બિહારની ચૂંટણીની એ તમામ ખાસ વાતો જે તમારે જાણવી જરૂરી છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં કોરોના રોગચાળો ફેલાયેલો છે, ત્યારે બિહાર એ પ્રથમ રાજ્ય છે જ્યાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે.
નીતીશકુમારના નેતૃત્વ હેઠળનાં 15 વર્ષના શાસનને પડકારવા માટે વિપક્ષોનું મહાગઠબંધન ચૂંટણી મેદાનમાં ઊતર્યું છે. એટલું જ નહીં, કેટલાંક નવાં ગઠબંધનો પણ આ વખતે પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે.
એક નજર બિહાર વિધાનસભા ચૂંટણીની એ બાબતો પર નાખીએ જે જાણવી તમારા માટે જરૂરી છે.

બિહારમાં ચૂંટણી ક્યારે છે?
- 28 ઑક્ટોબર, 3 નવેમ્બર અને 7 નવેમ્બરે મતદાન થશે.
- 28 ઑક્ટોબરે પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 71 બેઠકો પર મતદાન થશે.
- 3 નવેમ્બરે બીજા તબક્કામાં 17 જિલ્લાની 94 બેઠકો પર મતદાન થશે.
- 7 નવેમ્બરે ત્રીજા તબક્કામાં 15 જિલ્લાની 78 બેઠકો પર મતદાન થશે.
- 10 નવેમ્બરે મતગણતરી થશે. બિહારમાં આ વખતે કુલ મતદારોની સંખ્યા લગભગ 7 કરોડ 30 લાખ છે.

2015ની બિહાર વિધાનસભાનું ચિત્ર

બિહારની વિધાનસભાનો કાર્યકાળ 29 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. બિહારમાં વિધાનસભાની કુલ 243 બેઠકો છે અને સરકારની રચના કરવા માટેનો જાદુઈ આંકડો 122 છે.
બિહારમાં હાલમાં જનતાદળ યુનાઇટેડ (જેડીયુ) અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. જેડીયુના નેતા નીતીશકુમાર રાજ્યના મુખ્ય મંત્રી છે જ્યારે ભાજપના નેતા સુશીલકુમાર મોદી ઉપમુખ્ય મંત્રી છે.
2015માં નીતીશકુમારની આગેવાની હેઠળ જેડીયુએ લાલુ પ્રસાદ યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતાદળ સાથે ચૂંટણી લડી હતી.
તે સમયે જેડીયુ, આરજેડી, કૉંગ્રેસ અને બીજા પક્ષોએ મળીને એક મહાગઠબંધનની રચના કરી હતી. આ લોકોએ સાથે મળીને સરકાર બનાવી. નીતીશકુમાર મુખ્ય મંત્રી બન્યા અને લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવ તેમાં ઉપમુખ્ય મંત્રી હતા.
2017માં નીતીશકુમારે આરજેડી સાથે છેડો ફાડી નાખ્યો અને ભાજપ સાથે મળીને સરકાર બનાવી. તે સમયે ભાજપ પાસે 53 ધારાસભ્યો હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસે ગઈ ચૂંટણી આરજેડી, જેડીયુ અને અન્ય દળોના ગઠબંધન સાથે મળીને લડી હતી અને તેને 27 બેઠકો મળી હતી. ભાજપના સહયોગી પક્ષ લોકજનશક્તિ પાર્ટીને માત્ર બે બેઠક મળી હતી.

