નંદિતા અઢિયા : ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કોચની રાજકોટથી યુએઈ સુધીની સફર

નંદિતા અઢિયા

ઇમેજ સ્રોત, NANDITA ADHIYA

ઇમેજ કૅપ્શન, શારજાહમાં મૅચ પ્રૅક્ટિસ સમયે ગ્રાઉન્ડ પર કોચિંગ કરી રહેલા નંદિતા અઢિયા
    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી સંવાદદાતા

"બાળપણમાં હું છોકરાઓ સાથે જ ક્રિકેટ રમતી અને છોકરાઓનો ડ્રેસ પહેરીને જ સ્કૂલે જવાની જીદ કરતી. મારી ટીમે હાલ યુએઈના શારજાહમાં ચાલી રહેલી ટુર્નામેન્ટમાં વિજય મેળવી લીધો છે એટલે મારા માટે આ ખૂબ જ ખુશીની વાત છે." બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં યુએઈથી નંદિતા અઢિયાએ ગર્વભેર ઉપરના શબ્દો વ્યક્ત કર્યા.

ગતરોજ તેમની ટીમ 'ટ્રૅઇલબ્લેઝર્સ'એ ટુર્નામેન્ટમાં વિજય મેળવ્યો તેનો ઉત્સાહ તેમના શબ્દોમાં પણ ઝળકી રહ્યો હતો.

અત્રે નોંધવું કે યુએઈમાં વિમૅન ટી-20 ચેલેન્જ ટ્રૉફી ચાલી રહી છે. તેમાં ભારતની ટીમનાં ખેલાડી સ્મૃતિ મંધાના કપ્તાની સંભાળી રહ્યાં છે અને કોચિંગ ગુજરાતનાં નંદિતા અઢિયા કરી રહ્યાં છે.

યુએઈના ક્રિકેટમંચ પર ગુજરાતી મહિલા કોચની ભાગીદારી એક નોંધપાત્ર બાબત છે. વળી નંદિતા અઢિયાના કોચિંગ હેઠળ ટીમે ટુર્નામેન્ટ નામે પણ કરી લીધી છે.

એક રીતે જોઈએ તો ક્રિકેટને મોટાભાગે 'પુરુષપ્રભુત્ત્વ'વાળી રમત ગણવામાં આવે છે પરંતુ ગુજરાતના રમતજગતનું આ નામ ક્રિકેટમાં વિદેશની ધરતી ઝળકી રહ્યું છે.

ગુજરાતના જૂનાગઢમાં જન્મેલાં એક મહિલા કઈ રીતે રાજકોટથી યુએઈ સુધી રમતજગતની સફર ખેડે છે એ જાણવું ખરેખર રસપ્રદ છે.

line

...જ્યારે ક્રિકેટર બનવાનો ઈરાદો કર્યો

નંદિતા અઢિયા

ઇમેજ સ્રોત, NANDITA ADHIYA

તેમની કહાણી વિશે નંદિતા અઢિયા કહે છે, "શરૂઆત તો બાળપણથી જ થઈ ગઈ હતી પણ કૉલેજની મૅચ બાદ એક ઇરાદો કર્યો કે સ્પોર્ટમાં જ કારકિર્દી બનાવવી છે અને આજે મને ક્રિકેટમાં 25 વર્ષ થઈ ગયાં."

"જુનાગઢમાં જન્મી હતી અને ત્યાં જ છોકરાઓ સાથે નાનપણમાં ક્રિકેટ રમતી હતી. સ્કૂલમાં પણ છોકરાઓનો ડ્રેસ પહેરીને જ જવાની જીદ કરતી. પછી રાજકોટ આવી અને ક્રિકેટમાં વધુ મહેનત કરી. યુએઈનો પ્રવાસ ક્રિકેટ કોચ તરીકે મારું પહેલું ઇન્ટરનેશનલ અસાઇન્મૅન્ટ છે."

"મને મારાં માતા-પિતાએ સપોર્ટ કર્યો એટલે હું અહીં સુધી પહોંચી શકી. તેમણે મને ઘણું પ્રોત્સાહન આપ્યું હતું. વળી મારા પતિ પણ ઘણો ટેકો કરે છે અને તેઓ ખુદ પણ બાળકોને ક્રિકેટ શિખવે છે."

