુબાજુ છે. તો શું આ વર્ષે તે હજુ વધી શકે છે?
સિંગાપોરમાં ભારતીય મૂળના વંદના હરિ છેલ્લા 25 વર્ષથી પેટ્રોલિયમ પેદાશોના બજાર પર નજર રાખે છે.
તેઓ કહે છે કે, "100 (રૂપિયા) તો શું તેનાથી પણ વધારે પ્રમાણમાં વધી શકે છે."

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્ર સરકાર તેલની કિંમતોને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના આર્થિક બાબતોના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ કૃષ્ણ અગ્રવાલના મતે સરકારના હાથ બંધાયેલા છે.
અગ્રવાલ કહે છે, "એકંદરે સરકારના રેવન્યૂ કલેક્શન (આવક)માં 14.5 ટકાનો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન સરકારના ખર્ચમાં 34.5 ટકાનો વધારો થયો છે. આમ છતાં સરકારે ટૅક્સમાં વધારો કર્યો નથી. તેના કારણે નાણાંકીય ખાધ 9.5 ટકા થઈ ગઈ છે. કુલ સ્થાનિક ઉત્પાદનના 87 ટકા જેટલું આંતરિક દેવું છે. તેથી મને કેન્દ્ર સરકાર તરફથી કોઈ રાહતની સંભાવના દેખાતી નથી. રાજ્ય સરકારે રાહત આપવી જોઈએ."
પરંતુ જો કેન્દ્ર સરકારના હાથ બંધાયેલા હોય તો રાજ્ય સરકારો પણ મજબૂર છે. પેટ્રોલ-ડીઝલમાંથી થતી આવકમાં કેન્દ્ર સરકારનો હિસ્સો સૌથી વધુ છે.
દરેક 100 રુપિયાના પેટ્રોલ-ડીઝલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના વેરા અને એજન્ટના કમિશનનો ઉમેરો કરીએ તો 65 રૂપિયા થાય છે, જેમાંથી 37 રૂપિયા કેન્દ્રને મળે છે અને 23 રૂપિયા પર રાજ્ય સરકારોનો હક છે.
લૉકડાઉન દરમિયાન જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત બેરલદીઠ 20 ડૉલર સુધી પહોંચી ગઈ હતી, ત્યારે લોકોને અપેક્ષા હતી કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો આવશે, પરંતુ તેઓ સતત વધતા રહ્યા. આવું કેમ થયું?

ઇમેજ સ્રોત, Getty Images
વંદના હરિ કહે છે, "ગયા વર્ષે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઑઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો હતો, પરંતુ તમારા (દેશમાં) કિંમતોમાં ઘટાડો થયો નહોતો, કારણ કે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર બે વખત ટૅક્સ વધાર્યો હતો."
વંદના હરિ કહે છે કે ગયા વર્ષે સામાન્ય લોકો પર તેની એટલી અસર થઈ નહોતી, કારણ કે ક્રૂડઑઈલનો મૂળ ભાવ (20 ડૉલર) ખૂબ ઓછો હતો. હવે તે 67 ડૉલર છે એટલે કે તે 80 ટકા મોંઘું થયું છે.
દેશનાં પેટ્રોલપંપો પર મળતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સાથે જોડાયેલા હોય છે. તેનો અર્થ એ થયો કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ઘટાડો અથવા વધારો થાય, તો ભારતમાં પણ તે મુજબ વધઘટ જોવી જોઈએ, પરંતુ છેલ્લા છ વર્ષમાં આવું બન્યું નથી.
ઑઈલ ઍન્ડ નેચરલ ગૅસ કૉર્પોરેશન લિમિટેડ (ઓ.એન.જી.સી.)ના પૂર્વ અધ્યક્ષ આર.એસ. શર્મા કહે છે, "2014માં જ્યારે આ સરકાર સત્તા પર આવી ત્યારે તેલનો ભાવ બેરલદીઠ 106 ડૉલર હતો. ત્યારથી કિંમતો ઘટી છે. વડા પ્રધાને મજાકમાં કહ્યું હતું કે હું નસીબદાર છું કે હું સત્તામાં આવ્યો ત્યારથી તેલની કિંમત ઘટી રહી છે. તે સમયે પેટ્રોલનો ભાવ પ્રતિલિટર 72 રૂપિયા હતો. સરકારે ભારતમાં ભાવ ઘટાડયા નહીં અને તેના બદલે સરકારે એક્સાઇઝ ડ્યૂટી વધારી દીધી. "

સામાન્ય માણસને રાહત આપવા માટેની ટિપ્સ

ઇમેજ સ્રોત, Getty Images
તો શું ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધતા રહેશે અને નાગરિકોને હવે કોઈ રાહત નહીં મળે? નિષ્ણાતો પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટાડવા માટે ઘણી ટીપ્સ જણાવે છે, પરંતુ તે મુશ્કેલ છે.
પ્રથમ, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તેલ પર લગાવેલી એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવી જોઈએ, પરંતુ બંને આમ કરવાના મૂડમાં નથી.
બીજી વાત સબસીડી ફરીથી સ્થાપિત કરવા માટેનું સૂચન છે, જે મોદી સરકારની આર્થિક વિચારધારાની વિરુદ્ધ છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ કૃષ્ણ અગ્રવાલ કહે છે કે, "સબસિડી પીછેહઠ કરાવનારું પગલું છે. વિચારો કે જો પેટ્રોલનો ભાવ નીચે આવે તો ધનિક લોકોને પણ ફાયદો થશે, માત્ર ગરીબોને જ નહીં. અમે ગૅસમાં આ કરી શક્યા છીએ. વડા પ્રધાન કહે છે કે સારી અર્થવ્યવસ્થા, સારું રાજકારણ છે અને લોકો તેને અનુભવી રહ્યાં છે."
વંદના હરિ આ વિચારને અજમાવવાની ભલામણ કરે છે કે જેમાં સ્કૂટર વગેરે ચલાવનાર લોકોને પેટ્રોલમાં સબસિડી આપવી જોઈએ જેમ કે મોટી રેસ્ટોરાં અને હોટલોને એલ.પી.જી. સિલિન્ડરમાં સબસિડી આપવામાં આવતી નથી, ફક્ત ગરીબોને જ આપવામાં આવે છે.
લોકોને રાહત આપવા માટે ત્રીજો વિકલ્પ પણ છે.
જી.એસ.ટી. હેઠળ પેટ્રોલ અને ડીઝલ લાવવાનો વિકલ્પ. પરંતુ આ રાજકીય મુદ્દો છે અને જેમ કે ઓ.એન.જી.સી.ના ભૂતપૂર્વ અધ્યક્ષ આર.એસ. શર્માએ કહે છે કે રાજ્ય સરકારોએ શરતો પર જી.એસ.ટી. બિલ ઉપર સહમત થઈ હતી કે પેટ્રોલ અને ડીઝલ અને શરાબને જીએસટીથી બહાર રાખવામાં આવશે.
તેની પાછળનું કારણ એ છે કે શરાબ અને પેટ્રોલ, ડીઝલ વિગેરે પર એક્સાઈઝ ડ્યૂટી લાદીને રાજ્ય સરકારો બહુ પૈસા કમાય છે. વડા પ્રધાનથી લઈને કેબિનેટ સુધીના તમામ પ્રધાનો પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા માટે જોરદાર વકાલત કરી રહ્યા છે.

તેલ સસ્તું કરવાનો બીજો કોઈ વિકલ્પ?

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપના ગોપાલ કૃષ્ણ અગ્રવાલ બીજા એક વિકલ્પની વાત કરે છે અને તે એ છે કે ભારત સરકાર ઈરાન અને વેનેઝુએલાથી ક્રૂડઑઈલ ખરીદવાનો પ્રયાસ કરી રહી છે.
અમેરિકાના પ્રતિબંધોને કારણે આ બંને દેશોમાંથી આયાત રઝળી પડી છે. ઈરાન પાસેથી ભારત ડૉલરના બદલે રૂપિયામાં તેલ ખરીદવાનો ઇરાદો ધરાવે છે, જે માટે ઈરાન પણ તૈયાર છે.
કેટલાક નિષ્ણાતો સૂચન કરી રહ્યાં છે કે ભારતે તેલના પોતાના સ્ટ્રેટેજિક રિઝર્વમાં વધારો કરવો જોઈએ. અત્યારે જો દેશમાં તેલની આયાત બંધ થઈ જાય તો એવી સ્થિતિમાં લોકોની જરૂરિયાતો માટે ભંડારમાં 10 દિવસાના તેલની જરૂરિયાત માટેનો પુરવઠો હાજર છે. ખાનગી કંપનીઓ પાસે ઘણા દિવસો સુધી ચાલે એટલો તેલનો ભંડાર છે.
સરકાર રિઝર્વ પુરવઠો 10 દિવસથી વધારીને 90 દિવસ કરવા માંગે છે, જેના પર કામ શરૂ થઈ ગયું છે. જોકે સ્ટ્રેટેજિક રિઝર્વ કટોકટીના સમય માટે હોય છે, આંતરરાષ્ટ્રીય બજારમાં આપત્તિ અથવા યુદ્ધને કારણે તેલની કિંમત આકાશને આંબવા લાગે, ત્યારે ભંડારમાં સંગ્રહિત તેલનો ઉપયોગ કરી શકાય છે.
હાલમાં અમેરિકાએ વિશ્વનાં સૌથી મોટા ભંડાર બનાવ્યા છે. અમેરિકા અને ચીન પછી ભારત સૌથી વધુ તેલની આયાત કરે છે. તેથી નિષ્ણાતો રિઝર્વ વધારવાની ઉપર ભાર મૂકી રહ્યા છે.

આયાત પર નિર્ભરતા
ભારતમાં પેટ્રોલિયમ અને ગૅસ ખૂબ ઓછી માત્રામાં ઉપલબ્ધ છે, તેથી તેની આયાત કરવામાં આવે છે. ગયા વર્ષે દેશને વિદેશથી પેટ્રોલિયમ પેદાશોની આયાત માટે પોતાના કુલખર્ચમાંથી 85 ટકા રકમ ખર્ચ કરવી પડી હતી, જેની કિંમત 120 અબજ ડૉલર હતી.
નિષ્ણાતો વચ્ચે લાંબા સમયથી એક વિચાર ચર્ચાનો મુદ્દો છે અને તે એ છે કે ભવિષ્યમાં નિષ્ણાતો લાંબાગાળા માટે કોઈ સમાધાન શોધી કાઢે અને તેલ પરની નિર્ભરતાને ઓછી કરે. મોદી સરકાર લાંબા સમયથી ઉકેલ માટે અનેક યોજનાઓ શરૂ કરવાનો ઇરાદો ધરાવે છે.
17 ફેબ્રુઆરીએ તમિલનાડુમાં ભાષણ આપતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઊર્જામાં વૈવિધ્ય લાવવામા માટે અને તેની ઉપર નિર્ભરતા ઘટાડવા પર બહુ ભાર મુક્યો હતો.

તેલ પર નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે

ઇમેજ સ્રોત, PA Media
સિંગાપોરમાં વંદા ઇનસાઇટ્સ સંસ્થાનાં સ્થાપક વંદના હરિના કહે છે કે ભારત સરકારે આગળનો વિચાર કરવો જોઇએ. તેઓ સલાહ આપે છે કે 10-15 વર્ષોને નજર સામે રાખીને યોજનાઓ બનાવવી જોઈએ.
તેઓ કહે છે, "અંતે તેલનો વપરાશ ઓછો થશે. અમે ઇલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી રહ્યા છીએ, હાઇડ્રૉજન તરફ અથવા કુદરતી ગૅસ તરફ આગળ વધી રહ્યા છીએ, જે સારું છે. પરંતુ 30-35 પહેલાં આ શક્ય નહોતું."
વંદના મેટ્રો જેવા જાહેર પરિવહનના વિસ્તરણની ભરપૂર હિમાયત કરે છે.
લાંબા સમય પછી તેલના વપરાશકારોને રાહત મળી શકે છે, પરંતુ આગામી અમુક મહિના અને વર્ષોમાં કોઈ રાહત નહીં મળે.
પરંતુ આર. એસ. શર્માના મતે બે બાબતો અગત્યની છે: એક તે છે કે તેમના મતે સરકારો સામાન્ય રીતે પાંચ વર્ષ સુધી ચાલે છે અને તે પ્રમાણે યોજનાઓ બનાવે છે. 15 વર્ષના લાંબા સમય સુધી યોજનાઓ બનાવવામાં આવતી નથી.
તેમની બીજી દલીલ એવી છે કે લાંબા સમય સુધી તેલ પરની પરાધીનતા ઘટાડવા માટેના તમામ પગલાં અમલમાં મૂક્યા પછી પણ તેમાં માત્ર 15 ટકાનો ઘટાડો થશે. હા, આ હોવા છતાં, તે તે લોકોમાંનો છે જે તેલ પરની પરાધીનતા અને ઊર્જાના વૈવિધ્યકરણની તરફેણમાં છે.
હાલમાં ગોપાલ કૃષ્ણ અગ્રવાલ "પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો નહીં" કરવાના નિર્ણય અંગે ચુકાદો આપે છે. લોકો તેને સરકારની લાચારી અને પસંદગી પણ કહી શકે છે.
તેમનું કહેવું છે કે, 'જો આપણે પેટ્રોલિયમ પેદાશોના ભાવ ઘટાડીને એક્સાઇઝ ડ્યૂટી ઘટાડીશું તો આપણે ટૅક્સમાં થોડો વધારો કરવો પડશે અને તે એક જ બાબત છે. તેથી, સરકારે પસંદગી સાથે આ કર્યું નથી.
"નાણાં પ્રધાન નિર્મલા સીતારામણ કહે છે તેમ, આ એક ધાર્મિકસંકટ છે. આ અત્યારે શ્રેષ્ઠ વિકલ્પ છે. જો આવકનો સંગ્રહ વધશે, તો કિંમતોમાં ઘટાડો થઈ શકે છે. "
તેલ ભારતના વિશાળ અર્થવ્યવસ્થાના વિકાસ માટે બળતણનું કામ કરે છે. જો તેલના ભાવમાં સતત વધારો થતો રહેશે તો ફુગાવા, જી.ડી.પી. (ગ્રોસ ડૉમેસ્ટિક પ્રૉડકશન, કુલ ઘરેલું ઉત્પાદન) અને ચાલુ ખાતા પર દબાણ વધશે. જેના કારણે અર્થવ્યવસ્થા કથળી શકે છે અને આ માંગ પર ગંભીર અસર કરી શકે છે અને ત્યારબાદ આર્થિક વિકાસને પણ અસર થશે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