2020માં ગઠબંધનનું ચિત્ર

ઇમેજ સ્રોત, PARWAZ KHAN/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
આ વખતની ચૂંટણીમાં ચાર ગઠબંધન મેદાનમાં છે. એનડીએ અને મહાગઠબંધન ઉપરાંત બિહારમાં આ વખતે ગ્રાન્ડ ડેમૉક્રેટિક સેક્યુલર ફ્રન્ટ અને પ્રગતિશીલ લોકતાંત્રિક ગઠબંધન એવા છે જે ચૂંટણી અગાઉ જ રચાયાં છે.
સત્તામાં પરત આવવા કોશિશ કરતા આરજેડીએ ગઈ ચૂંટણીમાં જ ગઠબંધન બનાવ્યું હતું. ભાજપ અને જેડીયુને સિંહાસન પરથી હટાવવા માટે મહાગઠબંધને આ વખતે ડાબેરી પક્ષોનો ટેકો પણ લીધો છે.
કૉંગ્રેસ પહેલેથી તેમની સાથે છે. મહાગઠબંધનમાં આરજેડી 144 બેઠકો પર, કૉંગ્રેસ 70 બેઠકો પર અને ડાબેરી પક્ષો 29 બેઠકો પર ચૂંટણી લડવાની છે.
એનડીએના ગઠબંધનમાં આ વખતે ભાજપ અને જેડીયુ ઉપરાંત વીઆઇપીના મુકેશ સાહની, હિંદુસ્તાની અવામી મોરચાના જીતનરામ માંઝી પણ સામેલ થઈ ગયા છે.
એલજેપી આ વખતે ગઠબંધનનો હિસ્સો નથી. આ પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ચૂકી છે.
જેડીયુ 122 બેઠકો પર ચૂંટણી લડશે અને ભાજપ 121 બેઠક પર લડશે.
જેડીયુએ પોતાના ખાતામાંથી સાત બેઠકો જીતનરામ માંઝીની હમ પાર્ટીને આપી છે જ્યારે ભાજપે મુકેશ સાહનીના વીઆઈપીને પોતાના હિસ્સામાંથી 11 બેઠકો ફાળવી છે.
મહાગઠબંધન અને એનડીએ ઉપરાંત એક ત્રીજું ગઠબંધન પણ છે. રાલોસપાના ઉપેન્દ્ર કુશવાહા, બહુજન સમાજવાદી પાર્ટીના માયાવતી, એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી, જનવાદી પાર્ટી સોશિયાલિસ્ટના સંજય ચૌહાણ અને સોહેલદેવ ભારતીય સમાજ પાર્ટીએ પણ ગઠબંધન બનાવ્યું છે, જેને ગ્રાન્ડ ડેમૉક્રેટિક સેક્યુલર ફ્રન્ટનું નામ અપાયું છે.
જનઅધિકાર પાર્ટી (લોકતાંત્રિક)ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવે પ્રગતિશીલ લોકતાંત્રિક ગઠબંધન એટલે કે પીડીએ બનાવવાની જાહેરાત કરી છે.
આ ગઠબંધનમાં ચંદ્રશેખર આઝાદના અધ્યક્ષપદ હેઠળ આઝાદ સમાજ પાર્ટી, એમકે ફૈઝીના નેતૃત્વ હેઠળ સોશિયલ ડેમૉક્રેટિક પાર્ટી ઑફ ઇન્ડિયા એટલે કે એસડીપીઆઈ અને બીપીએલ માતંગની બહુજન મુક્તિ પાર્ટી સામેલ છે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ હવે આ ગઠબંધનનો ભાગ નથી.
બિહારમાં મુખ્ય ટક્કર એનડીએ અને મહાગઠબંધન વચ્ચે થવાની છે.

ચૂંટણીના મેદાનમાં મુખ્ય ચહેરા

ઇમેજ સ્રોત, HIND
મહાગઠબંધનના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર તેજસ્વી યાદવ રાધોપુર બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે તેમના મોટા ભાઈ તેજ પ્રતાપે પોતાનું વિધાનસભા ક્ષેત્ર મહુઆથી બદલીને હસનપૂર રાખ્યું છે. આ બંનેની હાર-જીત પર સૌની નજર રહેશે.
બીજી તરફ એનડીએએ સ્પષ્ટ જણાવ્યું છે કે તે નીતીશકુમારના નેતૃત્વમાં જ ચૂંટણી લડશે. જેડીયુ તરફથી ચૂંટણી મેદાનમાં જે નામ સૌથી વધારે ચર્ચિત છે તેમાં લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવના સસરા ચંદ્રિકા રાય સૌથી મહત્ત્વપૂર્ણ છે.
ચંદ્રિકા રાય આ અગાઉ રાષ્ટ્રીય જનતાદળમાં રહી ચૂક્યા છે. તેઓ આરજેડીના મંત્રી પણ હતા. ચંદ્રિકા રાયનાં મોટાં દીકરી ઐશ્વર્યાનાં લગ્ન તેજ પ્રતાપ સાથે થયાં હતાં. આરજેડીના નેતા રઘુવંશ પ્રતાપ સિંહના પુત્રને પણ જનતાદળ યુનાઇટેડએ પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
જેડીયુએ મુઝફ્ફરપુર બાલિકાગૃહ મામલામાં વિવાદમાં આવેલા મંજુ વર્માને પણ ઉમેદવાર બનાવ્યા છે. બાલિકાગૃહ મામલામાં મંજુ વર્માએ મંત્રીપદ ગુમાવવું પડ્યું હતું. હવે તેમને ચેરિયાબરિયારપુરથી ફરીથી ટિકિટ મળી છે.
બિહારના ડીજીપીના પદ પરથી વીઆરએસ લઈને જનતાદળ (યુનાઇટેડ)થી રાજકીય સફર શરૂ કરનારા ગુપ્તેશ્વર પાંડેને બક્સર બેઠક પર ટિકિટ નથી મળી. અગાઉ તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડશે તેવી શક્યતા વ્યક્ત કરાતી હતી.
બિહારની ચૂંટણીમાં આ વખતે એક ચર્ચિત ચહેરો પુષ્પમ પ્રિયા ચૌધરીનો પણ છે. પોતાની જાતને બિહારના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ગણાવતા પુષ્પમ પ્રિયા ચૌધરી પટનાના બાંકીપુર અને મધુબનીના બિસ્ફી વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડશે. પુષ્પમ પ્રિયા જેડીયુના એમએલસી રહી ચૂકેલા વિનોદ ચૌધરીનાં પુત્રી છે.
પુષ્પમ પ્રિયાએ ધોરણ 12 સુધીનો અભ્યાસ દરભંગામાં કર્યો હતો ત્યારપછી તેઓ વિદેશ ભણવા જતાં રહ્યાં હતાં. લંડનથી ભણીને પરત આવ્યાં તો સીધા ચૂંટણીના જંગમાં સામેલ થઈ ગયાં. આ ચૂંટણીમાં તેમણે પ્લુરલ્સ નામે એક પક્ષ બનાવ્યો છે.
રાષ્ટ્રમંડળ રમતો (કૉમનવેલ્થ ગેમ્સ)માં સુવર્ણપદક વિજેતા શ્રેયસી સિંહ જમુઈની વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. શ્રેયસી એ બિહારના રાજકારણમાં દાદાના નામથી જાણીતા દિગ્વિજય સિંહનાં પુત્રી છે.

આ વખતની ચૂંટણીની ખાસિયત

ઉમેદવારો ઉપરાંત રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન પર પણ આ વખતની ચૂંટણીમાં સૌની નજર રહેશે.
ચિરાગ આ સમયે બિહારની જમુઈ લોકસભા બેઠક પર સાંસદ છે. પરંતુ તેમના નેતૃત્વમાં લોક જનશક્તિ પાર્ટી કેવો દેખાવ કરે છે તે જેવાનું રસપ્રદ રહેશે. તેમની રાજકીય કારકિર્દી માટે આ ચૂંટણી ખૂબ મહત્ત્વની ગણવામાં આવે છે.
ચૂંટણીથી બરાબર વીસ દિવસ અગાઉ એલજેપીના નેતા અને કેન્દ્રીયમંત્રી રામવિલાસ પાસવાનનું નિધન થયું હતું.
ચિરાગ પાસવાને આ વખતે એનડીએમાં સામેલ ન થઈને અલગ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. પિતાના વારસાને ચિરાગ કઈ રીતે આગળ લઈ જાય છે તે જોવું રસપ્રદ હશે.
બિહાર વિધાનસભાની આ ચૂંટણી એટલા માટે પણ મહત્ત્વની હશે, કારણ કે લાલુ યાદવ તેમાં ચૂંટણીપ્રચારથી દૂર રહેવાના છે.
લાલુ યાદવ અત્યારે જેલમાં છે. ગઈ વિધાનસભા ચૂંટણી વખતે તેઓ ઘણા સક્રિય હતા અને એવું માનવામાં આવે છે કે ગઠબંધનમાં નીતીશકુમારને લાવવામાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી.
આ ઉપરાંત બિહાર ચૂંટણીમાં પહેલી વાર ગાંધી મેદાનમાં લાખોની મેદનીને સંબોધિત કરતી ચૂંટણી સભાઓ નહીં યોજાય. ડિજિટલ રેલીઓની સાથે ચૂંટણીપ્રચારની આખી પદ્ધતિ જ બદલાઈ ગઈ છે.

ચૂંટણી આ મુદ્દા પર લડવામાં આવી રહી છે

ઇમેજ સ્રોત, SANTOSH KUMAR/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
કોરોના રોગચાળા વચ્ચે યોજાઈ રહેલી આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. રોગચાળાના ડરના કારણે કેટલા મતદારો મતદાનમથક સુધી પહોંચે છે તે જોવાનું રહેશે.
રાજ્ય સરકારે બિહારમાં આ રોગચાળો ફેલાતો અટકાવવા કેવા પગલાં લીધાં છે અને લોકો તેના કામથી કેટલા ખુશ છે તે પણ પરિણામો પરથી ખબર પડી જશે.
નીતીશ સરકાર 15 વર્ષથી સત્તા પર છે અને તે સત્તાવિરોધી લહેરનો સામનો પણ કરે છે.
બિહારના અસ્થાયી શિક્ષકોમાં 'સમાન કામ સમાન વેતન' ન મળવા અંગે નારાજગી છે. બેરોજગારી, શિક્ષણ અને આરોગ્ય ઉપરાંત પ્રવાસી મજૂરોનો મુદ્દો પણ આ ચૂંટણીમાં જોરશોરથી ઉઠાવવામાં આવી રહ્યો છે.
કોરોનાના કારણે લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂરો રાજ્યમાં પરત આવી ગયા છે. તેમની પાસે હાલમાં કોઈ કામધંધો નથી. તેમનો મત પણ આ વખતની ચૂંટણીમાં ઘણો મહત્ત્વનો માનવામાં આવે છે.
ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના મામલે લાભ લેવાનો એક પ્રયાસ પણ જોવા મળ્યો છે.

આ ચૂંટણીનું રાષ્ટ્રીય મહત્ત્વ

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
દેશના રાજકારણમાં બિહારનું મહત્ત્વ કોઈથી છૂપું નથી. કેન્દ્રમાં કૉંગ્રેસનાં મૂળિયાં હચમચાવી નાખનાર જેપી આંદોલનની શરૂઆત પણ અહીંથી થઈ હતી.
અહીં રાજ્ય અને રાષ્ટ્રીયસ્તરની ચૂંટણીમાં વોટિંગ પેટર્નમાં જમીન આસમાનનો તફાવત જોવા મળે છે.
2019ની લોકસભાની ચૂંટણીમાં એનડીએએ 40માંથી 39 બેઠકો પર વિજય મેળવ્યો હતો. શું એનડીએ ગઠબંધન આ ચૂંટણીમાં પણ તે પ્રદર્શન દોહરાવી શકશે, તે વાત પર સૌની નજર રહેશે.
જેપી નદ્દા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા ત્યારપછી આ બીજી વિધાનસભા ચૂંટણી છે.

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
આ અગાઉ દિલ્હીની ચૂંટણી થઈ હતી જેમાં ભાજપે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે તેમનું નસીબ પણ દાવ પર છે.
સીએએ-એનસીઆરનો વિરોધ, 370ની નાબૂદી, નવા કૃષિ ખરડાનો વિરોધ-એનડીએના બીજા કાર્યકાળમાં કેન્દ્ર સરકાર માટે આ તમામ વિવાદાસ્પદ નિર્ણયોને જનતા કેવી રીતે જુએ છે, તેની અસર પણ ચૂંટણીમાં જોવા મળશે.
સૌથી મોટી વાત એ છે કે પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ નીતીશકુમારે કોરોના રોગચાળાનો જે રીતે સામનો કર્યો છે તેનાથી જનતા ખુશ છે કે નહીં, તે વાત આ ચૂંટણીના પરિણામ પરથી જાણી શકાશે.

કોરોના સંબંધિત માર્ગદર્શિકા

ઇમેજ સ્રોત, BBC/NEERAJ PRIYADARSI
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલી કોરોના માર્ગદર્શિકાનું પણ પરીક્ષણ થશે. આ માર્ગદર્શિકા સપ્ટેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવી હતી. તે મુજબઃ
ઉમેદવારીપત્ર ભરતી વખતે ઉમેદવારની સાથે માત્ર બે વ્યક્તિ હાજર રહેશે. ઉમેદવાર ઑનલાઇન પણ ઉમેદવારી દાખલ કરી શકે છે. તેઓ ચૂંટણી લડવા માટેની ડિપૉઝિટની રકમ પણ ઑનલાઇન જમા કરાવી શકે છે.
- રોડ શો દરમિયાન કોઈ પણ ઉમેદવાર વધુમાં વધુ પાંચ વાહનોનો ઉપયોગ કરી શકશે.
- મતદાનના દિવસે કોઈ મતદારમાં કોરોના વાઇરસનાં લક્ષણ જોવા મળશે તો તેમને એક ટોકન આપવામાં આવશે અને તે ટોકન દ્વારા તે મતદાનના અંતિમ કલાકમાં પોતાનો મત આપી શકશે.
- ઇવીએમ મશીનમાં મતદાન કરતાં પહેલાં મતદારોને પહેરવા માટે હાથમોજાં આપવામાં આવશે.
- એક મતદાનમથક પર વધુમાં વધુ એક હજાર મતદારો વોટ આપી શકશે. અગાઉ મતદારોની મહત્તમ સંખ્યા 1,500 હતી.
- તમામ મતદારોએ માસ્ક પહેરીને આવવું ફરજિયાત હશે. ઓળખની ચકાસણી કરવા માટે આ માસ્ક થોડી વાર માટે દૂર કરવાનું રહેશે.
- કોરોના સંક્રમિત અને ક્વૉરેન્ટીનમાં રહેલા દર્દીઓએ આરોગ્ય અધિકારીઓની હાજરીમાં મતદાનના છેલ્લા કલાકમાં વોટ આપવાની છૂટ મળશે. આ દરમિયાન સંક્રમણ રોકવા માટેના તમામ પગલાં લેવામાં આવશે.
- રોગચાળાના કારણે મતદાનનો સમય એક કલાક વધારી દેવાયો છે. હવે અત્યંત સંવેદનશીલ ક્ષેત્રોને બાદ કરીને મોટાં ભાગનાં મતદાનકેન્દ્રો પર મતદાન સવારના સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી થશે.
જોકે, આ માર્ગદર્શિકામાં વર્ચ્યુઅલ રેલી અને ડિજિટલ કેમ્પેઇન વિશે કંઈ જણાવાયું નથી. પરંતુ રાજ્યના નવ વિરોધપક્ષોએ ભાજપના ડિજિટલ કેમ્પેઇન પર સવાલ ઉઠાવીને જુલાઈ મહિનામાં ચૂંટણીપંચ સમક્ષ એક રજૂઆત કરી હતી


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












