ઇકૉનૉમિક સરવે : 2025માં ભારત પાંચ લાખ કરોડ ડૉલરનું અર્થતંત્ર બનશે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇકૉનૉમિક સરવેમાં 2025 સુધી દેશને પાંચ લાખ કરોડ ડૉલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે સંસદમાં ઇકૉનૉમિક સરવે જાહેર કરી દેશની નાણાકીય સ્થિતિની દશા અને દિશાની માહિતી આપી.

શુક્રવારે તેઓ મોદી સરકાર -2નું પહેલું બજેટ રજૂ કરવાનાં છે.

ઇકૉનૉમિક સરવેમાં નાણાકીય વર્ષ 2019-20માં જીડીપીનો વૃદ્ધિ દર 7 ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે.

આમાં કહેવામાં આવ્યું છે કે ભારતના વિદેશી મુદ્રા ભંડારની સ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે.

સરવે પ્રમાણે નૉન પર્ફૉમિંગ એસેટ્સ (એનપીએ)ના પ્રમાણમાં ઘટાડો થતા બૅન્કિંગ સિસ્ટમના પ્રદર્શનમાં સુધારો થયો છે અને બૅન્કો તરફથી આપવામાં આવતી લોનમાં વધારો થયો છે.

આ ઇકૉનૉમિક સરવે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યને તૈયાર કર્યું છે.

સરવેમાં અનુમાન કરવામાં આવ્યું છે કે ભારતનું અર્થતંત્ર મજબૂત રહેશે.

આ સરવેમાં દેશના અલગ-અલગ નાણાકીય ક્ષેત્રોની સ્થિતિ અને તેમાં સુધાર માટેના ઉપાયની ચર્ચા કરવામાં આવી છે.

ભવિષ્યની નીતિઓ માટે આ સરવે એક દૃષ્ટિકોણનું કામ કરે છે, પણ આ માત્ર ભલામણ હોય છે જેને માની લેવું સરકાર માટે કાયદાકીય રૂપે અનિવાર્ય નથી હોતું.

line

ઇકૉનૉમિક સરવેની મુખ્ય વાતો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

  • રોકાણ અને વપરાશમાં વધારાના કારણે 2019-2020માં જીડીપીમાં 7 ટકાનો વધારો થવાનું અનુમાન છે.
  • સેવા નિકાસ 2000-01માં 0.746 લાખ કરોડ રૂપિયા હતી જે વધીને 2018-19માં 14.389 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
  • જૂન 2019માં ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 422.2 બિલિયલ ડૉલર સુધી પહોંચ્યો.
  • સેવા, ઑટોમોબાઇલ અને રસાયણમાં 2015-16ની તુલનામાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ વધી રહ્યું છે.
  • મોટા અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમોને મળતી લૉનમાં વધારો થયો છે. ઉત્પાદન અને નિર્માણ ક્ષેત્રે સક્રિયતા વધતા ઔદ્યોગિક વૃદ્ધિ ઝડપી બની છે.
  • 2018-19માં અર્થતંત્રમાં 6.8 ટકા વધારાનું અનુમાન કરવામાં આવ્યું છે.
  • પાછલાં પાંચ વર્ષ દરમિયાન જીડીપીના પ્રમાણમાં સામાજિક સેવા પર ખર્ચમાં 1 ટકાનો વધારો થયો છે.
  • સરવેમાં ભારતને 2024-2025 સુધી 5 ટ્રિલિયન અમેરિકન ડૉલરનું અર્થતંત્ર બનાવવા માટે વિકાસ દરને સતત 8 ટકા રાખવાની વાત કહેવામાં આવી છે.
  • સાથે જ વર્ષ 2032 સુધી 10 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવા માટે એક મજબૂત અને લચીલા મૂળભૂત માળખાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
  • સરવેમાં મૂળભૂત માળખામાં રોકાણના અંતરાળને ઓછો કરવા પીપીપી હેઠળ નવીન દૃષ્ટિકોણ અપનાવવાનો પડકાર છે.
  • નાણાકીય વર્ષ 2020-2021 સુધી નાણાકીય ખાધ જીડીપીના 3 ટકા અને 2024-25 સુધી કેન્દ્ર સરકારના ઋણને જીડીપીના 40 ટકા સુધી લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
  • 2018-19ના બજેટમાં 2017-2018ના સંશોધિત અનુમાનની સરખામણીમાં કુલ કર રાજસ્વ (ગ્રોસ ટૅક્સ રેવેન્યૂ)માં 16.7 ટકાની વૃદ્ધિ દેખાડવામાં આવી હતી.
  • 2018-19 દરમિયાન ઉત્પાદન સૂચકાઆંક (આઈઆઈપી)ના સંદર્ભમાં ઔદ્યોગિક વિકાસનો દર વર્ષ 2017-18ની 4.4 ટકાની સરખામણીમાં 3.6 ટકા રહ્યો હતો.
  • રેલવેનું ભાડું અને યાત્રીની અવરજવરમાં 2017-2018માં 0.64 ટકાની સરખામણીમાં 2018-2019માં 5.33 ટકા વધારો થયો છે.
  • કુલ ટેલિફોન કનેક્શનની સંખ્યા 118.34 કરોડ સુધી પહોંચી ગઈ હતી.
  • વિજળીની સ્થાપિત ક્ષમતા 2018માં 3,44,002 મેગાવૉટથી વધીને 2019માં 3,56,100 મેગાવૉટ થઈ ગઈ છે.
  • ભારતના ઉચ્ચ મધ્યમ આવક ધરાવતા વર્ગમાં પ્રવેશ માટે પ્રતિ વ્યક્તિ વાસ્તવિક જીડીપી 5000 ડૉલર વધારવા માટે પ્રતિ વ્યક્તિ ઊર્જાના વપરાશને અઢી ગણું વધારવાની વાત કહેવામાં આવી છે.
  • પાંચ વર્ષની અંદર વિકાસ દરમાં વધારો થયો છે અને મૂડીરોકાણનો દર પણ વધ્યો છે.
  • 2019-2020માં નાણાકીય ખાધ 5.8 ટકા રહેવાનું અનુમાન છે.
  • ભારત પર વિદેશી રોકાણકારોનો ભરોસો વધ્યો છે.
  • આ સરવેમાં સમગ્ર વિકાસ માટે ભારતમાં ન્યૂનતમ મજૂરી પ્રણાલીનું નવું સ્વરૂપ તૈયાર કરવાની વાત કહેવામાં આવી છે.
  • ન્યૂનતમ મજૂરીમાં સુધાર અને પ્રભાવી રીતે લાગુ કરવાથી મજૂરીમાં અસમાનતા ઘટાડવામાં મદદ મળશે.
  • આ સરવે પ્રમાણે 2018-19માં ટ્રેનોની સીધી અથડાવવાની એક પણ ઘટના નથી બની.
  • 10 રેલવે સ્ટેશનો, 34 વર્કશૉપ અને 4 ઉત્પાદક એકમોને ગ્રીન ઇન્ડસ્ટ્રિયલ સર્ટિફિકેટ આપવાની વાત પણ કહેવામાં આવી છે.
  • સ્વચ્છ ભારત મિશન શરૂ થયા બાદ દેશમાં 9.5 કરોડથી વધુ શૌચાલય બનાવવામાં આવ્યાં. 5.5 લાખથી વધુ ગામ જાહેર શૌચ મુફ્ત જાહેર કરવામાં આવ્યાં. સ્વચ્છ ભારત મિશન મારફતે 93.1 ટકા પરિવારોને શૌચાલય મળ્યાં છે.
  • 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં 100 ટકા ઘરેલું શૌચાલય કવરેજ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ગામો જાહેર શૌચ મુફ્ત બનવાથી મલેરિયાને કારણે થનારાં મૃત્યુમાં ઘટાડો થયો છે.
  • આર્થિક સરવે પ્રમાણે દેશના સામાજિક ક્ષેત્ર અને ગરીબના કલ્યાણ માટે ડેટા તૈયાર કરવામાં આવવો જોઈએ. તેમાં કહેવામાં આવ્યું છે કે સરકારનો મંત્ર હોવો જોઈએ 'લોકોનો ડેટા, લોકો દ્વારા અને લોકો માટે'.
  • એનપીએના પ્રમણમાં ઘટાડો અને બૅન્ક લૉનમાં વધારો થવાથી બૅન્કિંગ સિસ્ટમનું પ્રદર્શન સુધાર્યું છે.
  • બૅન્કિંગ સુવિધા મેળવનારી મહિલાઓની સંખ્યા 2005-06માં 15.5 ટકાથી વધીને 2015-16માં 53 ટકા થઈ ગઈ છે.
  • દેશમાં જમીનની ઉત્પાદન ક્ષમતાથી સિંચાઈ જળ ઉત્પાદન ક્ષમતા તરફ જવાની પ્રાથમિકતા હોવી જોઈએ.
  • 2018-19માં 10.6 મિલિયન વિદેશી પર્યટકો ભારત આવ્યા, જ્યારે 2017-18માં આ સંખ્યા 10.4 મિલિયન હતી.
  • આઈટી-બીપીઍમ ઉદ્યોગ 2017-18માં 8.4 ટકાની વૃદ્ધિ સાથે 167 અબજ અમેરિકન ડૉલર પર પહોંચી ગયો છે. 2018-19માં 181 અમેરિકન ડૉલર સુધી પહોંચવાનું અનુમાન છે.
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો