ગુજરાતમાં તલાટીઓની સોંગદનામાની સત્તા સામે વકીલો વિરોધ કેમ કરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, CHANDRAKANT SONI
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
તાજેતરમાં જ ગુજરાત સરકારે 'ડિજિટલ સેવા સેતુ' પ્રોજેક્ટ લૉન્ચ કર્યો છે. જેમાં 22 પ્રકારની સેવાઓ ગુજરાતનાં ગામડાંમાં ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ રહેશે.
જેમકે આવકનો દાખલો, જાતિનો દાખલો, રાશનકાર્ડ સંબંધિત સેવાઓ. આમ કુલ 22 પ્રકારની સેવાઓ તેમાં સામેલ કરાઈ છે. પરંતુ આ સેવાઓ મામલે સરકારે જારી કરેલા એક પરિપત્રને કારણે વિવાદ સર્જાયો છે.
પરિપત્ર અનુસાર ઉપરોક્ત રેશનકાર્ડમાં નામ ઉમેરવું, રેશનકાર્ડમાંથી નામ કમી કરવું, રેશનકાર્ડમાં નામ બદલવું, નવું રેશનકાર્ડ કઢાવવું, ડુપ્લિકેટ રેશનકાર્ડ કઢાવવું, રેશનકાર્ડમાંથી નામ અલગ કરવું, વિધવા સહાયનો દાખલો, ટેમ્પરરી રહેણાંકનો દાખલો, આવકનો દાખલો, બિનઅનામત જ્ઞાતિનો દાખલો, સિનિયર સિટિઝનનો દાખલો, ભાષાકીય લઘુમતીનું સર્ટિફિકેટ, ધાર્મિક લઘુમતીનું સર્ટિફિકેટ, વિમુક્ત-વિચરતી જ્ઞાતિનું સર્ટિફિકેટ, મુખ્યમંત્રી કૃષિ સહાય, વિધવા સહાય અંગેની એફિડેવીટ, રેશન કાર્ડ સંબંધિત એફિડેવીટ, જ્ઞાતિ સર્ટિફિકેટ અંગેની એફિડેવીટ, નામ બદલવા અંગેની એફિડેવીટ વગેર સહિતની સેવાઓ આવરી લેવામાં આવી છે. આ 22 સેવાઓ માટે જરૂરી સોગંદનામા (નોટરી)ની સત્તા સરકારે ગ્રામ પંચાયત અધિકારી એટલે કે તલાટી-કમ-મંત્રીને આપી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
કહેવાય છે કે ગામડાની વ્યક્તિને ગામમાં જ સેવાનો સીધો ત્વરિત લાભ મળે એટલે આ પગલું લેવાયું છે.
પરંતુ રાજ્યની વકીલઆલમમાં તેના અલગ પડઘા પડ્યાં છે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં વકીલ અને નોટરી ઍસોસિયેશન સરકારના આ પગલાનો વિરોધ કરી રહ્યા છે.

'સરકારનો પરિપત્ર ગેરકાનૂની છે'

ઇમેજ સ્રોત, CHANDRAKANT SONI
સુરત ડિસ્ટ્રિક્ટ 'નોટરી વૅલ્ફેર ઍસોસિયેશન'ના પ્રમુખ ચંદ્રકાન્ત સોનીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે રાજ્ય સરકારે જારી કરેલો પરિપત્ર ખરેખર ગેરકાનૂની છે.
તેમણે કહ્યું, "કેન્દ્ર સરકારના વિવિધ કાયદાઓ અનુસાર નોટરી અને સોગંદનામાની સત્તા માત્ર ગેૅઝેટેડ અધિકારી અથવા લશ્કરના અધિકારી અથવા નોટરીને જ હોય છે. સરકારે કાયદો બદલ્યા વગર જ મનસ્વીપણે આ નિર્ણય કર્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"વળી સરકાર કાયદો બદલીને આવો નિર્ણય કરે તો પણ અમને મંજૂર નથી. કેમ કે નોટરી કરવા માટે એક લાયકાત તો હોવી જોઈએ. વળી સરકારે જે પરિપત્ર કર્યો છે તેમાં જે કલમનો ઉલ્લેખ છે તે અનુસાર કોઈ પણને આવી રીતે સત્તા ન આપી શકાય."
"અમારે બાર કાઉન્સિલ સાથે વિચારણા ચાલી રહી છે. જો યોગ્ય લાગશે તો આગળ કાનૂની લડાઈ પણ લડીશું અને પ્રદર્શન પણ કરીશું. હાલ તો અમે સ્થાનિક વહીવટીતંત્રને અમારી રજૂઆત કરી છે."
"રાજ્યમાં માત્ર અમે જ નહીં પણ અમદાવાદ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં નોટરી વકીલો આનો વિરોધ કરી રહ્યા છે. વળી આખા દેશમાં ગુજરાતમાં જ તલાટીને આવી સત્તા અપાઈ છે."

