ગુજરાત પેટાચૂંટણી: દરેક ચૂંટણીમાં ચર્ચાતો બેરોજગારીનો મુદ્દો ઉકેલાતો કેમ નથી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં ચૂંટણીઓ હોય કે ભારતના અન્ય રાજ્યમાં ચૂંટણીઓ હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય, બેરોજગારીનો મુદ્દો હંમેશાં ચર્ચામાં રહેતો હોય છે.
આ મુદ્દે શાસક અને વિપક્ષ આમનેસામને જ રહેતા હોય છે. ઘણી વખત મીડિયામાં પણ બેરોજગારીના દર અથવા આંકડાઓ જાહેર થાય ત્યારે હૅડલાઇન્સ બને છે.
જોકે તેમ છતાં આ મુદ્દાનો નિવેડો નથી આવતો. આવું કેમ છે?
સૌપ્રથમ તો રાજ્યમાં બેરોજગારી વિશે વાત કરીએ તો નિષ્ણાતોના મતે નોટબંધી, જીએસટીના અવ્યવસ્થિત અમલીકરણ ઉપરાંત કોરોના વાઇરસની મહામારીથી સર્જાયેલી આર્થિક સમસ્યાઓને પગલે વેપાર-ધંધા, કંપનીઓને માઠી અસર થઈ છે.
સેન્ટર ફૉર મૉનિટરિંગ ધ ઇન્ડિયન ઇકૉનૉમી (પ્રાઇવેટ એજન્સી)ના ડેટા અનુસાર ભારતમાં લૉકડાઉન દરમિયાન બેરોજગારીનો દર 27.1 હતો. કોરોનાને કારણે ભારતમાં અંદાજે 12.2 કરોડ લોકોએ રોજગારી ગુમાવી છે.
મીડિયા, ઍવિએશન, રિટેલ, હૉસ્પિટલિટી, ઑટોમોબાઇલ્સ સહિતના ક્ષેત્રોમાં સામૂહિક છટણીઓ થયાના અહેવાલ પણ નોંધાયા છે.
ઉપરાંત ઘણા મીડિયમ અને સ્મૉલ સ્કૅલ બિઝનેસને પણ મોટો ફટકો પડ્યો છે.
ગુજરાત સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડાની વાત કરીએ તો રાજ્યમાં 4.58 લાખ લોકો બેરોજગાર છે. જેમાં શિક્ષિત-અર્ધશિક્ષિત બેરોજગારો પણ સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

બેરોજગારીના આંકડા અને વિવાદ

ઇમેજ સ્રોત, DINESHBAMBHANIAOFFICIAL/FB
વળી 2017-18ના NSSO(નેશનલ સૅમ્પલ સર્વે ઑફ ઇન્ડિયા)ના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં બેરોજગારીની ટકાવારી વધી હતી.
વર્ષ 2011-12માં ગુજરાતમાં બેરોજગારી 0.5 ટકા હતી જે વધીને 2017-18માં 4.8 ટકા થઈ હતી.
ઉપરાંત વર્ષ 2017-18ના આંકડા પ્રમાણે શહેરી વિસ્તારમાં બેકારીનું પ્રમાણ 5.2 ટકા અને ગ્રામ્ય વિસ્તારમાં બેકારીનું પ્રમાણ 4.3 ટકા હતું. બીજી તરફ ગુજરાતના યુવાવર્ગમાં બેકારીનું પ્રમાણ પણ વધ્યું હતું.
રિપોર્ટ મુજબ ગ્રામ્ય વિસ્તારમાં યુવાવર્ગની બેરોજગારીની ટકાવારી 2011-12માં 0.8 ટકા હતી જે વધીને 2017-18માં 14.9 ટકા થઈ ગઈ હતી.
જ્યારે શહેરી વિસ્તારમાં યુવાવર્ગની બેરોજગારી 2011-12માં 2.1 ટકા હતી જે વધીને 2017-18માં 10.7 ટકા થઈ હતી.

ઇમેજ સ્રોત, DINESHBAMBHANIAOFFICIAL/FB
અહેવાલ મુજબ ગુજરાતમાં સ્નાતક સુધીનો અભ્યાસ ધરાવતા 9.1 ટકા, અનુસ્નાસ્તક સુધીનો અભ્યાસ ધરાવતા 12.8 ટકા લોકો બેરોજગાર હતા.
ઉલ્લેખનીય છે કે NSSOના આ રિપોર્ટને નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે ફગાવી દીધો હતો.
આ રિપોર્ટ પ્રમાણે દાવો કરાયો હતો કે 2017-18માં બેરોજગારીનો દર છેલ્લાં 45 વર્ષોની તુલનામાં સૌથી વધારે રહ્યો હતો.
જે પછી જાન્યુઆરી 2019માં નીતિ આયોગના વાઇસ ચૅરમૅન રાજીવ કુમારે આ રિપોર્ટ વિશે કહ્યું હતું કે 'રિપોર્ટની ખરાઈ થઈ નથી અને આ રિપોર્ટ માટે ઉપયોગમાં લેવાયેલા ડેટાની પણ ખરાઈ થઈ નથી.'
જોકે બીજી તરફ NSSO સાથે જોડાયેલા બે અધિકારીઓએ રાજીનામાં આપતાં કહ્યું હતું કે સરકાર તેમના રિપોર્ટને જાહેર કરવાની ના પાડી રહી છે.

'ચૂંટણીમાં મુદ્દો ચર્ચાય છે પણ કેન્દ્રમાં નથી રહેતો'

ઇમેજ સ્રોત, Getty Images
ચૂંટણી સમયે હંમશાં ચર્ચાતા મુદ્દાનો નિવેડો કેમ નથી આવતો એ મામલે બીબીસીએ આર્થિક બાબતોના જાણકાર એવા અર્થશાસ્ત્રના પ્રોફેસર હેમંતકુમાર શાહ સાથે વાતચીત કરી.
તેમણે કહ્યું, "ભારતની કે ગુજરાતની કોઈ પણ ચૂંટણીમાં બેકારીના મુદ્દે ઘણો ચગ્યો હોય એવું બન્યું નથી. જો બેકારી મુખ્ય મુદ્દો બને, જે 1980 પછી યુરોપની મોટાભાગની ચૂંટણીઓમાં બન્યું હતું તો ચોક્કસ કંઈક પરિણામ આવી શકે છે. જેમ કે યુકે. સ્પેન, ફ્રાન્સ, ગ્રીસ જેવા મોટાદેશોમાં છેલ્લા 40 વર્ષોમાં મોટાભાગે બેકારીનો મુદ્દો કેન્દ્રમાં રહ્યો છે. જે ભારતના કિસ્સામાં નથી બન્યું."
"2019માં મુદ્દો રહ્યો પણ એટલો મુદ્દો બન્યો નહીં. પાર્ટીઓ ચૂંટણીઢંઢેરામાં વચનો આપે છે બેકારી દૂર કરવા પણ પણ થતું નથી. કેમ કે રાજકીય પ્રતિબદ્ધતા નથી જોવા મળતી. ખરેખર પાર્ટી ગમે તે હોય પણ રોજગાર ઊભો કરવા તેમની પાસે જે વિઝન જોઈએ તે નથી. કૉંગ્રેસે 2004માં આ દૃષ્ટિ બનાવી. જેમાં કૉમન મિનિમમ એજન્ડા જાહેર કરી નરેગા લાવી કાયદો પસાર કર્યો."

ઇમેજ સ્રોત, Getty Images
"વર્ષ 2009માં જીત્યા બાદ કૉંગ્રેસના ઘણા ઉમેદવારોએ કહ્યુ હતું કે અમે નરેગાના કારણે જીત્યા. એટલે કે 2005માં કમિટમેન્ટ આવ્યું સરકારમાં જેથી રિઝલ્ટ આવ્યું. પછી મુદ્દા વિખેરાઈ ગયા. વર્ષ 2014માં તો આ મુદ્દો જ ગાયબ થઈ ગયો."
"તમારી દૃષ્ટિ રોજગારી સર્જન પર સતત હોવી જોઈએ. 2003 પછી વાઇબ્રન્ટ શરૂ થઈ પછી 2017 સુધી કરોડોના રોકાણના આંકડા આવ્યા પણ આટલા વર્ષોમાં 17 લાખ રોજગારી સર્જાઈ. એટલે વર્ષમાં વધારાની 1 લાખ રોજગારી કરી, જ્યારે ગુજરાતમાં દર વર્ષે 8 લાખની વસતી વધે છે. પણ સામે માત્ર 1 લાખની રોજગારી સર્જાઈ. જોકે આ વાઇબ્રન્ટના સંદર્ભનો આંકડો છે. વધુમાં સાચી વાત એ છે કે સરકારોએ આ મુદ્દાને પ્રાયોરિટી નથી આપી."
આ સમસ્યા વિશે વધુ પ્રકાશ પાડતા તેમણે કહ્યું, "ઑટેમેશનવાળી ઇન્ડસ્ટ્રી આવી રહી છે. એટલે તેના માટે કામદારો ઓછા જોઈએ. આ સ્થિતિના કારણે ઊદભવેલી સમસ્યા દૂર કરવા રોજગારીભથ્થુ આપવું જોઈએ. કેમ કે આ પ્રકારની બેકીરને માળખાગત બેકારી કહેવાય છે."
તેમણે વધુમાં ઉમેર્યું, "MSMEમાં 40 ટકા રોજગારી ઊભી થાય છે. પણ તેની વ્યાખ્યા બદલી નાખી અને 250 કરોડનું ટર્નઑવર નક્કી કરાયું. આનાથી સૂક્ષ્મ ઇન્ડસ્ટ્રી ખલાસ થઈ જાય. વળી બિનસંગઠીક્ષેત્રમાં સરકારના દાવા મુજબ 88 ટકાને રોજગારી મળે છે. એટલે હવે શ્રમપ્રધાનવાળી તકનીકને મહત્ત્વ આપવું પડશે. અને જો સંગઠિત ક્ષેત્રાં વધારો કરવો હોય તો પછી બેકારી ભથ્થું આપવું પડશે."

રોજગારી અને સંઘર્ષ

ઇમેજ સ્રોત, AFP
જોકે 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ મુજબ ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી નીચો છે. અહેવાલ મુજબ ગુજરાતમાં આ દર 3.4 ટકા છે. તેના એક વર્ષ અગાઉ આ આંકડો 4.5 ટકા હતો. જોકે આ શહેરી વિસ્તારોનો આંકડો છે.
અત્રે એ પણ નોંધવું કે ગુજરાતમાં રોજગારીની સમસ્યા અને ક્વૉટા મામલે પાટીદાર આંદોલન પણ થયું હતું. તથા ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ અને સમયસર સરકારી નોકરીઓના ઑર્ડર ન નિકળતા હોવાના મુદ્દાઓ સાથે યુવાઓએ પ્રદર્શનો પણ કરતા જોવા મળ્યા છે.
જેમાં એલઆરડી (લોક રક્ષક દળ)ની ભરતી પરીક્ષાનો વિવાદ તેનું તાજુ ઉદાહરણ છે.

'માત્ર ચૂંટણીલક્ષી નહીં પણ માળખાગત ફેરફાર કરવા પડશે'

આ સમગ્ર બાબતે ગુજરાત સરકારમાં કૅબિનેટ મંત્રી રહી ચૂકેલા અને આર્થિક બાબતોના નિષ્ણાત ડૉ. જયનારાયણ વ્યાસ સાથે પણ બીબીસીએ વાતચીત કરી.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ભારતની મોટાભાગની વસતી 35 વર્ષથી ઓછી ઉંમરની છે. એટલે કે યુવા છે. જેઓ અર્થ એ થયો કે રોજગારીની જરૂર મોટાપાયે છે. એટલે આ બાબત પડકારજનક છે એ સ્વાભાવિક બાબત છે.
"વળી બીજી તરફ આ મુદ્દાને ઍડ્રેસ કરવા માટે શિક્ષણ નીતિમાં માળખાગત ફેરફારો કરવા પડશે. જેમાં ગુણવત્તાની સાથે સાથે સ્કિલ્સને પણ મહત્ત્વ આપવું પડશે. બાળકને સ્કૂલ શિક્ષણમાં જ કોઈ એક વૉકેશનલ તાલીમ આપી દેવી પડશે."
"વળી ફરજિયાત કૉલેજ શિક્ષા કરતા સ્કિલ્સ અને નૉલેજ આધારિત શિક્ષણની પદ્ધતિ વિકસાવવી પડશે. તેનાથી વ્યક્તિને રોજગારી મેળવવામાં પણ સરળતા રહેશે. જે સંસ્થાઓ સારું શિક્ષણ આપે છે તેમને પૂરતું ભંડોળ આપી તેનું યોગ્ય સંચાલન થવું જોઈએ. જેમ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજી. કેમ કે મોટી સંખ્યામાં કૉલેજ ખોલી દેવાથી સમસ્યાનું નિરાકરણ નહીં આવે. ઉલટ આવું કરવાથી તેની ગુણવત્તા પર અસર થશે. જે પરિણામે વ્યક્તિને રોજગારી મેળવવામાં મુશ્કેલી પેદા કરશે."

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે ઉમેર્યું, "ઉપરાંત વિશ્વની ટોચની યુનવર્સિટીઓની યાદીમાં ભારતની યુનિવર્સિટીઓ કેમ સ્થાન નથી પામી શકતી તે વિશે પણ વિચારવું પડશે. સારી યુનિવર્સિટી એક ઍમ્પ્લોયૅબલ વ્યક્તિ તૈયાર કરી શકે છે."
"મહત્ત્વની વાત એ છે કે ગ્રામ્ય અને કૃષિ ક્ષેત્ર રોજગારી આપવા મામલે 50 ટકાનું ભારણ ઊઠાવે છે. જો આવું ન થાય તો તમે વિચારી શકો કે શું હાલત થઈ શકે છે. કેમ કે મોટાભાગે બિનસંગઠીત ક્ષેત્રો વધુ પ્રમાણમાં રોજગારી આપે છે. એટલે એટલે જ તેને મજબૂત કરવા જોઈએ."
"આ મુદ્દાન માત્ર રાજકીય દૃષ્ટિથી ન જોવો જોઈએ તેને ટૅકનિકલી પણ ઍડ્ર્સ કરવો પડશે."

'નાના વેપાર-ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું પડે'

ઇમેજ સ્રોત, AFP
દરમિયાન દક્ષિણ ગુજરાત ચૅમ્બર્સ ઑફ કૉમર્સના પ્રમુખ દિનેશ નાવડિયાનું કહેવું છે કે સરકારે ખરેખર તેના નીતિગત નિર્ણયોમાં આ મુદ્દે ગંભીર વિચાર કરવો પડશે.
તેમણે કહ્યું, "સરકાર રિઝર્વ બૅન્ક પાસે સરપ્લસ ભંડોળ માગે છે. પણ તેનું મૉનિટરિંગ કોણ કરશે. સરકાર આ પૈસા ક્યા વાપરે છે, ક્યાં રોકે છે એ મહત્ત્વનું છે. કેમ કે નાના ઉદ્યોગોને સ્વંતત્ર કરવાથી જ રોજગારી સર્જાશે. મોટી ઇન્ડસ્ટ્રી મોટાપાયે રોજગારીઓ નથી આપતી."
"સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી સીધી રીતે 15 લાખ લોકોને રોજગારી આપે છે. સરકારે જો આટલા પાયે રોજગારી સર્જન કરવું હોય તો કેટલાય કરોડનું રોકાણ કરવું પડે. તો જો આવી ઇન્ડસ્ટ્રી સક્રિય છે તો તેને ધિરાણમાં અને તેને સરળતા રહેવી તેની નીતિઓ બનાવવી જોઈએ."
"ચૂંટણીઢંઢેરામાં સ્પષ્ટ રીતે આ બાબતોનો સમાવેશ થવો જોઈએ. માત્ર ચૂંટણી સમયે ચર્ચાઓ કે વાયદાથી આ મુદ્દાનું નિરાકરણ નહીં આવશે."
"તમે નાના બિઝનેસ કે વેપારીને જેટલો સ્વતંત્ર અને મજબૂત કરશો એટલી જ સારી રીતે એ પોતાનો બિઝનેસ વિકસાવી શકશે. જેથી રોજગારી સર્જાશે અને ઇકૉનૉમી માટે પણ સારું રહેશે."

બેરોજગારી, યુવાનો અને રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images
બેરોજગારીના મુદ્દે કેટલાક યુવાઓએ પણ બાયો ચડાવી ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયારી દાખવી છે. આ મામલે બીબીસીએ આ યુવાઓ સાથે વાતચીત કરી હતી.
જેમાં તેમણે પણ બેરોજગારીનો મુદ્દો હંમેશાં ચર્ચામાં આવે છે પરંતુ પછી વિસરાઈ જતો હોવાની વાત કહી હતી.
અત્રે નોંધવુ કે બેરોજગારીની અસર સામાજિક અને આર્થિક બંન્ને મોરચે થતી હોવાથી આ મુદ્દો ચૂંટણીમાં પ્રચાર વેળા આકર્ષક બાબત રહેતો હોય છે. પરંતુ વાસ્તવિકતા તપાસવામાં આવે તો આંકડા મોટાભાગે ચિંતાજનક જ જોવા મળતા હોય છે.
'ફાયનાન્સિયલ એક્સપ્રેસ'ના એક અહેવાલમાં ઇકૉનૉમિક ઇન્ટલિજન્સ યુનિટના રિપોર્ટને ટાંકીને કહેવાયું છે કે ભારતમાં અર્થવ્યવ્થાની ગતિમાં ઘડાટો અને બેરોજગારીના મુદ્દાઓને કારણે દેશનું રાજકારણ યુવાઓની આર્થિક અસુરક્ષાની બાબતોના અનુસંધાને આકાર લઈ રહ્યું છે.
અહેવાલ મુજબ બેરોજગારી અને શિક્ષિત બેરોજગારોની સમસ્યા ભારતીય રાજકારણમાં એક મહત્ત્વનો પ્રશ્ન છે અને તેને લાંબો સમય સુધી પડતર રાખવામાં આવશે તો તેની અસર ભારતીય રાજકારણમાં ચોક્કસપણે જોવા મળશે.

ઇમેજ સ્રોત, Getty Images
બીજી તરફ મોદી સરકારે પણ આર્થિક દરજ્જાના આધારે અનામત તથા સ્કિલ્સ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા સહિતની યોજનાઓ અને પગલા છેલ્લા કેટલાક વર્ષોમાં અમલમાં લીધા છે.
તેમ છતાં બેરોજગારીનો મુદ્દો ચૂંટણીઓમાં છવાયેલો રહે છે. જોકે 'ઇકૉનૉમિક ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર ચૂંટણીમાં બેરોજગારીનો મુદ્દો ભલે ચર્ચામાં રહેતો હોય પણ ચૂંટણીના પરિણામો સાથે તેનો કોઈ સીધો સંબંધ નથી રહ્યો.
રિપોર્ટમાં કહેવાયું છે કે બેરોજગારી હંમેશાં એક મુદ્દો રહ્યો છે પણ કોઈ પણ પક્ષ તેના માટે કોઈ નક્કર સૉલ્યુશન નથી આપી શક્યો.
જોકે કેટલાક નિષ્ણાતો માને છે કે ફૉર્મલ સેક્ટર એટલે કે સંગઠિત ક્ષેત્રમાં રોજગારીનું પરફૉર્મન્સ સુધરી રહ્યું છે. જેમાં કર્મચારી ભવિષ્યનિધિ ભંડોળ એટલે પીએફના આંકડાઓનું વિશ્લેષણ દર્શાવે છે કે આ ક્ષેત્રમાં નોકરીઓ વધી છે.
બીજી તરફ વિશ્લેષકોનું એવું પણ માનવુ છે કે ક્યારેય બિનસંગઠિત ક્ષેત્રમાંથી વ્યક્તિ સંગઠીત ક્ષેત્રમાં આવે છે એટલે આ માત્ર રોજગારીની ગુણવત્તા સુધરી કહેવાય, તેને રોજગારીનું સર્જન ન કહેવાય. એટલે આ પ્રકારના ડેટાને માત્ર એક આધાર માનીને ન ચાલી શકાય.
વળી બેરોજગારીના આંકડાઓ ભેગા કરવાની બાબત વિશે ડૉ. જયનારાયણ વ્યાસનું કહેવું છે કે ખરેખર સરકાર જે લોકો બેરોજગાર તરીકે તેમની વેબસાઇટ કે કચેરીમાં નામ નોંધાવે તેમની જ ગણતરી કરે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














