શું નિત્યાનંદ ખરેખર વિદેશ ભાગી ગયા છે?

ઇમેજ સ્રોત, YOUTUBE
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી ગુજરાતી
દક્ષિણ ભારતના વિવાદિત ધર્મગુરુ અને પોતાને ઈશ્વરનો અવતાર ગણાવનાર સ્વામી નિત્યાનંદ ફરી ચર્ચામાં આવ્યા છે.
કર્ણાટકમાં તેમની સામે અગાઉથી જ એક કેસ ચાલી રહ્યો છે અને હવે ગુજરાતમાં પણ એક કેસ દાખલ થયો છે.
ગુજરાતમાં તેમની પર બે યુવતીઓનાં અપહરણ અને બંધક બનાવવા મામલે કેસ નોંધાયો છે.
આ વિવાદો વચ્ચે એવા અહેવાલો વહેતા થયા કે નિત્યાનંદ દેશ છોડીને જતા રહ્યા છે.
સોશિયલ મીડિયામાં પણ તેમને સાંકળતા વિવાદ પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.
એક તરફ હજુ સુધી બે યુવતીઓ પોલીસ સમક્ષ હાજર નથી થઈ, બીજી તરફ તેમનાં માતાપિતાએ ગુજરાત હાઈકોર્ટમાં 'હેબિયેસ કોર્પસ'ની અરજી દાખલ કરી છે.
આમ હજુ ન તો એ બે યુવતીની ભાળ મળી શકી છે, ન તો જેની સામે કેસ થયો છે તે નિત્યાનંદ સ્વામીની કોઈ ભાળ મળી છે.
ગુજરાત પોલીસે આ કેસ સંદર્ભે અમદાવાદ સ્થિત નિત્યાનંદના આશ્રમનાં બે સંચાલિકાની ધરપકડ કરી તેમની પૂછપરછ કરી છે અને આશ્રમમાંથી કેટલીક સામગ્રી પણ કબજે કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

...જ્યારે નિત્યાનંદ પાંચ દિવસ સુધી ફરાર રહ્યા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અત્રે નોંધવું રહ્યું કે વર્ષ 2012માં જ્યારે નિત્યાનંદ સામે એક કેસ મામલે તપાસ થઈ રહી હતી ત્યારે તેઓ પાંચ દિવસ સુધી ફરાર રહ્યા હતા.
તેમને પકડવા માટે કર્ણાટકની પોલીસે તેમને શોધવા માટે મોટાપાયે અભિયાન હાથ ધરવું પડ્યું હતું.
એટલું જ નહીં પોલીસે તેમના વિવિધ આશ્રમો પર દરોડા પાડી કેટલીક સામગ્રીઓ પણ જપ્ત કરી હતી.
જોકે પાંચ દિવસ બાદ સ્વામી નિત્યાનંદ ખુદ જ સ્થાનિક કોર્ટ સમક્ષ હાજર થઈ ગયા હતા.
આથી આ કેસમાં પણ સવાલ સર્જાયો છે કે નિત્યાનંદ ક્યાં છે? શું ખરેખર તેઓ વિદેશ જતા રહ્યા છે?
આ કેસની તપાસ કરી રહેલા અમદાવાદના પોલીસ અધિકારી કે. ટી. કમારિયાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું :
"આ કેસમાં આઈપીસી (ઇંડિયન પીનલ કોડ, ભારતીય દંડ સંહિતા) 365, 344, 323, 504, 506 અને 144 હેઠળ બાળમજૂરી, અપહરણ અને ત્રાસ ગુજારવા સહિતના આરોપો દાખલ કર્યા છે."
જોકે તેમણે એ વાતનું ખંડન કર્યું કે ઘટના પ્રકાશમાં આવ્યા બાદ નિત્યાનંદ ફરાર છે.
કમારિયાએ કહ્યું,"નિત્યાનંદ વર્ષ 2016થી જ બહાર છે, પરંતુ તેઓ ક્યાં છે, વિદેશમાં છે કે કોઈ અન્ય જગ્યાએ તેની તપાસ ચાલી રહી છે."
પોલીસનું કહેવું છે કે અમદાવાદ સ્થિત આશ્રમની શાખા શરૂ થયાને વધુ સમય નથી થયો. હાલ તપાસનો વ્યાપ અમદાવાદ સુધી જ સીમિત છે.
બેંગલૂરુથી થોડા જ અંતરે આવેલા તેમના મુખ્ય આશ્રમમાં પણ તપાસ માટે પોલીસ જઈ શકે છે.

વિદેશ મંત્રાલયનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
બીજી તરફ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્વામી નિત્યાનંદ વિશે મંત્રાલયને કોઈ સત્તાવાર જાણકારી હોવાનો ઇન્કાર કર્યો હતો.
સ્વામી નિત્યાનંદ ભારત બહાર જતા રહ્યા છે કે કેમ? શું ગુજરાત પોલીસે તેમના પ્રત્યાર્પણ માટે વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો છે?
તેના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે મંત્રાલયને આવી કોઈ વિનંતી પ્રાપ્ત નથી થઈ.
કુમારે કહ્યું, "અમારી પાસે કોઈ સત્તાવાર જાણકારી નથી. ન ગુજરાત પોલીસ કે ન ગૃહ મંત્રાલય તરફથી આવી કોઈ માહિતી મળી છે."
"પ્રત્યાર્પણ માટે વ્યક્તિનું ઠેકાણું અને તેની નાગરિકતા વિશેની માહિતી હોવી જરૂરી છે, પણ હાલ અમારી પાસે આવી કોઈ જ માહિતી નથી."
વધુમાં તેમણે ઉમેર્યું કે વ્યક્તિની પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરવા તેના લોકેશનની જાણકારી હોવી જરૂરી છે.
જોકે બીબીસીના સહયોગી ઇમરાન કુરેશીએ બેંગલૂરુથી જણાવ્યું કે સ્વામી નિત્યાનંદના પાસપોર્ટને રિન્યૂ કરવાની અરજી ફગાવી દેવાઈ હતી.
આથી તેમનો પાસપોર્ટ રિન્યૂ કરવામાં નથી આવ્યો. તો સવાલ એ પણ છે કે વગર પાસપોર્ટે નિત્યાનંદ દેશની બહાર કઈ રીતે જઈ શકે?