તલાટી મંડળનું શું કહેવું છે?

અત્રે નોંધવું કે 8 ઑક્ટોબરે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ડિજિટલ સેવા સેતુ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો હતો. જેના અંતર્ગત 2021 સુધીમાં 14000 ગ્રામ પંચાયતોને તેમાં જોડી લેવાશે એવી જાહેરાત કરાઈ હતી.
જે પરિપત્રથી વિવાદ થયો છે અને પરિપત્ર અનુસાર તલાટીને સત્તા અપાઈ છે આથી બીબીસીએ તલાટી મંડળ સાથે વાત કરવાની કોશિશ કરી.
નવસારી જિલ્લા તલાટી-કમ-મંત્રી મંડળના પ્રમુખ કેતન પટેલે આ મામલે કહ્યું,"સરકારે અમને સત્તાઓ આપી છે તે માત્ર 22 સેવાકીય પ્રવૃત્તિઓ માટે જ છે. તેનાથી અમે કોર્ટમાં રજૂ કરવાં પડતાં ઍફિડેવિટ નથી કરી શકવાના."
તેમણે વધુમાં કહ્યું, "એક તો લોકોએ તાલુકા કક્ષાએ 15-20 કિલોમીટર દૂર જવું પડતું હતું, આમ લોકોનો સમય અને પૈસા બચી જશે. ઉપરાંત નોટરી માટે ઓછામાં ઓછો 300 રૂપિયાનો ખર્ચ અને આવવા જવાનો ખર્ચ થતો. એ પણ બચી જશે અને કામ સરળતાથી તથા ઝડપી થશે."
"વળી જ્યાં સુધી નોટરીની સત્તા અને કાયદાકીય જ્ઞાનની વાત છે તો અમને ખરેખર માત્ર સેવાકીય બાબતો જે પ્રોજેક્ટમાં લૉન્ચ કરાઈ છે તેનું સોગંદનામું કરવાની જ સત્તા અપાઈ છે. જેમાં અમારે ટાઇપ કરીને કોઈ નવું સોગંદનામું નથી કરવાનું. સેવાઓ માટે સરકારે આપેલા તેયાર નમૂના પર જ કામ કરવાનું છે. અમે ભાડાકરારો કે કોર્ટમાં રજૂ કરવા માટે જરૂરી સોગંદનામાં નથી કરી શકતા."

'નોટરીની બધી સત્તાઓ નથી અપાઈ'

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે ઉમેર્યું, "ઉદાહરણ તરીકે તલાટી-કમ-મંત્રીને 5 લાખની આવક સુધીનો આવકનો દાખલો કાઢી આપવાની સત્તા આપી છે. પરંતુ તે સાધારણ યોજનાઓ માટે જ માન્ય ગણાય છે..બાકી અન્ય મહત્ત્વની યોજનાઓનો લાભ મેળવવા માટે સક્ષમ અધિકારીઓ દ્વારા ઇસ્યૂ થયેલો દાખલો જ માન્ય ગણાય છે."
જોકે, સરકારની કેટલીક નીતિ સામે સવાલ કરતાં તેમણે વધુમાં કહ્યું,"સરકાર તલાટીઓને સોગંદનામાની સત્તા આપી રહી છે અને પ્રજાલક્ષી કામો સરળ બનાવવાની કામગીરી કરવા પ્રયત્ન કરે છે પરંતુ બીજી તરફ અમારી કેટલીક માગણીઓ પડતર છે તેનો નિકાલ નથી થઈ રહ્યો."
'ફિક્સ પે' સંબંધિત નીતિને લઈને પ્રમોશન અને સિનિયોરિટી મામલે બેવડા ધોરણો સરકાર અપનાવતી હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો.

'તલાટી સત્તાનો દુરુપયોગ ન કરે તે મહત્ત્વનું'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
અમદાવાદના સેન્ટર ફૉર સોશિયલ જસ્ટિસના ડાયરેક્ટર નૂપુરનું કહેવું છે કે ગામડામાં ગામસ્તરે જ સુવિધા મળી જાય એ પગલું સારું છે.
જોકે, કામગીરીની પારદર્શિતા મામલે તેમણે ચિંતા વ્યક્ત કરી.
તેમણે કહ્યું, "સત્તા તો આપવામાં આવી છે. પરંતુ સોગંદનામું કરવું એ સાધારણ બાબત નથી. તેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય એની કાળજી રાખવી પડે. આથી આ મુદ્દો જરૂર સવાલ ઊભો કરે છે કે તલાટી-કમ-મંત્રી સત્તાનો દુરુપયોગ ન કરે."
પ્રોજેક્ટ લૉન્ચ સમયે પત્રકારપરિષદમાં પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશે કહ્યું હતું કે પ્રોજેક્ટ હેઠળ આવતી 22 પ્રકારની સેવા માટે જરૂરી સોગંદનામું અને શપથની સુવિધા ગ્રામ પંચાયતમાં જ મળી રહે એટલા માટે તેની સત્તા તલાટી-કમ-મંત્રીને આપવામાં આવી છે.

સરકારનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, DIGITALINDIA.GOV.IN
દરમિયાન રાજ્ય સરકારના મુખ્ય સચિવ અનિલ મુકિમે એ સમયે કહ્યું હતું કે સરકારનો આ રેડિકલ ઇનિશિએટિવ છે. 15 વર્ષ પહેલા વિચારી પણ નહોતા શકતા કે આવું કંઈક લૉન્ચ કરી શકીએ છીએ. પણ આ શક્ય બન્યું છે.
તેમણે કહ્યું હતું, "આનાથી સામાન્ય જનતાએ તાલુકા-જિલ્લા સુધી નહીં આવવું પડે અને જનતાને અન્ય પરેશાનીઓથી છુટકારો મળશે. આ શરુઆત છે. ભારત અને ગુજરાત સરકાર મળીને અમલીકરણ કરી રહી છે."
"હવે નેટવર્ક, પ્લૅટફૉર્મ, કનેક્ટિવિટી, હાર્ડવેર, સૉફ્ટવેર અને મૅનપાવર છે એટલે હવે સંપૂર્ણ લૉજિસ્ટિક સપૉર્ટ ઉપલબ્ધ છે."
નોટરી વકીલ સમુદાયના વિરોધ અને વિવાદ મામલે પંચાયત સચિવની પ્રતિક્રિયા માટે બીબીસીએ અધિક સચિવ એ. કે. રાકેશની કચેરીનો સંપર્ક કર્યો. પરંતુ કોઈ પ્રતિક્રિયા મળી શકી નહી. એમની પ્રતિક્રિયા મળે સ્ટોરીને અપડેટ કરવામાં આવશે.

શું તલાટીને આવી સત્તા આપી શકાય?

ઇમેજ સ્રોત, Thinkstock
તલાટીને આપવામાં આવેલી આ સત્તા બાબતે જાણીતા વકીલ આનંદ યાજ્ઞિક સાથે પણ બીબીસીએ વાતચીત કરી.
તેમનું કહેવું છે કે જો ગામડાના વ્યક્તિને સરળતાથી સુવિધા મળી જતી હોય તો તે સારી જ બાબત છે.
તેમણે વધુમાં કહ્યું, "જોકે બીજી તરફ વાત એ છે કે શું ગૅઝેટેડ અધિકારી કે નોટરીની સોગંદનામા કરી આપવાવી સત્તા તલાટીને આપી શકાય? શું તેમનું ક્વૉલિફિકેશન આ માટે પૂરતું છે?"
"આ એક મહત્ત્વનો સવાલ છે. નોટરી માટે એક ખાસ પ્રક્રિયા છે, લાયકાત છે તેના ધોરણો છે. વળી વ્યક્તિની સત્યતા અને ખરાઈ કરવાની બાબત અત્યંત ગંભીર અને જવાબદારીપૂર્વકની છે. તો શું તલાટી કમ મંત્રીના હોદ્દા પર કામ કરતીવ્યક્તિ આ જવાબદારી નિભાવવા સક્ષમ છે?"
"જોકે એક વાત એ પણ છે કે ડિજિટલનો મતલબ જ એ છે કે કોઈ પણ પ્રકારનું વેરિફિકેશન ન કરાવવા જવું પડે. એટલે ખરેખર ડિજિટલ સેવાનો પૂરતો હેતુ સિદ્ધ જ નથી થઈ શકતો."

'પરિપત્ર વકીલોના હક પર તરાપ છે'

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
દરમિયાન સુરતના મહિલા વકીલ વૈશાલી દલાલ ખુદ નોટરી એડવોકેટ છે. તેમનું માનવું છે કે સરકાર એક પછી એક કરીને વકીલોના હક પર તરાપ મારી રહી છે.
તેમણે કહ્યું, "પહેલા તો સરકાર એક સોગંદનામા દીઠ તેનું પોતાનું 100 રૂપિયાનું નુકસાન કરી રહી છે. કેમ કે તલાટી સ્ટેમ્પપેપર નથી વાપરવાના એટલે સરકારી તિજોરીને એ મોટું નુકસાન છે."
"બીજું કે તલાટી કોઈ પણ પ્રકારનું રજિસ્ટર નહીં રાખે તો ભવિષ્યમાં ક્રોસ વેરિફિકેશન કરવું મુશ્કેલ થઈ જશે. સોગંદનામું કોઈ પણ સેવા માટે કરવાનું હોય પણ તેનો રેકર્ડ સૌથી મહત્ત્તવનો હોય છે. એટલે બોગસ સોગંદનામા થશે અને ભ્રષ્ટાચાર વધશે."
"ઉપરાંત કોઈ અમારી પાસે નોટરી માટે આવે તો અમારો તેમાં કોઈ સ્વાર્થ નથી હોતો. એટલે અમે તેમને વાંચીને બતાવીએ છીએ કે આ લખાણ લખેલ છે તમને મંજૂર હોય તો જ સહી કરો. પણ તલાટી આવું કરશે કે કેમ તે એક સવાલ છે. કેમ કે ગ્રામ્યપ્રજા મોટાભાગે લખી વાંચી નથી શકતી."
"સરકારે પહેલાં દસ્તાવેજ માટે વકીલ જરૂરી હતા એ નિયમ હઠાવ્યો, પછી જામીનના કામ પણ સીધા પોલીસ સ્ટેશનથી થઈ શકે એવું કહ્યું. આમ એક એક કરીને વકીલોની આજીવિકા અને હક પર તરાપ મારવામાં આવે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ પ્રકારના સોગંદનામા માટે કાયદાકીય જ્ઞાન હોવું જ જોઈએ. જે તલાટીઓ પાસે નથી. આ ઘણી ગંભીર બાબત પુરવાર થઈ શકે છે. તેનું નુકસાન પણ ભવિષ્યમાં જનતાને જ થઈ શકે છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













