કુંભ મેળો : પ્રયાગરાજમાં 'કિન્નર અખાડા'ને માન્યતા મળશે?

ઇમેજ સ્રોત, Ankit Srinavs
ઉત્તર પ્રદેશમાં અલાહાબાદમાં 15 જાન્યુઆરીથી કુંભ મેળાની જમાવટ થઈ રહી છે ત્યારે અનેક પરંપરાગત અખાડાઓની વચ્ચે કિન્નર અખાડો પણ એનાં રંગ દેખાડી રહ્યો છે.
પ્રયાગરાજમાં હાલ દુનિયાનું સૌથી મોટું આયોજન મનાતા કુંભ મેળા માટે વિવિધ અખાડાઓ પહોંચી રહ્યાં છે. કુંભ મેળો હિંદુ ધર્મનો બહુ મહત્ત્વપૂર્ણ મેળાવડો ગણાય છે.
ચાર માર્ચ સુધી ચાલનાર આ કુંભ મેળામાં વિવિધ અખાડાઓનાં સરઘસ ઉપરાંત ગત અઠવાડિયે કિન્નર અખાડાનું સરઘસ નીકળ્યું તો લોકો જોઈ જ રહ્યાં.
સદીઓથી ભારતના ચાર શહેરોમાં પવિત્ર માનવામાં આવતી નદીઓના કિનારે લાખો માણસો અને સાધુ-સંતોના અખાડાઓ કુંભ મેળા સ્વરુપે ભેગાં થાય છે.
પ્રયાગરાજનો આ કુંભ આમ તો અર્ધ કુંભ છે પરંતુ સરકારે એને કુંભ જાહેર કર્યો છે અને કુંભને હવે મહા કુંભ કહેવામાં આવશે.
પ્રયાગરાજમાં કુંભ મેળાનાં આયોજનમાં 4000 કરોડથી વધારે ખર્ચ થઈ રહ્યો છે.
કુંભ મેળો શરૂ થીય ત્યારે અગાઉ હિંદુ સંતોના 13 અધિકૃત અખાડાઓ સરઘસ કાઢી આ મેળાવડામાં પોતાના આગમનનો ઉદ્ઘોષ કરે છે.
ઉલ્લેખનીય છે કે શરુઆતમાં ફકત ચાર અખાડાઓ હતાં પરંતુ સમયાંતરે વૈચારિક મતભેદને લીધે એમની સંખ્યા વધતી ગઈ અને હાલ 13 મુખ્ય અખાડાઓ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કિન્નર અખાડો પ્રયાગરાજમાં કુંભ મેળામાં પહેલીવાર ભાગ લઈ રહ્યો છે.


પ્રયાગરાજમાં કિન્નર અખાડાનું સરઘસ અલગ તરી આવ્યું હતું. ફૂલો હતાં, રથ હતાં, મ્યૂઝિક બૅન્ડ હતાં પણ સાધુઓ બધાં ટ્રાન્સજેન્ડર હતાં.


ઇમેજ સ્રોત, Ankit Srinivas
એક અંદાજ મુજબ, ભારતમાં 20 લાખ ટ્રાન્સજેંડર લોકો છે.
2014માં સુપ્રીમ કોર્ટે એક એતિહાસિક ચુકાદામાં ટ્રાન્સજેંડરોને 'થર્ડ જેંડર' તરીકે માન્યતા આપી હતી.
પછી 2018માં સુપ્રીમ કોર્ટે સમલૈંગિક સંબંધોને અપરાધિક શ્રેણીમાંથી બહાર રાખવાનો નિર્ણય આપ્યો હતો.


ઇમેજ સ્રોત, Ankit Srinivas
કિન્નર અખાડાના વડાં લક્ષ્મી નારાયણ ત્રિપાઠી કહે છે, ''એ અમારાં માટે મહત્ત્વનો વિજય હતો પરંતુ હવે અમે સામાજિક સ્વીકૃતિ માટે લડી રહ્યાં છીએ અને કુંભમાં અમારી ઉપસ્થિતિ આ દિશામાં એક પગલું છે. ''
હિંદુ પુરાણો તથા ગ્રંથોમાં ટ્રાન્સજેંડર લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે-ઘણાં હિંદુ દેવી-દેવતાઓ ટ્રાન્સજેંડર ( કિન્નર) છે. પણ ટ્રાન્સજેંડર સમુદાયો સાથે તેમની લૈંગિક ઓળખને લીધે ભેદભાવનો સામનો કરવો પડે છે.
કુંભ મેળામાં આવું સરઘસ કાઢવા માટે કિન્નર અખાડાએ અન્ય અખાડાઓ સાથે ઘણી મથામણ કરવી પડી છે.
હજી સુધી કિન્નર અખાડાને વિધિવત્ માન્યતા આપવામાં નથી આવી તો પણ તેમણે આ સરઘસનું આયોજન કરવાનો નિર્ણય કર્યો હતો.


ઇમેજ સ્રોત, Ankit Srinivas
કિન્નર અખાડાના સદસ્ય અથર્વ કહે છે, " ટ્રાન્સજેંડર લોકોને તો હિંદુ પૌરાણિક કથાઓમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમને એકદમ અવગણી ન શકાય."
"જો મહિલા તથા પુરુષોના 13 અખાડા હોઈ શકે તો પછી કિન્નર લોકોનો એક પણ અખાડો કેમ નહીં?"


ઇમેજ સ્રોત, Ankit Srinivas
જોકે, આની સામે અમુક અખાડા દાવો કરે છે કે તેમની સ્થાપના સદીઓ પહેલાં કરવામાં આવી હતી એટલે નવા અખાડાઓની સ્થાપના એટલી સહેલાઈથી ન કરી શકાય.
13 અખાડાઓમાં સૌથી મોટા એવા જૂના અખાડાના પ્રવક્તા વિદ્યાનંદ સરસ્વતીએ કહ્યું, કુંભમાં બધાંનું સ્વાગત કરવામાં આવે છે અને અમે ટ્રાન્સજેંડર લોકોનું પણ સ્વાગત કરીએ છીએ. પણ તેમને અખાડો હોવાની માન્યતા આપી ન શકાય.
તેમણે ઉમેર્યું, " જો કોઈ ધર્મ તથા આધ્યાત્મિકતાની વાત કરશે તેમનો અમે વિરોધ નહીં કરીએ પણ તેમણે અમુક બાબતોમાં માથું ન મારવું જોઇએ. "

આપને આ પણ વાંચવું ગમશે

જોકે, વિદ્યાનંદ સરસ્વતીની વાત સાથે બધા સહમત થતાં નથી. અમુક ધાર્મિક નેતાઓ કિન્નર અખાડાને ટેકો આપે છે.
એક મંદિરના મહંત આત્માનંદ મહારાજે કહ્યું, "હિંદુ ધર્મે હંમેશા ટ્રાન્સજેંડર લોકોને માન્યતા આપી છે. એ લોકો માત્ર એ જ માગી રહ્યાં છે જે એમનું છે. તેમને કેમ તેમનો અધિકાર ન આપી શકાય?"


ઇમેજ સ્રોત, Ankit Srinivas
આ પહેલાં કિન્નરોએ 2016માં ઉજ્જૈનમાં આયોજિત કુંભ મેળામાં આવું સરઘસ કાઢ્યું હતું.
પણ અથર્વ કહે છે, " પ્રયાગરાજમાં આવું સરઘસ કાઢવું બહુ ખાસ છે કારણ કે હિંદુઓ માટે તે ખૂબ પવિત્ર શહેર છે તથા અહીં આયોજિત થનાર કુંભ મેળો વધુ પવિત્ર અને વિશાળ હોય છે. "
અથર્વ કહે છે, અહીંના કુંભ મેળામાં કિન્નર અખાડા માટે જગ્યા મેળવવામાં બે વર્ષનો સમય લાગી ગયો હતો.

ઇમેજ સ્રોત, Ankit Srinivas
દરેક અખાડાને કુંભ મેળામાં જગ્યા ફાળવવામાં આવતી હોય છે.
અથર્વ કહે છે, "જે અમારો વિરોધ કરે છે અમે તેમનું સન્માન કરીએ છીએ. અમને આશા છે કે એક દિવસ તેઓ સમજશે કે હિંદ ધર્મ બધાંને સન્માન આપે છે, ટ્રાન્સજેંડર લોકોને પણ."
"અમે અત્યારે અખાડા તરીકે માન્યતા મેળવવા નથી લડી રહ્યાં પણ લોકોમાં અમારી ધાર્મિક, આધ્યાત્મિક તથા સામાજિક ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. લોકો તરફથી થયેલ સ્વાગતથી લાગે છે કે અમે કશુંક સાચું કરી રહ્યાં છીએ. "


ઇમેજ સ્રોત, Ankit Srinivas
કિન્નર અખાડાના ભવાની માનું કહેવું છે કે સ્વાગત કરવા આવેલા લોકોને જોઈને લાગે છે કે પરિવર્તન આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે કુંભ મેળામાં સામેલ થતાં અનેક અખાડાઓ આ પ્રસંગે આધ્યાત્મિક અને ધાર્મિક વિચાર વિમર્શ કરતાં હોય છે અને પોતપોતાની પરંપરા મુજબ શિષ્યોને દીક્ષા તેમજ પદવી આપવામાં આવતી હોય છે.
આટલાં આવકાર અને લોકોના સ્વાગત છતાં 13 મુખ્ય અખાડાઓની જેમ 14માં અખાડા તરીકે માન્યતા મેળવવી એ કિન્નર અખાડા માટે સહેલું નહીં હોય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