'પાસપોર્ટ વિના વિદેશ કેવી રીતે જઈ શકે?'

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
શું તેમની પાસે અન્ય દેશની પણ નાગરિકતા છે? તેઓ લોકો સમક્ષ કેમ નથી આવી રહ્યા?
ઇમરાન કુરેશીએ વધુમાં કહ્યું, "કર્ણાટકામાં જે કેસ ચાલી રહ્યો છે, તેમાં હાજર થવા મામલે કોર્ટે રાહત આપી હોવાથી નિત્યાનંદ ઘણા સમયથી હાજર નથી થયા."
"વળી તેઓ છેલ્લાં દોઢેક વર્ષથી બેંગલૂરુમાં જોવા નથી મળ્યા. આથી ચર્ચાઓ તો એવી જ રહી છે કે તેઓ વિદેશમાં હોઈ શકે છે."
આ કેસમાં બીજી મહત્ત્વની બાબત એ છે કે નિત્યાનંદની ઉપરાંત જે બે યુવતીઓના અપહરણનો કેસ નિત્યાનંદ પર દાખલ થયો છે, તેમની પણ કોઈ ભાળ નથી મળી.
પોલીસ અધિકારી કે. ટી. કમારીયાનું આ વિશે કહેવું છે કે 'યુવતીઓ પ્રૉક્સી ઇન્ટરનેટ-સર્વરનો ઉપયોગ કરી રહી હોવાથી તેમનાં લોકેશન ટ્રૅક કરવાં મુશ્કેલ છે, પરંતુ અમે પ્રયાસ કરી રહ્યા છીએ.'
આ કેસમાં એ પણ ઉલ્લેખનીય છે કે 26મી નવેમ્બરે હાઈકોર્ટમાં બે યુવતીઓની ભાળ મેળવવા માટે થયેલી 'હેબિયેસ કોર્પસ'ની અરજીની સુનાવણી હાથ ધરવામાં આવશે.
જોકે નિત્યાનંદના સમર્થકોની સંખ્યા પણ મોટી છે. તે માત્ર ભારત સુધી મર્યાદિત નથી.
વિદેશમાં પણ તેમના સમર્થક છે અને તેમની વેબસાઇટ પર એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે તેમણે 27 ભાષામાં 500થી વધુ પુસ્તક લખ્યાં છે.

નિત્યાનંદ કોણ છે?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
નિત્યાનંદના અનુયાયીઓની સંખ્યા મોટી પણ છે જ્યારે બીબીસીએ તેમની સાથે વાત કરવાની કોશિશ કરી તો તેમણે પણ વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
મૂળરૂપે તામિલનાડુમાં જન્મેલા નિત્યાનંદ ખુદ ઈશ્વર હોવાનો દાવો કરે છે.
તેમની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર યૂ-ટ્યૂબ પર તેમનાં ભાષણોને 18 મિલિયનથી વધુ વ્યૂઝ મળેલા છે. વળી દાવો તો એ પણ છે કે યૂ-ટ્યૂબ પર સૌથી વધુ વ્યૂઝ મેળવવામાં તેઓ મોખરે છે.
નિત્યાનંદનો જન્મ 1 જાન્યુઆરી 1978ના રોજ થયો હતો. નિત્યાનંદના પિતાનું નામ અરુણાચલમ અને માતાનું નામ લોકનાયકી હોવાનું ચર્ચાય છે.
નિત્યાનંદનું બાળપણનું નામ રાજશેખરન હતું. નિત્યાનંદને તેમના દાદા તરફથી પૂજા-પાઠ અને ધાર્મિક રૂચિ મળ્યાં હતાં અને તેઓ જ તેમના પ્રથમ ગુરુ હતા.

અભ્યાસ

ઇમેજ સ્રોત, FIR COPY
નિત્યાનંદે વર્ષ 1992માં તેમનું સ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યું અને ત્યાર બાદ વર્ષ 1995માં મિકૅનિકલ એંજિનિયરીંગનો અભ્યાસ કર્યો.
ત્યાર બાદ 12 વર્ષની ઉંમરમાં તેમણે રામકૃષ્ણ મઠમાં શિક્ષણ લેવાનું શરૂ કર્યું.
તેમના પ્રથમ આશ્રમ નિત્યાનંદ ધ્યાનપીઠમની સ્થાપના 1 જાન્યુઆરી 2003માં બેંગલુરુ પાસે બિદાદીમાં થઈ.
વળી અમદાવાદ સ્થિત તેમનો આ આશ્રમ પણ બેંગલુરુના આશ્રમની જ એક શાખા છે, જ્યાંથી યુવતીઓના ગાયબ થવા મામલે કેસ દાખલ કરાયો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












