Ind Vs Eng ત્રીજી ટેસ્ટ : અમદાવાદ ટેસ્ટમાં ભારતનો 10 વિકેટે વિજય, અક્ષર પટેલ મૅચ હીરો - TOP NEWS

ઇમેજ સ્રોત, TWITTER/IMVKOHLI
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારતનો 10 વિકેટે વિજય થયો છે. અને અક્ષર પટેલે ખૂબ જ શાનદાર પરફૉર્મ કર્યું છે. તેમણે મૅચમાં કુલ 11 વિકેટો લીધી છે.
આજે મૅચના બીજા દિવસે ભારતની ઇનિંગ 145 રનમાં આટોપાઈ ગઈ હતી. પરંતુ પછી ઇંગ્લેન્ડ પણ તેના બીજા દાવમાં માત્ર 81 રનમાં ઑલઆઉટ થઈ ગયું છે. હતું. જેથી ભારતને જીતવા માટે માત્ર 49 રનની જરૂર હતી. ભારતે લક્ષ્ય વટાવી મૅચ જીતી લીધી હતી.
આ પૂર્વે બીજો દાવ લેવા ઉતરેલી ઇંગ્લૅન્ડની ટીમ ઉપર ગુજરાતી બોલર અક્ષર પટેલ ભારે પડ્યો હતો. તેમણે 5 વિકેટો લઈ લીધી હતી. વળી અશ્વિને પણ 4 વિકેટો લીધી અને વૉશિંગ્ટને એક વિકેટ લીધી હતી.
આમ ઇંગ્લેન્ડ પહેલા દાવમાં માત્ર 112માં સમેટાયા બાદ બીજા દાવમાં પણ ધરાશાયી થઈ ગયું છે. જોકે ભારત પણ પહેલા દાવમાં વધુ મોટો સ્કૉર નહોતું કરી શક્યું.
ભારત પણ માત્ર 145 રનોમાં ઑલઆઉટ થઈ ગયું છે. ત્રીજી ટેસ્ટમાં માત્ર બે દિવસમાં કુલ 30 વિકેટો પડી છે.
આ પહેલાં ઇંગ્લૅન્ડના બૉલર જૉ રુટે આઠ રન આપીને પાંચ વિકેટ લીધી હતી અને ભારતની ઇનિંગને આટોપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ત્રણ મૅચમાં 2-1 સાથે ભારત આગળ છે હવે તથા આ મૅચની વિજેતા ટીમના વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ માટે ક્વૉલિફાય થવાના ચાન્સ જીવંત રહેશે.

ત્રીજી ટેસ્ટ, બીજો દિવસ

ઇમેજ સ્રોત, ANI
ઇંગ્લૅન્ડના 112 રનના જવાબમાં દાવ લેવા ઉતરેલી ભારતીય ટીમ રોહિત શર્માની વિકેટ બાદ ખખડી ગઈ હતી અને એક પછી એક વિકેટ પડવા લાગી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૅપ્ટન રુટે ભારતીય બૅટ્સમૅન રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, વૉશિંગ્ટન સુંદર તથા રિષભ પંતને પૅવૉલિયન મોકલીને ભારતીય ઇનિંગને હચમચાવી નાખવામાં ચાવીરુપ ભૂમિકા ભજવી હતી.
ટેસ્ટ મૅચમાં આ તેમનું અત્યારસુધીનું સર્વશ્રેઠ પ્રદર્શન છે. સામે છેડે જેક લિચે ચાર અને જોફરા આર્ચરે એક વિકેટ લીધી હતી.
ભારતીય ટીમ 145 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને પહેલી ઇનિંગના આધારે 33 રનની લીડ મેળવી હતી.

મહેમાન પર અક્ષર ભારે
બીજો દાવ લેવા ઉતરેલી ઇંગ્લૅન્ડની ટીમની શરૂઆત ખાસ સારી રહી ન હતી. તેના બે ખેલાડી અક્ષર પટેલની પહેલી ઑવરમાં જ આઉટ થઈ ગયા હતા.
અક્ષર પટેલે પહેલા જ દડે ઝેક ક્રાઉલીની વિકેટ ખેરવી હતી. પહેલી ઑવરના ત્રીજા દડે ઇંગ્લૅન્ડે જોની બૅર્સ્ટોની વિકેટ ગુમાવી હતી. એ સમયે ટીમે માત્ર બે રન જ કર્યા હતા.
પહેલી ઇનિંગમાં અક્ષર પટેલે 21.4 ઑવરમાં 38 રન આપીને છ વિકેટ ઝડપી ખેરવી હતી. ભારતના સ્પિનર આર. અશ્વિને 16 ઑવરમાં 26 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે ઈશાંત શર્માએ એક વિકેટ લીધી હતી.
જોકે બીજી ઇનિંગમાં પણ અક્ષર પટેલ અને આર. અશ્વિને તરખાટ મચાવ્યો છે.

ભારત-પાકિસ્તાન સરહદ ઉપર ગોળીબાર અટકાવવા સહમત

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને પાકિસ્તાનના ઉચ્ચ સૈન્ય અધિકારીઓએ જમ્મુ-કાશ્મીરમાં સરહદ ઉપર વારંવાર થતા ગોળીબારને અટકાવવાનો નિર્ણય લીધો છે.
એન.ડી.ટી.વી. ઉપર પ્રકાશિત અહેવાલ પ્રમાણે, બંને દેશોના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઑપરેશન્સે સંયુક્ત નિવેદન બહાર પાડીને જણાવ્યું છે : 'સરહદ ઉપર પરસ્પર લાભકારક એવી શાંતિ અને સ્થિરતાને ખાતર બંને દેશના DGsMOએ પરસ્પર ચિંતા ઉપજાવે તેવા અને શાંતિને અસર કરી શકે તેવા મુદ્દે ચર્ચા કરવાનો નિર્ણય લીધો છે.'
2003માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 'લાઇન ઑફ કંટ્રોલ' ઉપર શાંતિ માટે કરાર થયા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન સરહદ ઉપર ગોળીબારની ઘટનાઓ વધી છે.
જેના કારણે આ વિસ્તારમાં રહેતા નાગરિકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે અને તેમના જીવ જોખમમાં મૂકાય છે. આ સાથે જ ભારતે સ્પષ્ટતા કરી છે કે સરહદ ઉપર ઘૂસણખોરીને પહોંચી વળવા માટે કરવામાં આવેલી તહેનાતગી કે આતંકવાદવિરોધી અભિયાનોમાં કોઈ ઘટાડો કરવામાં નહીં આવે.

ઑસ્ટ્રેલિયા : ફેસબુક અને ગુગલ સમાચાર માટે ચૂકવશે રકમ

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયા વિશ્વનો પ્રથમ એવો કાયદો પસાર કર્યો છે, જે અંતર્ગત ફેસબુક અને ગુગલને પોતાનાં પ્લૅટફૉર્મો પર સમાચાર માટે ખર્ચ કરવો પડશે.
અમેરિકન ટેક કંપનીઓએ આ કાયદાનો ભારે વિરોધ કર્યો હતો.
ગત સપ્તાહે ફેસબુકે ઑસ્ટ્રેલિયન લોકો માટે પોતાના પ્લૅટફૉર્મ પરથી સમાચારોને બ્લૉક કરી દીધા હતા. સાથે જ ફૅસબુક પર સમાચાર શૅર કરવા માટે પણ રોક લગાવી દીધી હતી.
જોકે, આ સપ્તાહે સરકાર સાથેની વાતચીત બાદ ફેસબુકે પોતાનો નિર્ણય પરત લીધો હતો.
આ વાતચીતના આધારે સરકારે નીચલા ગૃહમાં જે કાયદો પ્રસ્તાવિત હતો તેમાં સંશોધન કર્યું છે. નવી જોગવાઈ અંતર્ગત બન્ને કંપનીઓને નવા કાયદા હેઠળ કેટલીક રાહતો મળી શકે છે.
જોકે, બન્ને કંપનીઓને મોટા ઑસ્ટ્રેલિયન પ્રકાશકોને આકર્ષક રકમ આપવા માટે પ્રતિબદ્ધ પણ કરવામાં આવી છે. આને મોટા ભાગે ટેક કંપનીઓ દ્વારા કરાયેલા કરાર તરીકે જોવામાં આવી રહ્યું છે.
ઑસ્ટ્રેલિયાનો આ નવો કાયદો વિશ્વભરમાં નિદેશકો માટે ડિજિટલ માધ્યમ પર સમાચાર માટે પૅમેન્ટનું મૉડલ સાબિત થઈ શકે એમ છે.
ગુરુવારે આ કાયદો હાઉસ ઑફ રિપ્રઝેન્ટેટિવ્સમાં પસાર કરાયો છે.

બિઝનેસ કરવો એ સરકારનું કામ નથી : વડા પ્રધાન મોદી

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ખાનગીકરણના વિષય પર યોજાયેલા એક વેબિનારમાં કહ્યું કે બિઝનેસ ચલાવવો સરકારનું કામ નથી.
વડા પ્રધાને જાહેર ક્ષેત્રની કંપનીઓ પર યોજાયેલા વેબિનારમાં કહ્યું કે બજેટ 2021-22માં ભારત ભારે વૃદ્ધિનો રસ્તો પકડી રહ્યું છે.
તેમણે કહ્યું, "સરકારનું કામ છે કે તે દેશના ઉદ્યોગસાહસ અને વેપારને સંપૂર્ણ સમર્થન આપે પરંતુ તે પોતે ઍન્ટરપ્રાઇઝ ચલાવે અને તેની માલિક બની રહે, આજના યુગમાં ન તો આ સંભવ છે અને ન જરૂરી છે. એટલા માટે હું કહું છું કે સરકારનો બિઝનેસ સાથે કોઈ સંબંધ ન હોવો જોઈએ."
પીએમ મોદીએ કહ્યું, "સરકારનું કામ લોકોના કલ્યાણ અને વિકાસ સાથે જોડાયેલી યોજના પર જ રહેવું જોઈએ."
તેમણે કહ્યું, "નુકસાન કરી રહેલાં જાહેર ક્ષેત્રના ઉપક્રમોને નાણાકીય સમર્થન મળવાથી અર્થવ્યવસ્થા પર બોજ પડે છે. સરકારી કંપનીઓ માત્ર એટલે ન ચલાવી જોઈએ કે તે વારસામાં મળી છે."
નોંધનીય છે કે સરકારી કંપનીઓને ખાનગી હાથમાં આપવાના અને રોકાણ વધારવા માટે વિપક્ષ કેન્દ્રની મોદી સરકારની ટીકા કરી રહ્યો છે.

ગુજરાતમાં વિદેશથી આવતા મુસાફરોને કોરોના ટેસ્ટ ફરજિયાત

ઇમેજ સ્રોત, getty Images
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર આરોગ્યમંત્રાલયની ગાઇડલાઈન પ્રમાણે બ્રિટન, યુરોપ, દોહા, અબુ ધાબી, સારજાહ અને મસ્કત જેવાં રાષ્ટ્રોમાંથી આવતા લોકો માટે કોરોના વાઇરસનું પરીક્ષણ કરાવવું ફરજિયાત કરી દેવાયું છે.
આ લોકોના કોરોના ટેસ્ટ કરવાની વ્યવસ્થા અમદાવાદ ઍરપોર્ટ પર પણ કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રાલયની ગાઇડલાઈન પ્રમાણે, જે પણ મુસાફરો બ્રિટન, યુરોપ અને મિડલ ઇસ્ટમાંથી ભારતમાં આવી રહ્યા છે, તેમણે મુસાફરી શરૂ થાય તે પહેલાંના 72 કલાકની અંદર કોરોના વાઇરસનો આરટી પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે.
તેમણે પોતાના નેગેટિવ રીપોર્ટને ઍરપોર્ટની વેબસાઇટ પર અપલૉડ કરવો પડશે. ઉપરાંત તેમણે એવું લખાણ આપવું પડશે કે તેઓ 14 દિવસ માટે ક્વોરૅન્ટિનમાં રહેશે અથવા પોતાની જાતનું ધ્યાન રાખશે.
આ ઉપરાંત ભારતમાં ઊતરીને ઍરપૉર્ટ પર પણ પોતાના ખર્ચે પરીક્ષણ કરાવવું પડશે. ઍરપોર્ટ પર પરીક્ષણનો નમૂનો આપ્યા પછી જ બહાર નીકળી શકાશે.

1 માર્ચથી રસીકરણના બીજા તબક્કાની શરૂઆત

ઇમેજ સ્રોત, Reuters
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર સરકાર કોરોના વાઇરસના રસીકરણના બીજા તબક્કાની શરૂઆત પહેલી માર્ચથી કરી રહી છે.
બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી વધારે ઉંમરના કૉમોર્બિડીટી ધરાવતા દરદીને અત્યારે રસી આપવામાં આવશે.
કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે 11 હજાર સરકારી અને 20 હજાર ખાનગી હૉસ્પિટલોનાં કેન્દ્રો પર રસી આપવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે જે લોકોને સરકારી સ્થળો પર રસી આપવામાં આવશે તે મફતમાં આપવામાં આવશે, જ્યારે ખાનગી હૉસ્પિટલમાંથી જે લોકો રસી લેશે તેમણે રકમ ચૂકવવી પડશે.
ખાનગી હૉસ્પિટલમાં રસી માટે ચૂકવવાની રકમની જાહેરાત આગામી બે ત્રણ દિવસમાં કરવામાં આવશે.
આ તબક્કામાં સૈન્યના અધિકારીઓ, પોલીસ અને જેમને ચેપ લાગવાનું વધારે જોખમ છે એવાં જૂથોને રસી આપવામાં આવશે.

હાર્દિકેમહેસાણાની આસપાસ સભા કરી

ઇમેજ સ્રોત, HARDIK PATEL SOCIAL
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર પાટીદાર નેતા અને ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે મહેસાણાની નજીક પાટણમાં ચૂંટણીપ્રચાર કર્યો હતો.
2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન પછી હાર્દિક પટેલ પર જે કેસ થયો હતો, તેમાં મહેસાણામાં નહીં પ્રવેશવાની શરત સાથે જામીન મળ્યા હતા.
હાર્દિકે ચાણસમા અને પાટણમાં કુલ પાંચ સભા પોલીસપરવાનગી સાથે કરી હતી.
આ સભામાં હાર્દિકે મોટેરા સ્ટેડિયમના બદલાયેલા નામ અંગે કહ્યું, "ભાજપ સરદાર પટેલના નામ પર મત માગી રહ્યો છે અને હવે સરદારના વારસાનું અપમાન કરે છે."
"ગુજરાતની જનતા આ અપમાનને સહન નહીં કરે. ભારતરત્ન અને લોહપુરુષ સરદાર પટેલે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પર પ્રતિબંધ મૂક્યો હતો માટે તેમના વારસાનું હઠાવવા કામ કરે છે."

નામ પાછળ 'સિંહ' લખાવતા મારી નાખવાની ધમકી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર પાટણ તાલુકાના મૂળ હારીજના દલિત યુવકે પોતાના નામની પાછળ 'સિંહ' લગાવતા તેને જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
પીડિત વિવેક ભાતેસરા છેલ્લા છ મહિનાથી પોતાના પરિવાર સાથે અમદાવાદમાં રહે છે. તેમણે આરોપ મૂક્યો હતો કે એમને ગામમાં દરબાર સમાજ દ્વારા પરેશાન કરવામાં આવતા હતા માટે તેમણે ગામ છોડી દીધું હતું.
તેણે કહ્યું કે "ચાર લોકો મને ફોન કરીને જાતિની ગાળો આપતા અને મારી નાખવાની ધમકી આપતા હતા. તેમણે મને ધમકી આપી કે મારે ગામમાં આવું નહીં બાકી હત્યા કરી નાખવામાં આવશે."
વિવેકે કહ્યું કે મને એવી ધમકી આપી હતી કે "જો હું મારા નામમાંથી 'સિંહ' નહીં કાઢી નાખું તો અમદાવાદમાં આવીને મને મારી નાખશે."
આ રેકૉર્ડિંગ્સના આધારે વિવેકે અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