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કોચ નંદિતા

ઇમેજ સ્રોત, Bipin Tankariya

"મારા પિતા બૅન્કમાં કામ કરતા હતા, તેમને સ્પોર્ટમાં કંઈક કરવું હતું પણ ન કરી શક્યા એટલે તેમણે મને પ્રોત્સાહન આપ્યું કે હું સ્પોર્ટમાં મારાં સપનાં પૂરાં કરું."

"હાલ હું બીસીસીઆઈ ક્વૉલિફાઇડ કોચ છું અને સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશન સાથે જોડાયેલી છું. મેં છેલ્લે બાંગ્લાદેશ સામે 2011માં ફ્રેન્ડલી વન-ડે મૅચ રમી હતી. પછી હું કોચિંગમાં જોડાઈ ગઈ."

"મેં મુંબઈમાં પણ ટુર્નામેન્ટ રમી છે અને ડૉમેસ્ટિક તથા સિનિયર મહિલા ટીમમાં પણ ભાગ લીધો છે. ગત જાન્યુઆરીમાં 'ઇન્ડિયા એ' ટીમનું પણ કોચિંગ કર્યું હતું. એમાં પણ અમારી ટીમનો જ વિજય થયો હતો."

line

નંદિતા અઢિયાની ક્રિકેટ સફર

નંદિતા અઢિયા

ઇમેજ સ્રોત, NANDITA ADHIYA

નંદિતા અઢિયાની ક્રિકેટર તરીકેની પ્રોફાઇલની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનની વેબસાઇટ અનુસાર તેમણે સિનિયર વીમૅન ટીમમાં 22 વન-ડે મૅચ રમી છે અને કુલ 388 રન કર્યા છે. સાથે આ જ શ્રેણીમાં કુલ 10 ટી-ટ્વેન્ટી મૅચ પણ રમી છે અને તેમાં 142 રન કર્યા છે.

બૉલિંગ પરફૉર્મન્સની વાત કરીએ તો સિનિયર વીમૅન કૅટેગરીમાં 22 વન-ડેમાં 16 વિકેટ જ્યારે ટી-ટ્વેન્ટીમાં 9 વિકેટ લીધી છે.

તેમણે વર્ષ 2009થી 2012 સુધી વેસ્ટઝોન માટે વન-ડે ટુર્નામેન્ટ માટે અંડર-19 ગર્લ ટીમનું કોચિંગ પણ કર્યું હતું.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે વધુમાં જણાવ્યું, "સમાજમાં એવી માન્યતા છે કે સ્પોર્ટમાં કારકિર્દી નથી અને વળી મહિલાઓ માટે તો આ ક્ષેત્રને એટલું અનુકૂળ નથી માનવામાં આવતું. પણ હવે સ્થિતિ બદલાઈ રહી છે. જોકે સૌરાષ્ટ્રમાં હજુ પણ આ ક્ષેત્રમાં વધુ સુધારની જરૂર છે."

નંદિતા અઢિયા

ઇમેજ સ્રોત, NANDITA ADHIYA

ગુજરાતમાં એક મહિલા ખેલાડી માટે સ્પોર્ટમાં કારકિર્દી બનાવવા સંદર્ભે કેવું વાતાવરણ મળે છે એના વિશે વાત કરતાં તેમણે કહ્યું,"રાજ્યમાં હવે છોકરીઓ રસ લઈ રહી છે પણ માતાપિતા સપોર્ટ કરે એ ખૂબ જ મહત્ત્વની બાબત છે. ફિટનેસ પણ એટલી જ અગત્યની છે."

"જોકે મૅચ ઓછી હોવાથી પ્રૅક્ટિસ ઓછી થાય છે અને એટલું ઍક્સપોઝર નથી મળતું. મેદાન પણ જોઈએ એટલી સંખ્યામાં નથી પણ બીસીસીઆઈ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશન ઘણો ટેકો કરી રહ્યાં છે. તેમનું યોગદાન પણ ઘણું લાભદાયી થઈ રહ્યું છે."

"વર્ષ 2006 પહેલાં મહિલા ક્રિકેટનું અલગ બોર્ડ હતું પણ પછી તેને બીસીસીઆઈમાં ભેળવી દેવાયું. ત્યાર પછી બીસીસીઆઈ મહિલા ક્રિકેટનું સંચાલન કરે છે."

line

'અમે પતિ-પત્ની બંને ક્રિકેટમાં સક્રિય છીએ'

નંદિતા અઢિયા

ઇમેજ સ્રોત, NANDITA ADHIYA

આ દરમિયાન બીબીસીએ રાજકોટમાં રહેતા નંદિતા અઢિયાના પતિ કૌશીક અઢિયા સાથ પણ વાતચીત કરી.

તેમણે કહ્યું કે તેઓ ખુદ સ્પોર્ટમાં રસ ધરાવે છે અને બંને પતિ-પત્ની સ્પોર્ટ્સમાં જ સક્રિય છે. તેઓ એકબીજાને આ માટે પ્રોત્સાહિત પણ કરે છે.

કૌશીક અઢિયાએ કહ્યું,"લગ્ન થયાં તે પહેલાંથી જ તે ક્રિકેટ રમે છે. મને પણ ક્રિકેટમાં રસ છે. અમે બંને એકબીજાને ટેકો આપીએ છીએ."

line

કોરોનાના સમયમાં શારજાહમાં ક્રિકેટનો અનુભવ કેવો રહ્યો?

નંદિતા અઢિયા

ઇમેજ સ્રોત, NANDITA ADHIYA

કોરોના વાઇરસના સમયમાં ક્રિકેટની ટુર્નામેન્ટનું આયોજન અને એ પણ વિદેશની ધરતી પર તે રમાઈ રહી છે, તેનો અનુભવ કેવો રહ્યો તેના વિશે પૂછતાં નંદિતા અઢિયા કહે છે કે અત્યાર સુધી તમામના 7-8 ટેસ્ટ થઈ ચૂક્યા છે.

તેમણે ઉમેર્યું,"અહીં ઘણી કાળજી લેવાઈ રહી છે. અમે મુંબઈમાં અને દુબઈમાં ક્વૉરન્ટિન રહ્યાં તથા એક બ્લૂટુથ ટ્રૅકર છે. અમે અમારી હોટલના ઝોન અને ગ્રાઉન્ડ સિવાય ક્યાંય જતાં નથી તેનું ટ્રૅકિંગ છે. બીસીસીઆઈ સંપૂર્ણ કાળજી લઈ રહ્યું છે."

અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે નંદિતા અઢિયાએ અંડર-19, અંડર-23 ટીમ અને સિનિયર વીમૅન ટીમની ઝોનલ ટીમનું પણ કોચિંગ કર્યું છે.

આગામી અસાઇનમેન્ટ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું,"ડૉમેસ્ટિક અને અન્ય ટુર્નામેન્ટ યોજાઈ શકે છે. સાથે સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસિસિયેશનમાં પણ છોકરીઓનું કોચિંગ કરવાનું છે. મારી એક સ્ટુડન્ટ જયશ્રી જાડેજા અંડર-19 અને સિનિયર સુધી રમી છે એ મારા માટે ખુશીની વાત છે."

line

'સ્પોર્ટમાં કારકીર્દિ બની શકે છે'

નંદિતા અઢિયા

ઇમેજ સ્રોત, NANDITA ADHIYA

ગુજરાતમાં ક્રિકેટ કે સ્પોર્ટમાં ઝંપલાવવાં માગતી છોકરીઓ વિશે તેમણે કહ્યું કે સ્પોર્ટમાં માતાપિતાનો સપોર્ટ અને ફિટનેસ ઘણી મહત્ત્વની છે.

તેમણે કહ્યું,"મહેનત કરવી પડે છે. પૅશન હોય તો ચોક્કસ સફળતા મળે છે. સ્પોર્ટમાં કારકીર્દિ બની શકે છે."

નંદિતા અઢિયા ઍર-ઇન્ડિયાની ટીમ, મુંબઈ સિનિયર વીમૅન ટીમ, સૌરાષ્ટ્રની ટીમ સહિતની ટીમોમાં એક ખેલાડી તરીકે પણ રમી ચૂક્યાં છે.

વળી તેઓ વર્ષ 2016માં ભારતમાં યોજાયેલ આઈસીસી ટીટ્વેન્ટી વિશ્વકપમાં ઑસ્ટ્રેલિયન વીમૅન ક્રિકેટ ટીમનાં લાયઝન ઑફિસર પણ રહી ચૂક્યાં છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો