દારા શિકોહ : નરેન્દ્ર મોદી સરકાર મુઘલ રાજકુમારની કબર કેમ શોધી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શકીલ અખ્તર
- પદ, બીબીસી ઉર્દૂ સંવાદદાતા
ભારત સરકાર 17મી સદીના મુઘલ શાહજાદા દારા શિકોહની કબરને શોધી રહી છે.
મુઘલ બાદશાહ શાહજહાંના સમયના ઇતિહાસકારોના લેખન અને કેટલાક દસ્તાવેજો પરથી જાણવા મળે છે કે દારા શિકોહને દિલ્હીમાં હુમાયુના મકબરામાં જ કોઈ જગ્યાએ દફન કરવામાં આવ્યા હતા.
મોદી સરકારે દારાની કબરને ઓળખવા માટે પુરાતત્ત્વવિદોની એક સમિતિ બનાવી છે. તેઓ કળા, સાહિત્ય અને વાસ્તુકળાના આધારે દારા શિકોહની કબરને ઓળખવા પ્રયાસ કરી રહ્યા છે.
દારા શિકોહ શાહજહાંના સૌથી મોટા પુત્ર હતા. મુઘલ પરંપરા પ્રમાણે પિતાના મૃત્યુ પછી તેઓ જ રાજગાદીના વારસદાર હતા.
પરંતુ શાહજહાં બીમાર પડ્યા બાદ તેમના બીજા પુત્ર ઔરંગઝેબે તેમને સિંહાસન પરથી હઠાવીને આગ્રામાં કેદ કરી લીધા.
ઔરંગઝેબે પોતાને બાદશાહ ઘોષિત કરી દીધા અને સિંહાસન માટે થયેલા યુદ્ધમાં દારા શિકોહને પરાજય આપીને તેમને જેલમાં પૂરી દીધા.
શાહજહાંના શાહી ઇતિહાસકાર મોહમ્મદ સાલેહ કમ્બોહ લાહૌરીએ પોતાના પુસ્તક 'શાહજહાંનામા'માં લખ્યું છે, "શાહજાદા દારા શિકોહને જ્યારે પકડીને દિલ્હી લાવવામાં આવ્યા ત્યારે તેમના શરીર પર મેલાં કપડાં હતાં. ત્યાંથી તેમને અત્યંત ખરાબ સ્થિતિમાં એક વિદ્રોહીની જેમ હાથી પર બેસાડીને ખિજરાબાદ લઈ જવામાં આવ્યા. થોડા સમય સુધી તેમને એક સાંકડી અને અંધારી જગ્યામાં કેદ રાખવામાં આવ્યા હતા. ત્યાર પછી થોડા જ દિવસોમાં દારા શિકોહના મોતનો હુકમ આપવામાં આવ્યો હતો."
તેઓ લખે છે, "કેટલાક જલ્લાદ દારા શિકોહની હત્યા કરવા માટે જેલમાં દાખલ થયા અને ક્ષણભરમાં તેમના ગળામાં ખંજર ભોંકીને તેમની હત્યા કરી દીધી. ત્યાર બાદ તે જ મેલાં અને લોહીથી લથબથ કપડાંમાં દારા શિકોહના મૃતદેહને હુમાયુના મકબરામાં દફન કરી દેવામાં આવ્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે જ સમયના અન્ય એક ઇતિહાસકાર મોહમ્મદ કાઝિમ ઇબ્ને મોહમ્મદ અમીન મુંશીએ પોતાના પુસ્તક "આલમગીરનામા"માં પણ દારા શિકોહની કબર વિશે લખ્યું છે.
તેઓ લખે છે, "દારાને હુમાયુના મકબરામાં એ ગુંબજ નીચે દફનાવવામાં આવ્યા હતા જ્યાં બાદશાહ અકબરના પુત્ર દાનિયાલ અને મુરાદને પણ દફન કરાયેલા છે. ત્યાર બાદ ત્યાં તૈમુરી વંશના બીજા શાહજાદા અને શાહજાદીઓને પણ દફન કરવામાં આવ્યા હતા."
પાકિસ્તાનના એક વિદ્વાન અહમદ નબી ખાને 1969માં લાહોરમાં "દીવાન-એ-દારા દારા શિકોહ" નામે એક સંશોધનપત્રમાં દારાની કબરની એક તસવીર પ્રકાશિત કરી હતી.
તેમણે જણાવ્યા પ્રમાણે ઉત્તર-પશ્ચિમ કક્ષમાં આવેલી ત્રણ કબરો પુરુષોની છે. તેમાંથી દરવાજા તરફની કબર દારા શિકોહની છે.

દારાની કબરને ઓળખવામાં કઈ મુશ્કેલી છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
હુમાયુના વિશાળ મકબરામાં હુમાયુ ઉપરાંત બીજા ઘણાની કબરો છે. તેમાંથી અત્યાર સુધીમાં માત્ર મકબરાની વચ્ચે આવેલી હુમાયુની કબરની જ ઓળખ થઈ ચૂકી છે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ઇતિહાસકાર પ્રોફેસર શિરિન મૌસવી જણાવે છે, "હુમાયુના મકબરામાં બીજી કોઈ પણ કબર પર કોઈ શિલાલેખ નથી. તેથી કઈ કબરમાં કોને દફન કરાયા છે તેની ખબર નથી."
સરકારે દારાની કબરની ઓળખ કરવા માટે પુરાતત્ત્વવિદોની જે ટીમ બનાવી છે તેમાં પુરાતત્ત્વવિભાગના ભૂતપૂર્વ પ્રમુખ ડૉક્ટર સૈયદ જમાલ હસન પણ સામેલ છે.
તેઓ કહે છે, "અહીં લગભગ દોઢસો કબરો છે જેમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. ઓળખ મેળવવાનો આ પ્રથમ પ્રયાસ છે."
તેઓ કહે છે કે, "હુમાયુના મકબરાના મુખ્ય ગુંબજ નીચે જે કક્ષ બનેલા છે ત્યાં અમે કબરોનું નિરીક્ષણ કરીશું. તે કબરોની ડિઝાઇન જોવામાં આવશે. ક્યાંક કંઈ લખાણ જોવા મળે તો તેની તપાસ કરીશું. કળા અને વાસ્તુકળાના દૃષ્ટિકોણથી અમે દારાની કબરને ઓળખી શકાય તે માટે પ્રયત્ન કરીશું."
તેમનું માનવું છે કે આ કામ બહુ મુશ્કેલ છે.

મોદી સરકાર શા માટે કબરની તલાશ કરી રહી છે?

દારા શિકોહ શાહજહાંના વારસદાર હતા. તેઓ ભારતના એક એવા બાદશાહ બનવાનું સ્વપ્ન જોઈ રહ્યા હતા જેઓ શાસન કરવાની સાથે સાથે ફિલસૂફી, સુફીવાદ અને આધ્યાત્મિકતાના પણ જાણકાર હોય.
તેમના વિશે ઉપલબ્ધ માહિતી પ્રમાણે તેઓ પોતાના સમયના અગ્રણી હિંદુઓ, બૌદ્ધો, જૈનો, ખ્રિસ્તીઓ અને મુસ્લિમ સુફી સંતો સાથે ધાર્મિક ચર્ચા કરતા હતા. ઇસ્લામ ઉપરાંત તેઓ હિંદુ ધર્મમાં પણ ઊંડો રસ ધરાવતા હતા અને તેઓ બધા ધર્મોને સમાનતાની નજરે જોતા હતા.
તેમણે બનારસના પંડિતોને બોલાવ્યા હતા અને તેમની મદદથી હિંદુ ધર્મના ઉપનિષદોનો ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો.
ઉપનિષદોનો ફારસી અનુવાદ યુરોપ સુધી પહોંચ્યો. ત્યાંથી તેનો લેટિન ભાષામાં અનુવાદ થયો જેના કારણે ઉપનિષદો આંતરરાષ્ટ્રીય સ્તરે સુપ્રસિદ્ધ થયા.
ભારતમાં દારા શિકોહને એક ઉદાર વ્યક્તિત્વ ગણવામાં આવે છે.
ભારતમાં હિંદુતરફી ઝુકાવ ધરાવતા ઇતિહાસકારો અને બુદ્ધિજીવીઓનું માનવું છે કે ઔરંગઝેબની જગ્યાએ દારા શિકોહ મુઘલ સલ્તનતની ગાદી પર બેઠા હોત તો દેશની સ્થિતિ બિલકુલ અલગ હોત.
આ ઇતિહાસકારો ઔરંગઝેબને એક "કઠોર, કટ્ટરવાદી અને ભેદભાવ રાખનાર" મુસલમાન માને છે.

તેમની માન્યતા પ્રમાણે ઔરંગઝેબ હિંદુઓને નફરત કરતા હતા અને તેમણે ઘણાં મંદિરો પણ તોડાવ્યાં હતાં. હાલના રાજકીય પરિદૃશ્યમાં આ ધારણા વધારે મજબૂત થઈ છે.
બીબીસીએ જે ઇતિહાસકારો સાથે વાત કરી તેમનું માનવું છે કે ઔરંગઝેબથી વિપરીત દારા શિકોહ હિંદુ ધર્મથી પ્રભાવિત હતા. તેઓ હિંદુઓની ધાર્મિક માન્યતાઓનું સન્માન કરતા હતા.
હિંદુ વૈચારિક સંગઠન આર એસ એસ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સત્તાધારી પક્ષ ભાજપે ભારતમાં મુસ્લિમોના શાસનના લગભગ 700 વર્ષના ગાળાને 'હિંદુઓની ગુલામીના યુગ'તરીકે ગણાવ્યો છે.
આધુનિક સમયમાં મુસ્લિમ શાસકોના યુગને, ખાસ કરીને મુઘલ શાસકો અને ઘટનાઓને ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ નફરત પેદા કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
હવે એવું ચિત્ર પેદા કરવાનો પ્રયાસ થાય છે કે હાલના મુસ્લિમોની સરખામણીમાં દારા શિકોહ ભારતની માટીમાં વધુ સારી રીતે ભળી ગયા હતા.

મોદી સરકાર દારાની કબર પર શું કરશે?

ઇમેજ સ્રોત, OXFORD
મોદી સરકાર દારા શિકોહને એક આદર્શ અને ઉદાર મુસ્લિમ વ્યક્તિ માને છે. તેથી તેઓ દારાને મુસલમાનો માટે આદર્શ બનાવવા માંગે છે.
મુઘલ શાહજાદાની કબર શોધાઈ જાય ત્યાર પછી તેમના વિચારોને ઉજાગર કરવા માટે ત્યાં ધાર્મિક સદ્ભાવનાનો કોઈ વાર્ષિક ઉત્સવ અથવા કાર્યક્રમ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
સત્તાધારી ભાજપના નેતા સૈયદ ઝફર ઇસ્લામ કહે છે કે, "દારા શિકોહ એક એવી વ્યક્તિ હતી જેમણે તમામ ધર્મોનો અભ્યાસ કર્યો અને એક શાંતિ અભિયાન ચલાવ્યું હતું. તેઓ બધા ધર્મોને સાથે રાખીને ચાલવામાં માનતા હતા. તેમણે તેનું પરિણામ ભોગવવું પડ્યું હતું. આજના મુસ્લિમ સમાજમાં પણ દારા શિકોહ જેવા વિચારો અને સમજણની ખાસ આવશ્યકતા છે."
દારા શિકોહને મુસ્લિમો માટે એક આદર્શના રૂપમાં રજૂ કરવાનો વિચાર એ ધારણા પર આધારિત છે કે મુસલમાનો ભારતના ધર્મો અને અહીંનાં રીત-રિવાજોમાં સંપૂર્ણપણે ભળી શક્યા નથી, તથા તેઓ તેને અપનાવી શક્યા નથી.
જોકે, કેટલાક વિવેચકો એવો સવાલ પણ પૂછે છે કે દારા શિકોહને તેમની ઉદારતા અને ધાર્મિક એકતાના વિચારો બદલ માત્ર મુસ્લિમોના જ રોલ મૉડેલ શા માટે બનાવવા? તેમને આખા દેશ માટે રોલ મૉડેલ શા માટે ન બનાવવા જોઈએ?

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














