PMનું છેલ્લું ભાષણ : શું નરેન્દ્ર મોદી અર્ધસત્યથી હકીકતને ધૂંધળી કરી દે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગઈકાલે ગુરુવારે સંસદમાં વડા પ્રધાન મોદીએ તેમનું છેલ્લું ભાષણ આપ્યું હતું. કેટલાક લોકો નરેન્દ્ર મોદીના આ ભાષણના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેનો વિરોધ કરે છે.
આ ભાષણમાં વડા પ્રધાન મોદીએ વિપક્ષના પ્રશ્નોનો જવાબમાં વિપક્ષા પર ચાબખા કર્યા અને કૉંગ્રેસ અને ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું.
વડા પ્રધાન મોદીના છેલ્લા ભાષણ અંગે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર ઉર્વીશ કોઠારીની કલમે લેખ
બોફર્સ કૌભાંડની ગરમી વચ્ચે 1989ની લોકસભાની ચૂંટણી આવી, ત્યારે એક તરફ રાજીવ ગાંધીની આગેવાની હેઠળની કૉંગ્રેસ હતી અને બીજી તરફ વિવિધ નેતાઓનો સમૂહ.
ત્યારે રાજીવ ગાંધી અને તેમનાં પ્રચારયંત્રો વિપક્ષી મોરચાની અસ્થિરતા અને વિપક્ષી નેતાઓ વચ્ચેની આંતરિક ખેંચતાણ વિશે આક્રમક પ્રચાર કરતાં હતાં.
કારણ કે એવી તો એવી વિપક્ષી એકતાથી પણ તેમને આસન ડોલતું હોય એવું લાગ્યું હતું.
વડા પ્રધાન મોદીએ ગઈ કાલે લોકસભામાં કરેલા દોઢેક કલાકના પ્રવચનમાં જે રીતે વિપક્ષી નેતાઓની 'મહામિલાવટ'ની ટીકા કરી, એ જોઈને 1989ના ચૂંટણીપ્રચારની યાદ તાજી થઈ.

તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'ઇંદિરા ગાંધીની યાદ અપાવે છે'

ઇમેજ સ્રોત, LOKSABHA
ત્યારે રાજીવ ગાંધીની આગેવાની હેઠળની કૉંગ્રેસે લીધી હતી, તેવી ભૂમિકા અત્યારે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભાજપે લીધી છે.
નરેન્દ્ર મોદી કૉંગ્રેસની વંશપરંપરા સામે ગમે તેટલા પ્રહારો કરે, તેમની (અને દેશની) કમનસીબી એ છે કે તે ક્યારેક રાજીવ ગાંધીની કેટલીક લાક્ષણિકતાઓની યાદ અપાવે છે (1989ના ચૂંટણીપ્રચાર ઉપરાંત વિકાસ અને ભવિષ્યનાં સપનાં), તો ક્યારેક ઇંદિરા ગાંધીનાં કેટલાંક અપલક્ષણોની (બંધારણીય સંસ્થાઓ પ્રત્યેનો હળહળતો અનાદર. કટોકટી નાખવા સુધી જઈ શકે એવી આપખુદ માનસિકતા).
પરિવાર સાથેની આટલી સરખામણી ઓછી હોય તેમ, નરેન્દ્ર મોદીને આંતરરાષ્ટ્રીય સ્તરે પંડિત નહેરુ જેવો આદર જોઈએ છે. એના માટે ઇતિહાસની 'ડિસ્કવરી' (ખોજ) નહીં, તો 'ડિસ્ટોર્શન' (તોડમરોડ) હી સહી.
જેનું અતિ વળગણ હોય, તેનો કટ્ટર વિરોધ એ માનસશાસ્ત્રીય લક્ષણ વડાપ્રધાન મોદીના કિસ્સામાં એ ચૂકી ન શકાય એટલું સ્પષ્ટ છે. પણ મોદીરાજની એક તાસીર છે : સૌથી સ્પષ્ટ હોય તેને પણ દલીલોથી ધૂંધળું બનાવી દેવું.


મોદીનું અર્ધસત્ય : ડૉ.આંબેડકર અને કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images
નરેન્દ્ર મોદી ઇતિહાસની વાત છેડે ત્યારે હકીકતો ધ્રૂજવા લાગે છે, તથ્યો માર્યાં ફરે છે.
તેમની વાણીમાંથી બહાર પડતાં અર્ધસત્યો યોગ્ય સંદર્ભ વિના જૂઠાણાં કરતાં સવાયાં બની રહે છે.
આ વિધાન આકરું ન લાગવું જોઈએ. છતાં કોઈને લાગે તો તેમના લાભાર્થે ગઈ કાલના ભાષણમાંથી એક નમૂનોઃ 'એક બાર બાબાસાહેબ આંબેડકરને કહા થા ઔર હો સકતા હૈ કિ યે મિલાવટકે રાસ્તે પે ગયે હુએ કુછ લોગોં કો શાયદ ઉન મેં શ્રદ્ધા હો તો કામ આયેગા. બાબાસાહેબ આંબેડકરને કહા થા કિ કૉંગ્રેસમેં શામિલ હોના, આત્મહત્યા કરનેકે સમાન હોગા.'
ડૉ. આંબેડકરનો કૉંગ્રેસવિરોધ જાણીતો છે, પણ એ કઈ કૉંગ્રેસ? વડાપ્રધાન મોદી દેશને જેનાથી મુક્ત કરવા ઇચ્છે છે એ નહીં. ડૉ. આંબેડકરનો વાંધો ગાંધી-સરદાર-નહેરુની કૉંગ્રેસ સામે હતો.

ઇમેજ સ્રોત, Getty Images
આઝાદી વખતે તેમને યોગ્ય રીતે જ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું. ત્યાર પછી હિંદુ કોડ બિલ લાવવામાં કૉંગ્રેસી નેતાગીરી તરફથી થતો વિલંબ જોઈને નારાજ આંબેડકરે મંત્રીપદું છોડ્યું.
તેમના સૂચિત હિંદુ કોડ બિલનો કટ્ટર વિરોધ કરનારામાં વડાપ્રધાનની વિચારધારાના પૂર્વજો આગળ પડતા હતા.
તેમણે ડૉ. આંબેડકર અને તેમના હિંદુ કોડ બિલ સામે કાગારોળ મચાવી હતી. પરંતુ વડાપ્રધાનના ચૂંટેલા અને ચૂંટણીલક્ષી ઇતિહાસમાં આવી મૂળભૂત અને જરૂરી વિગતોને સ્થાન હોતું નથી.
સગવડીયા ઇતિહાસનો બીજો ઉપયોગ વડાપ્રધાન મોદી વર્તમાન પર ઢાંકપિછોડો કરવા માટે કરે છે. તેમણે ગઈકાલે લોકસભામાં એ મતલબનું કહ્યું કે કૉંગ્રેસે કટોકટી લાદી, સૈન્યનું અપમાન કર્યું અને બંધારણીય સંસ્થાઓને ખતમ કરવાનો આરોપ તેમની પર (મોદી પર) મૂકવામાં આવે છે.
આવી વાક્ચાતુરી ગુજરાતની શેરીઓમાં થતા ઝઘડાની યાદ અપાવે છે.
કારણ કે એવી શેરીની લડાઈઓમાં પણ સામેવાળાના ભૂતકાળનો ઉપયોગ પોતાનો વર્તમાનનો વાંક છુપાવીને, સામેવાળા પર ચડી બેસવા માટે થતો હોય છે.


કૉંગ્રેસની કટોકટી

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસે લાદેલી કટોકટીથી માંડીને ન્યાયતંત્ર સહિતની સંસ્થાઓની વિશ્વસનીયતામાં થયેલું ધોવાણ ઇતિહાસનો હિસ્સો છે.
આ મુદ્દે કૉંગ્રેસની આકરી ટીકાઓ પણ થતી રહી છે અને થાય છે. પરંતુ મુશ્કેલી એ છે કે મોદી-શાહની યુતિ કૉંગ્રેસે જે કર્યું, તે જ કામ નવા જમાના પ્રમાણે, વધારે ઝનૂનથી અને અનેકગણી વધારે ઝડપે કરી રહી હોય એવું લાગે છે.
આવો અભિપ્રાય ફક્ત કૉંગ્રેસનો નથી ને આવું માનનારા બધા કૉંગ્રેસી નથી. બંધારણીય સંસ્થાઓની કામગીરીની સાદી સમજ અને મોદી પ્રત્યેના અહોભાવથી મુક્ત એવા ઘણા લોકો આવું માને છે.
તેમના સવાલોનો જવાબ આપવાનું આવે ત્યારે બોલકા વડાપ્રધાન મૌન બની જાય છે અથવા 'મનકી બાત'ની એકોક્તિમાં સરી જાય છે.
ચાળીસ વર્ષ પહેલાં કૉંગ્રેસે લાદેલી કટોકટી અને તેનાં બીજાં કરતૂતોનો ઉપયોગ વડા પ્રધાન પોતાના વર્તમાન શાસનની નિષ્ફળતાઓ-આત્યંતિકતાઓ-આપખુદશાહીને ઢાંકવા માટે કરે, ત્યારે વિચાર નાગરિકોએ કરવાનો છે.

વિરોધીઓ પર કૉંગ્રેસીનું લેબલ

ઇમેજ સ્રોત, Getty Images
પોતાની ટીકાને ગુજરાતની ટીકા ગણાવતા વડા પ્રધાન એ જ તરકીબ રાષ્ટ્રીય સ્તરે વાપરી રહ્યા છે.
પોતાની ટીકા અને ભારતની ટીકા વચ્ચેનો ભેદ તેમણે ગઈ કાલના પ્રવચનમાં વધુ એક વાર ભૂંસી નાખ્યો છે. તે એવું જ ઈચ્છે છે કે દેશ કૉંગ્રેસ અને ભાજપ, એમ બે જ છાવણીઓમાં વહેંચાઈ જાય.
એવું થાય એમાં તેમનો ફાયદો જ ફાયદો છે. શું કૉંગ્રેસ-ભાજપ એ બંનેની ટીકા કરનારા નાગરિકોનું અસ્તિત્વ સ્વીકારવા વડાપ્રધાન તૈયાર નથી?
ટ્રોલ સેનાઓ સરકારનાં પગલાંની કે નોટબંધી જેવા તઘલકી-આત્મઘાતી-આપખુદ નિર્ણયોની ટીકા કરનારા નાગરિકોને દેશવિરોધી ને કૉંગ્રેસી જેવાં લેબલ લગાડી દે છે.
તેમનો આશય ગમે તે રીતે ચર્ચાને કૉંગ્રેસ વિરુદ્ધ ભાજપના ખાનામાં હાંકી જવાનો હોય છે.


પોતાની પહેલાં જાણે અંધકારયુગ હતો ને જે થયું તે પોતે જ કર્યું અને એ માટે ભ્રમ ફેલાવવો અને જૂઠા આંકડા આપવા, બીસી (બીફોર કૉંગ્રેસ) અને એડી (આફ્ટર ડાયનેસ્ટી) જેવાં બાળબોધી ચબરાકીયાં બે ઘડી ગમ્મત લેખે નહીં, પણ નીતિવિષયક વિશ્લેષણ તરીકે તરતાં મૂકવાં આમાંનું કશું નરેન્દ્ર મોદી માટે નવું નથી.
તેમના વાક્પ્રહારો અને શાબ્દિક હુમલાએ સંસદમાં થતા ઔચિત્યભેદ ભૂંસી નાખે છે ગુજરાત મૉડેલનો ભાગ છે, જે રાષ્ટ્રીય સ્તરે અને સંસદમાં થતાં પ્રવચન સુદ્ધાંમાં ભજવાતો જોવા મળે છે.
તેનો વધુ એક પુરાવો એટલે તેમનું ગઈ કાલનું ભાષણ.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં. )
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












