અદાણી-અંબાણી સહિત દેશની 70 મોટી કંપનીઓ દેવાળું ફૂંકશે?

ભારતીય અર્થવ્યવસ્થા

શું દેશમાં વીજપુરવઠા અંગે સમસ્યા સર્જાવાની છે? શું અદાણી, આર કૉમ, પુંજ લૉઇડ જેવી દેશની મોટી કંપનીઓનું દેવાળું ફૂંકાઈ જવાનો ડર છે

કંપનીઓને અપાયેલી 180 દિવસની મુદ્દત આજે એટલે કે 27 ઑગસ્ટે પૂર્ણ થઈ રહી છે, એટલે આ પ્રશ્ન ઊઠી રહ્યો છે.

રિઝર્વ બૅન્કે ફેબ્રુઆરી 2018માં એક સર્ક્યુલર બહાર પાડીને સ્પષ્ટતા કરી હતી કે જો કોઈ કૉર્પોરેટ હાઉસ લૉન ચૂકવવામાં એક દિવસ પણ મોડું કરશે તો તેમને ડિફૉલ્ટર માનીને ધિરાણ પર લીધેલી રકમને એનપીએ (નૉન પર્ફૉર્મિંગ ઍસેટ) જાહેર કરી દેવાશે.

તકનીકી રીતે તેને 'વન ડે ડિફૉલ્ટ નૉર્મ' કહેવાયું અને પહેલી માર્ચથી અમલ પણ કરી દેવાયો.

સર્ક્યુલર પ્રમાણે, બૅન્કોએ આ પ્રકારના તમામ મામલાઓની પતાવટ કરવા માટે પહેલી માર્ચ 2018થી 180 દિવસનો સમય આપ્યો હતો, જે આજે પૂર્ણ થશે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ દરમિયાન કંપનીઓ અને બૅન્કો વચ્ચે જે બાબતોનું સમાધાન નથી થયું એ તમામ કંપનીઓને નાદારી જાહેર કરવાની પ્રક્રિયામાં સામેલ થવા મજબૂર કરાય એવી શક્યતા છે.

આ ઘટનાક્રમની ભારતીય અર્થવ્યવસ્થા પર શું અસર થશે? આ અંગે બીબીસી સંવાદદાતા અભિજીત શ્રીવાસ્તવે આર્થિક મામલાઓના જાણકાર પરંજૉય ગુહા ઠાકુરતા સાથે વાત કરી.

line

કંપનીઓનું દેવાળું ફૂંકાશે?

પાવર સેક્ટર

ઇમેજ સ્રોત, Reuters

પરંજૉયનું કહેવું છે કે જે મામલાઓની પતાવટ નિયત સમયમાં ન થાય તેને બૅન્ક નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ (એનસીએલટી)માં મોકલશે. એનસીએલટીને આ અંગે સમાધાન કરવા કહેવાશે.

તેઓ કહે છે, "એનસીએલટી એક ઇનસૉલ્વન્સી રિઝોલ્યૂશન પ્રૉફેશનલ એટલે કે આઈઆરપીની નિમણૂક કરશે.

"જે નક્કી કરશે કે કોનું કેટલું નુકસાન થશે, પણ બૅન્કો નથી ઇચ્છતી કે આ મામલો એનસીએલટી પાસે જાય કારણ કે એમાં બૅન્કને પણ નુકસાન થશે."

"એવા પણ અનેક ઉદાહરણો છે કે જેમાં પહેલું નુકસાન બૅન્કોનું થયું હોય."

એવી 70 કંપનીઓ છે કે, જેની નાદારી જાહેર કરવાની કાર્યવાહી થઈ શકે છે. આ કંપનીઓનું દેવું 3.5 લાખ કરોડથી માંડીને ચાર લાખ કરોડ જેટલું છે.

જોકે આ સર્ક્યુલરમાં 200 કરોડથી વધારે દેવું ધરાવતી કંપનીઓ પાસેથી આ રકમનો 20 ટકા હિસ્સો લઈને બૅન્કોને રિસ્ટ્રક્ચરિંગની છૂટ અપાઈ હતી, પણ હજુ આ અંગે સંમતિ સાધી શકાય નથી.

આઈસીઆઈસીઆઈ બૅન્કના ચૅરમૅન જી. સી. ચતુર્વેદીએ પણ રિઝર્વ બૅન્કને 'વન ડે ડિફૉલ્ટ નૉર્મ'ની સમીક્ષા કરવાનો આગ્રહ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લાં 16 વર્ષમાં પહેલી વખત એવું થયું છે કે આઈસીઆઈસીઆઈ બૅન્કને એનપીએ વધવાના કારણે ચાલુ આર્થિક વર્ષના પહેલા ત્રણ મહિનામાં ઘટ થઈ છે.

પરંજૉય કહે છે, "જો બૅન્ક કાર્યવાહી કરશે તો પાવર સેક્ટરની કંપનીઓ સૌથી વધારે પ્રભાવિત થશે, કારણ કે 70 પૈકી ત્રીજા ભાગની કંપનીઓ પાવર સેક્ટરની છે."

"બૅન્ક ઑફ અમેરિકા મેરિલ લિંચના રિપોર્ટ પ્રમાણે, પાવર સેક્ટરની કંપનીઓ પર 2.6 લાખ કરોડનું દેવું એનપીએ થવાનો ડર છે."

line

દેશમાં વીજ પુરવઠાની સ્થિતિ પર અસર થશે?

ભારતીય રૂપિયો

પાવર કંપનીઓ રિઝર્વ બૅન્કના આ સર્ક્યુલરને લઈને અલ્લાહાબાદ હાઈ કોર્ટમાં ગઈ છે, જ્યાં આ અંગે સુનાવણી ચાલી રહી છે.

પરંજૉય કહે છે, "હવે આ કંપનીઓએ કેન્દ્ર સરકારને લૉક આઉટની ધમકી આપી દીધી છે. કંપનીઓની સ્થિતિ અનેક કારણોથી ખરાબ થઈ જાય છે, જેના કારણે બૅન્કો પાસેથી લીધેલું ધિરાણ ચૂકવી શકતી નથી."

ઑલ ઇન્ડિયા બૅન્ક ઓફિસર્સ કન્ફેડરેશન આ સર્ક્યુલર વિશે કહે છે કે આ જોગવાઈના કારણે એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે અને તેના કારણે બૅન્કોનું અસ્તિત્વ જોખમાશે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બૅન્ક કુલ 3500 અબજ રૂપિયાના 70 એનપીએ ખાતાઓની નાદારી જાહેર કરવાની કાર્યવાહી કરી શકે છે.

પાવર સેક્ટર ઉપરાંત જે મોટી કંપનીઓ આ યાદીમં છે એમાં અદાણી ગ્રૂપની મોટી કંપનીઓ, અનિલ અંબાણીની રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ, રિલાયન્સ ડિફેન્સ ઍન્ડ એંજિનિયરિંગ, પુંજ લૉઇડ, બજાજ હિંદુસ્તાન, ઊષા માર્ટિન, ગીતાંજલી જેમ્સ(જેના પ્રમોટર મેહુલ ચોકસી છે) જેવી કંપનીઓ સામેલ છે.

જો એકસાથે દેશની ઘણી મોટી કંપનીઓનું દેવાળું ફૂંકાઈ જવાનો ડર હોય તો ચોક્કસ દેશની અર્થવ્યવસ્થા પર તેની પ્રતિકૂળ અસર થશે અને શૅરબજાર તૂટવાની પણ શક્યતા છે.

પરંજૉય કહે છે, "જોકે, તાજેતરમાં બૅન્કોના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની બેઠક થવાની છે, જેમાં આ અંગે વિસ્તૃત ચર્ચા થશે. આ મામલો એનસીએલટી પાસે જાય એવું બૅન્ક નહીં ઇચ્છે. જોકે રિઝર્વ બૅન્ક શું કરે છે એ જોવાનું રહે છે."

line

એનપીએ શું છે?

એનપીએ જાણતા પહેલાં બૅન્ક કેવી રીતે કામ કરે છે એ જાણી લેવાની જરૂર છે. તેને એક ઉદાહરણ આધારે સમજી શકાય. બૅન્કમાં જો 100 રૂપિયા જમા છે, એમાંથી 4 રૂપિયા (સીઆરઆર) રિઝર્વ બૅન્ક પાસે રાખવામાં આવે છે.

સાડા ઓગણીસ રૂપિયા (હાલમાં એસએલઆર 19.5 ટકા છે) બૉન્ડ્સ અથલા ગોલ્ડ સ્વરૂપે રાખવામાં આવે છે.

બાકી વધેલા સાડા 76 રૂપિયાને બૅન્ક લૉન સ્વરૂપે આપી શકે છે. એમાંથી મળતાં વ્યાજમાંથી બૅન્ક પોતાના ગ્રાહકોને તેમની જમા રકમ પર વ્યાજ ચૂકવે છે. એમાંથી વધતી રકમ બૅન્કનો નફો હોય છે.

રિઝર્વ બૅન્ક દ્વારા કરવામાં આવેલી જોગવાઈઓ પ્રમાણે, જો બૅન્કને કોઈ એસેટ્સ એટલે કે લૉનમાંથી વ્યાજ મળવાનું બંધ થઈ જાય તો તેને એનપીએ માનવામાં આવે છે.

બૅન્કે જે નાણાં લૉન સ્વરૂપે આપ્યા છે, તે પૈકી મૂડી કે વ્યાજનો હપતો જો 90 દિવસ સુધી ભરવામાં ન આવે તો બૅન્ક એ લૉનને એનપીએ ગણે છે.

સરળ શબ્દોમાં કહીએ તો એનપીએ એટલે એ લૉન કે જે દેવાદાર પાસેથી પરત મળી નહીં શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો