'સાત પગલાં આકાશમાં' લખનારાં કુન્દનિકા કાપડિયાની ચિરવિદાય

ઇમેજ સ્રોત, FACEBOOK
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતી સાહિત્યને 'સાત પગલાં આકાશમાં' અને 'પરમ સમીપે' જેવી કૃતિઓ આપનારાં સર્જક કુન્દનિકા કાપડિયાનું 93 વર્ષે વલસાડસ્થિત નંદીગ્રામ આશ્રમમાં અવસાન થયું છે.
તેમને 1985માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમની નવલકથા 'સાત પગલાં આકાશમાં' માટે મળ્યો હતો.
કુન્દનિકા કાપડિયા સાથે નંદીગ્રામમાં જોડાઈને સાથે કામ કરનારાં અને નવલકથાકાર હેમાંશી શેલતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે- "સાહિત્યકાર તરીકે તેમની સંવેદના તેમના પ્રકૃતિપ્રેમ સાથે જોડાયેલી હતી. તેમનો ફૂલો, આકાશ અને કુદરત માટેનો પ્રેમને નજીકથી જોઈ શકી એ સૌથી પ્રિય યાદગીરી રહેશે. હું જેટલો સમય તેમની સાથે રહી શકી, શીખી એ ખૂબ મહત્ત્વનો સમય રહ્યો મારા જીવનનો. તેમની ખોટ હંમેશાં સાલશે."
સાહિત્યકાર વર્ષા અડાલજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "એક સ્ત્રી તરીકે, પોતાનાં સ્વપ્નો માટે જીવવું, પોતાના આદર્શોને અનુરૂપ એક સમાજનું નિર્માણ કરવું એ સૌથી મોટી વાત છે. આ કામ કુન્દનિકાબહેને આ જ સમાજની વચ્ચે રહીને કરી બતાવ્યું છે. તેમણે પોતાના કામ થકી ઘણાં જીવનને સ્પર્શ્યાં છે."
કુન્દનિકાબહેન સાથેના સર્જનાત્મક સફરની વાત કરતાં વર્ષાબહેન જણાવે છે ક, "સાત પગલાં આકાશમાં તેમની નારીવાદી નવલકથાને દૂરદર્શન પર સિરિયલ તરીકે પ્રસારિત કરવાનું નક્કી થયું અને મારા ભાગે તેની પટકથા-સંવાદ લખવાની જવાબદારી આવી. આ દરમિયાન તેમને મળવાનું થતું. તેમના થકી મકરંદભાઈ સાથે પણ પરિચય થયો. ખૂબ મજાની યાદો છે એ સમયની."
"જોકે આ ઍસોસિયેશનના કારણે ઘણા વાચકો એવું માને છે કે સાત પગલાં આકાશમાં નવલકથા મેં લખી છે. હકીકતમાં એના પરથી બનેલી સિરિયલના સંવાદલેખનમાં મારો ફાળો રહ્યો. વાચકોની આ ગેરસમજથી રમૂજ અને થોડી અકળામણ પણ થાય. કુન્દનિકાબહેનનો સ્વભાવ ગંભીર એટલે આ ગેરસમજના અભાવે હું એમને કહેતી ત્યારે તેઓ સાંભળી એમ કહેતા કે- આવું કેવું થતું હશે લોકોને?'
તો ગુજરાતના આરોગ્ય વિભાગનાં સચિવ જયંતી રવિએ ફેસબુક પર તસવીર પોસ્ટ કરીને કુન્દનિકાબહેનને શ્રદ્ધાંજલિ આપી હતી.
કુન્દનિકાબહેન સાથેની મુલાકાત યાદ કરતાં તેમણે લખ્યું છે કે 'તેમણે કહ્યું કે જો તારે મારી સાથે ફોટો પડાવવો હોય તો એક વચન આપ કે ઓછામાં ઓછા 1000 રૂપિયાની કિંમતની ખાદી ખરીદીશ. 90 વર્ષે યુવાન કુન્દનિકાબહેનને જે નવલકથાકાર, નિબંધલેખક હતાં તેમને મળવું એ લહાવો હતું. તેમણે 1942ની ભારત છોડો ચળવળમાં પણ ભાગ લીધો હતો. 1985માં સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમણે જીત્યો હતો. સાથે જ નંદીગ્રામનાં સહસંસ્થાપક હતાં. વલસાડનો આ આશ્રમ વંચિતોના ઉત્થાન માટે કામ કરે છે, જ્યાં સામાજિક-આધ્યાત્મિક પરિપૂર્તિનો અહેસાસ થાય છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

લીમડીમાં જન્મ અને નંદીગ્રામ કર્મભૂમિ

ઇમેજ સ્રોત, Varsha Adalja/ FACEBOOK
કુન્દનિકા કાપડિયાનો જન્મ પહેલી જાન્યુઆરી, 1927ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીબડી ગામે થયો હતો.
તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતના ગોધરા ખાતે લીધું હતું.
ત્યારબાદ કૉલેજ શિક્ષણ તેમણે ભાવનગર (શામળદાસ કૉલેજ)માં પૂર્ણ કર્યું હતું. ત્યાં તેમણે 1948માં રાજકારણ અને ઇતિહાસ સાથે બી.એ. (બેચલર ઑફ આર્ટસ)ની પદવી મેળવી હતી.
તેમણે મુંબઈ સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાંથી 'એન્ટાયર પોલિટિક્સ' સાથે એમ. એ. (માસ્ટર ઑફ આર્ટસ)ની પદવી મેળવી હતી.
તેમણે કવિ મકરંદ દવે સાથે વલસાડ પાસે 'નંદીગ્રામ' નામનો આશ્રમમાં જીવન ગાળ્યું. તેઓ આ આશ્રમનાં સહસંસ્થાપક હતાં.
આ આશ્રમ વલસાડના ઉમરગામ તાલુકામાં વાંકળ ગામમાં આવેલો છે. નંદીગ્રામ ટ્રસ્ટની વેબસાઇટ પરથી મળતી માહિતી અનુસાર હાલ આશ્રમમાં 4000થી વધુ લોકો રહે છે.
નંદીગ્રામ આશ્રમના પાયામાં કુન્દનિકાબહેન અને મકરંદ દવેના આદિવાસીઓને પગભર કરવાના આદર્શો છે. આ વિસ્તારમાં રહેતાં આદિવાસી લોકોને જે સામાજિક અને આર્થિક રીતે પછાત છે તેમને શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધાઓ અને સ્વાવલંબી બનાવવા નંદીગ્રામ કામ કરે છે.
કુન્દનિકા કાપડિયાનું સાહિત્યસર્જન

ઇમેજ સ્રોત, Jayanti Ravi/FACEBOOK
કુન્દનિકાબહેને તેમના કાર્યકાળ દરમિયાન નવલિકા, નવલકથા, નિબંધલેખન અને અનુવાદ તેમજ સંપાદન પણ કર્યું.
તેમની નવલિકાઓમાં 'પ્રેમનાં આંસુ', 'વધુ ને વધુ સુંદર', 'જવા દઈશું તમને', 'કાગળની હોડી', 'મનુષ્ય થવું' નો સમાવેશ થાય છે.
જ્યારે 'પરોઢ થતાં પહેલાં', 'અગનપિપાસા', 'સાત પગલાં આકાશમાં' જેવી નવલકથાઓ તેમણે લખી હતી.
'દ્વાર અને દીવાલ' અને 'ચંદ્ર તારા વૃક્ષ વાદળ' તેમના નિબંધસંગ્રહો છે. 'પરમ સમીપે' તેમનો પ્રાર્થનાસંગ્રહ છે.
એમણે છ જેટલા અનુવાદ પણ આપ્યા છે. 'સાત પગલાં આકાશમાં' અને 'પરમ સમીપે' તેમના બહુ જ વખણાયેલાં અને વંચાયેલાં સર્જનો છે.
સાત પગલાં આકાશમાં એ સ્ત્રી અને પુરુષો વચ્ચેના સંબંધોની સંકુલ અને નાજુક સમસ્યાઓના સંદર્ભે નારીજીવનની વ્યથાને નિરુપતી નવલકથા છે.
એમની પ્રથમ રચના 'પ્રેમનાં આંસુ'વાર્તા છે. 'જન્મભૂમિ' પત્ર દ્વારા યોજાયેલી આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં આ વાર્તા પુરસ્કૃત થઈ હતી.
ભારતના ધૂમકેતુ, શરદબાબુ, ટાગોર અને બહારના દેશોના શેક્સપિયર અને ઈબ્સન તેમના પ્રિય સાહિત્યકાર હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













