સવર્ણ અનામત : મોદીના આ નવા દાવ સામે હવે વિપક્ષ ખરેખર શું કરી શકશે?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પ્રદીપ સિંઘ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સવર્ણ જાતિઓ માટે શિક્ષણ અને નોકરીઓમાં 10 ટકા અનામત આપવાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો નિર્ણય એક તીરથી ઘણાં નિશાન સાધે છે.

લોકસભા ચૂંટણીના દૃષ્ટિકોણથી સરકારનું આ પગલું ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જોકે, તેની સાથે ઘણા 'જો અને તો' જોડાયેલા છે.

સોમવાર (7 જાન્યુઆરી 2019)ના રોજ કેન્દ્રીય કૅબિનેટની બેઠક સાઉથ બ્લૉકના બદલે સંસદ પરિસરમાં થઈ. બેઠક અડધી કલાકથી વધારે ન ચાલી.

તેમાં સવર્ણ જાતિઓને 10 ટકા અનામત માટે બંધારણ સંશોધન બિલના ખરડાને મંજૂરી આપવામાં આવી.

મોદીએ પોતાની કાર્યશૈલીના આધારે તેને ગોપનીય રાખી.

જોકે, હજુ સુધી તેની ઔપચારિક ઘોષણા કરવામાં આવી નથી.

તેનું કારણે એ છે કે સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને તે દરમિયાન સરકાર સંસદની બહાર કોઈ નીતિ વિષયક ઘોષણા કરી શકતી નથી.

તેના માટે ઔપચારિક જાણકારી દેશને સંસદમાં મંગળવારના રોજ રજૂ થનારા બંધારણ સંશોધન બિલના માધ્યમથી જ મળશે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

વડા પ્રધાને પોતાના પગલાંથી રાજકીય વિરોધીઓને ચિંતામાં મૂકી દીધા છે.

તેમના માટે સરકારના આ પગલાનું સમર્થન કે વિરોધ બન્ને મુશ્કેલ બની જશે.

ઘણાં એવા ક્ષેત્રીય દળ છે જેમાં બહુજન સમાજ પાર્ટી પણ સામેલ છે કે જે છેલ્લાં ઘણાં વર્ષોથી ગરીબ સવર્ણોને અનામત આપવાની માગ કરી રહી છે.

આ બધા માટે ચૂંટણીના સમયે આ બંધારણ સંશોધન બિલનો વિરોધ કરવો શક્ય નહીં બને.

તે માટે કૉંગ્રેસે તેનું સમર્થન કરતા રોજગારીના સવાલ ઉઠાવ્યો છે. ઘણી પાર્ટીઓ હવે નક્કી કરી શકતી નથી કે શું કહેવું.

line

પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન કેમ ન કરી જાહેરાત?

અનામત

ગુજરાત ચૂંટણી બાદ પહેલી વખત વડા પ્રધાને રાષ્ટ્રીય ચર્ચાને નિર્ણાયક રીતે બદલી નાખી છે. છેલ્લા એક વર્ષથી ભાજપ ઘણી રીતે પાછળ જઈ રહ્યો હતો.

તેવામાં જ્યારે સમગ્ર દેશમાં રામ જન્મભૂમિની ચર્ચા ચાલી રહી છે ત્યારે મોદીએ નવો દાવ રમ્યો છે.

હવે સવર્ણ અનામતનો આ મુદ્દો ચૂંટણી સુધી રાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં રહી શકે છે.

મંદિર મુદ્દે બચાવની મુદ્રામાં ઊભેલો ભાજપ હવે આ મુદ્દે આક્રમક જોવા મળશે.

રામ મંદિરના મુદ્દા પર જે લોકો સક્રીય હતા તેમાં સવર્ણોની સંખ્યા વધારે હતી.

સરકારના આ પગલાંથી અનુસૂચિત જાતિ/જનજાતિના મુદ્દા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલવાથી સવર્ણોમાં ઉદ્ભવેલી નારાજગી કેટલીક હદે ઓછી થઈ જશે.

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપે તેની મોટી કિંમત ચૂકવવી પડી હતી.

ભાજપ સરકારથી નારાજગીના આ બે મુદ્દા ખતમ નહીં થાય પણ તેમની ધાર જરુર બુઠ્ઠી થઈ જશે.

સવાલ એ છે કે આ કામ મોદી સરકાર પાંચ રાજ્યોની ચૂંટણી પહેલાં પણ કરી શકતી હતી. પરંતુ કેમ ન કર્યું?

ભાજપ ઇચ્છતો ન હતો કે આટલા મોટા બ્રહ્માસ્ત્રનો ઉપયોગ નાના લક્ષ્ય માટે કરવામાં આવે.

સમગ્ર પાર્ટીની વ્યૂહરચનાના કેન્દ્રમાં આ સમયે માત્ર લોકસભા ચૂંટણી છે.

લાઇન
લાઇન

અલગ અલગ રાજ્યોનાં આંદોલન થમી જશે

ઉપવાસ કરતા હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

સવર્ણ જાતિઓને અનામત આપવાના નિર્ણયથી દેશનાં અલગ અલગ રાજ્યોમાં ચાલતાં ત્રણ અનામત આંદોલન પણ તુરંત થમી જશે.

ગુજરાતમાં પાટીદાર આંદોલન, મહારાષ્ટ્રમાં મરાઠા અને હરિયાણામાં જાટ આંદોલને સરકાર માટે મુશ્કેલી ઊભી કરી દીધી હતી.

આ ત્રણેય રાજ્યોમાં સરકાર પણ ભાજપની જ છે. એ માટે વાત સીધી મોદી સુધી જ પહોંચતી હતી.

આ ત્રણેય જાતિઓ પછાત વર્ગના કોટામાં અનામતની માગ કરી રહી હતી. તેમની માગનું સમર્થન કરવું પછાતોની નારાજગીનું કારણ બની શકતું હતું.

અનામતની સીમા 49.5 ટકાથી વધારીને 59.5 ટકા કરવાથી કોઈ પાસેથી કંઈ છીનવાઈ રહ્યું નથી.

એ માટે દલિતો, આદિવાસીઓ અને પછાતોમાં સવર્ણોને મળતી અનામતથી કોઈ નારાજગી નહીં હોય.

સાથે જ સવર્ણોમાં આર્થિક રૂપે નબળા તબક્કાની ફરિયાદ પણ દૂર થશે.

તેમને લાગતું હતું કે માત્ર જાતિના કારણે તેમની ગરીબીને ગરીબી માનવામાં આવતી નથી.

line

નવા પ્રકારનું સોશિયલ એન્જિનિયરીંગ

અનામતની માગ કરતા લોકો

ઇમેજ સ્રોત, Getty Images

મોદી સરકારના આ પગલાથી સવર્ણોમાં અનામત વ્યવસ્થાને લઈને ચાલી રહેલા અસંતોષ પર થોડું પાણી પડશે.

એ માટે જાતીય અણબનાવની જે કટુતા સમાજમાં જોવા મળી રહી હતી તે થોડી તો ઓછી થશે જ.

ભાજપની અંદર પણ સવર્ણોના એક વર્ગને એ વાતની ફરિયાદ હતી કે વડા પ્રધાન હંમેશાં પછાત અને દલિતોની વાત કરે છે.

સવર્ણોના મત ભાજપને મળે છે પણ પાર્ટી અને સરકાર તેમના વિશે કંઈ વિચારતી નથી. આ એક નવા પ્રકારનું સોશિયલ એન્જિનિયરીંગ છે.

જેમાં એક વર્ગને કંઈક મળવાથી બીજો વર્ગ નારાજ થઈ રહ્યો નથી.

હવે સંસદમાં આ મુદ્દા પર જે પ્રકારની રાજકીય જુગલબંદી બનશે તે કેટલીક હદે લોકસભા ચૂંટણીનાં રાજકીય સમીકરણો પણ નક્કી કરશે.

line

હજુ પણ મુશ્કેલી ઘણી છે

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

સરકારે ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય તો કરી લીધો પણ તેના રસ્તામાં મુશ્કેલી પણ ઘણી છે.

પહેલી સમસ્યા, સંસદના બન્ને ગૃહોમાંથી બે તૃતિયાંશ બહુમત પાસેથી પાસ કરાવવાનો પડકાર છે.

મોટાભાગની પાર્ટીઓ તેનો વિરોધ તો કરી શકશે નહીં પણ તેમનો પ્રયાસ રહેશે કે તેને ટાળી દેવામાં આવે જેનાથી લોકસભા ચૂંટણીમાં ભાજપ તેનો શ્રેય ન લઈ શકે.

તેના માટે સિલેક્ટ સમિતિના રસ્તા પર વિપક્ષ આવશે તો સરકાર શું કરશે.

એવું માની લેવામાં આવે કે સંસદમાં તે પાસ પણ થઈ ગયું તો સુપ્રીમ કોર્ટમાં શું આ બંધારણ ટકી શકશે?

લાઇન
લાઇન

સુપ્રીમ કોર્ટના એ નિર્ણય વિશે સરકાર શું તર્ક આપશે કે જેમાં બરાબરીના અધિકારની રક્ષા માટે તેમણે નક્કી કર્યું હતું કે અનામતની સીમા પચાસ ટકા કરતાં વધારે ન થઈ શકે.

આ બંધારણ સંશોધન બિલનું જે પણ થાય પરંતુ એ વાત તો નક્કી છે કે આ મુદ્દો લોકસભા ચૂંટણીના પ્રમુખ મુદ્દામાંથી એક હશે.

ભાજપને ચૂંટણી માટે એક નવો અને સકારાત્મક મુદ્દો મળી ગયો છે. જો એ પાસ થઈ જાય તો ભાજપને ચૂંટણીમાં ફાયદો મળશે.

જો પાસ ન થાય તો પાર્ટી વિક્ટિમ કાર્ડ રમશે. તેવામાં એ મતદાતા પર નિર્ભર છે કે તેને મોદી સરકારનો ચૂંટણી સ્ટંટ માને છે કે સાચી નિયતથી કરવામાં આવેલો નિર્ણય.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો